Get The App

હોર્મુઝ ખુલશે છતાં ક્રૂડ-ગેસનો સપ્લાય નોર્મલ થતાં 4 વર્ષ લાગશે!

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
હોર્મુઝ ખુલશે છતાં ક્રૂડ-ગેસનો સપ્લાય નોર્મલ થતાં 4 વર્ષ લાગશે! 1 - image

- ભેંસ ભાગોળો ને છાશ છાગોળે :  હજી તો સંધી થવાનું નક્કી થયું છે, અમેરિકા અને ઈરાન દ્વારા જે ચાર્જ વસુલાશે તેની કોઈ સ્પષ્ટતા નથી અને ખાડી દેશોમાં પ્રોડક્શન પણ ઠપ છે જેનો કોઈ અંદાજ નથી 

- છેલ્લાં સાડા ત્રણ મહિના એટલે કે અંદાજે 100થી વધારે દિવસથી હોર્મુઝની ખાડી બંધ છે. યુદ્ધના કારણે ખાડી દેશોમાં મોટાભાગનાએ ક્રૂડનું ઉત્પાદન બંધ કરી દીધું હતું, ધીમું કરી દીધું હતું અને ઘણા દેશઓએ પોતાના ભંડાર ખાલી કરી લીધા હતા. હવે આ સમજૂતીની જાહેરાત થઈ છે અને શુક્રવારથી હોર્મુઝની ખાડી ખુલશે. યુદ્ધ પહેલાની સ્થિતિમાં કામગીરી થશે અથવા તો વેપાર શરૂ થશે તે માની લેવું ભુલ ભરેલું છે : હોર્મુઝની વાત કરવામાં આવે તો એક સાંકડો સમુદ્રમાર્ગ છે જ્યાંથી દુનિયાભરનું 20 ટકા ક્રૂડ સપ્લાય થાય છે. બીજી તરફ કતાર દુનિયાભરમાં જે એલએનજી સપ્લાય કરે છે તેમાંથી 93 ટકા સપ્લાય આ રસ્તે થાય છે. યુએઈનો 96 ટકા ક્રૂડ અને ગેસ સપ્લાય આ રસ્તે જ થાય છે. આ સિવાય ખાડી દેશો પાસે પોતાના ક્રૂડ અને ગેસ એશિયા તથા અન્ય પશ્ચિમી દેશોમાં મોકલવાનો કોઈ રસ્તો નથી.  આ બધું એકાએક સામાન્ય થઈ શકે નહીં : કતારના ગેસ પ્લાન્ટને જે નુકસાન થયું છે તેને સામાન્ય થતાં ઓછામાં ઓછા પાંચ વર્ષ લાગશે. 18 માર્ચે ઈરાને આક્રમક રીતે કતારના રાસ લાફન ગેસ કોમ્પ્લેક્સ ઉપર હુમલા કર્યા હતા. તેના કારણે આ પ્લાન્ટને મોટું નુકસાન થયું હતું. 

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર ફાઈનલ થઈ ગયો છે. તેના કારણે વિશ્વભરમાં રાહતનું વાતાવરણ સર્જાયું છે. આ જાહેરાત સાથે જ ક્રૂડના ભાવમાં ઘટાડો થયો છે અને વિશ્વભરના બજારોમાં સ્થિતિ સામાન્ય જોવા મળી હતી. દુનિયાભરના લોકોને લાગે છે કે, હવે સ્થિતિ સામાન્ય થઈ જશે અને જે ઊર્જા સંકટ સમગ્ર વિશ્વ ઉપર સર્જાયું હતું તેનો અંત આવી જશે. જાણકારો માને છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચેની સંધી દેખાય છે તેટલી સરળ નથી. ટ્રમ્પ હોય કે પેન્ટાગોન કે પછી બીજી તરફ ઈરાન હોય કે તેના નેતાઓ કોઈની પાસે જાદુઈ છડી નથી કે ફેરવશે અને બધું સામાન્ય થવા લાગશે.સૌથી મોટી વાત જ એ છે કે, હોર્મુઝની ખાડી ખુલશે ક્યારે એ કોઈને ખબર નથી. તે ખરેખર ખુલશે અને સંપૂર્ણ કાર્યરત થશે તેની પણ આપણને ખબર નથી. જો હોર્મુઝની ખાડી ખોલી પણ દેવામાં આવશે તો દુનિયાભરમાં ક્રૂડ અને ગેસનો સપ્લાય સામાન્ય થવામાં કેટલાક વર્ષ લાગી શકે તેમ છે. 

પ્રેક્ટિકલી પણ વિચારીએ તો છેલ્લાં સાડા ત્રણ મહિના એટલે કે અંદાજે ૧૦૦થી વધારે દિવસથી હોર્મુઝની ખાડી બંધ છે. યુદ્ધના કારણે ખાડી દેશોમાં મોટાભાગનાએ ક્રૂડનું ઉત્પાદન બંધ કરી દીધું હતું, ધીમું કરી દીધું હતું અને ઘણા દેશઓએ પોતાના ભંડાર ખાલી કરી લીધા હતા. હવે આ સમજૂતીની જાહેરાત થઈ છે અને બંને વચ્ચે બધું બરાબર ગોઠવાશે તો શુક્રવારથી હોર્મુઝની ખાડી ખુલશે. યુદ્ધ પહેલાની સ્થિતિમાં કામગીરી થશે અથવા તો વેપાર શરૂ થશે તે માની લેવું ભુલ ભરેલું છે. સ્થિતિ સામાન્ય થવામાં ઘણો સમય જવાનો છે.

ઉલ્લેખનીય છે કે, હોર્મુઝની વાત કરવામાં આવે તો એક સાંકડો સમુદ્રમાર્ગ છે જ્યાંથી દુનિયાભરનું ૨૦ ટકા ક્રૂડ સપ્લાય થાય છે. બીજી તરફ કતાર દુનિયાભરમાં જે એલએનજી સપ્લાય કરે છે તેમાંથી ૯૩ ટકા સપ્લાય આ રસ્તે થાય છે. યુએઈનો ૯૬ ટકા ક્રૂડ અને ગેસ સપ્લાય આ રસ્તે જ થાય છે. આ સિવાય ખાડી દેશો પાસે પોતાના ક્રૂડ અને ગેસ એશિયા તથા અન્ય પશ્ચિમી દેશોમાં મોકલવાનો કોઈ રસ્તો નથી. સાઉદી અને યુએઈ પાસે પાઈપલાઈન છે પણ તે પૂરતી નથી. તેના દ્વારા ક્રૂડ સપ્લાય કરી શકાય પણ ગેસ માટે તો જહાજો ઉપર જ આધાર રાખવો પડે. હવે આ રસ્તો બંધ થતા જ દુનિયાભરના સપ્લાયમાં ૨૦ ટકાનો ઘટાડો થઈ ગયો છે. દર અઠવાડિયે ૨૦૦ કરોડ ઘન મીટર ગેસ સપ્લાય અટકી ગયો છે. સાદી ભાષામાં કહીએ તો આધુનિક ઈતિહાસની સૌથી મોટી ક્રૂડ અને ગેસની સમસ્યા ઊભી થઈ હતી. 

જાણકારો માને છે કે, માત્ર આ રસ્તો ખુલી જવાથી સમસ્યાનો ઉકેલ આવે તેમ નથી. કતારના ગેસ પ્લાન્ટને જે નુકસાન થયું છે તેને સામાન્ય થતાં ઓછામાં ઓછા પાંચ વર્ષ લાગશે. ૧૮ માર્ચે ઈરાને આક્રમક રીતે કતારના રાસ લાફન ગેસ કોમ્પ્લેક્સ ઉપર હુમલા કર્યા હતા. તેના કારણે આ પ્લાન્ટને મોટું નુકસાન થયું હતું. 

અહેવાલો પ્રમાણે આ પ્લાન્ટના કુલ ઉત્પાદનમાંથી ૧૭ ટકા ઉત્પાદન ઘટી ગયું છે. કતારને જ પોતાનો ગેસ સપ્લાય પૂર્વવત કરવામાં ઘણો સમય લાગે તેમ છે. આ સિવાય એક અહેવાલ એવો પણ છે કે, કતારે જણાવ્યું છે કે, જ્યાં સુધી તેના જહાજો ઓપરેટ કરવા માટે સુરક્ષાની ખાતરી નહીં મળે ત્યાં સુધી તે ગેસનું ઉત્પાદન જ નહીં કરે. ધારો કે હોર્મુઝની ખાડી ખુલી જશે તો પણ તાત્કાલિક ક્રૂડ અને ગેસનો સપ્લાય બજારમાં આવી જશે અને અછત ઓછી થઈ જશે તેમ માનવું નહીં. તેવી જ રીતે ઈરાનના, સાઉદીના, કુવૈતના, કતારના ક્રૂડના કેન્દ્રો ઉપર જે હુમલા થયા છે તેને રિપેર કરતા અને ફરીથી સંપૂર્ણ રીતે કામ કરતા કરવામાં પણ ઘણો સમય પસાર થશે. 

મહત્ત્વની વાત એ છે કે, સોમવાર સુધી હોર્મુઝ અને તેની આસપાસ સ્થિતિ સામાન્ય જ હતી. મરિન ટ્રેકિંગ કંપનીઓ, નાવિકો અને જાણકારોના મતે ત્યાં કોઈ ગતિવિધિ જોવા મળી નહોતી. કોઈપણ નાવિકને કે જહાજના ઈન્ચાર્જને જહાજ ફરી શરૂ કરવાના કે આગળ વધવાની તૈયારી કરવાના કોઈ સંકેત કે મેસેજ આપવામાં આવ્યા હતા. ત્યાં એક જ ફેરફાર થયો છે કે, લગભગ દોઢ-બે મહિના બાદ અહીંયા જીપીએસ સિગ્નલ આવ્યા છે તેના કારણે હવે જહાજોને રસ્તો શોધવામાં મુશ્કેલી નહીં પડે. જહાજો અહીંયાથી જશે કે નહીં અથવા કેવી રીતે જશે અને ક્યારે જશે તેનો કોઈ જવાબ કોઈની પાસે નથી.

સૂત્રોના મતે હજી તો માત્ર રસ્તો ખોલવાની વાત થઈ છે. જહાજ ક્યારથી આવવા-જવાની શરૂઆત કરે છે તે મહત્ત્વનું છે. તે પહેલાં આ સામુદ્રિક રસ્તાઓમાં જે મરિન સુરંગો ગોઠવવામાં આવી છે તેને દૂર કરવી પડશે. તે ઉપરાંત અન્ય ભયસ્થાનો છે તેને દૂર કરવા પડશે. ટેન્કરોને ખાડી દેશોના ક્રૂડ અને ગેસ સપ્લાય કરનારા બંદરો સુધી પહોંચાડવા પડશે. ક્રૂડ અને ગેસનું ઉત્પાદન જે અટકેલું કે ઓછું થયેલું છે તેને ફરીથી સામાન્ય બનાવવું પડશે. જાણકારોના મતે જૂનના અંત સુધીમાં પણ જો હોર્મુઝની ખાડી સંપૂર્ણ રીતે ખોલી દેવામાં આવે તો પણ એશિયાના દેશોમાં ક્રૂડ અને ગેસ પહોંચવામાં, તેના ઉપર પ્રોસેસ થવામાં અને લોકો સુધી પહોંચવામાં ૬૦ થી ૭૦ દિવસ લાગે તેમ છે. સપ્ટેમ્બર પહેલાં સપ્લાયની અસર દેખાય તેમ લાગતું નથી. આ તો માત્ર શરૂઆતનો તબક્કો છે. યુદ્ધ પહેલાની સ્થિતિ લાવવામાં તો ઘણો સમય પસાર થઈ જવાનો છે. 

અમેરિકી જાણકારોનો જ અહેવાલ છે કે, મે મહિનામાં ખાડી દેશોનું ક્રૂડ ઉત્પાદન યુદ્ધ પહેલાની સરખામણીએ ૧ કરોડ બેરલ પ્રતિદિન જેટલું ઓછું હતું. જાણકારોનું માનવું છે કે, ખાડી દેશોને આ સપ્લાય શરૂ કરવામાં જ એકાદ વર્ષ લાગી જશે. જે તેલના ઉત્પાદન કેન્દ્રો, તેલના કુવાઓ અને સ્ટોરેજ વિસ્તારોને નુકસાન થયું છે તેનું સમારકામ કરવામાં અને તેને ફરીથી કાર્યરત થવામાં દોઢ-બે વર્ષનો સમય લાગી જશે. જ્યાં તેલના કુવાઓ, રિફાઈનરીઓ, ગેસ ઉત્પાદન કેન્દ્રો અત્યાર સુધી બંધ રહ્યા છે ત્યાં પણ ખામી સર્જાઈ હશે. આ બધું પણ નોર્મલ કરવામાં એકાદ વર્ષ જતું રહેશે.

પહેલાં રોજના 100 જહાજ આવતા હતા, હાલ 10 પણ નથી નીકળતા 

ઉલ્લેખનીય છે કે, યુદ્ધ પહેલાં હોર્મુઝની ખાડી ક્રૂડ અને ગેસના સપ્લાય માટે જીવાદોરી હતી. ત્યાં દરરોજ ૧૦૦ જેટલા જહાજો પસાર થતા હતા. 

હાલમાં સ્થિતિ એવી છે કે, અહીંયા રોજના ૧૦ જહાજ પણ પસાર થઈ શકતા નથી. ઈન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશને પણ જણાવ્યું કે હોર્મુઝની ખાડીમાં જહાજોનો વ્યાપક જમાવડો થયેલો છે. અહીંયા મોટી સંખ્યામાં જહાજો બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત જહાજ ઉપર રહેલા ચાલકદળ થાકી ગયા છે, કામ કરનારા માણસો પણ હવે થાક્યા છે. હજી તો માત્ર સમજુતીની જાહેરાત થઈ છે. 

સમજૂતી થયા પછી જ્યારે જહાજો નીકળશે ત્યારે ફરી સિક્ટોરિટી ચેકિંગ અને અન્ય પ્રોસેસ થશે જેમાં પણ ઘણો સમય જશે. તમામ જહાજો આવવા-જવામાં મહિનાઓ લાગી શકે છે. બીજી તરફ જાણકારોએ ટકોર પણ કરી છે કે, જહાજો છેલ્લાં ત્રણ મહિના કરતા વધારે સમયથી સમુદ્રના પાણીમાં સ્થિર પડયા રહ્યા છે. તેના કારણે તેની નીચેની સપાટી ઉપર શેવાળ, સમુદ્રી જીવો અને અન્ય ગંદકી ચોંટી ગઈ હશે. તેના પગલે જહાજની ઝડપ ઓછી થઈ શકે છે. આ ઉપરાંત આવા જહાજો જ્યારે પોતાના નક્કી કરેલા બંદરે પહોંચશે ત્યારે તેમની સાફસફાઈ કરવામાં પણ મહિનાઓ પાસ થઈ જશે. આ બધી સમસ્યાઓ ઝડપથી ઉકલે તેમ નથી.

ક્રૂડ અને ગેસના સપ્લાયની અછત ૨૦૩૦ સુધી જોવા મળી શકે : જાણકારો 

જાણકારોના મતે આગામી ચાર વર્ષ સુધી આ સ્થિતિની અસર વૈશ્વિક ધોરણે જોવા મળશે. બીજી તરફ આઈઈએના અહેવાલો જણાવે છે કે, વર્ષ ૨૦૨૬માં જે સ્થિતિ સર્જાઈ છે અને ગેસ તથા ક્રૂડનો સપ્લાય ઘટયો છે તેની અસર ૨૦૩૦ સુધી જોવા મળશે. આ ચાર વર્ષમાં દુનિયાને અંદાજે ૧૨૦ અબજ ઘન મીટર ગેસ ઓછો મળશે. જાણકારોના મતે ભારત દ્વારા એક વર્ષમાં જેટલો ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે તેનાથી અનેકગણો આ ગેસનો જથ્થો છે. ગેસનો સપ્લાય ઘટવાના બે મોટા કારણ છે. એક તેનો સપ્લાય અટકેલો છે અને બીજું નવો ગેસ બનાવવા માટે હાલ ઘણી કંપનીઓ તૈયાર નથી અને ઘણાને નુકસાન થયેલું છે જે સરભર કરવામાં સમય જશે. તેના કારણે આ કામગીરીમાં પણ ઓછામાં ઓછા બે વર્ષ લાગે તેમ છે. ૨૦૨૬ના બીજા ક્વાર્ટરમાં જે ગેસનો સપ્લાય વધવાની આશા હતી તેના ઉપર યુદ્ધને પગલે પાણી ફરી વળ્યું છે તેથી હવે આ સપ્લાય વધવાની આશા પણ ૨૦૨૮ સુધી લંબાઈ ગઈ છે.