- જાપાનના નવા મહિલા પીએમ તાકાઈચીએ પરોઢિયે ૩ વાગ્યે સંસદની મિટિંગ બોલાવી અને જાપાનમાં ફરી કરોશી કલ્ચરની ચર્ચાએ જોર પકડયું
- જાપાની વડા પ્રધાન સાને તાકાઈચી દરરોજ ૧૮ કલાક કામ કરે છે. તેઓ વર્ક અને લાઈફ બેલેન્સ જેવી બાબતોમાં જરાય રસ ધરાવતા નથી અને તેમાં માનતા પણ નથી. તાજેતરમાં તેમણે રાત્રે ૩ વાગ્યે મિટિંગ બોલાવી અને તેની સાથે જ જાપાનમાં તેમની કામગીરીની ચર્ચા શરૂ થઈ છે ઃ ૨૦૦૦ના દાયકાથી તેમને જ્યારે અલગ અલગ મંત્રાલય સોંપવામાં આવ્યા તો તેઓ ખૂબ જ કડકાઈથી અને અનુશાસન સાથે કામ કરતા હતા. તેઓ સવારે પાંચ વાગ્યે આવી જતા અને રાત્રે ૧૦ વાગ્યા સુધી પોતાની ઓફિસમાં જ રહેતા હતા ઃ જાપાનના કરોશી કલ્ચર વિશે સંશોધકો કહે છે કે, તે જોખમી છે. વર્ક લાઈફ બેલેન્સને પ્રાથમિકતા આપવી, જાહેર સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને ઉત્પાદકતા માટે ખૂબ જ જરૂરી છે
જાપાની વડા પ્રધાન સાને તાકાઈચી દરરોજ ૧૮ કલાક કામ કરે છે અને તેના કારણે સમગ્ર જાપાનમાં તેમના નામની ચર્ચા છે. તેઓ વર્ક અને લાઈફ બેલેન્સ જેવી બાબતોમાં જરાય રસ ધરાવતા નથી અને તેમાં માનતા પણ નથી. તાજેતરમાં તેમણે રાત્રે ૩ વાગ્યે મિટિંગ બોલાવી અને તેની સાથે જ જાપાનમાં તેમની કામગીરીની ચર્ચા શરૂ થઈ છે. તેમની વાત બંને રીતે થઈ રહી છે. એક તરફ તાકાઈચીના સમર્થકો તેમની કામ કરવાની પદ્ધતિના વખાણ કરી રહ્યા છે અને બીજી તરફ વિરોધીઓ દ્વારા તેમની ટીકા કરવામાં આવી રહી છે. હકિકત એવી છે કે, જાપાનમાં કરોશી કલ્ચર ઘણા વર્ષોથી વિવાદમાં રહેલું છે.
અહીંયા કરોશી એટલે વધારે કામ કરવાથી લોકોના મૃત્યુ થાય છે અને તેના માટે સમાજમાં તેનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. મહિલા વડા પ્રધાનને એક તરફ વર્ક હોર્સ કહેવાય છે પણ બીજી તરફ તેમના આ વલણને પગલે તેમનું સામાજિક જીવન નષ્ટ થઈ ગયું છે. તેમનું લગ્ન જીવન પણ ખંડિત થઈ ગયું છે.
વાત એવી છે કે, મહિલા વડા પ્રધાને તેમની કામની પદ્ધતિના કારણે ચર્ચા જગાવી છે. તેમણે સંસદની બજેટ સમિતિની બેઠક બોલાવની હતી.
સંસદના સત્ર પહેલાં તેમણે પરોઢિય ત્રણ વાગ્યે બ્રિફિંગ સેશન રાખ્યું હતું. તેમણે અડધો કલાક નહીં પણ ત્રણ કલાક સુધી મિટિંગ ચલાવી. તેમણે આ મિટિંગમાં તેમના પોતાના સહાયકો, અધિકારીઓ અને તમામ ઓફિસ સ્ટાફને બોલાયા હતા. તેઓ મોટાભાગે આ કરતા રહે છે. જાણકારો માને છે કે, તેઓ આગળ પણ આ બધું કરી શકે છે. સામાન્ય રીતે તેઓ સવાર પાંચ વાગ્યે પોતાની ઓફિસે પહોંચી જાય છે અને કામ શરૂ કરી દે છે. વ્યક્તિગત રીતે કોઈ કામ કરવું અથવા ખાનગી કામ કરવું તે સહજ છે પણ રાજકીય વ્યક્તિ આટલું વહેલું કામ શરૂ કરી દે તે થોડું અજૂગતું છે. તેમાંય જાપાનના રાજકારણમાં વડા પ્રધાન દ્વારા આટલું વહેલું કામ શરૂ કરવું ખૂબ જ અસાધારણ છે. જો કે તાકાઈચીને તેનાથી કોઈ ફરક પડતો નથી. તેઓ પોતાના કરોશી કલ્ચરના કારણે ચર્ચામાં હતા અને રહેવાના છે.
વિવાદનું મૂળ મુદ્દો પરોઢિયે ૩ વાગ્યે બોલાવવામાં આવેલી બેઠક હતી. આ બેઠક વિશે તાકાઈચી જણાવે છે કે, આ બેઠક ખૂબ જ જરૂરી હતી. બજેટ માટે સંસદમાં કોઈપણ સવાલ કરવામાં આવે તો તેઓ અને તેમની ટીમ દરેકના જવાબ આપી શકવા જોઈએ. તેની તૈયારી માટે જ તેમણે બેઠક બોલાવી હતી અને વિગતો મેળવી હતી. તેઓ જાતે જ કહે છે કે, કામ કરવાનું હોય ત્યારે કામ જ કરવાનું હોય. વર્ક અને લાઈફ બેલેન્સ જેવું કશું જ હોતું નથી. આપણે શક્ય એટલું વધારે કામ કરવું જોઈએ. જાણકારો માને છે કે, તેઓ જાતે જ આટલું બધું કામ કરી રહ્યા છે અને હવે તેઓ જાપાનની યુવા પેઢીને પણ વધારે કામના ખતરા તરફ આગળ દોરી રહ્યા છે.
સાને તાકાઈચીને વર્ક હોર્સ અને આર્યન લેડી જેવા ટેગ પણ આપવામાં આવેલા છે. તેઓ ત્રણ દાયકાથી રાજકારણમાં સક્રીય છે અને તેમની છબી જ કડક અને અનુશાસિત નેતા તથા વધુમાં વધુ કામ કરનારા રાજનેતા તરીકેની છે. તાકાઈચીનો જન્મ ૧૯૬૧માં નારા પ્રિફેક્ચરમાં થયો હતો. બાળપણથી જ તેઓ ખૂબ જ અનુશાસિત અને મહત્ત્વાકાંક્ષી હતા. તેમંના પિતા એક બિઝનેસમેન હતા. તેમના ઘરમાં સખત મહેનત કરવાના નૈતિક મૂલ્યનું ખૂબ જ મહત્ત્વ હતું. યુવાવસ્થામાં તેઓ અમેરિકા ગયા હતા. ત્યાં તેમણે અમેરિકી કન્ઝર્વેટિવ રાજકારણનો ખૂબ જ નજીકથી અનુભવ કર્યો હતો. તેની અસર પણ તેમના માનસ ઉપર પડી હતી.
અમેરિકાથી આવીને જાપાનમાં તેઓ સક્રિય થયા અને ત્યાં તેમને કડક અનુશાસન અને આત્મત્યાગની જરૂરિયાત જણાવા લાગી હતી. તેમની વર્ક હોર્સ પ્રવૃત્તિ માત્ર પ્રોફેશનલ અપ્રોચ નહીં પણ આદર્શવાદ બની ગયો હતો. તેઓ મહેનતને જ રાષ્ટ્ર નિર્માણની નૈતિક જરૂરિયાત માનવા લાગ્યા હતા.
તાકાઈચીએ ૧૯૮૦-૯૦ના દાયકામાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી સાથે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે જ્યારે પહેલી વખત સંસદમાં પગ મુક્યો ત્યારે જાપાનનું રાજકારણ સંપૂર્ણ રીતે પુરુષ પ્રધાન હતું. તાકાઈચીએ શરૂઆતથી જ પોતાની જાતને લોખંડની જેમ મજબુત બનાવી રાખ્યા હતા. તેના કારણે જ તેમની ચર્ચા હતી. તેમની દિનચર્યા પણ ખૂબ જ આકરી હતી. તેઓ કોઈ લાગણીશિલતા બતાવતા નહોતા. તેમણે અંગત જીવનને ક્યારેય તેમના જાહેર કામની વચ્ચે આવવા દીધું નથી. તેઓ માર્ગરેટ થેચરના ખૂબ જ મોટા પ્રશંસક હતા. તેઓ કાયમ કહેતા હતા કે, રાજકારણ કોઈ પાર્ટ ટાઈમ કામ નથી. તેના લીધે જ તેઓ આયર્ન લેડી તરીકે જાણીતા થયા હતા.
તેઓ ૧૬-૧૮ કલાક સુધી કામ કરતા હતા. તેઓ આજે પણ એટલું જ કામ કરે છે. તેઓ ક્યારેય રજા રાખતા નથી. ૨૦૦૦ના દાયકાથી તેમને જ્યારે અલગ અલગ મંત્રાલય સોંપવામાં આવ્યા તો તેઓ ખૂબ જ કડકાઈથી અને અનુશાસન સાથે કામ કરતા હતા. તેઓ સવારે પાંચ વાગ્યે આવી જતા અને રાત્રે ૧૦ વાગ્યા સુધી પોતાની ઓફિસમાં જ રહેતા હતા.
એક વખત સંસદમાં કામ કરવા દરમિયાન તેમણે પોતાના સચિવને કહી દીધું હતું કે, તમે થાકી ગયા હોવ તો ઘરે જતા રહ્યો પણ હું રોકાઈને તમામ ડેટા ચેક કરીશ. મારે બધું જ યોગ્ય રીતે ગોઠવેલું જોઈશે. તેઓ જાતે જ દરેક રિપોર્ટમાં નોટ્સ લખતા હતા અને હાથથી જાતે જ નોંધ કરતા હતા. તેઓ આંકડા પણ વારંવાર તપાસતા હતા કારણ કે તેમને ભુલ જાય તે પસંદ નથી.
લોકોમાં ચર્ચા છે કે, તેમની આ માનસિકતાના કારણે તેમનું લગ્ન જીવન પણ તુટી ગયું છે. તેમણે તો જાહેરમાં કહ્યું હતું કે, પરિવાર કરતા મારા સમર્પણની જરૂર જાપાનને વધારે છે. ૨૦૦૬માં તેમણે આપેલું નિવેદન તે સમયે રાજકીય અને સામાજિક બંને સ્તરે ચર્ચામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મેં મારો પરિવાર નક્કી નથી કર્યો, કારણ કે મારો પરિવાર હવે મારો દેશ છે.
તેમના ચાહકોએ તેમને ખોબલે ખોબલે વખાણ્યા પણ બીજી તરફ લોકોએ તેની ટીકા કરી કારણ કે તેનાથી જાપાનના રાજકારણમાં અને વર્ક કલ્ચરમાં પણ ભયાનક સ્થિતિ આવી શકે અને નવા વર્ક કલ્ચરનું સર્જન થાય તેમ હતું.
જાપાનના કરોશી કલ્ચર વિશે સંશોધકો કહે છે કે, તે જોખમી છે. વર્ક લાઈફ બેલેન્સને પ્રાથમિકતા આપવી, જાહેર સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને ઉત્પાદકતા માટે ખૂબ જ જરૂરી છે. સંશોધકો સ્પષ્ટપણે માને છે કે, લાંબા સમય સુધી કામગીરી કરતા રહેવાથી તણાવ વધે છે. તે ઉપરાંત વર્ક-લાઈફ બેલેન્સ ન હોવાથી કે ખરાબ હોવાથી માનસિક બિમારીઓ જેવી કે સ્ટ્રોક, હાર્ટ એકેટ અને અન્ય લાઈફસ્ટાઈલ બિમારીઓ આવે છે. તે ઉપરાંત ઘણા કિસ્સામાં તો આત્મહત્યા સુધીની વાત પહોંચી જાય છે.
જાપાન સરકારે ૨૦૧૪ પછી ઓવરવર્ક અટકાવવા માટે એક કાયદો બનાવ્યો છે. તેમાં ઓવરટાઈમના કલાકો રાખનારા અને ઓવરટાઈમ વધારે કરનારા બંનેનું નિરિક્ષણ અને મેડિકલ ચેકિંગ કરવામાં આવે છે. સંશોધકોનો દાવો છે કે, કામના કલાકોમાં ઘટડો કરવો ખૂબ જ જરૂરી છે. તેનાથી કામમાં તણાવ ઓછો થાય છે અને માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિક અપાય છે. તેના દ્વારા જ ઓવરવર્ક સાથે જોડાયેલી બિમારીઓથી બચી શકાય છે. કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન સધાય તો જ કર્મચારીઓની ઉત્પાદકતા વધે છે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે તથા પરિવાર અને સમાજમાં પણ સહભાગીતા વધે છે. કરોશીથી થતાં મોતમાં ઘટાડો થાય છે.
- દાયકાઓથી કરોશી અને તેના કારણે થતાં મોતનો જાપાનમાં વિવાદ છે
કરોશી એક જાપાની શબ્દ છે જેનો અર્થ થાય છે વધું પડતા કામના ભારણથી થતું મોત. આ સૌથી પહેલાં ૧૯૭૦માં ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. ૧૯૭૮માં યોજાયેલી જાપાન એસોસિયેશન ઓફ ઈન્ડસ્ટ્રિયલ હેલ્થની મિટિંગમાં પહેલી વખત ૧૭ કરોશી કેસની ચર્ચા જાહેરમાં કરવામાં આવી હતી.
આ એક સોશિયોમેડિકલ ટર્મ છે. અતિશય કામ, તેનું ભારણ, ચિંતા અને તણાવના કારણે વ્યક્તિએ આવતો હૃદયરોગનો હુમલો કે ફેટલ રિએક્શન કે જેમાં વ્યક્તિનું મોત થાય છે તેના માટે કરોશી શબ્દ ઉપયોગમાં લેવાય છે. તેના કારણે જાપાનમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે અને ચર્ચાઈ છે. જાપાનમાં તેના કેટલાક કિસ્સા ખૂબ જ ચર્ચામાં છે. એક રેડી ટુ ઈટ નાસ્તાની કંપનીમાં કામ કરનારી વ્યક્તિનું ૩૪ વર્ષની ઉંમરે મોત થયું હતું.
તે અઠવાડિયામાં ૧૧૦ કલાક કામ કરતી હતી. તેવી જ રીતે એક બસ ડ્રાઈવરનું ૩૭ વર્ષની વયે સ્ટ્રોકના હુમલામાં મોત થયું હતું. તે વર્ષે ૩૦૦૦ કલાક કરતા પણ વધારે બસ ચલાવતા હતા. તેમને સ્ટ્રોક આવ્યો તેના પંદર દિવસ પહેલાંથી તેમણે કોઈ રજા જ રાખી નહોતી. ટોક્યોની એક પ્રિન્ટિંગ કંપનીમાં કામ કરનારી વ્યક્તિને નોકરી દરમિયાન સ્ટ્રોક આવ્યો અને તેનું મોત થયું હતું. આ વ્યક્તિ વર્ષના ૪,૩૨૦ કલાક કામ કરતી હતી. તે રાતપાલીઓ અને ઓવરટાઈમ પણ કરતી હતી. તેવી જ રીતે ૨૨ વર્ષની એક નર્સનું પણ આ જ કારણે મોત થયું હતું. તે મહિનામાં પાંચ વખત સતત ૩૪ કલાક ડયુટી કરતી હતી. તેની ખરાબ અસર તેના સ્વાસ્થ્ય ઉપર પડી હતી.
કરોશીની જેમ કરોજિસાત્સુ શબ્દ પણ જાપાનમાં ઘણો જાણીતો છે. વધુ પડતા કામના ભારણની કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય ઉપર આડ અસર થઈ હોય અને તે આત્મહત્યા કરી લે તેને કોરાજિસાત્સુ કહેવાય છે. ૧૯૮૦થી અત્યાર સુધી તેના પણ અનેક દાખલા જાપાનમાં જોવા મળ્યા છે. જાણકારોના મતે જાપાનના નવા પીએમ ગમે તેટલા કલાક કામ કરે અને પોતાના સાથીઓની પાસે પણ કામ કરાવે. તેનાથી એકંદરે તો શરીરને ખૂબ જ નુકસાન થવાનું છે. શરીરની કામ કરવાની ક્ષમતાથી વધારે કામ લેવાથી તે નબળું પડે છે અને લાંબા સમય સુધી આવું કરવાથી શરીર એકાએક કામ કરતું અટકી જાય છે અથવા તો વ્યક્તિનું મોત થાય છે કે પછી તે આત્મહત્યા કરી લે છે. જાણકારોના મતે જાપાની પીએમ જે રીતે કામ કરે છે તેમ કરવા દો પણ આ રીત જોખમી અને જીવલેણ સાબિત થાય તેમ છે.


