mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ઈડીની આંકડાની માયાજાળઃ 21 વર્ષમાં 45 દોષિત શરમજનક

Updated: Mar 17th, 2023

ઈડીની આંકડાની માયાજાળઃ 21 વર્ષમાં 45 દોષિત શરમજનક 1 - image


- વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી વગેરે હજારો કરોડો રૂપિયાનું કરીને ભાગી ગયા છે : ઇડી સાવ પાંગળી છે તે સાબિત થયું છે

- પીએમએલએ 2002માં બનેલો કાયદો છે. કાયદાના અમલને 21 વર્ષ થઈ ગયાં ને 21 વર્ષમાં ઈડી માત્ર 24 કેસમાં 45 લોકોને સજા કરાવી શકી તેનાથી વધારે શરમજનક શું કહેવાય ? આ ગણિત પ્રમાણે દર વર્ષે એક કેસનો નિકાલ થાય છે એ જોતાં 6 હજાર કેસોનો નિકાલ થતાં તો આખો જન્મારો નિકળી જાય. 21 વર્ષ પછી પણ ઈડી માત્ર એક ટકા કેસોનો નિકાલ કરી શકી છે એ જ બતાવે છે કે, ઈડી કશું કામ કરતી નથી.

કેન્દ્ર સરકારની એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)નો સત્તાધારી પક્ષના વિરોધીઓને દબાવવા દુરૂપયોગ થઈ રહ્યો છે એવા આક્ષેપોનો મારો ફરી શરૂ થયો છે. ઈડી દ્વારા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની ધરપકડ સામે વિરોધ દર્શાવીને કોંગ્રેસ સિવાયના વિપક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખેલો. વિપક્ષોએ ઈડીનો દુરૂપયોગ બંધ કરવા માટે મોદીને રજૂઆત કરી છે. દરમિયાનમાં લાલુ પ્રસાદ યાદવના પરિવારજનો સામે કરેલી કાર્યવાહીના કારણે વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી ઈડીની ઓફિસ સુધી કૂચ કરીને પણ વિરોધ દર્શાવ્યો. 

આ બધાં કારણે ઈડી ફરી ચર્ચામાં છે ત્યારે ઈડીએ એક રીપોર્ટ બહાર પાડયો છે. ઈડી પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), ફોરેન એક્સચેન્ટ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) અને ફ્યુજિટિવ ઈકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ (એફઈઓએ) હેઠળ કરેલી કાર્યવાહીની યશગાથા આ રીપોર્ટમાં રજૂ કરી છે. રીપોર્ટમાં દાવો કરાયો છે કે, ઈડીએ અત્યાર સુધીમાં કરેલા કેસોમાંથી ૧૭૬ એટલે કે માત્ર ૨.૯૮ ટકા કેસો જ સાંસદો અને વિધાનસભ્યો પર કરાયેલા છે જ્યારે ૯૭ ટકાથી વધારે કેસો તો બીજા આર્થિક અપરાધીઓ સામે કરાયેલા છે. સાંસદો અને વિધાનસભ્યોમાં ભૂતપૂર્વ સાંસદ-વિધાનસભ્યો પણ આવી ગયા. 

ઈડી આર્થિક અપરાધો રોકવા કાર્યવાહી કરે છે તેમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સૌથી વધારે કેસો નોંધાય છે. કાળાં નાણાંને ધોળા કરવાનો કારોબાર ભારતમાં ધમધોકાર ચાલે છે. આ ગોરખધંધો કરનારાં સામે પીએમએલએ હેઠળ કેસ થાય છે. ઈડીનો દાવો છે કે, પીએમએલએ હેઠળ કરાયેલા કેસોમાં કન્વિક્શન રેટ ૯૬ ટકા જેટલો ઉંચો છે. મતલબ કે, કેસ કરાયા હોય તેમાંથી ૯૬ ટકા કેસોમાં આરોપીઓને સજા થઈ છે. 

ઈડીએ બીજા પણ મોટા મોટા આંકડા આપ્યા છે. આ આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં આર્થિક અપરાધ માટે ૫,૯૦૬ કેસ નોંધાયા છે. પીએમએલએ હેઠળ ૧૧૪૨ કેસમાં ચાર્જશીટ દાખલ થયાં છે અને ૫૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઈડી દ્વારા કુલ ૧.૧૫ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્તી હેઠળ મૂકવામાં આવી હતી. અત્યારે તેમાંથી કેટલી સંપત્તિ જપ્તી હેઠળ છે ને કેટલી સંપત્તિ કોર્ટના ફરમાન કે બીજાં કારણોસર મુક્ત કરી દેવાઈ તેની વિગતો આપવામાં આવી નથી. 

ઈડીએ આ બધી વિગતો દ્વારા આંકડાની મહામાયાજાળ રચી છે. આંકડાની મહાજાળ દ્વારા ઈડી એકદમ સક્ષમ એજન્સી છે ને સત્તાધારી પક્ષના વિરોધીઓને પરેશાન કરવાનું કામ નથી કરતી એવું ચિત્ર ઉભું કરવા મથામણ કરી છે. પહેલી નજરે આ આંકડા આકર્ષક લાગે પણ જરાક ઉંડા ઉતરીએ તો સમજાય કે, ઈડી ખરેખર નકામી એજન્સી છે અને તેના દાવા લોકોને ઉલ્લુ બનાવવાની ક્વાયતથી વધારે કંઈ જ નથી. 

ઈડીએ સૌથી મોટી ફિશિયારી પોતે કરેલા કેસોના કન્વિક્શન રેટ અંગે મારી છે. ઈડીનો દાવો છે કે, પીએમએલએ હેઠળ થયેલા કેસોમાંથી ૯૬ ટકા કેસોમાં દોષિતોને સજા થઈ છે. આ આંકડો પ્રભાવશાળી લાગે પણ કેટલા કેસ પત્યા તેની વિગતો સાંભળશો તો આઘાત લાગી જશે. અત્યાર સુધીમાં લગભગ ૬ હજાર જેટલા કેસ નોંધાયા ને તેમાંથી માત્ર ૨૫ કેસનો જ નિકાલ થયો છે ને દોષિતોને સજા થઈ છે. મતલબ કે, અત્યાર સુધી થયેલો કેસોમાંથી ૯૯ ટકા કરતાં વધારે કેસ હજુ પડતર જ છે. 

પીએમએલએ ૨૦૦૨માં બનેલો કાયદો છે. કાયદાના અમલને ૨૧ વર્ષ થઈ ગયાં ને ૨૧ વર્ષમાં ઈડી માત્ર ૨૪ કેસમાં ૪૫ લોકોને સજા કરાવી શકી તેનાથી વધારે શરમજનક શું કહેવાય ? આ ગણિત પ્રમાણે દર વર્ષે એક કેસનો નિકાલ થાય છે  એ જોતાં ૬ હજાર કેસોનો નિકાલ થતાં તો આખો જન્મારો નિકળી જાય. ૨૧ વર્ષ પછી પણ ઈડી માત્ર એક ટકા કેસોનો નિકાલ કરી શકી છે એ જ બતાવે છે કે, ઈડી કશું કામ કરતી નથી. માત્ર કેસો કર્યા કરે છે ને લોકોને કોર્ટ કેસના ચક્કરમાં ફસાવીને પરેશાન કર્યા કરે છે. 

ઈડીની આંકડાની મહામાયાજાળનો ઉદ્દેશ પોતે સત્તાધારી પક્ષના વિરોધીઓને હેરાન કરતી નથી એ સાબિત કરવાનો છે. આ માટે ઈડીએ જે આંકડા રજૂ કર્યા છે એ પણ હાસ્યાસ્પદ છે. ઈડીએ સાંસદો અને વિધાનસભ્યો સામે કુલ ૧૭૬ કેસો કર્યા છે. આ કેસમાંથી સત્તાધારી ભાજપના નેતાઓ સામે કેટલા અને વિપક્ષના નેતાઓ સામે કેટલા તેની વિગતો પણ ઈડીએ આપવી જોઈએ. ઈડી વિપક્ષોને નિશાન બનાવે છે કે નથી બનાવતી તેની ખબર આ આંકડા અપાય ત્યારે જ પડે. એ જ રીતે વિપક્ષમાંથી ભાજપમાં આવેલા કેટલા નેતાઓ સામે ઈડીએ તપાસમાં ઢીલ મૂકી દીધી કે ભીનું સંકેલી લીધું તેની વિગતો પણ બહાર પાડવી જોઈએ. ઈડી નિષ્પક્ષ છે એ સાબિત આ વિગતોથી જ થાય, ખાલી આંકડા મૂકી દેવાથી કંઈ સાબિત ના થાય. 

ઈડીએ કરેલા કુલ કેસોમાંથી ૨.૯૮ ટકા કેસો સાંસદો અને વિધાનસભ્યો સામે છે. ઈડીને આ આંકડો બહુ મોટો નથી લાગતો પણ આ આંકડો પણ બહુ મોટો છે. આ વિગતોનો અર્થ એ થાય કે, દેશના આર્થિક અપરાધીઓમાંથી ત્રણ ટકા તો સાંસદ-વિધાનસભ્યો જ છે. દેશની સંસદનાં બંને ગૃહોના સભ્યો, રાજ્યોની વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો ને ભૂતપૂર્વ સાંસદ-ધારાસભ્યોની સંખ્યા ૧૦ હજારથી વધારે નહી હોય. દેશની કુલ વસતીમાં તેમનું પ્રમાણ સાવ નગણ્ય કહેવાય પણ આર્થિક અપરાધમાં ત્રણ ટકા નેતાલોગ હોય એ આઘાતજનક વાત છે. 

ઈડી સહિતની સરકારી એજન્સીઓએ પોતાની શાખ સાવ ગુમાવી દીધી છે. આ રીતે આંકડાની માયાજાળનાં ગતકડાં કરવાથી આ શાખ પાછી ના આવે. તેના માટે અસરકારક કામગીરી કરવી પડે, નિષ્પક્ષ બનીને વર્તવું પડે.

ભાગેડુ આર્થિક અપરાધીઓ સામે ઈડી સાવ પાંગળી

ઈડીએ પોતાની યશગાથામાં ફ્યુજિટિવ ઈકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ (એફઈઓએ) હેઠળ કરેલી કામગીરીના આંકડા પણ રજૂ કર્યા છે. ભારતમાં આર્થિક અપરાધ કરીને ભાગી ગયેલા લોકો સામે એફઈઓએ હેઠળ કેસ નોંધાય છે. મોટા પાયે લોકોનું કરી નાંખ્યા પછી બચવા માટે વિદેશ ભાગી ગયેલા કરૂબાજોને સકંજામાં લેવા મોદી સરકારે આ કાયદો બનાવ્યો છે. 

ઈડીએ સત્તાવાર રીતે આપેલી માહિતી પ્રમાણે, એઈઓએ હેઠળ માત્ર ૧૫ લોકો સામે કાર્યવાહી કરાઈ છે અને તેમાંથી ૯ને કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે. આ કાયદા હેઠળ ૮૬૨.૪૩ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. 

એઈઓએ કાયદો ૨૦૧૮માં બનાવાયો ત્યારે એવી વાતો થતી હતી કે, ભારતમાં કરોડોનું કરી નાંખીને વિદેશ ભાગી ગયેલા લોકોની હવે ખેર નથી. છેલ્લાં પાચં વર્ષમાં આ કાયદા હેઠળ માત્ર ૧૫ લોકો સામે કાર્યવાહી કરાઈ ને હજુ સુધી વિદેશ ભાગી ગયેલા એક પણ અપરાધીને પાછો ભારત લવાયા નથી.  વિજય માલયા, નિરવ મોદી, મેહુલ ચોકસી વગેરે હજારો કરોડ રૂપિયાનું કરીને ભાગી ગયા છે. તેની સામે ૮૬૨ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાય એ પણ બહુ ઓછી રકમ કહેવાય.  તેના પરથી જ આ કાયદો કેટલો અસરકારક છે એ સ્પષ્ટ છે. ઈડી સાવ પાંગળી સાબિત થઈ છે.

આઠ મહિનામાં ઈડીના માત્ર એક કેસનો નિકાલ થયો

મોદી  સરકારના રાજ્ય કક્ષાના નાણાં મંત્રી પંકજ ચૌધરીએ જુલાઈ ૨૦૨૨માં લોકસભામાં ઈડીની કામગીરી અંગે માહિતી આપી હતી. આ માહિતી પ્રમાણે ૨૦૦૨માં પીએમએલએ બનાવાયો ને ૨૦૦૫માં અસ્તિત્વમાં આવ્યો પછી ૧૭ વર્ષમાં આ કાયદા હેઠળ કુલ ૫૪૨૨ કેસ નોંધાયા હતા પણ તેમાંથી માત્ર ૨૩ આરોપીને જ સજા થઈ હતી. ઈડીએ ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીમાં ૧.૦૪ લાખ કરોડને લગતા આથક ગુનાની તપાસ કરીને ૯૯૨ કેસોમાં ચાર્જશીટ દાખલ કરીને ૮૬૯ કરોડ રૂપિયાની રકમ જપ્ત કરી છે. હવે છ મહિના પછી ઈડીએ રજૂ કરેલા હિસાબમાં ઈડીએ કરેલા કેસોમાં સીધા ૪૮૪ કેસોનો વધારો થઈ ગયો છે જ્યારે નિકાલ એક જ કેસનો થયો છે. ઈડી ૮ મહિનામાં નવા પાંચસો જેટલા કેસ કરી દે છે પણ નિકાલ એક જ કેસનો થાય છે તેનો અર્થ શો થયો ? એ જ કે કેસ નોંધવામાં અભૂતપૂર્વ ઉત્સાહ બતાવાય છે પણ આ કેસમાં સજા કરાવવાનું રામ રગશિયા ગાડાની જેમ ચાલે છે. 

આ રીતે ૮ મહિનામાં એક કેસના નિકાલ થાય તો ૬ હજાર જેટલા કેસોનો નિકાલ થતાં કેટલો સમય લાગે એ વિચારી જોજો. ઈડી કેસોનો ઢગ ખડકવા સિવાય બીજું કશું કરતી નથી.

Gujarat