ખાલિસ્તાની ભૂત ફરી ધૂણે છે, કેનેડાના મંદિરોને ટાર્ગેટ બનાવાયા


- કેનેડાના મંદિરમાં તોડફોડ, જસ્ટીન ટ્રુડોની કૂણી લાગણીના કારણે ખાલિસ્તાનીઓ બેફામ : ખાલિસ્તાની રેલો ભારત સુધી આવી શકે છે સરકારે ચેતવું જોઈએ

- કેનેડામાં પોલીસ હિંદુ મંદિરોમાં તોડફોડ કરનારાંને પકડી શકતી નથી એ પાછળનું કારણ રાજકીય મનાય છે. કેનેડામાં મોટા પ્રમાણમાં સીખોની વસતી છે. ખાલિસ્તાનવાદીઓ સામે પગલા લેવાથી સીખો નારાજ થઈ જશે એ ડરે પોલીસ કશું કરતી નથી એવું કહેવાય છે. કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોને ખાલિસ્તાનવાદીઓ તરફ કૂણી લાગણી છે એ જગજાહેર છે તેથી પોલીસ કશું કરે એવી શક્યતા નથી.

ભારતમાં ખાલિસ્તાનવાદીઓ ફરી માથું ઉંચકી રહ્યું હોવાની ચિંતા વચ્ચે કેનેડામાં મંદિરમાં ખાલિસ્તાનીઓ દ્વારા તોડફોડ કરીને ભારત વિરોધી લખાણ લખાતાં સનસનાટી મચી છે. કેનેડાના ટોરેન્ટોમાં આવેલા મંદિરના દરવાજા પાસે બુધવારની મધરાતે ત્રણેક વાગ્યે કેટલાક અવળચંડાઓએ તોડફોડ કરી અને દીવાલ પર 'ખાલિસ્તાન ઝિંદાબાદ' અને 'હિંદુસ્તાન મુર્દાબાદ' લખીને જતા રહ્યા. 

આ ઘટનાના પગલે એક તરફ ટોરન્ટોની પોલીસ દોડતી થઈ ગઈ છે ને ક્યો મોરલો કળા કરી ગયો તેની શોધમાં લાગી ગઈ છે તો બીજી તરફ ભારતે પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ભારતે આ કાળાં કામ કરનારાંને જેમ બને એમ ઝડપથી શોધી કાઢવા પણ વિનંતી કરી છે. ભારતે સત્તાવાર રીતે વિનંતી કરી તેથી કેનેડાએ આરોપીઓને શોધવાની ખાતરી આપી દીધી પણ કેનેડાની સરકાર ખરેખર આરોપીઓને પકડશે કે કેમ તેમાં શંકા છે. તેનું કારણ અત્યાર સુધી હિંદુ મંદિરો પર થયેલા હુમલાના કેસોમાં પોલીસનો ટ્રેક રેકોર્ડ છે. 

કેનેડામાં છેલ્લા એકાદ વરસથી હિંદુ મંદિરોને નિશાન બનાવીને સતત હુમલા કરાઈ રહ્યા છે પણ મોટા ભાગના કેસમા પોલીસે કંઈ કર્યું નથી. તાજેતરના ભૂતકાળમાં કેનેડામાં હિંદુ મંદિરો પર હુમલાની પહેલી ઘટના નવેમ્બર ૨૦૨૧માં બની હતી. એ વખતે  બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિર અને જગન્નાથ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. એ સાથે જ કેનેડાનાં હિંદુ મંદિરોમાં તોડફોટનો સિલસિલો શરૂ થઈ ગયો કે જે હજુ ચાલુ છે.

આ ઘટનાના બે મહિના પછી ૧૫ જાન્યુઆરીએ હનુમાન મંદિરમાં તોડફોડ કરાઈ હતી. આ હુમલાના દસ દિવસ પછી ૨૫ જાન્યુઆરીએ બ્રેમ્પટન શહેરમાં જ મા દુર્ગાના મંદિરમાં તોડફોડ કરાઈ હતી. તેના ત્રણ દિવસ પછી અસામાજિક તત્ત્વોએ ગૌરીશંકર મંદિર અને જગન્નાથ મંદિરમાં પણ તોડફોડ કરી હતી. ૩૦ જાન્યુઆરીએ મિસિસોગામાં હિન્દુ હેરિટેજ સેન્ટર (HHC)માં ૨ વ્યક્તિઓએ દાનપેટી અને મુખ્ય ઓફિસમાં તોડફોડ કરી હતી. આ સિવાય બીજાં મંદિરોમાં પણ તોડફોડ થઈ છે પણ પોલીસે કશું કર્યું નથી. 

પોલીસ હિંદુ મંદિરોમાં તોડફોડ કરનારાંને પકડી શકતી નથી એ પાછળનું કારણ રાજકીય મનાય છે. કેનેડામાં મોટા પ્રમાણમાં સીખોની વસતી છે. ખાલિસ્તાનવાદીઓના સમર્થકો આ સીખોમાંથી જ આવે છે તેથી તેમની સામે પગલા લેવાથી સીખો નારાજ થઈ જશે એ ડરે પોલીસ કશું કરતી નથી એવું કહેવાય છે. કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોને ખાલિસ્તાનવાદીઓ તરફ કૂણી લાગણી છે એ તો જગજાહેર છે તેથી પોલીસ પાસેથી કશું થાય એવી શક્યતા નથી. 

આ ઘટનાએ ફરી એક વાર કેનેડામાં ખાલિસ્તાનવાદીઓના પ્રભાવ સાબિત કર્યો છે. ભારતમાં ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં સીખો માટે અલગ રાષ્ટ્ર ખાલિસ્તાનની માગણી કરનારા આતંકવાદીઓએ દેશને ભારે નુકસાન કરેલું. કોંગ્રેસની નીતિના કારણે ખાલિસ્તાની આતંકવાદીઓ ઉભા થયા હતા. આ આતંકવાદીઓએ પંજાબમાં તો લોકોનું જીવવું હરામ કરી જ નાંખેલું પણ દેશના બીજા ભાગોમાં પણ તેની અસર વર્તાઈ હતી. ગુજરાતમાં પણ એ વખતે ખાલિસ્તાની આતંકવાદની અસર વર્તાઈ હતી અને સંખ્યાબંધ બેંકો લૂંટાઈ હતી.

પંજાબમાં કોંગ્રેસના બિયંતસિંહ મુખ્યમંત્રી બન્યા પછી તેમણે પોલીસને છૂટો દોર આપી દીધેલો. પોલીસે લે બુધું ને કર સીધું કરીને ગોળીનો જવાબ ગોળીઓથી આપવા માંડયો તેથી ભારતમાં તો ખાલિસ્તાની આતંકવાદ દબાઈ ગયો પણ ખાલિસ્તાનનાં સપનાં જોનારા હજુય જીવે છે. ભારતમાં ખાલિસ્તાનની માંગ ઉઠી તેને વિદેશમાં રહેતા ધનિક સીખોએ તન, મન, ધનથી ટેકો આપેલો. અમેરિકા, બ્રિટન અને કેનેડા આ ત્રણ દેશોના સીખો તેમાં મોખરે હતા.  ભારતમાં ખાલિસ્તાનવાદીઓને દબાવી દેવાયા તેથી અમેરિકા અને બ્રિટનના ખાલિસ્તાનવાદીઓ તો ઠરી ગયા પણ કેનેડામાં હજુ કેટલાક સીખોને સીખો માટે અલગ ખાલિસ્તાન રચવાના ધખારા છે. તેના કારણે અંદરખાને ઉધામા કર્યા કરે છે. આ વાત કેનેડાની સરકારે સત્તાવાર રીતે સ્વીકારી છે. કેનેડાની નેશનલ સિક્યુરિટી અને ઈન્ટેલિજન્સ સંસદીય સમિતિએ ૨૦૧૯માં એક રીપોર્ટ બહાર પાડેલો. ૨૦૧૮માં કેનેડામાં આતંકવાદના ખતરા (ટેરરિઝમ થ્રેટ) અંગેના આ રીપોર્ટમાં કહેવાયું હતું કે કેનેડાને કટ્ટરવાદી ઈસ્લામિક આતંકવાદીઓ તરફથી મોટા પાયે જોખમ છે જ પણ   ખાલિસ્તાનીઓનું જોખમ પણ છે.

આ રીપોર્ટમાં દાવો કરાયેલો કે, ખાલિસ્તાનના સમર્થકો ખાલિસ્તાની આંદોલનને ફરી સક્રિય કરવાના પ્રયાસ કરી રહ્યા છે. કેનેડા ઉપરાંત  બ્રિટન, પાકિસ્તાન અને અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકોનું પ્રમાણ અને જોર નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદ સાથે સંકળાયેલાં સંગઠનો બબ્બર ખાલસા ઈન્ટરનેશલ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન પર પ્રતિબંધ છે પણ અદરખાને આ સંગઠનો સક્રિય હોવાનો સ્વીકાર તેમા કરાયો હતો. કેટલાક કેનેડિયન નાગરિકો હજુય ખાલિસ્તાની વિચારધારા અને આતંકવાદી  ચળવળને નાણાકીય મદદ કરે છે. છેલ્લા એકાદ વરસથી કેનેડામાં હિંદુ મંદિરો પર થઈ રહેલા હુમલા સાબિત કરે છે કે, આ રીપોર્ટ એકદમ સાચો હતો. 

થોડા મહિના પહેલાં હિમાચલ પ્રદેશમાં આ રીતે જ સચિવાલયના દરવાજે કોઈ 'ખાલિસ્તાન ઝિંદાબાદ' લખી ગયેલું. અદ્દલ એવી જ ઘટના હવે ટોરન્ટોમાં સ્વામિનારાયણ મંદિરમાં બની છે. આ ઘટના બહુ મોટી નથી પણ તેને હળવાશથી પણ ના લઈ શકાય કેમ કે આ ઘટના સ્પષ્ટ રીતે એક વાતનો સંકેત આપે છે કે, ખાલિસ્તાનની ચળવળ હજુ સાવ મરી પરવારી નથી. આ ચળવળ ફરી માથું ઉંચકવા પ્રયત્ન કરી રહી છે. ગુજરાતીમાં કહેવત છે કે, દુશ્મનને ઉગતો જ ડામવો સારો. ભારતે આ કહેવતને અનુસરીને ખાલિસ્તાનવાદીઓ ફરી માથું ઉંચકે એ પહેલાં જ તેમને કચડી નાંખવા જરૂરી છે. 

કેનેડાની કુલ વસતીમાં લગભગ ચાર ટકા હિંદુ છે ને તેમાંથી અડધોઅડધ સીખો છે. ભવિષ્યમાં ખાલિસ્તાનવાદીઓ હિંદુઓને નિશાન બનાવીને હુમલા કરે એવો પણ ખતરો છે એ જોતાં આ ઘટનાને ગંભીરતાથી લેવી જ પડે. 

કેનેડાના વડાપ્રધાનને ખાલિસ્તાનીઓ તરફ કૂણી લાગણી

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ખાલિસ્તાનવાદીઓ તરફ કૂણી લાગણી હોવાનું મનાય છે. આ કારણે કેનેડામાં ખાલિસ્તાનવાદીઓના કારણે સુરક્ષા સામે ખતરાની વારંવારની ચેતવણી છતાં ટ્રુડોની સરકાર ખાલિસ્તાનવાદીઓ પર તૂટી પડતી નથી કે તેમની સામે આકરી કાર્યવાહી કરતી નથી. 

ટ્રુડોના ખાલિસ્તાનવાદીઓ સાથેના કનેક્શનનો મુદ્દો ટ્રુડો ભારત આવ્યા ત્યારે પણ ચગ્યો હતો. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રુડો સામે ખાલિસ્તાની આતંકવાદીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. ટુડોની મુલાકાત દરમિયાન કેનેડીયન હાઈ કમિશને તેમના માનમાં  ભોજન સમારોહ યોજ્યો હતો. 

કેનેડા સરકારના સત્તાવાર કાર્યક્રમમાં ભારતીય મૂળના કેનેડિયન જસપાલ અટવાલે હાજરી આપતાં ભારે હોબાળો થયો હતો કેમ કે અટવાલ ખાલિસ્તાની આતંકવાદી છે. 

અટવાલે ભારતના એક પ્રધાનની હત્યાના પ્રયાસનો અપરાધી છે. પંજાબના કેબિનેટ પ્રધાન મલ્કૈતસિંહ સિધુ ૧૯૮૬માં વાનકુવર ગયા ત્યારે અટવાલે તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો. એ પહેલાં કેનેડામાં ઘડાયેલા કાવતરાને અંજામ આપી ખાલિસ્તાની આતંકવાદીઓએ ૧૯૮૫માં એર ઈન્ડિયાના વિમાનને ઉડાવી દેતાં ૩૩૧ લોકોનાં મોત થયા હતા. અટવાલ સીધી રીતે તેમાં પણ સામેલ હતો. અટવાલ ખાલિસ્તાનીઓને ફંડ આપતો હોવાના પુરાવા હોવા છતાં તેની ટ્રુડોના કાર્યક્રમમાં હાજરી સામે ભારતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છતાં ટ્રુડોએ અટવાલ સાથેના સંબધો ચાલુ જ રાખ્યા છે.

ખાલિસ્તાનીઓ ભારતના દૂતાવાસ સામે દેખાવો કરે છે

કેનેડામાં સીખોની વસતી મોટા પ્રમાણમાં છે અને તેમાંથી ઘણા ખાલિસ્તાનના સમર્થક છે. કેનેડામાં ખાલિસ્તાનવાદીઓનાં સંગઠનો પણ સક્રિય છે.  વાનકુંવરમાં આવેલું સીખ્સ ફોર જસ્ટિસ સંગઠન ખાલિસ્તાનવાદીઓનું સમર્થક સૌથી મોટું સંગઠન મનાય છે. આ સંગઠન કેનેડામાં ભારત સરકાર વિરૂધ્ધ દેખાવો કરવા સહિતના કાર્યક્રમો કર્યા કરે છે. આ સંસ્થાનો કર્તાહર્તા મો ધાલીવાલ છે. ધાલીવાલ પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન નામનું સંગઠન પણ ચલાવે છે.

ભારતમાં કૃષિ કાયદા વિરૂધ્ધ આંદોલન થયું ત્યારે ધાલીવાલ અત્યંત સક્રિય હતો. ધાલીવાલ દ્વારા ગયા વરસે પ્રજાસત્તાક દિને કેનેડામાં ભારતીય દૂતાવાસની સામે દેખાવો પણ કરાયા હતા. એ વખતે ધાલીવાલે હુંકાર કરેલો કે, મોદી સરકાર કૃષિ કાયદા રદ કરી દેશે તો પણ વાત પતી જવાની નથી પણ એ શરૂઆત હશે. ખેડૂત આંદોલન તો માત્ર દેખાવ છે, અસલી ઉદ્દેશ તો ખાલિસ્તાનની રચના માટેની ચળવળને પાછી સક્રિય કરવાનો છે. ધાલીવાલ કેનેડાનો નાગરિક હોવાથી ધાલીવાલને કંઈ કરી ના શકાયું પણ ખાલિસ્તાનવાદીઓની સક્રિયતાનો આ પુરાવો છે.

City News

Sports

RECENT NEWS