ઇરાનના ચાબહાર બંદર પર ભરડો જમાવવાની ચીનની ચાલ
- ફંડમાં વિલંબનો હવાલો આપીને ઇરાન ચાબહાર રેલવે પરિયોજનામાંથી ભારતને અલગ કર્યું
- પાકિસ્તાનના ગ્વાદર બંદર પર તો ચીન અગાઉથી કબજો જમાવીને બેઠું છે અને હવે જો ઇરાનનું ચાબહાર બંદર પણ તેની પહોંચમાં આવી ગયું તો ભારત માટે અફઘાનિસ્તાન તેમજ મધ્ય એશિયાના બીજા દેશો સુધીની પહોંચ મુશ્કેલ બની જશે
ઇરાને ભારતને મોટો ઝાટકો આપતા ચાબહાર બંદરથી જાહેદાન રેલવે પરિયોજનાનું નિર્માણ પોતાના જોરે કરવાનો નિર્ણય કર્યો છે. વર્ષ ૨૦૧૬માં બંને દેશો વચ્ચે ચાબહાર બંદરના વિકાસ અને વિસ્તાર તેમજ રેલવેલાઇન તૈયાર કરવા અંગે સમજૂતિ થઇ હતી. ચાબહાર બંદરથી અફઘાનિસ્તાન પાસે આવેલા જાહેદાન સુધીની ૬૨૮ કિલોમીટર લાંબી રેલવેલાઇન બિછાવવાની હતી પરંતુ ભારત તરફથી મળનારા ફંડમાં વિલંબનું કારણ આગળ ધરીને પ્રોજેક્ટમાંથી ભારતને બહાર કરી દીધું છે.
ભારત માટે ચિંતાની બાબત એ છે કે તાજેતરમાં જ ચીને ઇરાન સાથે સમજૂતિ કરી છે જે અંતર્ગત ચીન ઇરાનમાં ૪૦૦ અબજ ડોલરનું રોકાણ કરશે. ચીને સાથે થયેલી સમજૂતિ બાદ જ ઇરાને ભારતને પ્રોજેક્ટમાંથી બહાર કર્યું એ સૂચક બાબત છે. ચીને અગાઉથી પાકિસ્તાનના ગ્વાદર બંદર પર કબજો જમાવ્યો છે અને જો હવે ઇરાનનું ચાબહાર બંદર પણ તેની પહોંચમાં આવી ગયું તો ભારત માટે અફઘાનિસ્તાન તેમજ મધ્ય એશિયાના બીજા દેશો સુધીની પહોંચ મુશ્કેલ બની જશે.
ભારતની ભૌગોલિક સ્થિતિ વિશિષ્ટ છે જેના દ્વારા સમગ્ર એશિયાની રાજનીતિને સંચાલિત અને પ્રભાવિત કરી શકાય એમ છે. અમેરિકા પણ આ વાત જાણે છે અને એટલા માટે જ ગયા મહિને એશિયા યાત્રા દરમિયાન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ક્ષેત્રને એશિયા-પેસિફિક કહેવાના બદલે ઇન્ડો-પેસિફિક કહ્યું હતું. પહેલા અમેરિકા અને હવે જાપાન તેમજ ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે મળીને ભારત હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં વ્યૂહાત્મક અને વ્યાવસાયિક રીતે ફાયદાકારક સ્થિતિમાં છે પરંતુ ઉત્તરે પાકિસ્તાન અને ચીનની નાકાબંધીના કારણે ભારતનો મધ્ય એશિયા અને મધ્ય-પૂર્વ એશિયા સાથેનો માર્ગ અવરોધાયેલો છે. આમ તો પહેલા ભારતની પહોંચ મધ્ય એશિયા સુધી હતી પરંતુ પહેલા પાકિસ્તાને પીઓકે અને ચીને અક્સાઇ ચીન પર કબજો મેળવી લેતા ભારતનો મધ્ય એશિયા સાથેનો ભૌગોલિક સંપર્ક કપાઇ ગયો. જેના કારણે ભારતને ગંભીર વ્યૂહાત્મક, વ્યાવસાયિક અને સાંસ્કૃતિક નુકસાન થતું રહ્યું છે.
ચાબહાર અને ગ્વાદર બંદરોનો ઇતિહાસ રસપ્રદ રહ્યો છે. ભાૌગોલિક રીતે જોતા ચાબહાર અને ગ્વાદર બંને ઓમાનની ખાડીના સામે છેડે એકબીજાને સમાંતર ગોઠવાયેલા છે. બંને બંદરો વ્યૂહાત્મક રીતે ઘણા મહત્ત્વના છે અને વર્ષો સુધી અમેરિકા અને રશિયા તેમના પર આધિપત્ય જમાવવા મથતા રહ્યાં છે. ચાબહારને નેવી બેઝ તરીકે વિકસાવવાની અમેરિકાની લાંબા સમયથી યોજના હતી પરંતુ ઇરાનમાં આયાતોલ્લાહ ખૌમેનીના બળવા બાદ ઇરાનના શાહે ગાદી ગુમાવવી પડતા અમેરિકાની આ યોજના પર પાણી ફરી વળ્યું. એ અગાઉ પણ સદીઓ સુધી ચાબહાર અને ગ્વાદર ગ્રીકો, આરબો, પોર્ટુગીઝો અને અંગ્રેજો માટે મહત્ત્વના રહ્યાં છે. બ્રિટનથી આઝાદ થયા બાદ ગ્વાદર આશરે ૨૦૦ વર્ષ સુધી ઓમાનના સુલતાનના આધિપત્ય હેઠળનું એક રજવાડું હતું. કલાતના ખાને ૧૭૮૩માં ગ્વાદર ઓમાનને ભેટરૂપે આપ્યું હતું.
ઇસવીસન ૧૮૬૩થી ૧૯૪૭ની આઝાદી સુધી ગ્વાદરનો વહીવટ બ્રિટીશ આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ હસ્તક હતો. એ સમયે આ વિસ્તારમાં ગણ્યાંગાંઠયા માછીમાર ગામડાઓથી વિશેષ કશું નહોતું. આઝાદી બાદ ભારતના ઓમાન સાથે મિત્રતાપૂર્ણ સંબંધો હોવા કારણે ઓમાનના સુલતાન વતી ભારત ગ્વાદરનો વહીવટ કરતું હતું. જ્યારે કલાતના ખાને ઓમાનના સુલતાનને ગ્વાદર પાકિસ્તાનને સોંપવાનું કહ્યું ત્યારે ઓમાનના સુલતાને ગ્વાદર સૌથી પહેલા ભારતને સોંપવા ચાહ્યું પરંતુ ભારતે એ ભેટનો અસ્વીકાર કર્યો. એ પછી ઓમાને ૧૯૫૮માં ગ્વાદરને ૩૦ લાખ ડોલરમાં વેચી દીધું અને ડિસેમ્બર ૧૯૫૮થી ગ્વાદર પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતનો હિસ્સો ગણાય છે.
ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ અંતર્ગતના ચાઇના પાક ઇકોનોમિક કોરિડોર સીપેકની પ્રગતિ સારી છે. ચીન પોતાની આ અતિ મહત્ત્વાકાંક્ષી યોજના અંતર્ગત પાકિસ્તાનના ગ્વાદર બંદરને વિકસાવી રહ્યું છે. ગ્વાદર બંદરના કારણે ચીન માટે મધ્ય-પૂર્વ એશિયાનો માર્ગ ખૂલી રહ્યો છે. ઉપરાંત ચીનના અશાંત પ્રાંત ઝિનજિયાંગના કાશગર ક્ષેત્રમાં નવા આર્થિક અવસર પણ ઊભા થઇ રહ્યાં છે. બીજી બાજુ પાકિસ્તાન સાથે સંબંધો તણાવભર્યા હોવા છતાં અફઘાનિસ્તાન હાલ ગ્વાદર બંદર પર જ નિર્ભર છે.
ગ્વાદર બંદર પર ચીનનો પ્રભાવ ભારત માટે ચિંતાજનક છે કારણ કે ચીન અહીંયા પોતાનું સમુદ્રી વ્યૂહાત્મક કેન્દ્ર પણ વિકસિત કરી રહ્યું છે. એક સમયે ગ્વાદરની વ્યૂહાત્મક મહત્તા સમજ્યા વિના તેને ઠુકરાવી દેવાની કરેલી ભૂલ ભારતને હવે ભારે પડી રહી છે. શ્રીલંકાના હંબનટોટા બંદરમાં ચીનના મોટા રોકાણ અને તેના સંચાલનનો અધિકાર ચીનના હસ્તગત જતો રહેતા હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચીન ભારતને વ્યૂહાત્મક પડકાર આપી શકવાની સ્થિતિમાં આવી ગયું છે. અરબ સાગર ક્ષેત્રમાં ચીનની વધી રહેલી હિલચાલને નિયંત્રિત કરવી ભારત માટે જરૂરી છે અને એ માટે ચાબહાર બંદર સાથે જોડાવું ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
ચાબહાર બંદર ગ્વાદરથી માત્ર એંસી કિલોમીટર જેટલું જ દૂર છે પરંતુ ભૌગોલિક રીતે તે ગ્વાદર કરતા વધારે સારી સ્થિતિમાં છે. હવે જો ભારત ઇરાન સાથે ચાબહાર બંદર દ્વારા જોડાઇ જાય તો ભવિષ્યમાં તે મધ્ય એશિયાના દેશો સાથે આસાનીથી વ્યવહાર કરી શકે એમ છે. ચાબહાર બંદર દ્વારા ભારત માટે મધ્ય એશિયાના દ્વાર તો ખૂલે એમ છે, સાથે સાથે ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટની ટક્કર લેવાની ક્ષમતા પણ આવે એમ છે.
દક્ષિણ એશિયાઇ દેશોમાં તો ચીનના વધી રહેલા પ્રભાવ સામે ભારત સતત નબળુ પડી રહ્યું છે. પાડોશી દેશોને મદદ કરવાના ભારત વાયદા તો ઘણા કરે છે પરંતુ ખરેખરી મદદ પહોંચાડવામાં ચીનની ગતિ ભારત કરતા ક્યાંય વધારે છે. એક સમય હતો કે દક્ષિણ એશિયાઇ દેશોમાં ભારતની વિદેશ નીતિ આક્રમક હતી. ભારતની વિદેશ નીતિને જોતા સરકારે શરૂઆતમાં તો બધા પાડોશી દેશો સાથે સંબંધો વધારવાની પહેલ કરી હતી પરંતુ વખત જતાં આપણે હવે અમેરિકા અને અન્ય વિકસિત દેશો સાથે સંબંધો ગાઢ બનાવવામાં પડયા છીએ. બીજી બાજુ ચીન ભારતના પાડોશી દેશો સાથે દિવસો દિવસ વધારે ને વધારે ગાઢ સંબંધો સ્થાપી રહ્યું છે.
આધુનિક જગતમાં ચીન સૈન્ય કાર્યવાહી દ્વારા પોતાની સામ્રાજ્યવાદી નીતિને આગળ વધારી શકે એમ નથી. પોતાની આ મંશા પૂરી કરવા તે પોતાની આર્થિક તાકાતનો ઉપયોગ કરે છે. ખાસ કરીને એશિયાના નાના દેશોને તે મોટા પાયે આર્થિક કરજ આપે છે અને પોતાના સકંજામાં સપડાવે છે. દેવુ ચૂકવવામાં આવા દેશો નિષ્ફળ જાય ત્યારે ચીન તેમની સાથે મનમાની કરે છે અને પોતાના લશ્કરી મથકો સ્થાપે છે. ચીનની શરતોને તાબે થવા આવા દેશોએ પોતાની આર્થિક નીતિઓ તો બદલવી જ પડે છે, પરંતુ સાથે સાથે ચીનને પોતાના દેશમાં જમીન આપવા પણ મજબૂર થવું પડે છે.
હકીકતમાં અમેરિકા સાથેની અણુસંધિ ફોક થયા પછી ઇરાન પર મૂકાયેલા અનેક પ્રતિબંધોના કારણે તેની સ્થિતિ કફોડી બની ગઇ છે. ભારતે પણ અમેરિકાના દબાણને વશ થઇને ઇરાન પાસેથી પેટ્રોલિયમ લેવાનું બંધ કરવું પડયું છે. ઇરાનની આર્થિક હાલત જ ખરાબ હોય તો રેલવે પરિયોજના માટે તે અબજો ડોલર ક્યાંથી એકઠા કરશે એ સવાલ થવો સ્વાભાવિક છે. એટલા માટે જ ચાબહાર પરિયોજનામાં ચીન પાછલા બારણે ઘૂસણખોરી કરશે એવી આશંકા જન્મે છે. જો ઇરાન અને ચીન વચ્ચેની આર્થિક સમજૂતિ સફળ નીવડશે તો પશ્ચિમ એશિયાઇ ક્ષેત્રનું સંપૂર્ણ રાજકીય અને વ્યૂહાત્મક ચિત્ર બદલાઇ જશે.
ઇરાન સાથે વીસ વર્ષની સમજૂતિ કરીને ચીને અમેરિકાની ઇરાન નીતિને પણ ઠેંગો દેખાડયો છે. તાજેતરમાં જ ચીને ભારત સાથે લદ્દાખ સરહદે વિવાદ આદર્યો હતો. તો સાઉથ ચાઇના સી તેમજ હોંગકોંગ અને તાઇવાનના મામલે પણ તે આક્રમક વલણ દાખવી રહ્યું છે. હવે ઇરાન સાથે સમજૂતિ કરીને ચીને અમેરિકાને તેમજ આંતરરાષ્ટ્રીય સમુદાયને સખત સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. બીજી બાજુ ચાબહાર બંદર દ્વારા ભારત, ઇરાન અને અફઘાનિસ્તાન વચ્ચે વ્યાવસાયિક અને સાંસ્કૃતિક સંબંધોની એક નવી કડી શરૂ થવાની અપેક્ષા હતી જે ધૂંધળી બની ગઇ છે. ચાબહારની કડીમાં આગળ જતા મધ્ય એશિયાના દેશો સાથે જોડાણ કરીને આર્થિક વિકાસ સાધવાની ભારતની અપેક્ષા પણ તૂટી ગઇ છે. એ સાથે જ અરબ સાગર ક્ષેત્રમાં દબદબો જમાવવાની પાકિસ્તાન અને ચીનની મહત્ત્વાકાંક્ષાઓ પણ મજબૂત બની રહી છે.