Get The App

તુર્કી બની રહ્યો છે પાક. પ્રેરિત આતંકવાદનો નવો અડ્ડો

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
તુર્કી બની રહ્યો છે પાક. પ્રેરિત આતંકવાદનો નવો અડ્ડો 1 - image

- દિલ્હી બ્લાસ્ટમાં સંડોવાયેલા ડોક્ટરો જૈશના હેન્ડલરને મળવા તુર્કી ગયાનો ખુલાસો, જૈશને તુર્કીમાં પગપેસારો વધ્યો છે

- દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પહેલાં જ ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા ઈસ્તાંબુલ ઈન્ટરનેશનલના સહસંસ્થાપક ફરહાન નબી સિદ્દીકીની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન તેનો તુર્કીનો સાથી નાસી તોરબા ફરાર થઈ ગયો હતો. તે તુર્કીથી જૈશના હેન્ડલરો માટે ભારતમાં આવીને કામ કરતો હતો અને નેટવર્ક વિકસાવતો હતો : તુર્કી અને જર્મનીથી હવાલા દ્વારા ટેરર ફંડિંગ મેળવવામાં આવી રહ્યું છે. અમરોહા અને પંજાબમાં મદરસા અને મસ્જિદના નામે જમીન ખરીદવામાં આ ફંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તુર્કી અને અન્ય દેશોમાંથી આવતા ભંડોળનો ઉપયોગ ભારતમાં આતંકવાદ અને કટ્ટરવાદ ફેલાવવા માટે કરવામાં આવે છે : ચિંતાની વાત એ છે કે, ઘણા વર્ષોથી કશ્મીર અને અલગાવવાદ મુદ્દે તુર્કીનું પાકિસ્તાનને સમર્થન રહ્યું જ છે અને હવે તેની ધરતી ઉપરથી આતંકવાદ ફેલાઈને ભારતને કનડી રહ્યો છે. તુર્કીએ તો ઓપરેશન સિંદૂર દરમિયાન પણ પાકિસ્તાનની મદદ કરી હતી

લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ કેસની તપાસમાં હવે સંભવિત તુર્કી કનેક્શન સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બ્લાસ્ટની તપાસમાં પકડાયેલા ડોક્ટર મોડયુલના બે સભ્યો ડૉ. ઉમર અને ડૉ. મુજમ્મિલના પાસપોર્ટથી આ કેસમાં વધુ એક વળાંક આવ્યો છે. તપાસ એજન્સીઓએ જણાવ્યું કે, તેઓ ટેલિગ્રામ ઉપર એક કોમ્યુનિટી ગ્રૂપમાં જોડાયા હતા. તેમાં જોડાયાના થોડા સમયમાં જ તેઓ તુર્કીના પ્રવાસે ગયા હતા. એજન્સીઓને શંકા છે કે, તેઓ તુર્કીના પ્રવાસે આતંકવાદી નેટવર્ક સાથે જોડાણ માટે જ ગયા હતા. તેઓ આ રીતે જૈશના નેટર્વકમાં એક્ટિવ થયા હતા. બીજી ચર્ચા એવી પણ છે કે, તુર્કીથી પાછા આવ્યા બાદ બંને ડોક્ટરોએ દેશના વિવિધ ભાગમાં પોતાના નેટવર્ક વિકસાવીને એક્ટિવ થવાની તૈયારીઓ કરી હતી. તપાસ એજન્સીઓ માને છે કે, જૈશના હેન્ડલર દ્વારા તુર્કી ખાતેની મિટિંગમાં આ લોકોને વિવિધ આદેશ આપવામાં આવ્યા હોવા જોઈએ. જૈશના હેન્ડલરે જ તેમને દેશમાં વિવિધ સ્થળે ફેલાવાનો આદેશ આપ્યો હશે. તેના પગલે જ તેઓ એક જગ્યાએથી ઓપરેટ કરવાના બદલે વિવિધ શહેરોમાં નેટવર્ક ફેલાવીને હુમલો કરવાની ફિરાકમાં ફરતા હતા.

ઉલ્લેખનીય છે કે, હાલમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ દ્વારા બ્લાસટની પહેલાં અને પછીના કેટલાક સમય માટેના સ્લોટની સાઈબર તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન લાલ કિલ્લા પાસે જેટલા નેટવર્ક છે અને તેની સાથે જોડાયેલો ડેટા ડંપ મેળવીને તેની તપાસ કરાઈ રહી છે. 

જાણકારોના મતે બપોરે ૩ વાગ્યાથી સાંજે ૭ વાગ્યાની વચ્ચે ઉમર લાલ કિલ્લાની આસપાસ જ હતો. તે પોતાની કારની બહાર નીકળ્યો હતો. તે સમયે તેણે કોને ફોન કર્યા હતા, કોની સાથે ચેટ કરતો હતો. તેની સાથે ભૂતકાળમાં વાત કરી છે કે નહીં, તેના ચેટ રેકોર્ડ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એજન્સીઓએ જણાવ્યું કે, તેઓ તમામ ડિજિટલ કોમ્યુનિકેશનની દરેકે દરેક વિગત અને બાબતો તપાસી રહ્યા છે. તેઓ આ કેસમાં જૈશના હેન્ડલર સુધી પહોંચવા માગે છે. તેમનું માનવું છે કે, તુર્કી હવે આતંકીઓનો નવો અડ્ડો બની રહ્યું છે. 

જૈશ દ્વારા તુર્કી ખાતે હેન્ડલરને ગોઠવીને દિલ્હીમાં હુમલો કરાવાયો છે અને ભારતમાં વિવિધ સ્થળે હુમલા કરાવાનું આયોજન પણ કર્યું હશે.

વાત એવી છે કે, દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે ૧૦ નવેમ્બરે એક આઈ-૨૦ કારમાં બ્લાસ્ટ થયો અને તેમાં એક ડઝન લોકો માર્યા ગયા અને ઘણા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 

આ વિસ્ફોટ કેસની તપાસમાં નવી અને મહત્ત્વની જાણકારી સામે આવી છે. સૂત્રોના મતે ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરમાં બહાવલપુર મુખ્યાલયને થયેલા નુકસાનનો બદલો લેવા માટે જૈશ-એ-મોહમ્મદ દ્વારા આ આતંકી હુમલો કરાવાયો છે. તેની તપાસમાં એવો પણ એંગલ આવે છે કે, આ કેસમાં સંકળાયેલા આતંકીઓ જૈશના હેન્ડલર સાથે સંપર્કમાં હતા. તેઓ જૈશના હેન્ડલર સાથે તુર્કીમાં મિટિંગ કરી આવ્યા હતા. કહેવાય છે કે, ઉમર જ ગાડી ચલાવતો હતો. બીજી તરફ ડોક્ટર મુજમ્મિલ શકીલ ગનીની ધરપકડ કરાઈ છે. આ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી તુર્કીના હેન્ડલરને સંપર્ક કરીને આદેશ લેતા હતા. 

મહત્ત્વનું એ છે કે, દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પહેલાં જ ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા ઈસ્તાંબુલ ઈન્ટરનેશનલના -સહસંસ્થાપક ફરહાન નબી સિદ્દીકીની ધરપકડ કરવામાં આવી હતી. તેને ગ્રેટર નોઈડાથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સામે નફરત ફેલાવતા અને ઉશ્કેરણીજનક સામગ્રીને પ્રકાશિત કરવા અને ફેલાવવા તથા હવાલા થકી ૧૧ કરોડ રૂપિયાથી વધારેની વિદેશી રકમ મેળવવા બદલ ઝડપી પાડવામાં આવ્યો હતો. 

આ દરમિયાન તેનો તુર્કીનો સાથી નાસી તોરબા ફરાર થઈ ગયો હતો. અહેવાલો જણાવે છે કે, નાસી તોરબા દ્વારા જ સિદ્દીકીનો પરિચય આ આતંકી જૂથ અને તેના નેટવર્ક સાથે કરાવવામાં આવ્યો હતો. તે તુર્કીથી જૈશના હેન્ડલરો માટે ભારતમાં આવીને કામ કરતો હતો અને નેટવર્ક વિકસાવતો હતો. હાલમાં પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા તેની શોધ કરવામાં આવી રહી છે. 

બીજી તરફ એવું પણ દેખાઈ રહ્યું છે કે, તુર્કી અને જર્મનીથી હવાલા દ્વારા ટેરર ફંડિંગ મેળવવામાં આવી રહ્યું છે. અમરોહા અને પંજાબમાં મદરસા અને મસ્જિદના નામે જમીન ખરીદવામાં આ ફંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

કથિત દુષ્પ્રચાર અને નાણાકિય વ્યવહારોમાં મદદ કરનારા નબીના કેટલાક સંબંધીઓ અને કેટલાક સેવા નિવૃત્ત સૈન્ય અધિકારીઓના ખાતાઓની તપાસ પણ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે, પ્રારંભિક તપાસ, પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે એટલું જાણી શકાય છે કે, ધાર્મિક અને શૈક્ષણિક કામગીરીની આડમાં વિભાજનકારી કામગીરીઓ ચલાવવામાં આવે છે. તુર્કી અને અન્ય દેશોમાંથી આવતા ભંડોળનો ઉપયોગ ભારતમાં આતંકવાદ અને કટ્ટરવાદ ફેલાવવા માટે કરવામાં આવે છે.

મહત્ત્વનું એ છે કે, દિલ્હી વિસ્ફોટમાં જે રીતે વારંવાર તુર્કીની લિંક સામે આવી રહી છે તે પાકિસ્તાન બહાર પણ ભારત વિરોધી આતંકી અભિયાનો હાથ ધરાતા હોવાના સંકેત આપે છે. ચિંતાની વાત એ છે કે, ઘણા વર્ષોથી કાશ્મીર અને અલગાવવાદ મુદ્દે તુર્કીનું પાકિસ્તાનને સમર્થન રહ્યું જ છે અને હવે તેની ધરતી ઉપરથી આતંકવાદ ફેલાઈને ભારતને કનડી રહ્યો છે. તુર્કીએ તો ઓપરેશન સિંદૂર દરમિયાન પણ પાકિસ્તાનની મદદ કરી હતી. પહલગામમાં આતંકવાદી હુમલના કેટલાક દિવસ પછી ભારત અને પાકિસ્તાન આમને સામે હતા. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં ફેલાયેલા આતંકી અડ્ડાઓનો નિશાન બનાવ્યા હતા. ભારતના આ ઓપરેશન દરમિયાન તુર્કીના ઘણા સી ૧૩૦ ઈ હરક્યુલિસ કાર્ગો વિમાન હથિયારો અને ડ્રોનના કાફલા સાથે પાકિસ્તાનની ધરતી ઉપર ઉતર્યા હતા. પાકિસ્તાનને તેણે ઘણી મદદ પહોંચાડી હતી. તેના દ્વારા સ્પષ્ટ થાય છે કે, હાલમાં દિલ્હીમાં થયેલા હુમલામાં આતંકવાદીઓ ટ્રેનિંગ માટે, નેટવર્કિંગ માટે કે યોજના માટે તુર્કી ગયા હોય અને ત્યાંથી આદેશ મેળવીને આવ્યા હોય તો તેમાં જરાય નવાઈ પામવા જેવું નથી.

ખાસ વાત એ છે કે, થોડા સમય પહેલાં જ ભારતે કશ્મીર મુદ્દે અને અન્ય મુદ્દે તુર્કીના વલણની ટિકા કરી હતી. તુર્કી આતંકવાદને રોકવાના બદલે તેના પ્રસારમાં પાકિસ્તાનને મદદ કરતી હોવાની પણ નિંદા કરી હતી. તુર્કી દ્વારા પાકિસ્તાનને હથિયારો અને આતંકવાદીઓને શરણું આપવાની પહેલ કરાઈ હતી તેને પણ ભારતે વખોડી કાઢયું હતું. 

તુર્કીના આતંકવાદી સંગઠનો જેવા કે ઈકવાન ઉલ મુસ્લિમીન અને અન્ય કટ્ટરપંથી જુથો દ્વારા પણ પાકિસ્તાની આતંકવાદીઓને મદદ અને તાલીમ આપવામાં આવી રહી છે જે ભારત માટે ચિંતાજનક બાબત છે. તેના જ વિરોધમાં ભારતે તુર્કીનો બહિષ્કાર અને ટ્રેડ સ્ટ્રાઈક જેવા પગલા લીધા હતા. જાણકારો સ્પષ્ટપણે માને છે કે, તુર્કી આ રીતે પાકિસ્તાનને મદદ કરે અને આતંકવાદને સમર્થન આપે તે ભારત માટે સુરક્ષા બાબતે મોટો ખતરો છે.

જૈશ-એ-મોહમ્મદ તુર્કીમાં આતંકનો બેઝ બનાવી રહ્યું છે

સુરક્ષા સલાહકારોના મતે જૈશ-એ-મોહમ્મદ જેવા ઘણા આતંકી સંગઠનોને તુર્કીમાં શરણું મળી રહ્યું છે. તેમાંય જૈશ જેવું ક્રૂર આતંકી સંગઠન તુર્કીમાં પોતાનો બેઝ બનાવી રહ્યું છે અને ત્યાંના આતંકીઓ અને વિદ્રોહીઓ પાસેથી ટ્રેનિંગ અને હથિયારો લઈને ભારતમાં હુમલા કરવાનું આયોજન કરી રહ્યું છે. તાજેતરમાં દિલ્હી હુમલાના આરોપીઓના તુર્કી પ્રવાસ અને તેમના તુર્કીના સંપર્કોના આધારે જ આ માહિતી બહાર આવી કે તેઓ ત્યાંથી મદદ લઈને ભારતમાં હુમલા કરી રહ્યા છે. જાણકારોના મતે પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ માટે તુર્કી ખૂબ જ સારો મિત્ર અને સુવિધાજનક સ્થાન તરીકે ઊભરી રહ્યો છે. તુર્કી જૈશ સામે કોઈ પગલાં લેતું નથી અને તેને અંદરખાને મદદ પણ પૂરી પાડે છે. સુરક્ષા સલાહકારો જણાવે છે કે, તુર્કી દ્વારા પાકિસ્તાનને ટેક્નોલોજી, આર્થિક મદદ, હથિયારો અને ગુપ્ત માહિતી આપીને એશિયામાં આતંકવાદને ફેલાવવા માટેનું પ્લેટફોર્મ તૈયાર કરી આપવામાં આવે છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, જૈશ એ મોહમ્મદ દ્વારા બાંગ્લાદેશ અને નેપાળમાં પણ પોતાનું નેટવર્ક વિસ્તારવાની કામગીરી કરવામાં આવી રહી છે. પાકિસ્તાન અને તુર્કીની મિલિભગત દ્વારા જ ભારતના પાડોશી દેશોમાં જૈશનું નેટવર્ક વધી રહ્યું છે. એક વાત સ્પષ્ટ છે કે, તુર્કીની મદદથી જ જૈશ મજબૂત થઈ રહ્યું છે અને જો તેનું નેટવર્ક મજબુત થશે તો ભારત માટે ખતરો જ સર્જાશે. ખાસ વાત એવી છે કે, ભારતે ઘણી વખત તુર્કીને આકરા શબ્દોમાં સંદેશ આપ્યો છે કે, તે પાકિસ્તાન અને પાક પ્રેરિત આતંકવાદનું સમર્થન કરવાનું બંધ કરી દે નહીંતર ભારત દ્વારા કડક પગલાં લેવામાં આવશે. આ મુદ્દે થોડા સમય પહેલાં ભારતે કેટલાક પગલાં પણ લીધા હતા. ભારતે તુર્કીની કંપનીની સુરક્ષા મંજુરી રદ કરી દીધી હતી અને સામાજિક ધોરણે પણ તેનો વિરોધ કર્યો હતો. ચિંતાજનક બાબત એ છે કે, તુર્કીનું આ વલણ અને ધર્મના નામે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને સમર્થન ભારત માટે મોટા જોખમ સમાન છે. વર્તમાન સમયમાં તુર્કી એક એવા દેશ તરીકે વિકસી રહ્યો છે જે પાકિસ્તાન સાથે જોડાઈને આતંકવાદને વધુ વિસ્તારી દેશે. તે ભારત માટે અને એશિયાના અન્ય દેશો માટે પણ મોટો ભય ઊભો કરી રહ્યો છે. ભારત માટે આ ગંભીર સમસ્યા છે અને તેનો નક્કર અને ઝડપી ઉકેલ નહીં આવે તો ભારતે આતંકવાદી ઘટનાઓના કડવા ઘુંટડા ફરી પીવાના આવી શકે તેમ છે.