For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિશ્વની વસતી 800 કરોડ, હવે દર ધીમો પડશે

Updated: Nov 16th, 2022

Article Content Image

- આશાનું કિરણ એ છે કે, વસતી વધારાનો દર ધીમો પડી રહ્યો છે. વિશ્વમાં વીસમી સદીના દાયકામાં આખી દુનિયાએ જબરદસ્ત વસતી વિસ્ફોટ જોયો હતો. એ પછી વસતી વધારાના કારણે પેદા થતી સમસ્યાઓ અંગે ખાસ કરીને પશ્ચિમના દેશોમાં જાગૃતિ આવતાં વસતી વધારાનો દર ધીમો પડયો છે. યુનાઈટેડ નેશન્સનું માનવું છે કે, આ દર હજુ ધીમો પડશે. હવે પછી વિશ્વની વસતીમાં 100 કરોડનો વધારો થવામાં 15 વર્ષ લાગશે.

વિશ્વની વસતી ૮ અબજ એટલે કે ૮૦૦ કરોડને પાર થઈ ગઈ છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા સત્તાવાર રીતે આ જાહેરાત કરાઈ છે. ૨૦૧૧મા વિશ્વની વસતી ૭૦૦ કરોડને પાર થઈ હતી એ જોતાં માત્ર ૧૧ વર્ષમાં જ વિશ્વની વસતીમાં ૧૦૦ કરોડનો અધધધ વધારો થઈ ગયો છે. વિશ્વની વસતી ૧૯૭૪માં ૪૦૦ કરોડ થઈ હતી એ જોતાં વિશ્વની વસતીને ડબલ થતાં ૪૮ વર્ષ થયાં છે. ૨૦૧૧માં વિશ્વની વસતી ૭૦૦ કરોડ થઈ ત્યારે જ અંદાજ મૂકાયેલો કે, વિશ્વમાં દર ૧૪ મહિને ૧૦ કરોડ લોકોનો વધારો થાય છે તેથી ૨૦૨૨ના અંત સુધીમાં વિશ્વની વસતી ૮ અબજને પાર થઈ જશે. આ વાત બિલકુલ સાચી પડી છે. 

અત્યારે વિશ્વની વસતીમાં ચીન ૧૪૨ કરોડ સાથે નંબર વન છે પણ બહુ જલદી ભારત નંબર વન બની જશે કેમ કે ભારત ૧૪૧ કરોડ સાથે બીજા નંબરે છે. એશિયા વસતી વધારામાં મોખરે છે પણ હવે પછી આફ્રિકા તેમાં આગેવાની લેશે એવું પણ મનાય છે. 

વિશ્વની વસતી ૮૦૦ કરોડ થઈ એ બહુ મોટી ઘટના છે પણ હવે દુનિયાભરના દેશો પ્રાર્થના કરી રહ્યા છે કે, વસતી વધારાનો દર ધીમો પડે. તેનું કારણ એ કે, વસતી વધારાની સાથે સાથે બધાંની સમસ્યાઓ પણ વધી રહી છે. વસતી વધારાનો દર મોટા ભાગે આર્થિક રીતે ગરીબ લોકોમાં વધારે હોવાથી આર્થિક અસમાનતા વધી રહી છે ને તેના કારણે ગરીબી, બેરોજગારી વગેરે વધી રહ્યું છે. વધારે વસતીને પોષવા માટે કુદરતી સ્ત્રોત વધારે ખર્ચાય છે તેથી એ પણ ખૂટી રહ્યા છે. વસતી વધતાં તેની જરૂરીયાતોને સંતોષવા મોટા પ્રમાણમાં ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે તેથી ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે ને તેના કારણે પર્યાવરણનું સંતુલન ખોરવાઈ ગયું છે. બલ્કે પૃથ્વીના અસ્તિત્વ સામે જ ખતરો ઉભો થઈ ગયો છે. 

વિશ્વમાં વધતી વસતી સાથે બીજી મોટી સમસ્યા એ પણ છે કે, જેમ વસતી વધી રહી છે તેમ તેમ ઘરડાં લોકોની સંખ્યા વધી રહી છે. વસતીના નિષ્ણાતો મેડિયન એજ નામનો શબ્દ વાપરે છે. અત્યારે વિશ્વમાં મેડિયન એજ ૩૦.૫ વર્ષ છે. તેનો મતલબ એ કે, દુનિયાનાં પચાસ ટકા લોકો ૩૦.૫ વર્ષથી મોટાં છે ને પચાસ ટકા લોકો ૩૦.૫ વર્ષથી નાનાં છે. ઘરડાં લોકો વધારે હોય તેમ પ્રોડક્ટિવિટી ઘટે તેથી વિશ્વના આર્થિક વિકાસ પર તેની પ્રતિકૂળ અસર પડી રહી છે. 

જો કે એક આશાનું કિરણ એ છે કે, વસતી વધારાનો દર ધીમો પડી રહ્યો છે. વિશ્વમાં વીસમી સદીના દાયકામાં આખી દુનિયાએ જબરદસ્ત વસતી વિસ્ફોટ જોયો હતો. એ પછી વસતી વધારાના કારણે પેદા થતી સમસ્યાઓ અંગે ખાસ કરીને પશ્ચિમના દેશોમાં જાગૃતિ આવતાં વસતી વધારાનો દર ધીમો પડયો છે. યુનાઈટેડ નેશન્સનું માનવું છે કે, આ દર હજુ ધીમો પડશે. હવે પછી વિશ્વની વસતીમાં ૧૦૦ કરોડનો વધારો થવામાં ૧૫ વર્ષ લાગશે. મતલબ કે, ૨૦૩૭માં વસતી ૯૦૦ કરોડને પાર થશે જ્યારે ૧૦ અબજ તો ૨૦૮૦ પછી થશે. વસતી વધારાનો દર આ હદે ધીમો પડે તો ખરેખર બહુ રાહત થાય. 

આ આગાહી સાચી પડી શકે છે. વિશ્વમાં વસતી વધારાનો ટ્રેન્ડ જોશો તો આ વાત સમજાશે. વિશ્વની વસતી ૧૮૦૪માં પહેલી વાર ૧૦૦ કરોડ એટલે કે ૧ અબજને પાર થઈ હતી.  મેડિકલ સાયન્સ એટલું વિકસ્યું નહોતું તેથી રોગચાળામાં લોકો મોટી સંખ્યામાં મરી જતાં. ટેકનોલોજી નહોતી તેથી પૂર સહિતની કુદરતી આફતોમાં પણ ભારે જાનહાનિ થતી. ૧૯૧૪માં પહેલું વિશ્વ યુધ્ધ થયું તેમાં પણ મોટી સંખ્યામાં જીવ ગયા હતા. 

આ પ્રતિકૂળતાઓના કારણે વિશ્વની વસતીને ૨ અબજ પર પહોંચતાં ૧૨૩ વર્ષ લાગ્યાં. ૧૯૨૭માં વિશ્વની વસતી ૨ અબજ થઈ. પછી ૩૩ વર્ષમાં એટલે કે ૧૯૬૦માં ૩ અબજ પર પહોંચી. મેડિકલ સાયન્સ અને ટેકનોલોજીના વિકાસ છતાં બે વિશ્વ યુધ્ધના કારણે આ વરસોમાં બહુ વસતી વધારો ના થયો.   યૂરોપના દેશોમાં પહેલા વિશ્વ યુધ્ધમાં મોટા પાયે યુવાનો મૃત્યુ પામતાં પ્રજોત્ત્પતિની પ્રક્રિયા ધીમી પડી ગઈ. વૃધ્ધોનું પ્રમાણ વધતાં ૧૮ થી ૪૦ વર્ષના લોકો પર વૃધ્ધોને નિભાવવાની જવાબદારી વધી તેથી યુવાનો જવાબદારીના બોજથી કંટાળીને  સંતાનો પેદા કરવા તરફ નિરસ બન્યા. બીજા વિશ્વ યુધ્ધમાં પણ મોટા પ્રમાણમાં લોકો મોતને ભેટયાં હતાં.

વિશ્વમાં ૧૯૬૦ પછી શાંકિનો માહોલ હતો તેથી ૧૯૬૦ પછી વસતી વધારાએ ગતિ પકડી. ૧૪ વર્ષમાં ૧૦૦ કરોડ લોકો વધી જતાં  ૧૯૭૪માં વિશ્વની વસતી ૪ અબજ થઈ. ૧૩ વર્ષ પછી ૧૯૮૭માં વસતી ૫ અબજ થઈ અને ૧૨ વર્ષ પછી એટલે કે ૧૯૯૯માં ૬ અબજ થઈ. તેના ૧૩ વર્ષ પછી ૨૦૧૨માં ૭ અબજ થઈ.

આ ટ્રેન્ડ પરથી સ્પષ્ટ છે કે, દર ૧૨-૧૩ વરસે વિશ્વની વસતી ૧૦૦ કરોડ વધી જાય છે. હવે પછી આ વધારો ૧૫ વર્ષે ને એ પછી ૪૩ વર્ષે થાય એ મોટી રાહત જ કહેવાય. વસતી વધારો ધીમો પડે તો ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવી શકે ને લોકોના જીવન સુખમય બનશે. 

ભારતમાં દરેક દાયકામાં વસતી વધારાનો વિસ્ફોટ

વિશ્વમાં વસતી વધારામાં ભારતનું યોગદાન નોંધપાત્ર છે. ભારતમાં આઝાદી પછી બેફામ વસતી વધારો થયો છે અને મોટા ભાગના દાયકામાં વસતી વધારાનો દર ૨૦ ટકાથી વધારે રહ્યો છે. 

માત્ર ૧૯૫૧-૬૦ના દાયકામાં વસતી વધારાનો દર ૨૦ ટાકથી ઓછો હતો ને તેનું કારણ એ હતું કે, ભાગલાના કારણે મોટા પ્રમાણમાં વસતીનું સ્થળાંતર થયું તેથી યોગ્ય રીતે વસતી ગચરી નહોતી થઈ. બાકીના છ દાયકામાં દેશમાં વસતી વધારાનો દર ૨૦ વર્ષથી વધારે રહ્યો છે.

ભારતની વસતી ૧૮૨૦માં ૨૦ કરોડની આસપાસ હતી.  એ વખતનું ભારત હાલનાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એ ત્રણ દેશોનું બનેલું હતું.  ૧૮૫૭ના વિપ્લવ પછી ભારતનો વહીવટ બ્રિટિશ સરકાર પાસે ગયો પછી ૧૮૮૧માં પહેલી વસતી ગણતરી કરાઈ ત્યારે  ૨૫ કરોડ હતી. ૧૯૦૧માં વસતી ૪ કરોડ વધીને ૨૯ કરોડ થઈ.  ૧૯૧૧માં ૩૧.૫૦ કરોડ થઈ,  ૧૯૩૧માં ૩૫ કરોડ અને ૧૯૪૧માં ૩૯ કરોડ વસતી થઈ. ભારત ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આઝાદ થતાં હાલનું ભારત અસ્તિત્વમાં આવ્યું. બ્રિટિશ ઈન્ડિયાની  ૩૧ કરોડ વસતીમાંથી ૮ કરોડ લોકો પાકિસ્તાનમાં ગયાં તેથી ભારતની વસતી ૩૧ કરોડ રહી. 

આઝાદી પછી ૧૯૫૧માં પહેલી વસતી ગણતરી થઈ ત્યારે ભારતની વસતી ૩૬ કરોડ હતી. ૧૯૬૧માં વસતી ૮ કરોડ વધીને ૪૪ કરોડ થઈ. ૧૯૭૧માં ૨૫ ટકા એટલે કે ૧૧ કરોડ  વધીને ૫૫ કરોડ થઈ. ૧૯૮૧માં ૨૪ ટકા એટલે કે ૧૩ કરોડ વધીને ૬૮ કરોડ થઈ.  ૧૯૯૧માં ૨૫ ટકા એટલે કે ૧૭ કરોડ વધીને ૮૫ કરોડ થઈ. ૨૦૦૧માં ૨૦ ટકા એટલે કે ૧૭ કરોડ વધીને ૧૦૨ કરોડ થઈ અને ૨૦૧૧માં ૧૯ કરોડ વધીને ૧૨૧ કરોડ થઈ હતી. ભારતમાં  છેલ્લા દાયકાને બાદ કરતાં વસતી વધારાનો દર ૨૦ ટકાથી વધારે જ રહ્યો છે. દુનિયાના કોઈ દેશમાં આ હદે વસતી નથી વધી. 

ભારતીયના સૂચનથી પોપ્યુલેશન ડેની ઉજવણી શરૂ થઈ

વિશ્વમાં વસતી વધારો રોકવા અંગે લોકોમાં જાગૃતિ આવે એ માટે દર વર્ષે ૧૧ એપ્રિલે વિશ્વ વસતી દિન ઉજવાય છે. વિશ્વની વસતી ૧૧ જુલાઈ, ૧૯૮૭ના રોજ પાંચ અબજને પાર થઈ તેની સ્મૃતિમાં યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા ૧૧ જુલાઈએ વર્લ્ડ પોપ્યુલેશન ડે મનાવાય છે. વિશ્વ વસતી દિવસ ઉજવવાનું સૂચન મૂળ કેરળના ડો. કે. સી. ઝકરીયાએ કરેલું. 

ડો. ઝકરીયા ૧૯૭૧થી ૧૯૮૭ સુધી વર્લ્ડ બેંકમાં સીનિયર ડેમોગ્રાફર હતા. અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વાનિયામાંથી સોશિયોલોજીમાં પીએચ.ડી. કરનારા ડો. ઝકરીયા ડેમોગ્રાફી એક્સપર્ટ છે.  થિરૂવનંથપુરમના સેન્ટર ફોર ડેવલપમેન્ટ સ્ટડીઝમાં ઓનરરી પ્રોફેસર ડો. ઝકરીયાએ વિશ્વમાં વસતીના ટ્રેન્ડ અને સમસ્યાઓ અંગે બહુ સંશોધન કર્યું છે તેથી તેમનું મોટું નામ છે.  તેમના સૂચનના આધારે દર વર્ષે ૧૧ જુલાઈએ વિશ્વ વસતી દિન તરીકે ઉજવાય છે. 

વિશ્વમાં વસતી વધારાને કારણે પેદા થતી સમસ્યાઓ અંગે જાગૃતિ લાવવા માટે  કુટુંબ નિયોજન પર ભાર મૂકવામાં આવે છે. જાતિય સમાનતા, તંદુરસ્તી, માનવાધિકારો, ગરીબી સહિતના વિષયો અંગે પણ જાગૃતિના કાર્યક્રમો યોજાય છે.

Gujarat