Get The App

ઈચ્છા મૃત્યુ : જીવનનો નહીં પણ પીડાનો અંત લાવવાની પ્રક્રિયા

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
ઈચ્છા મૃત્યુ : જીવનનો નહીં પણ પીડાનો અંત લાવવાની પ્રક્રિયા 1 - image

- 13 વર્ષથી કોમામાં રહેલા હરિશ રાણા કેસમાં સુપ્રીમ કોર્ટે આખરે પેસિવ યુથેનેસિયા માટે પરિવારને મંજૂરી આપી 

- 31 વર્ષીય હરીશ રાણા 2013થી પર્સિસ્ટેંટ વેજિટેટિવ સ્ટેટ એટલે કે સામાન્ય ભાષામાં કહીએ તો કોમામા છે. જેમાં રિકવરીની આશા નહીવત્ હતી. આ અંગે હરીશ રાણાના માતાપિતા દ્વારા સુપ્રીમ સમક્ષ દીકરા માટે ઈચ્છા મૃત્યુની માગણી કરવામાં આવી હતી. તાજેતરમાં સુપ્રીમે આ માગણી સ્વીકારીને દિલ્હીની એઈમ્સમાં સમગ્ર પ્રક્રિયા હાથ ધરવા આદેશ આપ્યો છે  : સામાન્ય રીતે ઈચ્છા મૃત્યુ એટલે કે યૂથેનેશિયા હોય છે. વ્યક્તિ પીડાથી કંટાળીને કે અન્ય કોઈ કારણોસર પોતાનું જીવન પૂરું કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. આ સંજોગમાં એક્ટિવ યુથેનેશિયા એટલે કે ઈન્જેક્શન આપીને જીવનનો અંત આણી દેવો તેવું કરવામાં આવે છે. ભારતમાં આ કામગીરી ગેરકાયદે છે  : પેસિવ યુથેનેશિયમાં ન્યૂટ્રિશન બંધ કર્યા બાદ ગણતરીના કલાકો કે પછી દિવસો કે પછી પંદર દિવસ અથવા મહિના સુધી પણ દર્દી આ અવસ્થામાં રહી શકે છે. ધીમે ધીમે શરીર મૃત્યુ તરફ આગળ વધે છે. તેમાં માત્ર પેઈનકિલર દવાઓ આપવામાં આવે છે જેથી દર્દીને શારીરિક પીડાનો અનુભવ ન થાય.

સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં ગાઝિયાબાદના યુવક હરીશ રાણાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેના માતાપિતાને તેના માટે પેસિવ યુથેનેશિયાનો રસ્તો પસંદ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. દિલ્હીમાં એઈમ્સ ખાતે હરીશ રાણાને ઈચ્છા મૃત્યુ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પેસિવ યુથેનેશિયા એટલે કે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ એક મેડિકલ પ્રોસિજર હોય છે સક્રિય ઈચ્છા મૃત્યુ કરતા અલગ હોય છે. આ પ્રક્રિયામાં જીવન રક્ષક અને કૃત્રિમ ઉપચારો બંધ કરવામાં આવશે અને ધીમે ધીમે દર્દીનું શરીર મૃત્યુ તરફ શાંતિથી ગતિ કરશે. સામાન્ય રીતે ભારતમાં ઈચ્છા મૃત્યુને ગેરકાયદે ગણવામાં આવે છે અને સુપ્રીમ દ્વારા પણ તેના વિશે ક્યારેય મંજૂરી આપવામાં આવી નથી. આ અનોખો કિસ્સો છે જેમાં માનવતાના આધારે દર્દીને જીવનથી નહીં પણ પીડાથી મુક્ત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, ગાઝિયાબાદનો ૩૧ વર્ષીય હરીશ રાણા ૨૦૧૩થી પર્સિસ્ટેંટ વેજિટેટિવ સ્ટેટ એટલે કે સામાન્ય ભાષામાં કહીએ તો કોમામા છે. જેમાં રિકવરીની આશા નહીવત્ હતી. આ અંગે હરીશ રાણાના માતાપિતા દ્વારા સુપ્રીમ સમક્ષ દીકરા માટે ઈચ્છા મૃત્યુની માગણી કરવામાં આવી હતી. તાજેતરમાં સુપ્રીમે આ માગણી સ્વીકારીને દિલ્હીની એઈમ્સમાં સમગ્ર પ્રક્રિયા હાથ ધરવા આદેશ આપ્યો છે. દિલ્હી એઈમ્સના પેસિએટિવ કેર યૂનિટમાં આ પ્રોસેસ શરૂ કરાઈ છે. હકિકતે ૧૩ વર્ષ પહેલાં માથામાં થયેલી ગંભીર ઈજા બાદ હરીશ રાણા આજદિન સુધી ભાનમાં આવ્યો નથી. તેના મગજની કામગીરી પણ સામાન્ય થઈ શકી નહોતી. તેના કારણે જ ડોક્ટરો માનતા હતા કે, તેની બચવાની શક્યતાઓ નહીવત છે. તેના પરિવારે તેની સંભાળ રાખી પણ હવે ૧૩ વર્ષ સુધી સતત સંઘર્ષ કર્યા બાદ હરીશની સાથે સાથે તેના માત-પિતા અને પરિવારજનો પણ શારીરિક, માનસિક અને આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા હતા. દર્દી અને તેના પરિવારની તમામ પીડાનો અંત લાવવા આ નિર્ણય લેવાયો હતો.

સામાન્ય રીતે ઈચ્છા મૃત્યુ એટલે કે યૂથેનેશિયા હોય છે. લોકો તેને ઈચ્છા મૃત્યુ માનીને જીવન ટુંકાવવાનો અધિકાર માની બેસે છે. તેના કારણે જ ભારતમાં આ મુદ્દે વિવાદ મોટો થાય છે. સામાન્ય રીતે વ્યક્તિ પીડાથી કંટાળીને કે અન્ય કોઈ કારણોસર પોતાનું જીવન પૂરું કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. આ સંજોગમાં એક્ટિવ યુથેનેશિયા એટલે કે ઈન્જેક્શન આપીને જીવનનો અંત આણી દેવો તેવું કરવામાં આવે છે. ભારતમાં આ કામગીરી ગેરકાયદે છે. તેના માટે એવી દલીલ પણ કરવામાં આવે છે કે, ભારતમાં જો મંજૂરી આપવામાં આવે તો તેનો વ્યાપક દૂરુપયોગ થઈ શકે છે. તેના કારણે જ તેને મંજૂરી આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, સ્વિટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા કેટલાક દેશોમાં એક્ટિવ યુથેનેશિયાને કાયદાકીય મંજૂરી આપવામાં આવેલી છે. ત્યાં દર્દીઓ કે અન્ય કોઈ પીડાથી ગ્રસ્ત લોકો ઈન્જેક્શન લઈને જીવનનો અંત આણી શકે છે.

પેસિવ યુથેનેશિયા તદ્દન જુદી પ્રક્રિયા છે, જે ડોક્ટરના નિરિક્ષણ હેઠળ જ થાય છે. આ પ્રક્રિયામાં લાઈફ સપોર્ટ સિસ્ટમ અથવા તો પેસિવ ન્યૂટ્રિશન સિસ્ટમ દૂર કરવામાં આવે છે. તેના કારણે ધીમે ધીમે દર્દીનું મોત થાય છે. આ પ્રક્રિયા સરળ નથી. તેમાં કોર્ટની મંજૂરી લેવી પડે છે અને ડોક્ટરોની ટીમ દ્વારા તમામ તપાસ કર્યા બાદ હોસ્પિટલમાં આ પ્રોસિજર કરવામાં આવે છે. જાણકારોના મતે આ કામગીરીમાં દરેક પગલાં સાવચેતી સાથે લેવામાં આવે છે. ડોક્ટર સૌથી પહેલાં દર્દીની સ્થિતિનું નિરિક્ષણ કરીને કોર્ટમાં અહેવાલ સોંપે છે અને તેના આધારે કોર્ટ આદેશ આપે છે. જાણકારોના મતે દેશમાં હજારો કેસ છે જેમાં દર્દીઓને માથામાં ઈજા થયા બાદ તેઓ દિવસો અને મહિનાઓ સુધી બેભાન રહ્યા છે. આવા દરેક કેસમાં પેસિવ યુથેનેશિયાનો આદેશ અપાતો નથી. હરીશ રાણાના કેસમાં આ નિર્ણયનો અમલ શરૂ કરાયો છે પણ હરીશની મુક્તિ ક્યારે થશે તે નક્કી કરી શકાય નહીં. ડોક્ટરોના મતે ન્યૂટ્રિશન બંધ કર્યા બાદ ગણતરીના કલાકો કે પછી દિવસો કે પછી પંદર દિવસ અથવા મહિના સુધી પણ દર્દી આ અવસ્થામાં રહી શકે છે. ધીમે ધીમે શરીર મૃત્યુ તરફ આગળ વધે છે. તેમાં માત્ર પેઈનકિલર દવાઓ આપવામાં આવે છે જેથી દર્દીને શારીરિક પીડાનો અનુભવ ન થાય. આમ જોવા જોઈએ તો નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ માત્ર કાયદા જ નહીં માનવતા, સંવેદના અને નૈતિકતા સાથે પણ જોડાયેલો નિર્ણય છે તેથી તેમાં ખૂબ જ સાવચેતી સાથે નિર્ણય લેવો પડે છે. 

મહત્ત્વની વાત એ છે કે, થોડા વખત પહેલાં કર્ણાટક રાજ્ય જ ચર્ચામાં આવ્યું હતું. ગત વર્ષે જ કર્ણાટક દ્વારા પોતાના રાજ્યના નાગરિકોને લિવિંગ વિલ બનાવીને રાઈટ ટુ ડાઈનો અધિકાર આપવામાં આવ્યો હતો. એક તરફ દેશમાં ઈચ્છા મૃત્યુ માટે હોબાળો અને ચિંતાની સ્થિતિ છે ત્યાં કર્ણાટકે આ નિર્ણય લીધો હતો. તે વખતે જાહેર થયું હતું કે, કર્ણાટકમાં હવે કોઈપણ વ્યક્તિ પોતાનું લિવિંગ વિલ બનાવી શકશે. તેમાં સ્પષ્ટ રીતે જણાવવું પડશે કે, તે ગંભીર અથવા તો અસાધ્ય બિમારીથી પીડાય છે. તેની પાસે જીવનરક્ષક દવાઓનો કોઈ વિકલ્પ નથી. તેની પાસે કોઈ ઉપચાર નથી. આ સંજોગોમાં હોસ્પિટલ અને ડોક્ટર્સે તેના નિર્ણયનું સન્માન કરીને સુપ્રીમે જણાવેલી શરતોના આધારે તેને પ્રમાણિત કરવું પડશે. જાણકારોના મતે રાઈટ ટુ ડાઈને સીધી રીતે જોઈએ તો વ્યક્તિને જીવન ટુંકાવવા માટે પ્રોત્સહિત કરવાનો નિર્ણય નથી. જે વ્યક્તિની પીડા છે તેને ટુંકાવવાની છે, તેને ઓછી કરવાની છે. જે વ્યક્તિ પાસે જીવવાનો કોઈ વિકલ્પ જ નથી તે અધિકારિક રીતે પ્રમાણિત કરાવી લેશે તેને સન્માન સાથે મૃત્યુ પામવાનો અધિકાર આપવામાં આવશે. 

બીજી તરફ વિચાર આવે કે, એક તરફ સુપ્રીમે ક્યારેય ઈન્જેક્શન આપીને કે પશ્ચિમના કેટલાક દેશોમાં લોકોને મરવા દેવા માટે આપવામાં આવતી મંજૂરીને સમર્થન આપ્યું નથી અને બીજી તરફ કર્ણાટક આટલો મોટો નિર્ણય કરે છે. અહીંયા પેસિવ યુથનેશિયા એટલે કે વ્યક્તિને જ્યારે જીવવાના કોઈ વિકલ્પ જ ન વધ્યા હોય ત્યારે તેને કાયદાકીય રીતે મૃત્યુ માટે મદદ કરવી તેમ થાય છે. તે ગંભીર બિમારીમાં છે, શરીર પીડા સહન કરવાની સ્થિતિમાં નથી, સારવાર થઈ શકે તેમ નથી, શરીરની ખોડખાપણ હવે સહન કરી શકાય તેવી નથી અને સ્થિતિ સુધરવાની કોઈ શક્યતા જ વધી નથી તો આવા સમયે વ્યક્તિને પીડામાંથી મુક્ત કરવાની વાત છે. આ અધિકારને એવી રીતે પરિભાષિત કરી શકાય કે દર્દીને અથવા તો અન્ય કોઈ પીડામાં રહેલી વ્યક્તિને સન્માનપૂર્વક મૃત્યુ પામવાનો અવસર આપવો. 

બીજી બાબત એવી છે કે, ભારત જેવો દેશ જ્યાં સાંસ્કૃતિક વૈવિધ્ય છે, ધાર્મિક વૈવિધ્ય છે ત્યાં મૃત્યુ જેવી બાબતની પરિભાષા પણ અનેક રીતે નક્કી થતી હોય છે. આ સંજોગોમાં આ સંવેદનશિલ બાબતને કાયદા દ્વારા સ્પર્શવી પણ થોડી જોખમી બને શકે છે. ભારતમાં મોટાભાગે ધાર્મિક રીતે જોઈએ તો મૃત્યુને એક પરમશક્તિ સાથે જોડવાની ગતિ માનવામાં આવે છે. આ સંજોગોમાં રાઈટ ટુ ડાઈ અથવા યુથનેશિયા જેવી બાબતો સંવેદનશીલ બનવાની ભીતી રહેલી છે. તેના કારણે જ સરકારો આ મુદ્દાથી અંતર જાળવી રાખે છે. ઘણા કિસ્સામાં ડોક્ટર્સ અને પરિવારના સભ્યો તૈયાર થતા નથી, કારણ કે મૃત્યુ માટે મંજૂરી આપ્યા બાદ કંઈ ઉપર-નીચે થયું તો કાયદાકીય ગુંચવણોમાં ફસાઈ જવાની સ્થિતિ આવે છે. આ સંજોગોમાં ડોક્ટર્સ તૈયાર થતા જ નથી. હોસ્પિટલોમાં આ દિશામાં કામ કરવા માટે ચોક્કસ જાણકારો અને ટેકનિકલ ટીમનો પણ અભાવ છે.

પેસિવ યુથનેશિયા અને રાઈટ ટુ ડાઈમાં તફાવત છે

આ બંને સ્થિતિ માટે લોકોમાં જાતભાતના મતમતાંતર ચાલી રહ્યા છે. લોકો જણાવે છે કે, આમ જોવા જઈએ તો બંને સ્થિતિમાં વ્યક્તિનો અંત જ આવે છે. તો પછી બંનેને કેવી રીતે અલગ પરિભાષિત કરી શકાય. આમ જોવા જઈએ તો બંને એકબીજા સાથે જોડાયેલા જ છે. એક રીતે જોઈએ તો એક સિક્કાની બે બાજુ જેવા લાગે છે. તેમ છતાં બંનેમાં પાતળી ભેદરેખા છે. પશ્ચિમી દેશોમાં ઘણા કિસ્સામાં અસહ્ય બિમારીથી પીડાતા લોકોને અથવા જીવવાની ઈચ્છા ગુમાવી દેનારા લોકોને એક ઈન્જેક્શન આપવામાં આવે છે અને બધું જ સમાપ્ત થઈ જાય છે. આ અવધારણા અહીંયા થોડી બદલાય છે. રાઈટ ટુ ડાઈમાં વ્યક્તિ પહેલેથી જ પોતાના જીવનની અતિંમ ક્ષણો વિશે નિર્ણય લઈ શકે છે. તે ભવિષ્યમાં આવનારી સ્થિતિ અથવા તો બિમારીમાં સારવાર કરાવવા માગે છે કે નહીં તેનો જીવતેજીવન નિર્ણય લઈને જણાવવાનો હોય છે. તેને જ લિવિંગ બિલ કહેવાય છે. અહીંયા કૃત્રિમ મુત્યુ આપવાની વાત નથી પણ વ્યક્તિને કુદરતી મૃત્યુ તરફ જવામાં મદદ કરવાની છે. વ્યક્તિ પહેલેથી જ લેખિત દસ્તાવેજમાં જણાવી દે છે અથવા તો તેના પરિવારજનો જણાવે છે કે, તેને કોઈ ગંભીર બિમારી છે અથવા અસાધ્ય રોગ છે જેની સારવાર કરાવવા તે સક્ષમ નથી અને હવે તે આ પીડા પણ સહન કરી શકે તેમ નથી. તેઓ એ પણ નક્કી કરી શકશે કે તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર રાખવો છે કે નહીં. 

આ સંજોગોમાં તેને ખાવાપીવાનું બંધ કરીને, દવાઓ બંધ કરીને કે સારવાર અટકાવીને કુદરતી રીતે જ મૃત્યુ સુધી સન્માનપૂર્વક જવા દેવામાં આવે છે. બાકી યુથનેશિયાને તો આજે પણ ભારતમાં ગુનો જ ગણવામાં આવે છે.