Get The App

ચીન અને અમેરિકા વચ્ચે કોલ્ડ વોરની શરૂઆત થઈ ગઈ

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
ચીન અને અમેરિકા વચ્ચે કોલ્ડ વોરની શરૂઆત થઈ ગઈ 1 - image

- હોર્મુઝની ખાડી મુદ્દે અમેરિકાની આડોડાઈ સામે ચીનની એન્ટ્રી, જહાજ રોકવા મુદ્દે ડ્રેગનની અંકલ સેમને આકરા જવાબની ધમકી

- જાણકારો માને છે કે, અમેરિકાએ જે રીતે આ જગ્યાની નાકાબંધી કરી છે તેના કારણે ચીનના જહાજો અટવાઈ જાય તેમ લાગે છે. જો ખરેખર તેવી સ્થિતિ સર્જાશે તો ચીન આ યુદ્ધમાં ઉતરી શકે તેમ છે. હાલમાં તો ચીને યુદ્ધની તૈયારી કરી હોય તેમ દેખાતું નથી પણ અમેરિકાની આડોડાઈ સામે તેના આકરા જવાબથી આ બંને વચ્ચે કોલ્ડવોર શરૂ થઈ ગયું હોય તેમ દેખાઈ રહ્યું છે : ઈરાન દ્વારા જે ક્રૂડની નિકાસ કરવામાં આવે છે તેમાંથી 90 ટકા જથ્થો ચીન દ્વારા ખરીદવામાં આવે છે. ઈરાનને ચીન સાથેના આ વેપાર દ્વારા અંદાજે 31.2 અબજ ડોલરની આવક થાય છે. 2021માં જ ચીન અને ઈરાન વચ્ચે 25 વર્ષનો એક મોટો કરાર થયો હતો. જાણકારોના મતે ચીન અને ઈરાન વચ્ચે અંદાજે 400 અબજ ડોલરનો કરાર થયો હતો : ચીનના સંરક્ષણ મંત્રી એડમિરલ ડોંગ જૂને કહ્યું કે, અમારા જહાજો દરરોજ હોર્મુઝની ખાડીમાં આવનજાવન કરે છે. અમે વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છીએ. અમે મધ્યપૂર્વની સ્થિતિ ઉપર પણ નજર રાખીને બેઠા છીએ. જાણકારો માને છે કે અમેરિકાના આ પગલાંથી ઇરાન અને ચીનના અર્થતંત્રને મોટો ફટકો પડે તેમ છે. તેથી ચીનનું નાક દબાયું છે અને તે ગીન્નાયું છે.

ઈરાન અને અમેરિકા વચ્ચે ઈસ્લામાબાદમાં થયેલી મંત્રણા નિષ્ફળ ગઈ છે. હોર્મુઝની ખાડી મુદ્દે ઈરાને અલગ વલણ દાખવ્યું હતું. તેણે ચોક્કસ શરતો સાથે ત્યાંથી તમામ જહાજો જવા દેવાની તૈયારી બતાવી હતી. હવે અમેરિકાએ આડોડાઈ શરૂ કરી છે. તેણે ઈરાનની શરતો ફગાવી દીધી છે. તેણે પોતાના યુદ્ધ જહાજો આ ખાડીમાં મોકલી દીધા છે. તેણે હવે હોર્મુઝની ખાડી બ્લોક કરવાનું અને દરેક જહાજ રોકવાની જાહેરાત કરી દીધી છે. અમેરિકાએ હોર્મુઝની ખાડીમાં શરૂ કરેલી નાકાબંધી હવે ઉગ્ર થઈ રહી છે. તેના કારણે પશ્ચિમ એશિયાની સાથે સાથે વિશ્વનું રાજકારણ પણ ગરમાયું છે. 

અમેરિકાએ જે પગલું લીધું છે તેના કારણે ઈરાન ઉપર અસર પડવાની સાથે સાથે તેના મિત્ર દેશો ઉપર પણ અસર પડશે. તેમાં સૌથી મોટી અસર ચીન ઉપર પડી રહી છે. અમેરિકાના આ નિર્ણય સામે ચીન અકળાયું છે અને તેણે અમેરિકાને તેની જ ભાષામાં જવાબ આપવાની ધમકી ઉચ્ચારી છે. જાણકારો માને છે કે, અમેરિકાએ જે રીતે આ જગ્યાની નાકાબંધી કરી છે તેના કારણે ચીનના જહાજો અટવાઈ જાય તેમ લાગે છે. જો ખરેખર તેવી સ્થિતિ સર્જાશે તો ચીન આ યુદ્ધમાં ઉતરી શકે તેમ છે. હાલમાં તો ચીને યુદ્ધની તૈયારી કરી હોય તેમ દેખાતું નથી પણ અમેરિકાની આડોડાઈ અને ચીનના આકરા જવાબને કારણે આ બંને દેશ વચ્ચે કોલ્ડવોર શરૂ થઈ ગયું હોય તેમ દેખાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ હોર્મુઝની ખાડીમાં નાકાબંદી કર્યા બાદ જાહેરાત કરી છે કે, માત્ર ઈરાનના બંદરોએથી નીકળતા જહાજો અને ઈરાનના બંદરે જતા જહાજોને જ અકાવીને તેની ચકાસણી કરવામાં આવશે. તે ઉપરાંત જે જહાજો દ્વારા ઈરાનને ટોલ ચુકવવામાં આવ્યો હશે તેને પણ અટકાવવામાં આવશે. બાકીના ખાડી દેશોના જહાજોને જવા માટે રસ્તો કરી આપવામાં આવશે. ઈરાને પોતાના મિત્ર દેશોના જહાજોને આ રસ્તેથી જવાની મંજૂરી આપી હતી પણ અમેરિકાની એન્ટ્રીને પગલે હવે આ રસ્તો ફરી અટવાયો છે. અમેરિકાની આડોડાઈને પગલે હવે આ દરિયાઈમાર્ગે વેપાર ફરી ખોટકાયો છે. અમેરિકાના પગલાની અસર ચીન-ઈરાનના વેપારને વ્યાપક રીતે અસર થઈ શકે તેમ છે. ચીન અને ઈરાન વચ્ચે ક્રૂડ ઉપરાંત ઘણી બધી વસ્તુઓનો વેપાર થાય છે અને તેને અસર પડવાથી સ્થિતિ વણસી છે.

મહત્ત્વની વાત એ છે કે, ઈરાન દ્વારા જે ક્રૂડની નિકાસ કરવામાં આવે છે તેમાંથી ૯૦ ટકા જથ્થો ચીન દ્વારા ખરીદવામાં આવે છે. ઈરાનને ચીન સાથેના આ વેપાર દ્વારા અંદાજે ૩૧.૨ અબજ ડોલરની આવક થાય છે. આ આવક તેના અર્થતંત્ર માટે ખૂબ જ મહત્ત્વની છે. જાણકારોના મતે ઈરાનના બજેટમાં અંદાજે ૪૫ ટકા આવક ક્રૂડના વેપાર દ્વારા જ આવે છે તેમાં ચીન સૌથી મોટું ખરીદદાર છે. ૨૦૨૧માં જ ચીન અને ઈરાન વચ્ચે ૨૫ વર્ષનો એક મોટો કરાર થયો હતો. જાણકારોના મતે ચીન અને ઈરાન વચ્ચે અંદાજે ૪૦૦ અબજ ડોલરનો કરાર થયો હતો. ઈરાને આ કરાર હેઠળ તેને ક્રૂડ આપતા રહેવાનું અને ચીન દ્વારા ઈરાનમાં રોકાણ કરવામાં આવશે અને તેને ટેક્નોલોજીમાં પણ સહયોગ આપવામાં આવશે. ખાસ વાત એ છે કે, ઈરાન પાસેથી ક્રૂડ ખરીદવામાં ચીનને પ્રતિ બેરલ ૧૦ ડોલરનો ફાયદો થાય છે. તેના કારણે ઈરાન સાથેનો સોદો ચીન માટે વધારે ફાયદાકારક છે. ચીને ગત વર્ષે દરરોજ ૧૪ લાખ બેરલની ખરીદી કરીહ તી. તે ચીનની કુલ આયાતનું લગભગ ૧૨ ટકા ક્રૂડ હતું. 

અમેરિકાના પેટમાં તેલ એટલા માટે રેડાયું છે કે, બંને દેશોનો ફાયદો થઈ રહ્યો છે જે તેને પસંદ નથી. તેનો દાવો છે કે, ઈરાન અને ચીન બંને દ્વારા વાસ્તવિકતા છુપાવવામાં આવી રહી છે. એક અહેવાલ પ્રમાણે ૨૦૨૫માં ચીને અધિકારિક રીતે ૯.૯૬ અબજ ડોલરનો વેપાર કર્યો હતો પણ તેમાં ઈરાન સાથેના ક્રૂડના વેપારના સાચા આંકડા બતાવવામાં આવ્યા નથી. અમેરિકાનો દાવો છે કે, જો આ આંકડા જોડી દેવામાં આવે તો તેનો કુલ વેપાર ૭૫ ટકા કરતા વધારે થાય તેમ છે. અમેરિકાને તેના કારણે જ પેટમાં શૂળ ઉપડયું છે. જો કે જાણકારો એવું માને છે કે અમેરિકાએ જે પગલાં ભર્યાં છે તેના કારણે ઇરાન અને ચીનના અર્થતંત્રને મોટો ફટકો પડે તેમ છે. ચીનનું અર્થતંત્ર ડામાડોળ થવાથી તેનું નાક દબાયું છે અને બીજી તરફ ઇરાનની આવક ઘટવાથી તે પણ અકળાયું છે. અમેરિકાએ એક જ પગલાંથી બન્ને દુશ્મોને દબાવ્યા હોવાથી ચીન બરાબર રોષે ભરાયું છે.ે

બીજી તરફ જોઈએ તો અમેરિકાએ એવો પણ દાવો કર્યો છે કે, ચીન દ્વારા ઈરાનનડ્રોન અને હથિયારો માટે જરૂરી ટેક્નોલોજી, સાધનો પૂરા પાડવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત હોંગકોંગ અને અન્ય દેશોમાં શેલ કંપનીઓ ખોલીને તેના દ્વારા ઈરાનને હથિયારો બનાવી આપે છે. આ સિવાય તેણે ઈરાનના હથિયારોના વેપારમાં પણ મોટાપાયે રોકાણ કર્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે, જો કોઈપણ દેશ દ્વારા ઈરાનને સૈન્ય મદદ કરવામાં આવશે તો તેના ઉપર ૫૦ ટકા સુધી વધારાનો ટેરિફ લાગુ કરી દેવામાં આવશે. અમેરિકાએ આ ચિમકી ચીનને પણ આડકતરી રીતે આપી છે. તેણે કહ્યું છે કે, ચીન વેપારમાં ચેડા કરે છે અને ઈરાન પાસેથી ખરીદેલું ક્રૂડ મલેશિયા, ઓમાન અને યુએઈથી આવેલું બતાવે છે જેથી ટેરિફ અને પ્રતિબંધોથી બચી શકાય. ક્રૂડ લાવવા માટે પણ જૂના જહાજોનો ઉપયોગ કરાય છે જે વારંવાર પોતાના ધ્વજ બદલીને સાચી ઓળખ છુપાવે છે. 

જાણકારોના મતે હાલમાં ચીન સીધી રીતે યુદ્ધમાં જોડાયું નથી કે કદાચ દેખીતી રીતે ઈરાનને મદદ પણ કરી રહ્યું નથી. તેના આર્થિક હિતો ઈરાન સાથે જોડાયેલા છે. અમેરિકી નાકાબંદી દ્વારા જો તેના વેપારને અસર થશે તો સ્વાભાવિક રીતે ચીન દ્વારા તેનો આકરો વિરોધ કરવામાં આવશે. ચીન કૂટનીતિક પગલાં લઈને ઈરાનને પોતાનું સમર્થન વધારશે અને જરૂર પડયે અમેરિકા સામે બાથ પણ ભીડી શકે છે. 

હાલમાં ચીનના સીધા સૈન્ય પગલાંની શક્યતાઓ ઓછી જણાઈ રહી છે પણ તેને નકારી શકાય તેમ નથી.

અમેરિકા અને ચીન વચ્ચે કોરોનાકાળથી કોલ્ડવોરની સ્થિતિ સર્જાયેલી છે 

ઉલ્લેખનીય છે કે, ચીન અને અમેરિકા વચ્ચે કોરોનાકાળથી જ કોલ્ડવોરની સ્થિતિ છે. કોરોનાના ફેલાવા માટે ચીનને જવાબદાર ઠેરવવા બદલ અમેરિકા સાથે તેના સંબંધો વણસ્યા હતા. 

આ ઉપરાંત ચીને જે રીતે પોતાની વેપાર નીતિને અને વિસ્તારવાદની નીતિને અલમમાં મૂકીને દુનિયાભરમાં વર્ચસ્વ ઊભું કર્યું તેની સામે પણ અમેરિકાને વાંધો છે. ચીન દ્વારા દુનિયાભરના બજારોમાં, ટેક્નોલોજીમાં, રોજિંદી વસ્તુઓમાં કે પછી સેમીકન્ડક્ટર જેવા આધુનિક વિશ્વના સૌથી મહત્ત્વના સામાન જેવા સેક્ટરમાં પોતાની ઈજારાશાહી વિકાસવી લીધી તેના કારણે પણ અમેરાક નારાજ થયેલું છે. ચીને ધીમે ધીમે યુરોપ અને પશ્ચિમના દેશોમાં ઘુસણખોરી કરીને અમેરિકી બજાર નષ્ટ કરી દીધું છે. તે ઉપરાંત હવે સૈન્ય અને અન્ય મોરચે પણ અમેરિકાને ડરાવી રહ્યું છે. તે સિવાય તેણે ઘણા દેશો સાથે ડોલરના બદલે પોતાના ચલણમાં વેપાર શરૂ કરી દીધો છે. ડોલરનું અવમૂલ્યન કરવાના કારણે પણ અમેરિકા અને ચીન વચ્ચે ખટરાગ છે. સૂત્રોના મતે ઈરાન દ્વારા હોર્મુઝની ખાડીમાંથી જહાજોની આવનજાવન કરવા માટે ચીની ચલણ યુઆનમાં રકમ ચુકવવાની શરત મુકવામાં આવી હોવાની વાત વહેતી થતાં અમેરિકા વધારે અકળાયું હતું. ચીન દ્વારા દુનિયાભરના મોટા મોટા અને નાનકડા દેશોમાં પણ રોકાણ કરીને કે વિવિધ પ્રોજેક્ટમાં લોન આપીને પોતાનું કદ અનેકગણું વધારી દેવામાં આવ્યું છે. 

ચીનના વધતા પાવર અને પહોંચના કારણે અમેરિકા તેના સીધા વિરોધમાં છે. તેમાંય જો ચીન, રશિયા અને ઉત્તર કોરિયા દ્વારા જોડાણ કરવામાં આવે તો અમેરિકાને મોટું નુકસાન જાય તેમ છે અને તેની સત્તાને મોડો પડકાર મળે તેમ છે. તેના પગલે જ બંને વચ્ચે સતત કોલ્ડવોરની સ્થિતિ સર્જાયેલી રહે છે.

અમારા વેપારમાં દખલ દેનારને તેની જ ભાષામાં જવાબ અપાશે : ચીનની લાલ આંખ 

અમેરિકા દ્વારા જે સ્થિતિ ઊભી કરવામાં આવી છે તેની સામે ચીને નારાજગી દર્શાવી છે. અમેરિકાના વલણ બાદ ચીનના સંરક્ષણ મંત્રી એડમિરલ ડોંગ જૂને કહ્યું કે, અમે વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છીએ. અમે મધ્યપૂર્વની સ્થિતિ ઉપર પણ નજર રાખીને બેઠા છીએ. અમારા જહાજો દરરોજ હોર્મુઝની ખાડીમાં આવનજાવન કરે છે. ઈરાન સાથે અમારા વેપાર કરાર થયેલા છે. અમે તેનું સન્માન કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે અન્ય લોકો અમારા મુદ્દામાં દખલગીરી ન કરે. અમારા વેપારમાં દખલ દેનારને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવશે. હોર્મુઝની ખાડી ભલે દુનિયા માટે નિયંત્રિત હોય પણ ઈરાને અમારા માટે ખુલ્લી રાખી છે અને અમારો વેપાર યથાવત્ છે. બીજી તરફ ચીનના વિદેશમંત્રાલયન પ્રવક્તા ગુઓ જિયાકુને પણ જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા અમારી સામે ખોટા આરોપો મુકવામાં આવ્યા છે. ઈરાનને હથિયાર આપવાના કે પછી તેને હથિયાર બનાવવામાં મદદ કરવાના અમેરિકાના આરોપો પાયાવિહોણા અને ખોટા છે. અમે હાલમાં કોઈ હથિયાર આપ્યા નથી. જે-તે સમયે ઈરાન સાથે કરાય થયા ત્યારે તેને ટેક્નોલોજી અને જરૂરી સંસાધનો પહેલેથી જ આપી દેવામાં આવ્યા છે. ચીન હથિયારો અને તેના સંસાધનોની નિકાસ મામલે સ્પષ્ટ અને જવાબદાર છે. તેણે પહેલેથી જ ઘરેલુ સ્તરે જ કડક નિયમો બનાવેલા છે જેથી આંતરરાષ્ટ્રીય જવાબદારીઓનું પણ કડકાઈથી અનુસરણ કરી શકાય.