Get The App

બોન્ડિ હુમલો : ઈઝરાયેલના નામે યહુદીઓને દંડવાનો કારસો !

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
બોન્ડિ હુમલો : ઈઝરાયેલના નામે યહુદીઓને દંડવાનો કારસો ! 1 - image

ઘુંટાતું રહસ્ય : ઈઝરાયેલ આ હુમલા માટે ઈરાનને જવાબદાર ગણાવે છે, જ્યારે આતંકીઓ પાકિસ્તાની હોવાનું કહેવાય છે અને ઓસ્ટ્રેલિયાએ તપાસના નામે મૌન સેવેલું છે  

ઈઝરાયેલ સામે દુનિયાના ૩૦થી વધારે દેશોને અંગત રીતે વાંધો છે. તેમાંય ખાડી દેશો અને ઈસ્લામિક દેશોને તો સૌથી વધારે વાંધો છે પણ તેઓ જાહેરમાં ખાસ વિરોધ કરતા નથી. આ ઉપરાંત કેટલાક દેશો એવા છે જે વિરોધ બતાવતા નથી પણ ઈઝરાયેલના વિરોધીઓને છુપી રીતે મદદ કરતા હોય છે : મોસાદ દ્વારા ઓસ્ટ્રેલિયાને સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં વસતા યહુદીઓ અને તેમની સાથે સંકળાયેલા ઠેકાણાઓ ઉપર ઈરાની આતંકવાદીઓ દ્વારા ગમે ત્યારે હુમલો કરવામાં આવશે, છતાં તકેદારીના કોઈ પગલાં લેવાયા નહીં : ટ્રમ્પના દબાણમાં આવીને નેતન્યાહુ દ્વારા ઈરાનને જવાબદાર ઠેરવી અને પાકિસ્તાનને બચાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે. ટ્રમ્પે જે રીતે પાકિસ્તાનનો હાથ પકડયો છે તે જોતાં લાગે છે કે, તેના આતંકવાદને પણ અમેરિકાનું મૌન સમર્થન છે જેથી બીજા દેશો અમેરિકાના હથિયારો ખરીદતા રહે 

ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં યહુદીઓ ઉપર થયેલા હુમલામાં બે પાકિસ્તાની નાગરિકનું નામ બહાર આવ્યું હતું. શરૂઆતમાં એવું લાગતું હતું કે, આ માત્ર આતંકવાદી હુમલો છે અને કદાચ ઓસ્ટ્રેલિયાની ચુકના કારણે આ હુમલો થયો છે. આમ જોવા જઈએ તો ઓસ્ટ્રેલિયામાં કાયદો અને વ્યવસ્થા એટલા કડક છે કે આવું થાય નહીં અને તેમાંય ૧૯૯૬ બાદ ગન કાયદા જે રીતે કડક કરી દેવાયા છે તે જોતા આવી રાઈફલ્સ લઈને જાહેરમાં બિચ ઉપર ગોળીબાર કરવો કદાચ અશક્ય કહી શકાય તેવું કામ હતું જે પિતા-પુત્રની જોડીએ કરીને ૧૫ નિર્દોષના જીવ લઈ લીધા. 

ઉલ્લેખનીય છે કે, આ આતંકવાદી હુમલામાં દેખીતી રીતે પાકિસ્તાનનું કનેક્શન સામે આવી રહ્યું છે છતાં સ્થિતિ ખૂબ જ ઉપરનીચે થઈ રહી છે. એક તરફ તપાસમાં એવું કહેવાઈ રહ્યું છે કે, આ હુમલો હમાસની સ્ટાઈલથી કરવામાં આવ્યો છે. બીજી તરફ પાકિસ્તાની પિતા અને પુત્રએ હુમલો કર્યાનું નોંધાયું છે. ત્રીજી બાજુ કેટલીક તપાસ એજન્સીઓ કહી રહી છે કે હુમલો કરનારા પાકિસ્તાની નહીં પણ ભારતીય પાસપોર્ટ ઉપર ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. ઈઝરાયેલ પોતે આ હુમલા પાછળ ઈરાનને જવાબદાર માની રહ્યું છે. એકંદરે વાત એવી છે કે, ગ્લોબલ પોલિટિક્સ જે રીતે વળાંક લઈ રહ્યું છે અને દરેક વસ્તુને અલગ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરાઈ રહી છે અને પડદા પાછળથી કંઈક નીકળી રહ્યું છે તે ચિંતાજનક છે. 

જાણકારો માને છે કે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે જે શાંતિ સમજુતી થઈ તેનાથી કેટલાક દેશોને પેટમાં દુ:ખતું હોય તેમ લાગી રહ્યું છે. સૂત્રોના મતે ઈઝરાયેલ સામે દુનિયાના ૩૦થી વધારે દેશોને અંગત રીતે વાંધો છે. તેમાંય ખાડી દેશો અને ઈસ્લામિક દેશોને તો સૌથી વધારે વાંધો છે પણ તેઓ જાહેરમાં ખાસ વિરોધ કરતા નથી. આ ઉપરાંત કેટલાક દેશો એવા છે જે વિરોધ બતાવતા નથી પણ ઈઝરાયેલના વિરોધીઓને છુપી રીતે મદદ કરતા હોય છે. આ કેસમાં ઓસ્ટ્રેલિયા કોઈનું નામ દે છે. તપાસ એજન્સીઓ કંઈક અલગ ઈશારા કરે છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓ કંઈક નવી જ દિશામાં જઈ રહી છે અને ઈઝરાયેલ પોતે પાકિસ્તાનને છોડીને ઈરાન પાછળ પડયું છે.

આ હુમલામાં સ્પષ્ટ રીતે પાકિસ્તાની કનેક્શન જોવાઈ રહ્યું છે છતાં ઈઝરાયેલ દ્વારા હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. ઈઝરાયેલનું સ્પષ્ટ માનવું છે કે, આ હુમલાનું કાવતરું ઈરાન દ્વારા જ ઘડાયું છે અને તેને જ જવાબદાર ઠેરવવું જોઈએ. ઈઝરાયેલનું મીડિયા પણ ઈરાનને જ જવાબદાર ઠેરવતા સમાચારોથી છલકાઈ રહ્યું છે. તેની પાછળ એક કારણ એવું છે કે, ઈઝરાયેલે થોડા સમય પહેલાં ઓસ્ટ્રેલિયાને કેટલીક ચેતવણીઓ આપી હતી અને ગુપ્ત માહિતી આપી હતી. સૂત્રોના મતે એક મહિના પહેલાં મોસાદે ઓસ્ટ્રેલિયાને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, તેમના દેશમાં એક મહિનામાં આતંકવાદી હુમલો થવાનો છે.

જાણકારોના મતે ઓસ્ટ્રેલિયાને સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં વસતા યહુદીઓ અને તેમની સાથે સંકળાયેલા ઠેકાણાઓ ઉપર ઈરાની આતંકવાદીઓ દ્વારા ગમે ત્યારે હુમલો કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવાયું હતું કે, ઈરાની આતંકીઓનું એક મોટું માળખું ઓસ્ટ્રેલિયાએ નષ્ટ કરી દીધું છે છતાં આગામી સમયમાં હુમલાની શક્યતાઓ છે. આ હુમલો થયા બાદ ઈઝરાયેલે ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી. નેતન્યાહુએ પણ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાને ચેતવણી આપી હતી છતાં તે દિશામાં પગલાં લેવામાં આવ્યા નહીં અને યહુદી નાગરિકોએ જીવ ગુમાવવો પડયો. હવે ઈઝરાયેલ આ હુમલામાં ઈરાની કનેક્શન શોધી રહ્યું છે અને બીજી તરફ પાકિસ્તાની કનેક્શન સ્પષ્ટ દેખાય છે તો તે દિશામાં કોઈ તપાસ કરી રહ્યું નથી.

એક થિયરી એવી પણ છે કે, ઓસ્ટ્રેલિયામાં જ યહુદીઓનો સદીઓથી વિરોધ થઈ રહ્યો છે કે, તેમને બહાર દુશ્મન શોધવાની જરૂર નથી. ઓસ્ટ્રેલિયન જ્યૂરીની કાર્યકારી પરિષદનો એક અહેવાલ જણાવે છે કે, અહીંયા યહુદી વિરોધની એક વર્ષમાં ૧૬૦૦થી વધારે ઘટનાઓ નોંધાય છે. લિબરલ સાંસદ જુલિયન લીસરે જણાવ્યું કે, અમારા યહુદી સમાજના લોકો ડરેલા છે. યહુદી બાળકો સ્કુલ યુનિફોર્મ પહેરતા ડરે છે, લોકો પોતાનું મેગન ડેવિડ અને કિપ્પા પહેરતા ડરે છે. હકિકત એવી છે કે, ઓસ્ટ્રેલિયામાં ૧૮મી સદીમાં બ્રિટિશરોની સાથે સાથે યહુદી કેદીઓ પણ ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. ત્યારબાદ ૧૯મી સદીમાં યહુદી વેપારી, ડોક્ટર અને અન્ય પ્રોફેશનલ્સ ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. 

બીજા વિશ્વયુદ્ધ પછી હોલોકેસ્ટમાં બચેલા હજારો યહુદીઓ ઓસ્ટ્રેલિયામાં જ આવીને વસ્યા હતા. આજે ઓસ્ટ્રેલિયામાં ૧.૨૦ લાખ કરતા વધારે યહુદીઓ છે અને તેમના મોટાભાગના સીડની અને મેલબોર્નમાં સ્થાયી થયેલા છે.

ઉલ્લેખનીય છે કે, શરૂઆતના વર્ષોમાં યહુદીઓનો વિરોધ થતો હતો પણ તેમાં હિંસાના ભાવ જોડાયા નહોતા. તેમની સાથે સામાજિક ભેદભાવ કરવામાં આવતા હતા. તેમને ક્લબો, હોટેલ અને નોકરીઓથી દુર રાખવામાં આવતા હતા. બીજા વિશ્વયુદ્ધ પહેલાં નાઝીઓની અસર વધતા યહુદીઓ પ્રત્યે વધુ આકરું વલણ જોવા મળ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી ઓસ્ટ્રેલિયામાં યહુદીઓને શરણું આપવામાં આવ્યું પણ તેમનું અપમાન કરવાના અને તેમનો વિરોધ કરવાના કિસ્સા ઘટયા નહીં. વર્તમાન સમયમાં યહુદીઓનો સૌથી વધારે હિંસક વિરોધ થઈ રહ્યો છે. તેમાંય ઈઝરાયેલ દ્વારા અપનાવાયેલી નીતિઓના કારણે યહુદીઓને જવાબદાર ઠેરવીને તેમની સાથે હિંસા થઈ રહી છે. કેટલાક જાણકારો માને છે કે, ઓસ્ટ્રેલિયામાં યહુદીઓ સામે વિરોધ આક્રમક છે અને તાજેતરનો હુમલો પણ તેનું પરિણામ હોઈ શકે છે.

એક તરફ એવી પણ ચર્ચા ચાલે છે કે, ખરેખર ઈઝરાયેલની શંકા સાચી છે કે નહીં. ઈઝરાયેલના અખબારો દાવો કરે છે કે, થોડા સમય પહેલાં જ ઈરાને દુનિયાભરમાં યહુદીઓ અને ઈઝરાયેલી ઠેકાણાઓ ઉપર હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ એટલે કે આઈઆરજીસીને આતંકવાદી જાહેર કર્યા હતા. આ તમામ લોકોને ઓસ્ટ્રેલિયામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જો કે, બોન્ડી બિચ ઉપર થયેલા હુમલા બાદ કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ઈરાન સમર્થકોના કેટલાક એકાઉન્ટમાં હુમલાની પ્રશંસા કરવામાં આવી હતી. તેના કારણે જ ઈરાન ઉપર શંકા જાય તે સ્વાભાવિક છે. તેના કારણે જ ઈઝરાયેલ હવે ઈરાન ઉપર શંકા કરી રહ્યું છે. બીજી તરફ સિડનીમાં હુમલો થયાના થોડા જ સમયમાં ઈરાનના વિદેશ મંત્રાલયે આ હુમલાને વખોડયો હતો. ઈરાને તો દુનિયાભરમાં ક્યાંય પણ થતા આતંકવાદી હુમલાની ટિકા કરી હતી. બીજી તરફ ઈઝરાયેલ આ વાત સ્વીકારવા તૈયાર નથી. તેને ઈરાન ઉપર શંકા છે.

બીજી તરફ કેટલાક લોકો માને છે કે, જો ઈઝરાયેલ પાસે નક્કર માહિતી હોય અને તેના દાવા સાચા હોય તો તેણે એક્શન લેવું જોઈએ. તેણે ઈન્ટરનેશનલ કોર્ટમાં કે અન્ય રીતે પોતાની વાત રજૂ કરવી જોઈએ. બીજી તરફ કેટલાક લોકો કહે છે કે, ઈઝરાયેલ અને મોસાદને તો પોતાની રીતે બદલો લેતા આવડે જ છે. તેઓ બીજી રીતે પણ ન્યાય મેળવી જ શકે છે. કેટલાક જાણકારો માને છે કે, ઈરાન ઉપર આંગળી ઉઠાવવા પાછળ કદાચ અમેરિકન દબાણ કારણભૂત હોઈ શકે છે. ટ્રમ્પના દબાણમાં આવીને નેતન્યાહુ દ્વારા ઈરાનને જવાબદાર ઠેરવાય અને પાકિસ્તાનને બચાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે. ટ્રમ્પ હાલમાં વૈશ્વિક રાજકારણમાં મોટી ઉથલપાથલ કરી રહ્યા છે અને કરાવી રહ્યા છે. ટ્રમ્પે જે રીતે પાકિસ્તાનનો હાથ પકડયો છે તે જોતાં લાગે છે કે, તેના આતંકવાદને પણ અમેરિકાનું મૌન સમર્થન છે જેથી બીજા દેશો અમેરિકાના હથિયારો ખરીદતા રહે. પાકિસ્તાનને પણ ખેરાત આપતા રહેવાનું જેથી તે પણ કાબુમાં રહે  

 ... તો પછી સિડનીના કિનારે પેલેસ્ટાઈનના ઝંડા ફરકાવતા લોકો કોણ છે? 

સિડનીના બોન્ડી બીચ ઉપર થયેલા નરસંહારનો મામલો હવે વધારે ગુંચવાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના સુરક્ષા એજન્સીઓ એક તફ જશ લઈ રહી છે કે, માત્ર છ મિનિટમાં કેસ ઉકેલી કઢાયો અને હુમલાખોરો પાકિસ્તાની હતા. બીજી તરફ એક એવો અહેવાલ આવ્યો છે જેમાં જણાવાયું છે કે, જે બોન્ડી બીચ ઉપર નરસંહાર થયો તે જ બિચ ઉપર થોડા દિવસ પહેલાં એક વ્યક્તિ પેલેસ્ટાઈનનો ઝંડો લઈને ઘોડેસવારી કરતો જોવા મળ્યો હતો. તે સમયે પોલીસે તેને અડકાવ્યો હતો પણ વાતચીત કરીને જવા દીધો હતો. પોલીસને તેના વર્તન સામે કશું જ વાંધાજનક લાગ્યું નહોતું. તેના થોડા દિવસ પહેલાં ઓસ્ટ્રેલિયામાં પેલેસ્ટાઈનના સમર્થકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૫૦ હજાર કરતા વધારે લોકો જોડાયા હતા. યહુદીઓ અને ઈઝરાયેલના વિરોધી રેલીઓમાં તાજેતરના હુમલાખોર સાજિદ અને નવીદ પણ ભાગ લેતા હતા. હવે સવાલ એ થાય છે કે, નેતન્યાહુ જે આરોપ મુકે છે કે, ઓસ્ટ્રેલિયા દ્વારા જ યહુદી વિરોધી રેલીઓને છાનુ સમર્થન અપાઈ રહ્યું છે કે, ઈઝરાયેલી વિરોધી લાગણીઓને ભડકાવવામાં મદદ કરવામાં આવી રહી છે તો તે ખોટું હોય તેમ લાગતું નથી. 

આ રેલીઓમાં ભાગ લેનારા સાજિદ અને નવિદ જેવા બીજા નીકળ્યા તો પણ કેટલો મોટો નરસંહાર થઈ શકે છે. એકંદરે એવી થિયરી આવી રહી છે કે, આ હુમલા પાછળ ઓસ્ટ્રેલિયા પોતાના હિત સંતોષવા માગે છે જ્યારે ઈઝરાયેલ અને અમેરિકા પોતાના તુક્કા લડાવીને ઈરાન સાથે કંઈક નવાજુની કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.