Get The App

વિષયુક્ત વિકાસ : વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં ભારત 138મા સ્થાને

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
વિષયુક્ત વિકાસ : વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં ભારત 138મા સ્થાને 1 - image

- 'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ' થકી વિકાસની કપોળ કલ્પનાઓ નહીં પણ 'એક્ચ્યુઅલ ઈન્ડિયન્સ'ની વાસ્તવિક સ્થિતિ સુધારવાને વિકાસ ગણાય તે સમજવું પડશે

- ભારતની 60 કરોડ વસતીને દરરોજ પીવાના અને વપરાશના પાણીની વ્યવસ્થા કરવા માટે સંઘર્ષ કરવો પડે છે. 2030 સુધીમાં ભારતમાં પાણીની માગ બમણી થઈ જશે. આજે સ્થિતિ એવી છે કે, વિશ્વમાં જેટલું કુલ સ્વચ્છ પાણી છે તેનો માત્ર 4 ટકા ભાગ જ ભારત પાસે છે જ્યારે તેની સરખામણીએ દુનિયાની કુલ વસતીની 17 ટકા વસતી ભારતમાં રહે છે : 2013 બાદ ભારતમાં પીવાના પાણીની ગુણવત્તામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તાજેતરમાં જારી થયેલી યાદીમાં પણ તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. હાલની યાદીમાં ભારતને ઈપીઆઈ માત્ર 25.5 છે. રવાન્ડા, યુગાન્ડા અને સાઉથ આફ્રિકા જેવો ભારતનો ઈપીઆઈ છે : વિશ્વ આરોગ્ય સંસ્થાનો એક અહેવાલ જણાવે છે કે, ભારતમાં કે સંક્રમણથી બિમારીઓ ફેલાય છે તેના મુખ્ય કારણોમાં પાંચમું કારણ પ્રદુષિત પાણી છે. ઝાડા-ઉલટીના કારણે આજે પણ અંદાજે પાંચ લાખ કરતા વધારે નાના બાળકોનાં મોત થાય છે. તે ઉપરાંત બે લાખથી વધારે પુખ્ત વયના લોકો ગંદા પાણીના કારણે થતી બિમારીઓને પગલે પોતાનો જીવ ગુમાવે છે

ભારતને આજે વિશ્વની સૌથી ઝડપથી વિકાસ કરી રહેલા અર્થતંત્ર તરીકે જોવામાં આવે છે. ભારતમાં આમૂલ પરિવર્તન આવેલું છે. આર્થિક વિકાસ થઈ રહ્યો છે, રોજગારના અવસરો મળી રહ્યા છે, લોકોના સ્કિલમાં વધારો થઈ રહ્યો છે, દેશમાં સામાન્ય જનજીવનને અસર કરે તેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થઈ રહ્યો છે, ગામડાઓ સુધી વિકાસ પહોંચ્યો છે અને હવે તો એઆઈ અને ટેક્નોલોજી મુદ્દે પણ ભારતે હરણફાળ ભરી છે. આવા અનેક કપોળ કલ્પિત વચનો, વાક્યો અને વાયદા સાથેના પોસ્ટરો દેશભરમાં સરકાર દ્વારા લગાવાયા છે, કરોડો રૂપિયા ખર્ચીને તેની જાહેરાતો કરાઈ છે. શાસકપક્ષના નેતાઓ દ્વારા જનતાના ઘર ઘર સુધી તેની દાંડીઓ પીટવામાં આવી છે. હવે વિશ્વના સૌથી મોટા એઆઈ સમીટનું આયોજન કરવાનો જશ ખાટવામાં આવી રહ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા દેશનો વિકાસ કરવાની જે કપોળ કલ્પનાઓ કરાઈ રહી છે તેની જગ્યાએ એક્ચ્યુઅલ ઈન્ડિયન્સની રોજિંદી જરૂરિયાતો પૂરી કરાયને તો પણ વિકાસ થયો જ ગણાય. દેશમાં લોકોને પીવા માટે સ્વચ્છ પાણી નથી મળતું અને સરકારે ચંદ્ર સુધી પોતાની કામગીરીઓની વાહવાહીના ઝંડા લહેરાવા માગે છે. 

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં પાણીની પાઈપલાઈનોમાં થયેલા ડખામાં ઘણા નિર્દોષ બાળકો સહિત લોકોના જીવ ગયા હતા. લોકોને દુષિત, ગંધાતું અને વિષયુક્ત પાણી પીવા મળે છે. આવા જ કિસ્સા ગાંધીનગર અને તેની આસપાસના કેટલાક ભાગમાં બન્યા હતા. સરકાર એક તરફ દેશના વિકાસને હિમાલયની ટોચે હોવાનું બતાવે છે જ્યારે તળેટીમાં નજર કરીએ તો પીવાના પાણીના સ્વચ્છ અને સુરક્ષિત સંશાધનો મામલે ભારત વિશ્વમાં અત્યંત પાછળ છે. તાજેતરમાં વર્લ્ડ  પોપ્યુલેશન રિવ્યૂ દ્વારા વોટર ક્વોલિટી ઈન્ડેક્સની જાહેરાત કરવામાં આવી હતી. આ ઈન્ડેક્સમાં ૧૭૨ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી ઈકોનોમી હોવાનો જશ લેતા ભારતનો ક્રમ આ યાદીમાં ૧૩૮મો છે. આફ્રિકા અને અન્ય પછાત દેશોની સાથે ભારતનું નામ આવે છે. 

ચિંતાજનક બાબત એ છે કે, ૨૦૧૩ બાદ ભારતમાં પીવાના પાણીની ગુણવત્તામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તાજેતરમાં જારી થયેલી યાદીમાં પણ તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. હાલની યાદીમાં ભારતને ઈપીઆઈ માત્ર ૨૫.૫ છે. રવાન્ડા, યુગાન્ડા અને સાઉથ આફ્રિકા જેવો ભારતનો ઈપીઆઈ છે. ભારતમાં વધતી જતી વસતી અને વિકાસનું કથિત મોડલ આજે લોકોને સ્વચ્છ અને સ્વસ્થ જીવન આપવામાં સદંતર નિષ્ફળ જઈ રહ્યું છે. સામાન્ય માણસ માટે સ્વચ્છ પાણી અને ભોજન મેળવવા એક પડકાર સમાન બની ગયા છે અને છતાં દેશ મહાન હોવાના ઢોલ પીટવામાં આવે છે. ભારતમાં સામાજિક, રાજકીય અને ધાર્મિક રીતે એટલું વિશાળ પરિવર્તન આવ્યું છે કે, આપણે પોતે પણ આ સ્થિતિ માટે દોષિત છીએ. જે નદીઓ આપણી લોકમાતા કહેવાય છે, આપણા ધર્મ અને સંસ્કૃતિના ઓળખનું કેન્દ્ર છે તેને આજે આપણે પ્રદુષણનું કેન્દ્ર બનાવી દીધી છે. 

ચિંતાજનક બાબત એ છે કે, ગરમીઓમાં નદીઓ સુકાઈ જાય છે અને જે વધી ઘટી હોય છે તેમાં ગંદા પાણી જાય છે. જે નદીઓ ગામડા અને શહેરોને પીવાનું પાણી પૂરું પાડે છે તેમાં જ આપણે આપણી ગંદકી ઠાલવીએ છીએ. ઉદ્યોગોના ગંદા પાણી, કચરો અને બીજો વેસ્ટ, મેડિકલ વેસ્ટ, ગટરોનું ગંદું પાણી અને અન્ય કચરો નદીઓ અથવા તો બીજા જળ સ્રોતમાં ઠાલવવામાં આવે છે. બીજા જળ સ્રોતમાંથી આ કચરો અને ઝેર નદીઓ સુધી પહોંચે છે. હવે તો નદીઓ થકી આ ઝેરી કેમિકલ્સ સમુદ્ર સુધી પહોંચતા થઈ ગયા છે. ખેતી, ઉદ્યોગો અને શહેરમાં સતત વધી રહેલી વસતી દ્વારા પારંપરિક જળસ્રોતનો અત્યંત વપરાશ કરવામાં આવી રહ્યો છે. આ પાણીના વપરાશ બાદ જે ગંદકી સર્જાય છે તેને નદીઓમાં ઠાલવવામાં આવે છે. હકીકતે આપણે સામુહિક આપત્તી તરફ અને મહામારી તરફ આગળ વધી રહ્યા છીએ. તે ઉપરાંત નાની નદીઓ પણ હવે માત્ર ચોમાસાની ઋતુમાં ભરાય છે અને વરસાદી ઝરણા જેવી વહેતી હોય છે અને બે-ત્રણ મહિનાનું તેની આવરદા પૂરી થઈ જાય છે. ત્યારબાદ તેમાં ઉદ્યોગો અને શહેરી ગટરોનું ગંદુ પાણી જ વહેતું હોય છે. 

દેશમાં લોકો જેને માતા કહે છે તે ગંગા, યમુના અને સાબરમતી જેવી નદીઓને પ્રદુષિત કરવામાં કોઈ કચાશ રાખતા નથી. તેમાંય અમદાવાદની સાબરમતી તો દેશની સૌથી પ્રદુષિત નદીઓમાં સ્થાન ધરાવે છે. યમુનાના પ્રદુષણ અંગે તો દાયકાઓથી મથામણ ચાલે છે અને કદાચ આગામી દાયકાઓ સુધી ચાલશે. તેમાં સરકારો પોતાના પહેલાની સરકારોનો દોષ દેતી આવે છે પણ કામગીરી કરતી નથી. 

નદીઓને સ્વચ્છ કરવા માટે મંત્રાલય બનાવાયું છે પણ ક્યાંય કોઈ નદી સાફ થઈ હોય તેવા અહેવાલ ક્યારેય આવતા નથી. ગંગા સાફ કરવા માટે દાયકાથી કામ ચાલે છે પણ કયો કિનારો સાફ થયો અને ક્યાં પાણી ચોખ્ખું થતું તેના કોઈ અહેવાલ નથી. 

દેશમાં પ્રદુષણ રોકવા માટેના કાયદા બનાવવામાં આવ્યા છે. આ તમામ કાયદા પુસ્તકોમાં અને કાગળમાં સાચવીને રાખવામાં આવ્યા છે. દેશમાં આજે સ્થિતિ એવી છે કે, ૭૦ ટકા પાણી કોઈને કોઈ રીતે પ્રદુષિત થઈ રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનો એક અહેવાલ જણાવે છે કે, ભારતમાં કે સંક્રમણથી બિમારીઓ ફેલાય છે તેના મુખ્ય કારણોમાં પાંચમું કારણ પ્રદુષિત પાણી છે. ઝાડા-ઉલટીના કારણે આજે પણ અંદાજે પાંચ લાખ કરતા વધારે નાના બાળકોનાં મોત થાય છે. તે ઉપરાંત બે લાખથી વધારે પુખ્ત વયના લોકો ગંદા પાણીના કારણે થતી બીમારીઓને પગલે પોતાનો જીવ ગુમાવે છે. એક અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે, ભારતની ૬૦ કરોડ વસતીને દરરોજ પીવાના અને વપરાશના પાણીની વ્યવસ્થા કરવા માટે સંઘર્ષ કરવો પડે છે. તેમને જેવું પણ પાણી મળે છે તો તરત જ તેઓ તેનો સંગ્રહ કરીને તેને પીવા અને વપરાશમાં લેવા માંડે છે. આ તેમની મજબૂરી છે. ઈન્ટરનેશનલ સેન્ટર ફોર સસ્ટેનિબિલિટીના અહેવાલમાં જણાવાયું છે કે, હાલમાં દેશની જે સ્થિતિ છે તે આગામી પાંચ વર્ષમાં વધારે ભયાનક થશે. ૨૦૩૦ સુધીમાં ભારતમાં પાણીની માગ બમણી થઈ જશે. આજે સ્થિતિ એવી છે કે, વિશ્વમાં જેટલું કુલ સ્વચ્છ પાણી છે તેનો માત્ર ૪ ટકા ભાગ જ ભારત પાસે છે જ્યારે તેની સરખામણીએ દુનિયાની કુલ વસતીની ૧૭ ટકા વસતી ભારતમાં રહે છે. 

દેશના ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા જ નથી. બીજી તરફ જ્યાં પાણી આવે છે ત્યાં નાઈટ્રેટ, ફ્લોરાઈડ, આર્સેનિક, આયર્ન, ક્લોરાઈડ અને ઈકોલાઈ જેવા ઘાતક તત્ત્વનો અને જીવાણુઓ ધરાવતું પાણી આવે છે. થોડા સમય પહેલાં આવેલો એક અહેવાલ જણાવે છે કે, મધ્ય પ્રદેશોમાં ગ્રામ્ય વિસ્તારોમાં જે પીવાનું પાણી આવે છે તેના ૩૬.૭ ટકા નમૂના ચિંતાજનક ગુણવત્તા ધરાવે છે. દેશમાં પણ પીવાના પાણીના નમૂના તપાસવામાં આવ્યા તો તેમાંથી ત્રીજા ભાગના નમૂના ગુણવત્તાના માપદંડો ઉપર નિષ્ફળ નીવડે છે. ખાનગી અને સરકારી કોલોનીઓમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી પહોંચતું નથી. લોકો દ્વારા બેફામ રીતે બોર બનાવીને ભૂગર્ભજળ ખેંચવામાં આવે છે. 

આ પાણી પણ પ્રદુષિત થઈ ગયું છે. સરેરાશ એવું કહી શકાય કે રાજા અને પ્રજાએ ભેગા થઈને વિકાસના નામે કુદરતી વ્યવસ્થાનું નિકંદન કાઢયું અને નદીઓ પ્રદુષિત કરી નાખી. હવે પીવાના પાણી માટે વલખા મારવા પડે છે.

સ્વચ્છ પાણી મુદ્દે ભારત કરતા પાકિસ્તાન અને બાંગ્લાદેશની સ્થિતિ વધારે સારી

વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં યુરોપના દેશો ટોચના સ્થાને છે. તેમનો એન્વાયર્નમેન્ટલ પર્ફોર્મન્સ ઈન્ડેક્સ ૧૦૦ છે. કુલ ૧૦૦માંથી આ સ્કોર આપવામા આવે છે. તેમાં જર્મની, બ્રિટન, ઈટાલી, ગ્રીસ, સ્વિટ્ઝર્લેન્ડ, ફિનલેન્ડ અને આયર્લેન્ડનો ઈપીઆઈ ૧૦૦ છે. તેઓ ટોચના દેશો છે. ત્યારબાદ નોર્વે ૯૯.૯, લક્ઝમ્બર્ગ ૯૯.૮, કેનેડા ૯૯.૭, આઈસલેન્ડ ૯૯.૪ અને ઓસ્ટ્રેલિયા ૯૯.૨ ઈપીઆઈ ધરાવે છે. સૌથી ખરાબ ઈપીઆઈ ધરાવતા દેશોમાં ચાડ આવે છે. તેનો ઈપીઆઈ માત્ર ૪.૬ છે. ત્યારબાદ સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકનો ૯.૨, લેસોથોનો ૯.૮, નિગરનો ૧૨.૮ અને મડાગાસ્કરનો ૧૩.૫ છે. એશિયાની વાત કરીએ તો ભારતનો ઈપીઆઈ સૌથી ઓછો છે. ભારતનો ઈપીઆઈ ૨૫.૫ છે. ભારત કરતા પાણીની સ્વચ્છતા મુદ્દે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના તેના તમામ પાડોશી દેશો આગળ છે. પાકિસ્તાનનો ઈપીઆઈ ૨૭.૯, બાંગ્લાદેશનો ૩૨.૬ છે. અફઘાનિસ્તાનનો ઈપીઆઈ ૩૩.૧ છે જ્યારે નેપાળનો ૩૪.૭ છે. તેવી જ રીતે મ્યાંમારનો ૩૬.૨ ઈપીઆઈ છે અને ભુતાનનો ૩૯.૮ ઈપીઆઈ છે. 

શ્રીલંકા તો સૌથી આગળ ૫૧.૪ ઈપીઆઈ ધરાવે છે. આ મુદ્દે ચીનનો દબદબો છે. એશિયામાં ચીનનો ઈપીઆઈ સૌથી વધારે ૭૫.૭ છે. જાણકારો માને છે કે, ભારતમાં જે રીતે વિકાસની વ્યાખ્યા કરવામાં આવે છે અને જે રીતે વિકાસ બતાવવામાં આવે છે તે ખરેખર કાગળ ઉપરનો વિકાસ છે.

 લોકોને પાયાની સુવિધાઓ મળતી ન હોય અને પીવાના પાણી માટે વલખા મારવા પડતા હોય તો તેને વિકાસ કહી શકાય નહીં. પીવાના પાણી મુદ્દે જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આગામી વર્ષોમાં સ્થિતિ વધારે ખરાબ થશે અને વિકાસના તમામ દાવા ધોવાઈ જશે.