Get The App

સહન બધું જ પ્રજાએ કરવાનું, રાજાએ તો માત્ર રાજ કરવાનું

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
સહન બધું જ પ્રજાએ કરવાનું, રાજાએ તો માત્ર રાજ કરવાનું 1 - image

- આર્થિક મુશ્કેલી, યુદ્ધ, કુદરતી આપત્તીઓ ગમે તે હોય અબોધ પ્રજા સહન કરતી જાય છે, આદેશોનું પાલન કરતી જાય છે અને તંત્ર મજા કરતું જાય છે

- પાણીના નળ બંધ રાખો, પ્લાસ્ટિકનો ઉપયોગ કરશો નહીં, પેટ્રોલ અને ડીઝલનો ઓછો ઉપયોગ કરો, વર્ક ફ્રોમ હોમ કરો, વિદેશ જશો નહીં, સોનું ખરીદશો નહીં, સાઈકલ ચલાવો, ઈવીનો ઉપયોગ કરો, કચરો સળગાવશો નહીં જેવી ઘણી બધી સલાહ અને સુચનો પ્રજા માટે જારી કરવામાં આવે છે. પ્રજા તેનું પાલન કરે છે અને તંત્ર મજા કરે છે : કોરોના સમયે કેટલાય લોકોને તપાસ માટે, રસી માટે, સારવાર માટે લાઈનોમાં ઊભા કરી દેવાયા. છ ફૂટનું અંતર રાખવાનું કહેવામાં આવ્યું. એકપણ નેતા, એકપણ અધિકારી કે પછી તંત્ર સાથે જોડાયેલી વ્યક્તિને સમસ્યા થઈ નહોતી. નોટબંધીમાં પણ પ્રજા જ લાઈનોમાં ઊભી હતી, નેતાઓ, મંત્રીઓ, અધિકારીઓને ક્યાંય નોટ બદલાવા જવું પડયું નથી. બધાને બધું જ ખબર છે છતાં પાંગળી પ્રજા તેના વિશે કશું જ બોલતી નથી  ઃ પ્રજાએ પણ સમજવું પડશે કે દર વખતે બધું જતું કરીને તેમણે હેરાન થવાની જરૂર નથી અને બીજી તરફ સરકારોએ પણ દોષારોપણ બંધ કરીને યોગ્ય માળખા ઊભા કરવા જોઈએ જેથી લોકો નૈતિક રીતે સંસાધનોનો મર્યાદિત ઉપયોગ કરવા માટે સજ્જ બને. બંને પક્ષે સમજૂતી સાથે કામ થશે તો જ સ્થિતિ સુધરશે બાકી તો દર વખત પ્રજાએ જ દોષિત સાબિત થવાનું છે અને તેણે જ સહન કરવાનું છે 

દેશ અને દુનિયામાં કંઈપણ થાય એટલે સૌથી પહેલાં સહન કરવાનું આવે કે દોષિત ઠેરવવાના આવે એટલે પ્રજાનું નામ લેવાય છે. કોઈપણ બાબતે ખોટું થવા પાછળ આખરે કારણભૂત અને સહન કરનાર પ્રજા જ હોય છે. તંત્ર અને રાજાએ તો માત્ર રાજ કરવાનું, આદેશો આપવાના અને નમાલી પ્રજા, અબોધ પ્રજા તેનો આંધળો અમલ કરવા લાગે. લોકોની આદતોના કારણે સમસ્યા આવી છે તેવું સાબિત કરી દેવાનું અને પછી બે-ચાર કાયદા બતાવી દેવાના એટલે લોકો ભયના માર્યા બધું અમલમાં મુકવા માંડે અને બધું સુપેરે પાર પડી જાય. પોતાને જ દોષિત માનતી પ્રજા પોતે જ પીડિત થઈ જાય અને સરકાર અને તંત્ર તેનો આનંદ માણે.

હાલમાં દેશમાં જે પણ થઈ રહ્યું છે તેમાં બધું જતું કરવાનું, બધું સહન કરવાનું અથવા તો એમ કહીએ કે જે કરવાનું છે તે પ્રજાએ જ કરવાનું છે. 

દેશ જેટલી વખત મુશ્કેલીમાં આવે તેટલી વખત પ્રજાએ એકસાથે મહેનત કરીને તેને બહાર લાવવાનો છે. સરકાર અને તંત્ર તો તેના માટે છે જ નહીં. હાલમાં જો નજર કરીએ તો ક્લાઈમેટ ચેન્જની સમસ્યા છે, પ્રદુષણ વધેલું છે કારણ કે લોકો બેફામ વાહનો વાપરે છે, તેમની ફેક્ટરીઓના ધુમાડા નીકળે છે. પાણીનો વેડફાટ થાય છે તે પણ પ્રજા દ્વારા કરવામાં આવે છે, ગમે ત્યાં કચરો પડયો હોય છે તે પણ લોકો જ કરે છે. 

સરેરાશ એવું જ સાબિત કરવામાં આવે છે કે, લોકો જો સારી આદતો પાડશે તો બધું સુધરી જશે. ગામડા ગામની અભણ અબોધ પ્રજાથી માંડીને મેટ્રો શહેરોની વધુ પડતી ભણેલી મુરખ પ્રજા પણ આ વાત સ્વીકારી લે છે અને સરકારના આદેશોનું પાલન કરે છે. 

પાણીના નળ બંધ રાખો, પ્લાસ્ટિકનો ઉપયોગ કરશો નહીં, પેટ્રોલ અને ડીઝલનો ઓછો ઉપયોગ કરો, વર્ક ફ્રોમ હોમ કરો, વિદેશ જશો નહીં, સોનું ખરીદશો નહીં, સાઈકલ ચલાવો, ઈવીનો ઉપયોગ કરો, કચરો સળગાવશો નહીં જેવી ઘણી બધી સલાહ અને સુચનો પ્રજા માટે જારી કરવામાં આવે છે. પ્રજા તેનું પાલન કરે છે. વ્યક્તિગત સંયમથી દરેક સમસ્યાનો ઉકેલ આવતો નથી. તંત્ર અને સરકાર જે રીતે કામ કરે છે, જે રીતે માળખું ગોઠવાયેલું છે તેનાથી વધારે નુકસાન થઈ રહ્યું છે પણ તેના તરફ કોઈનું ધ્યાન જતું નથી અને પ્રજા અવાજ ઉઠાવવામાં માનતી નથી. 

કોરોના સમયે કેટલાય લોકોને તપાસ માટે, રસી માટે, સારવાર માટે લાઈનોમાં ઊભા કરી દેવાયા. છ ફૂટનું અંતર રાખવાનું કહેવામાં આવ્યું. લોકોને વર્ક ફ્રોમ હોમ આપી દેવાયા, હજારો લોકોની નોકરીઓ જતી રહી, લાખો ગરીબો અને મજૂરો વિસ્થાપિત થઈ ગયા. એકપણ નેતા, એકપણ અધિકારી કે પછી તંત્ર સાથે જોડાયેલી એકપણ વ્યક્તિને સમસ્યા થઈ હોય, તેનું દવાના અભાવે મોત થયું હોય, ઓક્સિજનની અછત તેમને નડી હોય તેવું ક્યાંય થયું નથી. આ બધું લોકોને જ થયું હતું કારણ કે સરકારના મતે તેઓ વ્યવસ્થાનું અનુસરણ કરતા નથી. 

નોટબંધી વખતે લાખો લોકો દરરોજ સવારથી બેન્કોની બહાર લાઈનો કરીને ઊભા રહી જતા હતા. કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને માત્ર બે હજાર કે ચાર હજાર રૂપિયા મળતા હતા. એકપણ નેતા, અધિકારી કે તંત્રની વ્યક્તિ આ દરમિયાન ક્યાંય લાઈનમાં ઊભી રહેલી જોવા મળી હતી. હા જ્યારે જાહેરાતો થાય ત્યારે શરૂઆતના દિવસોમાં ફોટા પડાવવા, મીડિયામાં તસવીરો અને સોશિયલ મીડિયામાં વીડિયો ચલાવવા માટે નેતાઓ, અધિકારીઓ દોડી જતા હોય છે. 

એક વખત તેમની પ્રસિદ્ધિ થઈ જાય એટલે કામ પૂરું. પ્રજાનું જે થવું હોય તે થાય. પ્રજા આ સમજતી જ નથી. પાણીની સમસ્યાની વાત આવે તો તંત્ર કહે છે કે લોકો ઘરમાં પાણીનો વેડફાટ કરે છે. બ્રશ કરતી વખતે નળ ચાલુ રાખે છે, શેવિંગ કરતી વખતે નળ ચાલુ રાખે છે અને બીજા ઘણા ઉદાહરણો આપશે. 

રસ્તા ઉપર પાણીની પાઈપલાઈનો દિવસો સુધી તુટેલી રહે છે, સિંચાઈ માટેની નહેરોમાં મોટા મોટા ગાબડા પડે છે, ટાંકીઓ તૂટી પડે છે અને કરોડો લિટર પાણીનો વેડફાટ થાય છે તેના તરફ કોઈનું ધ્યાન જતું નથી. સ્થિતિ સુધારવાની આવે એટલે તરત જ લોકોને સૌથી પહેલાં ઘરમાં ફેરફાર કરવા, જતું કરવા અને સમજવાનું કહેવામાં આવે છે. 

તેવી જ રીતે એનર્જીના ઉપયોગની વાત આવે ત્યારે પણ એવું કહેવાય છે કે, શહેરી વિસ્તારોમાં વીજળીનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. સામાન્ય માણસ, મધ્યમવર્ગના માણસને વીજળીનું જે બિલ ભરવું પડે છે તેના કારણે તેના બાકીના બજેટ હાલી જાય છે. આ સંજોગોમાં તે કેવી રીતે વધારે વપરાશ કરવાનો છે. ફેક્ટરીઓમાં, મોટા ઉદ્યોગોમાં, ડેટા સેન્ટરો ચલાવવામાં અને અન્ય ભારે ઉદ્યોગોમાં જે વીજળીનો વપરાશ થાય છે તેના તરફ ધ્યાન જતું નથી. આ ઉપરાંત બજારનું એક એવું માળખું બની ગયું છે કે, લોકોને વિશ્વાસપાત્ર અને ટકાઉ વસ્તુઓ જ મળતી નથી. સોયથી માંડીને સોના સુધી બધામાં ભેળસેળ થાય છે. ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ જે આજથી અઢી ત્રણ દાયકા પહેલાં મળતી હતી તેનું આયુષ્ય ઘણું લાંબું રહેતું હતું. 

અત્યારે તો બે-ત્રણ વર્ષમાં મોબાઈલ ખરાબ થઈ જાય છે, ચાર વર્ષમાં ટીવી અને એસી ખરાબ થઈ જાય છે. બાકીના સામાનની તો કોઈ ગણતરી જ કરવાની થતી નથી. 

ચિંતાજનક બાબત એ છે કે, સાધનો રિપેર કરનારા લોકો વધ્યા નથી, તેના માટેની વ્યવસ્થા નથી. બજારમાં ઈકોમર્સના પ્રવેશ બાદ દરેક સામાન અત્યંત સસ્તો મળે છે અને જરાય ટકાઉ નથી તેથી લોકો ખરીદ્યા કરે છે. 

બગડે એટલે ફેંકી દે છે. તેના કારણે કચરાના પહાડો બના રહ્યા છે. ટકાઉ, રિપેર થાય તેવા અથવા તો લાંબા સમય સુધી ચાલે તેવા સામાન અને વસ્તુઓ જ આવતા નથી તો લોકો કેવી રીતે સમજીવિચારીને કે વિવેકપૂર્ણ ઉપયોગ કરવાના છે. 

આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું કહેવાય છે. જરૂર હોય તો જ વાહનનો ઉપયોગ કરવો અથવા તો જાહેર પરિવહનની સેવાનો ઉપયોગ કરવો તેવું કહેવાય છે. નેતાઓ દ્વારા જે રીતે શહેરીકરણને મંજૂરીઓ અપાઈ છે, ભાગીદારીઓ કરાઈ છે અને શહેરોનો બેફામ વિકાસ કરાયો છે ત્યાં એક છેડેથી બીજા છેડે જવામાં ઘણી સમસ્યા થાય છે. આ ઉપરાંત દેશના મોટાભાગના શહેરોમાં જે નવા વિસ્તારો બન્યા ત્યાં બસ, મેટ્રો કે અન્ય જાહેર પરિવહનની સેવાઓ જ નથી. લોકોએ મજબૂરીમાં પોતાના જ વાહનોનો ઉપયોગ કરવો પડે છે. બીજી તરફ નેતાજી અને મંત્રીજી પોતાના ઘરેથી મંત્રાલય જાય તો પણ તેમની પાસે આઠ-દસ ગાડીઓનો કાફલો હોય છે. 

આ બધું હવાથી ચાલતું હોય છે. તેમાં ક્યાંય કરકસર કરવાની આવતી નથી. તેમના વાહનોમાંથી ધુમાડા નીકળતા નથી, પ્રદુષણ થતું નથી, ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ વકરતી નથી. મધ્યમવર્ગનો માણસ ટુ વ્હીલર લઈને કાળી મજૂરી કરવા નોકરીએ જતો હોય તે પેટ્રોલ વેડફે છે, પ્રદુષણ કરે છે, ખોટા ખર્ચા કરે છે. 

વ્યક્તિગત જ નહીં પણ વ્યાવસ્થાગત જવાબદારીઓ અને સુધારા હોવા જોઈએ

ઉલ્લેખનીય છે કે, લોકો ખોટું નથી કરતા, તેમની કોઈ જવાબદારી નથી કે તેમણે કશું જ ન કરવું જોઈએ તેવું કહેવું નથી. અહીંયા લોકોએ સમજવાની જરૂર છે કે, તેમણે જેમ બધું જતું કરવાનું છે તેમ તેમની સરકાર અને વ્યવસ્થાતંત્રએ પણ યોગ્ય સુધારા વધારા કરવાની જરૂર છે. 

માત્ર જાહેરાતો કરીને, આઠ દસ ફોટા પડાવીને કે મંત્રીઓના વીડિયો મીડિયામાં ફરતા કરીને સરકારની જવાબદારી પૂરી થતી નથી. કોઈપણ સ્થિતિમાં સુધારા માટે પ્રજાની જેટલી જવાબદારી છે તેટલી જ સરકારની અને સરકારી માળખાની છે. વ્યક્તિગત રીતે જો સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સુચના આપવામાં આવતી હોય તો આ સુચના નેતાઓ અને મંત્રીઓને પણ લાગુ પડવી જ જોઈએ. રિસાઈકલિંગ, રિપેરિંગ અને રિયૂઝની વાતો કરવાના બદલે તેનો માળખાગત વિકાસ કરવો જોઈએ.

લોકોને હલકી ગુણવત્તાની વસ્તુઓ આપીને વારંવાર ખરીદી કરવા મજબૂર કરવાના બદલે ગુણવત્તાસભર માલસામાન મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તેના દ્વારા કન્ઝયુમરિઝમ ઘટશે અને બજારમાં લિક્વિડિટી જળવાઈ રહેશે. 

આપણે એવી સિસ્ટમ વિકસાવવાની જરૂર છે જેમાં સામાન્ય નાગરિકથી જવાબદારીની શરૂઆત થાય અને સરકાર તથા તંત્ર સુધી તે આગળ વધે અને એક સંતુલિત વ્યવસ્થા ઊભી થાય. બધી જ જવાબદારી સરકારની છે કે પછી બધું જ લોકોએ જ કરવું પડે તેવી માનસિકતામાંથી બહાર આવીને બંને પક્ષે સંયુક્ત રીતે કામ કરવામાં આવે તો વ્યવસ્થા ઝડપથી સુધરે છે. 

પ્રજાએ પણ સમજવું પડશે કે દર વખતે બધું જતું કરીને તેમણે હેરાન થવાની જરૂર નથી અને બીજી તરફ સરકારોએ પણ દોષારોપણ બંધ કરીને યોગ્ય માળખા ઊભા કરવા જોઈએ જેથી લોકો નૈતિક રીતે સજાગ થાય અને સંસાધનોનો મર્યાદિત અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે સજ્જ બને. બંને પક્ષે સમજૂતી સાથે કામ થશે તો જ સ્થિતિ સુધરશે બાકી તો દર વખત પ્રજાએ જ દોષિત સાબિત થવાનું છે અને તેણે જ સહન કરવાનું છે.