Get The App

ઈરાનની જેલો અત્યાચાર અને મોતના કારખાના જેવી છે

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનની જેલો અત્યાચાર અને મોતના કારખાના જેવી છે 1 - image

- ખામેનેઈની સરકાર દ્વારા ઈરાનમાં સેના, ન્યાયતંત્રને દબાણમાં લાવીને લોકો ઉપર કાળો કેર વર્તાવવામાં આવ્યો છે

- ગત વર્ષે 11 લોકોને જાહેરમાં ફાંસી આપવામાં આવી. આ લોકોનો વાંક માત્ર એટલો જ હતો કે, તેઓ પોતાના અધિકારોની માગણી કરતા હતા અને તેથી સરકારે પકડીને ફાંસીએ લટાવી દીધા જેથી લોકોમાં ભય અને દબાણ યથાવત્ રહે : જેલમાં પણ 11 હજાર કરતા વધારે લોકોને ધકેલી દેવાયા છે. કોલેજ જનારા વિદ્યાર્થીઓ, પત્રકારો, સમાજસેવકો અને સામાન્ય લોકોને જેલભેગા કરી દીધા છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે, જેલમાં જગ્યા ઓછી પડી રહી છે. આ ઉપરાંત ગત વર્ષે 18 વખત ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું : ગત વર્ષે 193 સામાન્ય નાગરિકોને સેના દ્વારા ગોળીઓ મારવામાં આવી હતી. તેમાંથી 93 લોકોનાં મોત થયા હતા. આ સિવાય ફ્યૂઅલ કેરીયર સાથે સંકળાયેલા લોકો પણ મિલિટરી એક્શનનો ભોગ બન્યા છે. તેમાં 74 લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત લેન્ડમાઈન્સ ફાટવાથી 20 લોકોનાં મોત થયા હતા

ઈરાનમાં ચાલી રહેલા વિરોધ અને વિદ્રોહ વચ્ચે સમગ્ર દુનિયાના સમીકરણ બદલાઈ રહ્યા છે. ખાસ કરીને અમેરિકાએ હવે ઈરાન સામે યુદ્ધનો મોરચો માંડી લેતાં વૈશ્વિક સ્થિતિ ડામાડોળ થવા લાગી છે. બીજી તરફ ઈરાનમાં આંતરિક ગૃહયુદ્ધની સ્થિતિ વકરતી જાય છે. ઈરાનમાં હાલમાં જેલમાં પણ વિરોધ અને વિદ્રોહની આગ ફેલાઈ છે. ખામેનેઈ દ્વારા હજારો લોકોને જેલમાં ધકેલવામાં આવ્યા છે અને પહેલેથી જ જે હજારો લોકો જેલમાં છે તેમણે પણ હલ્લાબોલ શરૂ કર્યું છે. જાણકારોના મતે ઈરાન એક એવો દેશ છે જ્યાં સત્ય બોલવું કે હકની માગણી કરવા તે મોતને આમંત્રણ આપવા સમાન છે. ઈરાનની જેલો આજે અત્યાચાર અને મોતના કારખાના જેવી ગણાય છે. અહીંયા આજે પણ હજારો લોકોને માત્ર એટલા કારણથી જ જેલમાં ધકેલી દેવાયા છે કારણ કે તેઓ પોતાના અધિકારની માગણી કરતા હતા. તાજેતરમાં માનવાધિકાર સાથે જોડાયેલો એક અહેવાલ સામે આવ્યો છે. તેમાં જણાવાયું છે કે, અહીંયા જાહેરમાં ફાંસી આપવાની પ્રથા અટકાવવા અને આ ફાંસીનો વિરોધ કરનારને જાહેરમાં કોરડા ફટકારવાની સજા છે. તેના વિરોધમાં કેદીઓ હવે ભુખ હડતાળ ઉપર ઉતરી આવ્યા છે.

એચઆરએએનએનો એક અહેવાલ જણાવે છે કે, ઈરાનમાં સ્થિતિ અત્યંત ખરાબ છે. વર્તમાન સરકાર દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું છે. ૨૦૨૫-૨૬ દરમિયાન ઈરાન સરકાર દ્વારા પોતાના જ નાગરિકોનો અવાજ દબાવવા અને તેમની અધિકારોની માગણીઓને કચડી નાખવા માટે ન્યાયંત્રની કામગીરી અને સુરક્ષા દળોની કામગીરીને આક્રમક બનાવી દેવાઈ છે. અનેક લોકોને પકડી પકડીને જેલમાં નાખવામાં આવી રહ્યા છે. જેલોમાં કેદીઓની સંખ્યામાં અધધ વધારો થઈ રહ્યો છે. બીજી તરફ જેલમાં લોકો સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઈરાન એક એવો દેશ છે જ્યાં માનવાધિકારોનો કચ્ચરઘાણ વાળી કાઢવામાં આવે છે. અહીંયા કોઈને પણ ફાંસીની સજા થવી ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. અહેવાલો જણાવે છે કે, ગત વર્ષે ઈરાનમાં ૮૧૧ લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી. તેમાંથી ઘણા લોકોને જાહેરમાં ફાંસીએ ચડાવવામાં આવ્યા હતા. સરકારની જઘન્ય માનસિકતા છે કે, લોકોને આ રીતે જાહેરમાં ફાંસી આપવાથી બાકીના લોકો દબાણમાં રહે છે અને ભયમાં રહે છે. દુઃખની વાત એ છે કે, ગત વર્ષે જે લોકોને જેલમાં કે જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવી તેમાંથી મોટાભાગના લોકોએ તો પોતાના અધિકારની માગણી કરી હતી. અધિકારના બદલે તેમને મોત આપવામાં આવ્યું હતું. 

બીજી તરફ હાલમાં સ્થિતિ એવી છે કે, વિરોધ પ્રદર્શનથી અકળાયેલી ઈરાની સરકારે અનેક લોકોને પકડી પકડીને તેમની અટકાયત કરી છે. જેલમાં પણ ૧૧ હજાર કરતા વધારે લોકોને ધકેલી દેવાયા છે. કોલેજ જનારા વિદ્યાર્થીઓ, પત્રકારો, સમાજસેવકો અને સામાન્ય લોકોને જેલભેગા કરી દીધા છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે, જેલમાં જગ્યા ઓછી પડી રહી છે. બીજી તરફ સમાજમાં પણ એક પ્રકારના વૈચારિક જેલ ઊભી કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. જે લોકો સોશિયલ મીડિયા થકી વિરોધ કરતા હતા તેમને અટકાવવા માટે સરકારે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. ગત વર્ષે ૧૮ વખત ઈરાન સરકાર દ્વારા સમયાંતરે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. જાણકારો માને છે કે, વારંવાર આવું કરવાનું એક કારણ એવું પણ છે કે દુનિયાને ઈરાનની અંદર શું ચાલી રહ્યું છે અને તેને કેવી રીતે અટકાવવામાં આવ્યું તેની કોઈ જ માહિતી મળે નહીં.

ઈરાનમાં ન્યાયતંત્ર પણ સરકારના દબાણ અને ઈશારે ચાલે છે. અહીંયા લોકોને જાહેરમાં કોરડા ફટકારવાની સજા કરવામાં આવે છે. તાજેતરમાં પણ આંદોલન દરમિયાન ૧૦૦ લોકોને કોરડા ફટકારવાની સજા કરવામાં આવી હતી. બીજી તરફ ઘણા લોકો જે વિરોધ પ્રદર્શનમાં પકડાયા હતા તેમને ૨૦-૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે. રેલીઓ કાઢવા બદલ અને પોતાના અધિકારો માગવા બદલ તેમને આ સજા ફટકારવામાં આવી છે. લોકોને જે જેલમાં રાખવામાં આવ્યા છે તેની સ્થિતિ પણ અત્યંત ખરાબ છે. અહીંયા અડધા કેદીઓ બીમાર છે. તેમની સારવાર કરનાર ડોક્ટરો નથી. ઘણા કેદીઓ ભુખ હડતાળ કરી રહ્યા છે. તેઓ પણ પોતાના યોગ્ય ભોજન, સારવાર જેવી પાયાગત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ ઉપરાંત મહિલાઓ અને લઘુમતીઓની સ્થિતિ પણ અત્યંત દયનીય છે. જે મહિલાઓ હિજાબના નિયમોનું પાલન નથી કરતી તેમને મોટી રકમનો દંડ કરવામાં આવે છે અને તેમની ગાડીઓ પણ જપ્ત કરી લેવામાં આવે છે. આ ઉપરાંત અન્ય ધર્મના લોકો અને લઘુમતીઓને પણ કારણ વગર રંજાડવામાં આવે છે અને દબાવવામાં આવે છે.

હ્યુમન રાઈટ્સ એક્ટિવિટી ન્યૂઝ એજન્સી દ્વારા ઈરાનમાં ચાલી રહેલી સ્થિતિ ઉપર ઘણા સમયથી વોચ રાખવામાં આવી રહી છે. તેણે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, ઈરાનની આંતરિક સ્થિતિ અત્યંત ભયાનક, દયનીય અને કચડાયેલી છે. આ એજન્સી દ્વારા પીડતો સાથે, તેમના પરિવાર સાથે, કેદીઓ સાથે, વકીલો સાથે અને ગુપ્ત દસ્તાવેજોની તપાસ કરીને તથા વિરોધ પ્રદર્શન દરમિયાન હાજર રહેલા લોકો અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરીને માહિતી મેળવવામાં આવી છે. તેના કારણે જ ઈરાનની આંતરિક સ્થિતિના આંકડા વિશ્વાસ કરી શકાય તેવા લાગી રહ્યા છે.આ અહેવાલ જણાવે છે કે, સરકાર દ્વારા સત્તા અને કાયદાનો ભયાનક સ્તરે દૂરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરક્ષા જવાનો દ્વારા સામાન્ય લોકો સામે જે પગલાં ભરવામાં આવે છે તેનું ભયાનક પરિણામ આવી રહ્યું છે. ગત વર્ષે ૧૯૩ સામાન્ય નાગરિકોને સેના દ્વારા ગોળીઓ મારવામાં આવી હતી. તેમાંથી ૯૩ લોકનાં મોત થયા હતા. ઈરાનમાં સરહદેથી ખભા ઉપર માલસામાન લાદીને આવતા લોકોનાં પણ સેનાના અત્યાચાર અને ગોળીબારમાં મોત થયાના આંકડા છે. 

આ સિવાય ફ્યૂઅલ કેરીયર સાથે સંકળાયેલા લોકો પણ મિલિટરી એક્શનનો ભોગ બન્યા છે. તેમાં ૭૪ લોકોનાં મોત થયા છે જ્યારે ૮ લોકોને ગંભીર ઈજા થઈ હતી. આ ઉપરાંત લેન્ડમાઈન્સ ફાટવાથી ૨૦ લોકોનાં મોત થયા હતા જ્યારે ૨૨ને ઈજા થઈ હતી. આ સિવાય ૯૬ લોકોને કુલ ૫૧૦૦ કોરડા ફટકારવાની સજા અપાઈ હતી. તે સિવાય ૧૧ લોકોનો હાથ અને પગ કાપવાની સજા અપાઈ હતી. ૭૬ લોકોની માત્રા જાહેરમાં ભેગા થવા બદલ ધરપકડ કરાઈ હતી.

ઈરાનમાં ગત વર્ષે 811 લોકોને ફાંસી આપવામાં આવી, રાજકીય ફાંસીનું પ્રમાણ 35 ટકા વધ્યું

માનવતાવાદી સંગઠનોનો અહેવાલ જણાવે છે કે, ઈરાનમાં ૨૦૨૫-૨૬માં અમાનવીય સજાઓ અને નાયયીક કામગીરીઓ ચરમસીમાએ પહોંચી ગઈ છે. ઈરાનમાં ગત વર્ષે ૮૧૧ લોકોનો ફાંસી આપવામાં આવી હતી. તેમાં ૧૧ લોકોને જાહેરમાં ફાંસી આપવામાં આવી જેથી સમાજમાં ભય અને દબાણ યથાવત્ રહે. જાણકારોના મતે નશાનો વેપાર કરનારા અને હત્યાના કેસમાં પકડાયેલા લોકોને સૌથી વધારે ફાંસી આપવામાં આવી છે. આ ઉપરાંત ઈરાનમાં રાજકીય ફાંસીમાં ૩૫ ટકા જેટલો વધારો નોંધાયો છે. આ સિવાય જેટલા લોકોને ફાંસી આપવામાં આવી છે તેમાંથી ૬૮ ટકા ફાંસીની સજા ગુપ્ત રીતે આપવામાં આવી છે. 

ઘણી વખત ફાંસીની જાહેરાત થયા વગર જ એકાએક ગુનેગારને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા છે. અહીંયા અદાલતો પણ સરકાર દ્વારા જ કન્ટ્રોલ થઈ રહી છે. સરકારના ઈશારે સજા જાહેર કરવામાં આવે છે. ગત વર્ષે ૧૨૭ લોકોને જાહેરમાં કરોડા મારવાની સજા ફઠકારવામાં આવી હતી. તે ઉપરાંત ૨૦૨૫માં ૧૮ વખત ઈન્ટરનેટ બંધ રાખવાના પગલાં ભરવામાં આવ્યા હતા. આ સિવાય ગત વર્ષે અંદાજે ૧૧,૦૦૦ લોકોની માનવાધિકારોની માગણી, રાજકીય વિરોધ અથવા તો ધાર્મિક કારણોસર ધરપકડ કરવામાં આવી હતી. 

આ તમામ લોકોને જેલ હવાલે કરી દેવાયા હતા. જેલમાં મોકલાયેલા લોકોમાં ૨૬૦૦થી વધારે વિદ્યાર્થીઓ હતા જ્યારે ૪૫૦થી વધારે સામાજિક કાર્યકર્તાઓ હતા. કરુણતા એ છે કે, જેલમાં ૬૦ ટકાથી વધારે કેદીઓ રાજકીય કેદીઓ છે. તેમને જરૂર હોય ત્યારે મેડિકલ સારવાર આપવી પડે છે છતાં તેમને આપવામાં આવતી નથી. આ ઉપરાંત જેલમાં જ કેદીઓ ઉપર શારીરિક અને માનસિક ત્રાસના ૧૨૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. તેમની પાસે કોઈપણ રીતે ગુનો સ્વીકારવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે.

નોબેલ શાંતિ પુસ્કાર વિજેતાને પણ ઈરાને જેલમાં ધકેલી દીધી છે

ઈરાનમાં હાલમાં જેલમાં જે વિરોધ અને વિદ્રોહ શરૂ થયા છે તેની પાછળ મુખ્ય ચહેરા તરીકે નર્ગિસ મોહમ્મદી કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૩માં નર્ગિસ મોહમ્મદીને નોબેલ શાંતિ પુસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. ઈરાનમાં મહિલાઓ ઉપર થતા અત્યાચાર અને માનવાધિકારો માટે લડવા બદલ નર્ગિસને આ સન્માન આપવામાં આવ્યું હતું. નર્ગિસ ઘણા વર્ષોથી જેલમાં જ છે. 

નર્ગિસ તહેરાનની અત્યંત બદનામ એવિન જેલમાં કેદ છે. નાદુરસ્ત તબિયત અને ગંભીર બિમારીઓની અસર છતાં નર્ગિસે જેલની દીવાલો વચ્ચે પણ માનવાધિકારીની જંગ ચાલુ રાખી છે. તેણે જ જેલમાં નો ટુ એક્ઝિક્યુશન ટયૂઝડે નામનું અભિયાન શરૂ કરાવ્યું છે. અહેવાલોના મતે નર્ગિસ અને અન્ય ૫૦થી વધારે મહિલા કેદીઓ દ્વારા આ આંદોલન ઘણા સમયથી ચલાવાઈ રહ્યું છે. નર્ગિસને જેલની સજા ઉપરાંત કોરડા મારવાની સજા પણ આપવામાં આવી હતી. તે પોતાના પરિવારથી પણ વિખુટી થયેલી છે. તેનો પતિ અને બે બાળકો ફ્રાન્સમાં રહે છે. તેમની સાથે નર્ગિસની વાત પણ કરાવવામાં આવતી નથી. જેલમાં અન્ય કેદીઓની તો નર્ગિસ કરતા પણ જઘન્ય સ્થિતિ છે. હાલમાં ઈરાનની ૫૦થી વધારે જેલોમાં કેદીઓ દ્વારા સામુહિક રીતે ભુખ હડતાળ કરવામાં આવે છે. તેઓ દર મંગળવારે ફાંસી નહીં આપવાના સમર્થનમાં આ ભુખ હડતાળ કરી રહ્યા છે. ખાસ કરીને રાજકીય કેદીઓને અચાનક આપવામાં આવી રહેલી ફાંસીના વિરોધમાં આ આંદોલન શરૂ કરાયું હતું. ઈરાન સરકારના જક્કી વલણમાં કોઈ જ સુધારો થયો નથી.