mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

અમેરિકામાં ઓલસનને ઓછી સજા સામે આક્રોશ કેમ ?

Updated: Sep 17th, 2023

અમેરિકામાં ઓલસનને ઓછી સજા સામે આક્રોશ કેમ ? 1 - image


- ઓલસન પાકિસ્તાનમાં અમેરિકાના રાજદૂત હતા, ૨૦૧૨થી ૨૦૧૬ દરમિયાન તેમણે ભરચક ભ્રષ્ટાચાર કર્યો હતો, બે કેસમાં તેમને ત્રણ વર્ષની જેલની સજા થઈ હતી

- પાકિસ્તાનમાં અમેરિકાના રાજદૂત રહેલા ઓલસનને ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂકના બે કેસમાં ત્રણ વર્ષની પ્રોબેશનની સજા અને લગભગ ૧ લાખ ડોલરનો દંડ થયો છે. ઓલસને જેલમાં નહીં જવું પડે તેની સામે અમેરિકનો બગડયા છે. ઓલસનને મુના સહિત સંખ્યાબંધ સ્ત્રીઓ સાથે અફેર હતા. ધનિકો પાસેથી મોંઘીદાટ જ્વેલરી અને ગિફ્ટ લીધી છે. પાકિસ્તાનને ઓલસનનાં કરતૂતોની ખબર હોવાથી તેમને બ્લેકમેઈલ કરીને ફાયદો લીધો હોવા છતાં ઓલસનને જેલમાં નથી મોકલાયા. તેનું કારણ બીજાં પણ મોટાં માથાં અય્યાશીઓમાં સામેલ હોવાનું મનાય છે.

અમેરિકામાં હમણાં રિચાર્ડ ઓલસનને ભ્રષ્ટાચાર અને અનૈતિકતા બદલ થયેલી સજા ચર્ચાનો વિષય છે અને લોકોમાં આક્રોશ પણ ફાટી નિકળ્યો છે. ઓલસન પાકિસ્તાનમાં અમેરિકાના રાજદૂત હતા. ૨૦૧૨થી ૨૦૧૬ દરમિયાન પાકિસ્તાનમાં અમેરિકાના રાજદૂત રહેલા ઓલસનને ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂકના બે કેસમાં ત્રણ વર્ષની જેલની સજા થઈ છે અને લગભગ ૧ લાખ ડોલરનો દંડ થયો છે. અલબત્ત આ પ્રોબેશન સેન્ટન્સ હોવાથી ઓલસને જેલમાં નહીં જવું પડે પણ કાયદાનું ચુસ્ત રીતે પાલન કરવું પડશે અને પ્રોબેશન ઓફિસર તેના પર નજર રાખશે. 

ઓલસન સામે કેસ ચાલ્યો એ દરમિયાન ઓલસને પાકિસ્તાનમાં કરેલી અય્યાશીઓ, કામલીલા અને બેફામ ભ્રષ્ટાચારની ઘણી વાતો બહાર આવી હતી. આ બધાં કરતૂતો છતાં ઓલસનને જેલભેગો કરીને તેનાં કરમોની સજા અપાવવાના બદલે પ્રોબેશન સેન્ટન્સ આપીને કુલડીમાં ગોળ ભંગાયો હોવાનો અમેરિકનોનો આક્રોશ છે. અમેરિકામાં એક વર્ગ માને છે કે, ઓલસને એકલાએ પાકિસ્તાનમાં અય્યાશીઓ કે કામલીલાઓ કરી નથી પણ અમેરિકાના બીજા સત્તાધીશોને પણ તેનો લાભ અપાવેલો તેથી ઓલસનને મોટી સજાથી બચાવી લેવાયો છે. 

બીજું એ કે, અમેરિકન સત્તાધીશોએ ઓલસન સામેનો કેસ ગૂપચૂપ ચલાવ્યો હતો. ઓલસને દુબઈના અમીર પાસેથી ૬૦ હજાર ડોલરના ડાયમંડ પોતાનાં સાસુને ભેટમાં અપાવ્યા એ ફરિયાદ બહુ પહેલાં થઈ હતી. ઓલસને એ વખતે એવો બચાવ કરેલો કે, પોતાનાં સાસુ દુબઈમાં બાળકોની સંભાળ લેવા આવેલાં ત્યારે અમીરે તેમને હીરાની ભેટ આપી હતી. આ ભેટ પોતે સાસુ પાસેથી પાછી માંગીને અમેરિકા સરકારની તિજોરીમાં જમા કરાવી શકે તેમ નથી.

ઓલસન સામેના આ કેસમાં આગળ તપાસ નહોતી કરાઈ પણ બીજા બે કેસમાં વીંટો વાળી શકાય તેમ નહોતો તેથી તપાસ કરાઈ પણ કેસ ચલાવાઈ રહ્યો હોવાનું જાહેર કરાયું નહોતું. એક ટોચના અખબારે અઠવાડિયા પહેલાં ઓલસન સામે કેસ ચાલી રહ્યો હોવાનું બહાર પાડયું પછી લોકોને ખબર પડી. લોકો સવાલ કરી રહ્યા છે કે, ઓલસન સામેના કેસમાં એવું તે શું છે કે લોકોને પણ અંધારામાં રખાયા ? 

ઓલસનનો કેસ કોઈ રોમાંચક નોવેલ જેવો છે. 

ઓલસનની પત્ની ડેબરાહ કે. જોન્સ પણ ડિપ્લોમેટ છે. લિબિયા અને કુવૈતમાં અમેરિકાની રાજદૂત રહી ચૂકેલી ડેબરાહ અને ઓલસને આરબ દેશોના શાસકો અને ધનિકો પાસેથી કરોડો રૂપિયાની મોંઘીદાટ જ્વેલરી અને ડાયમંડ્સ ભેટમાં લીધાં હતાં. ઓલસનને પોતાનાથી ૨૫ વર્ષ નાની મુના હબીબ નામની બ્રિટિશ નાગરિક પણ મૂળ પાકિસ્તાની યુવતી સાથે સેક્સ સંબંધો બંધાયા હતા.

મુના હબીબ સાથેનું ઓલસનનું અફેર બહાર આવી ગયું કેમ કે ઓલસને પાકિસ્તાનમાંથી ગયા પછી મુનાને અમેરિકાની જર્નાલિઝમ કોલેજમાં એડમિશન અપાવીને તેની સાથેના સંબંધો ચાલુ રાખ્યા હતા. ઓલસને ૨૦૧૯માં ડેબરાહને ડિવોર્સ આપીને મુના હબીબ સાથે લગ્ન કરી લીધાં હોવાનું પણ કહેવાય છે. આ બધાં કારણોસર મુના સાથેના સંબધોનું પાપ તો છાપરે ચડીને પોકાર્યું પણ ઓલસનને બીજી એનેક સ્ત્રીઓ સાથે શરીર સંબધો હોવાનું કહેવાય છે. 

પાકિસ્તાનને ઓલસનની આ કામલીલાની ખબર હતી. પાકિસ્તાને તેનો ફાયદો ઉઠાવીને ઓલસનને બ્લેકમેઈલ કરીને પોતાને ફાયદો થાય એવા નિર્ણયો લેવાની ઓલસનને ફરજ પાડી હોવાનું કહેવાય છે. પાકિસ્તાને ઓલસન પાસેથી અમેરિકાને લગતી ઘણી સંવેદનશીલ વિગતો કઢાવીને ચીનને આપી હોવાનું પણ કહેવાય છે.  

અમેરિકનો માને છે કે, ઓલસને અમેરિકા સાથે ગદ્દારી કરી છે તેથી તેને માત્ર ત્રણ વર્ષની પ્રોબેશનની સજા અપૂરતી છે. ઓલસને પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરીને કરેલી અય્યાશીઓની વિગતો તો બહાર પાડવી જ જોઈએ પણ સાથે સાથે અમેરિકાને કરેલા નુકસાનની પણ તપાસ કરવી જોઈએ. ઓલસને આ પહેલાં અફઘાનિસ્તાન અને યુએઈ જેવા દેશોમાં અમેરિકાના રાજદૂત તરીકે કામ કર્યું છે. આ કામગીરી દરમિયાન કરેલી લીલાઓની પણ તપાસ થવી જોઈએ. ઓલસનને અત્યારે જે કેસમાં સજા થઈ છે એ ઈમાજ ઝુબેરી પાસેથી ફેવર લેવાનો કેસ છે. ઝુબેરી મૂળ પાકિસ્તાની છે પણ અમેરિકામાં રહે છે. ઝુબેરીને સારી ભાષામાં ડીલમેકર અને લોકોને સમજાય એવી ભાષામાં દલાલ કહેવાય. મોટા મોટા લોકોને સાધીને કઈ રીતે કામ કઢાવવાં તેમાં આ ડીલમેકર્સ પાવરધા હોય છે. 

મોટી કંપનીઓને કોન્ટ્રાક્ટ અપાવવા, ડ્રગ્સ કે આર્મ્સ ડીલ કરાવી આપવાં, કાયદાની આંટીઘૂંટીમાં ફસાયેલા ધનિકો કે અપરાધીઓને બહાર કાઢવા એ સહિતનાં બધાં ગેરકાયદેસર કામો ઝુબેરી જેવા દલાલો કરાવી આપતા હોય છે. એ માટે બ્લેકમેઈલ કરવાથી માંડીને શરાબ-સેક્સની જરૂરીયાતો પૂરી કરવી, મોંઘીદાટ ગિફ્ટ આપવી, લાંચ આપવી એ બધા રસ્તા અપનાવાતા હોય છે. 

ઝુબેરીએ પણ ઓલસનને ખુશ રાખવા આ બધું કર્યું જ હશે. ઓલસનને ઝુબેરીના ખર્ચે ન્યુ મેક્સિકોથી લંડનની ફસ્ટ ક્લાસની ટ્રીપ કરી હતી. લંડનની ફાઈવસ્ટાર હોટલમાં ઓલસન રોકાયા હતા. ઓલસને કરેલી કબૂલાત પ્રમાણે ઓલસન બહેરીનના કોઈ બિઝનેસમેનને મળવા લંડન ગયેલા. આ બિઝનેસમેને વરસે ૩ લાખ ડોલરના પગારની ઓફર કરી હોવાનો જ્યારે ઝુબેરીએ પોતાની પાછળ ૨૦ હજાર ડોલરનો ખર્ચ કર્યાની ઓલસને કબૂલાત કરી છે. 

ઓલસન અમેરિકાની સરકારમાં નોકરી પર હતા પણ તેમણે સરકારને કોઈ જાણ કર્યા વિના આ ફેવર લીધી હતી. એ પછી ઓલસને કતાર સરકારને પણ મદદ અને સલાહ આપ્યાનું કબૂલ્યું છે. એ વખતે ઓલસન અમેરિકાની સરકારમાં નહોતા પણ નિવૃત્તિના વરસ સુધી કશું ના કરી શકાય એ કાયદાનો તેમણે ભંગ કર્યો હતો. ઓલસનને આ બે કેસમાં સજા થઈ છે પણ જેમાં સજા થવી જોઈએ તેમાં કશું થયું નથી. 

ઓલસન દોષિત ઠરતાં અમેરિકાના નામે વિદેશમાં કેવા કેવા ધંધા થતા હશે તેની પણ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. કહેવા ખાતર અમેરિકાનાં હિતો સાચવવાનો દાવો કરનારા રાજદ્વારીઓ વાસ્તવમાં અય્યાશીઓ અને લૂંટ જ કરે છે એવું અમેરિકનો માને છે. 

- ઓલસનનું ૩૦ વર્ષ નાની પાકિસ્તાની પત્રકાર સાથે અફેર

ઓલસનની કહેવાતી પ્રેમિકા મુના હબીબ બ્રિટિશ નાગરિક છે. પાકિસ્તાન અને બ્રિટનમાં ટીવી રીપોર્ટર તરીકે કામ કરી ચૂકેલી મુના ઓલસનથી ૩૦ વર્ષ નાની છે. ઓલસન પાકિસ્તાનમાં અમેરિકાના રાજદૂત હતા ત્યારે મુના-ઓલસન વચ્ચે સંબધો બંધાયા હતા. ઓલસનની પત્ની ડેબરાહ દુબઈમાં રહેતી હોવાથી ૨૦૧૨થી ૨૦૧૪ના બે વર્ષ સુધી ઓલસન રોજ મુનાને મળતા. આ દરમિયાન ઓલસનના પાકિસ્તાનમાં બીજી સ્ત્રીઓ સાથે પણ સંબંધો હતા. 

મુનાને ૨૦૧૪ના અંતમાં ઓલસનના બીજી સ્ત્રીઓ સાથેના સંબંધોની ખબર પડતાં ઓલસન સાથેના સંબધો તોડી નાંખ્યા હતા પણ એક વર્ષ પછી પાછા સંબંધો બંધાયા. 

ઓલસન ૨૦૧૬માં નિવૃત્ત થયા ત્યાં સુધીમાં સંબંધો ફરી ગાઢ થઈ ગયા હતા. ઓલસને આ સંબંધો ચાલુ રાખવા મુનાને ૨૦૧૫માં કોલંબિયા યુનિવર્સિટી ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં એડમિશન અપાવ્યું. આ કોર્સની ફી ૧ લાખ ડોલર હતી. ઓલસને આ ફી ઝુબેરી પાસેથી અપાવી હતી. 

ઓલસને ઝુબેરી સાથે મુનાનો પરિચય કરાવ્યો પછી ઓલસન વતી મુના જ તેની સાથે વહીવટો કરતી હોવાનું કહેવાય છે. 

અમેરિકન કાયદા પ્રમાણે ઓલસને મુના સાથેના સંબંધોની એફબીઆઈને જાણ કરવાની હોય પણ તેમણે આ સંબધો છૂપાવ્યા હતા. મુના હબીબ અને ઓલસન અત્યારે સાથે જ રહે છે. મુના હબીબ ન્યુ યોર્ક સિટિ લેન્સ વેબસાઈટ માટે બ્રુકલીનની રીપોર્ટર છે.

- ઓલસનની ત્રીસ વર્ષની પ્રતિષ્ઠા પાકિસ્તાનમાં ધોવાઈ ગઈ

રિચાર્ડ ઓલસન પાકિસ્તાનમાં અમેરિકાના રાજદૂત બન્યા ત્યારે પાકિસ્તાનમાં અમેરિકાવિરોધી ઉગ્ર માહોલ હતો. અમેરિકાએ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં ઘૂસીને મારતાં કટ્ટરવાદીઓ અમેરિકા પર ભડકેલા હતા. પાકિસ્તાનની સરકાર પર પણ અમેરિકા સાથેના સંબંધો કાપી નાંખવા ભારે દબાણ હતું. ઓલસને તંગ પરિસ્થિતીમાં સારી કામગીરી કરીને પાકિસ્તાન સાથેના સંબંધોને સ્થિર કર્યા હતા. આ કારણે ૨૦૧૬માં ઓલસન નિવૃત્ત થયા ત્યારે વિદેશ મંત્રી જોન કેરીએ ઓલસનને અમેરિકાના સૌથી હોશિયાર ડિપ્લોમેટ ગણાવીને કહ્યું હતું કે, ઓલસને અમેરિકન ડિપ્લોમસી પર કદી ના ભૂંસાય એવી અસર છોડી છે. 

ઓલસને બીજા દેશોમાં પણ સારી કામગીરી કરીને પ્રતિષ્ઠા મેળવી હતી. ત્રણ દાયકામાં મેળવેલી આ પ્રતિષ્ઠા મુના હબીબ સહિતની સ્ત્રીઓ સાથેનાં લફરાં અને ભ્રષ્ટાચારના કારણે ધોવાઈ ગઈ છે.


Gujarat