જોશીમઠ પર આફત, ઈસરો સહિતની સંસ્થાઓ પર સેન્સરશિપ કેમ?

Updated: Jan 17th, 2023


- જોશીમઠમાં સ્થિતી વધારે ગંભીર : ઉત્તરાખંડ અને કેન્દ્ર સરકાર બંને સાચી વિગતો બહાર આવે એવું ઈચ્છતી નથી

- એનડીએમએના ફરમાને વરસોથી પ્રમાણિકતાથી કામ કરતી ઈસરો સહિતની સંસ્થાઓની વિશ્વસનિયતા સામે શંકા ઉભી કરી દીધી છે. ઈસરોનો  રીપોર્ટ સેટેલાઈટ તથા બીજી વૈજ્ઞાનિક પધ્ધતિ દ્વારા નોંધાયેલા ડેટાના આધારે અપાયેલો છે. ઉત્તરાખંડના મંત્રીનો દાવો છે કે, આ રીપોર્ટમાં સત્ય નથી તેથી લોકોમાં ગૂંચવાડો પેદા થયો છે. આ રીપોર્ટ સાચો ના હોય તો સરકારે સત્ય લોકોની સામે મૂકવું જોઈએ પણ સરકાર તેને માટે પણ તૈયાર નથી.

ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી રહી છે અને તેના કારણે સંખ્યાબંધ મકાનોમાં તિરાડો પડી રહી છે એવા અહેવાલોના કારણે લોકોમાં ફફડાટ છે. જોશીમઠમાં સેંકડો મકાનો ધરાશાયી થઈ જાય ને તેના કારણે હજારો લોકો બેઘર બની જાય એવી સ્થિતી છે ત્યારે કેન્દ્ર સરકારના તાબા હેઠળની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)એ એક ફતવો બહાર પાડીને લોકોમો ફફડાટ વધારી દીધો છે.

જોશીમઠની સ્થિતી અંગે સરકારની સંસ્થાઓ તથા વૈજ્ઞાનિક સંગઠનો લોકોને ચેતવી રહ્યાં છે ત્યારે એનડીએમએએ ફરમાન કર્યું છે કે, જોશીમઠમાં જમીન ધસી રહી છે એ મુદ્દે મીડિયા સાથે વાત ના કરવી કે સોશિયલ મીડિયા પર કોઈ ડેટા પણ શેર ના કરવો. એ માટે એવું કારણ અપાયું છે કે, આ સંસ્થા-સંગઠનોના નિષ્ણાતો પરિસ્થિતીનું અર્થઘટન કરી રહ્યા છે તેના કારણે માત્ર અસરગ્રસ્ત લોકોમાં જ નહીં પણ દેશનાં લોકોમાં પણ ગૂંચવાડો પેદા થઈ રહ્યો છે. 

ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન  (ઈસરો)ના નેશનલ રીમોટ સેન્સિંગ સેન્ટર (એનઆરએસસી) દ્વારા જોશીમઠના કેટલાક ભાગોમાં જમીન ઝડપભેર ધસી રહી હોવાનો દાવો કરતો રીપોર્ટ મૂકાયો હતો. એનઆરએસસી દ્વારા આ રીપોર્ટ પણ પોતાની વેબસાઈટ પરથી હટાવી લેવાયો છે. આ રીપોર્ટમાં દાવો કરાયો હતો કે, ૨૭ ડીસેમ્બરથી જમીન ઝડપથી ધસી રહી છે અને ૧૨ દિવસના ગાળામાં જ ૫ સેમી જમીન ધસી ગઈ છે. 

આ રીપોર્ટે સૌને ચોંકાવી દીધા હતા. ઉત્તરાખંડ સરકારના કેબિનેટ મંત્રી ધનસિંહ રાવતનો દાવો છે કે, ઈસરોના રીપોર્ટના કારણે જોશીમઠમાં ગભરાટ વધી ગયો હતો તેથી પોતે ઈસરોના ડિરેક્ટરને કહીને રીપોર્ટ દૂર કરવા કહેલું. મેં તેમને સત્તાવાર નિવેદન આપવા કહેલું ને આ પ્રકારની વિગતો વેબસાઈટ પર નહીં મૂકવા વિનંતી કરી હતી. રાવતનો દાવો છે કે, પોતે માત્ર સત્ય કહેવા જ કહ્યું છે ને સત્ય ના હોય એવો રીપોર્ટ વેબસાઈટ પરથી દૂર કરવા કહેલું. 

રાવતનો દાવો છે કે, ઈસરો દ્વારા મૂકાયેલા રીપોર્ટ જેવા કોઈ પણ રીપોર્ટ મૂકતાં પહેલાં કેન્દ્ર કે રાજ્ય સરકારની મંજૂરી મેળવવી ફરજિયાત કરવાનું પોતે સૂચન કરેલું. તેના આધારે એનડીએમએએ આ સૂચના આપી છે. એનડીએમએએ ઈસરો અને જીયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા સહિતની ડઝનેક ટોચની સંસ્થાઓને જોશીમઠ અંગે કંઈ પણ નહીં કહેવા ફરમાન કર્યું છે. 

એનડીએમએએ આ ફરમાન કરીને વરસોથી પ્રમાણિકતાથી કામ કરતી ઈસરો સહિતની સંસ્થાઓની વિશ્વસનિયતા સામે શંકા ઉભી કરી દીધી છે. ઈસરોએ જે રીપોર્ટ આપ્યો એ સેટેલાઈટ તથા બીજી વૈજ્ઞાનિક પધ્ધતિ દ્વારા નોંધાયેલા ડેટાના આધારે અપાયેલો છે. ઉત્તરાખંડ સરકારના મંત્રીનો દાવો છે કે, આ રીપોર્ટમાં સત્ય નથી તેથી આ પ્રકારના રીપોર્ટ લોકોમાં ગૂંચવાડો પેદા કરે છે. આ રીપોર્ટ સાચો ના હોય તો સરકારે સત્ય લોકોની સામે મૂકવું જોઈએ પણ સરકાર તેને માટે પણ તૈયાર નથી.  

એનડીએમએના ફરમાન પરથી સ્પષ્ટ છે કે, ઉત્તરાખંડ અને કેન્દ્ર સરકાર બંને જોશીમઠની સ્થિતી અંગેની વિગતો બહાર આવે એવું ઈચ્છતી નથી. તેનો અર્થ એ થાય કે, જોશીમઠમાં સ્થિતી ધાર્યા કરતાં વધારે ગંભીર છે ને સરકાર આ વાત લોકો સુધી પહોંચે એવું ઈચ્છતી નથી. એ માટે ભારે વિશ્વસનિયતા ધરાવતી સરકારની સંસ્થાઓના રીપોર્ટને ખોટા ગણાવવામાં પણ સરકારને વાંધો નથી. બંને સરકારોને જોશીમઠની વાસ્તવિકતા લોકો સુધી ના પહોંચે તેમાં શું રસ છે ને સરકાર શું દબાવી રાખવા માગે છે એ ખબર નથી પણ આ ફરમાન લોકોના અધિકારનું હનન કરનારું છે. લોકશાહીમાં લોકોને સત્ય જાણવાનો અધિકાર છે પણ સરકાર સંસ્થાઓનાં મોં બંધ કરીને બેસી ગઈ છે. 

જોશીમઠની સ્થિતી અંગે સરકારનું વલણ શંકાસ્પદ છે જ. પહેલાં એવો દાવો કરાયેલો કે, માત્ર ૬૦૦ ઘરોમાં તિરડો પડી છે. પછી એ આંકડો વધારીને ૮૦૦ની આસપાસ થયો ને અત્યારે એવું કહેવાય છે કે, ૧૫ હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરાયું છે. તેનો અર્થ એ થાય કે, ઓછામાં ઓછાં ત્રણ હજાર ઘર ખાલી કરાવીને લોકોને ખસેડાયાં છે. જોશીમઠમાં ચાર હજાર ઘર છે એ જોતાં પંચોતેર ટકા ઘરો ખાલી કરાવી દેવાયાં હોય તેનો સાફ અર્થ એ થાય કે, આખા જોશીમઠ પર ખતરો હોવાની વાત ખોટી નથી. બંને સરકારે સત્ય લોકો સામે મૂકવાવું હોય તેના બદલે સત્યને દબાવાઈ રહ્યું છે. 

ભૂસ્તરશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે, જોશીમઠ પર જ આફત નથી પણ હિંદુઓ માટે પવિત્ર મનાતાં ઉત્તરાખંડનાં તમામ ધર્મસ્થાનો ખતરામાં છે. આ મુદ્દે કહેવાતાં હિંદુવાદી સંગઠનો અને નેતાઓ ચૂપ છે. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવીને જોશીમઠમાં બાંધકામો બંધ કરાવવા દાદ માગી છે કેમ કે જોશીમઠના ભૂસ્ખલનને કારણે શંકરાચાર્યનો આશ્રમ જ્યાર્તિમઠને   ભારે નુકસાન થયું છે.  

ભગવાન બદ્રીનાથના શિયાળામાં જોશીમઠમાં નિવાસ કરે છે એવી હિંદુઓની માન્યતા છે. આ નિવાસને પણ  ભારે નુકસાન થયું છે. આ મુદ્દે બધાં ચૂપ છે. 

ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે કે, જોશીમઠ જેવી જ હાલત ઉત્તરાખંડમાં બીજાં ધર્મસ્થાનોની પણ થઈ શકે છે કેમ કે આડેધડ બાંધકામોના કારણે આ વિસ્તારોમાં જમીનના બંધારણનું સંતુલન ખોરવાઈ ગયું છે. ૨૦૧૩માં કેદારનાથમાં આવેલા વિનાશક પૂરનું કારણ આ બાંધકામો હતાં પણ તેના પર હજુ પ્રતિબંધ નથી. બીજાં ધર્મસ્થાનોની પણ આ જ હાલત છે પણ કહેવાતા હિંદુવાદીઓને તેની પરવા નથી.

કોઈ ફિલ્મના એકાદ ગીતને કારણે લાગણી દુભાઈ જતાં હોહા કરી મૂકતા હિંદુવાદીઓ પવિત્ર ધર્મસ્થાનો સામેના ખતરા અંગે સાવ ચૂપ છે. સરકાર પર દબાણ લાવીને વિકાસના નામે કરાતા પ્રોજેક્ટ તાત્કાલિક બંધ નહીં થાય તો ભવિષ્યમાં આ પવિત્ર ધર્મસ્થાનો પર જોશીમઠ કરતાં પણ મોટો ખતરો આવી જશે.

જોશીમઠની આફત માટે બે સરકારી પ્રોજેક્ટ જવાબદાર

જોશીમઠમાં જમીન બેસી રહી છે તેના માટે વિકાસના નામે આડેધડ ખોદકામ અને બાંધકાનમ કરીને ઉભા કરાઈ રહેલા બે પ્રોજેક્ટ જવાબદાર મનાય છે. પહેલો પ્રોજેક્ટ એનટીપીસીનો તપોવન-વિષ્ણુગઢ હાયડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ અને બીજો પ્રોજેક્ટ ચાર ધામ નેશનલ હાઈવે પ્રોજેક્ટ છે. સરકાર આ બંને પ્રોજેક્ટના કારણે જોશીમઠની હાલત બગડી હોવાની વાત માનવા તૈયાર નથી પણ નિષ્ણાતોનું કહેવુ છે કે, આ બે પ્રોજેક્ટના કારણે જ ધીરે ધીરે જોશીમઠ તથા આસપાસના બે વિસ્તારોમાં જમીનો બેસી ગઈ.

એનટીપીસીનો પ્રોજેક્ટ ૨૦૦૬માં શરૂ થયો ત્યારે કેન્દ્રમાં ડો. મનમોહનસિંહની કોંગ્રેસ સરકાર હતી જ્યારે ચાર ધામ નેશનલ હાઈવે પ્રોજેક્ટ ૨૦૧૬માં શરૂ થયો ત્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર હતી.

તપોવન-વિષ્ણુગઢ હાયડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ દ્વારા આસપાસના વિસ્તારોને વીજળી અપાય છે જ્યારે ચાર ધામ નેશનલ હાઈવે પ્રોજેક્ટથી ચાર ધામ હાઈવેથી જોડાય છે.

 જોશીમઠ બદરીનાથનું પ્રવેશદ્વાર મનાય છે. ઉત્તરાખંડમાં આવેલાં બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી એ ચાર ધામની યાત્રાએ જવું હોય તો જોશીમઠ થઈને જ જવું પડે. આ ચાર ધામ સુધી લોકો સરળતાથી પહોંચી  શકે એ માટે આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે.

ઈસરોના રીપોર્ટમાં શું ચોંકાવનારો દાવો કરાયેલો ? 

જોશીમઠ અંગે મીડિયા સાથે વાત નહીં કરવાનું ફરમાન ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના રીપોર્ટના કારણે કરાયું છે. ઇસરોના રીપોર્ટમાં દાવો કરાયો હતો કે, જોશીમઠમાં જમીન ધસી પડવાની પ્રક્રિયા લાંબા સમયથી ચાલે છે. તેના કારણે જમીનમાં તિરાડો પડી રહી છે પણ છેલ્લા ૧૨ દિવસમાં આ પ્રક્રિયા ભયજનક રીતે તેજ બની છે.

ઈસરોએ પોતાની વાતના સમર્થનમાં આંકડા પણ આપ્યા છે. ઈસરોના રીપોર્ટ પ્રમાણે, ૨૦૨૨માં એપ્રિલથી નવેમ્બરના સાત મહિનાના ગાળામાં જમીનમાં ૯ સેમી પહોળી તિરાડો પડી હોવાનું નોંધાયું હતું પણ છેલ્લા ૧૨ દિવસમાં જ તિરાડોની પહોળાઈમાં ૫ સેમીનો વધારો થયો છે. મતલબ કે, અંદર પોલાણ વધી રહ્યું છે અને ઝડપથી જમીન ધસી રહી છે.

ઈસરોનો રીપોર્ટ એ વાતનો પુરાવો છે કે, જોશીમઠમાં સ્થિતી અત્યંત સ્ફોટક છે અને આખું શહેર જ જમીનમાં ગરકાવ થઈ જાય એવો ખતરો છે. ઈસરો રીપોર્ટ ડેટા આધારિત છે તેથી વાસ્તવિકતા દર્શાવે છે પણ સરકારને સાચી વાત પચી નથી.

    Sports

    RECENT NEWS