- ભારતમાં ઘણા સમયથી ક્રૂડની અછત હતી પણ તેને જાહેર થવા દીધી નહીં અને હવે બરાબર આગ લાગી છે ત્યારે સરકાર કુવો ખોદવા નીકળી છે
- ભારત પાસે 200 વર્ષ ચાલે તેટલો કોલસાનો ભંડાર છે. તેના માટે જ સરકારે અંદાજે ૩૭,૫૦૦ કરોડ રૂપિયા ખર્ચીને ગેસ બનાવવાના પ્લાન્ટ નાખવાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. તેમાંથી દર વર્ષે ૭.૫ ટન કોલસાનો ઉપયોગ કરીને ગેસ ઉત્પન્ન કરવામાં આવશે. કુલ ૩ લાખ કરોડના રોકાણ દ્વારા આખી સિસ્ટમ ઊભી કરાશે : ભારતીય સરકારી કંપની ભેલ દ્વારા રાખ ધરાવતા કોલસાનો પણ યોગ્ય અને મહત્તમ ઉપયોગ કરવાની ટેક્નોલોજી વિકસાવાઈ છે. આ ટેક્નોલોજીને પીબીએફજી એટલે કે પ્રેશરાઈઝ્ડ ફ્લુઈડાઈઝ્ડ બેડ ગેસિફિકેશન કહેવાય છે. ભેલના હૈદરાબાદના એક પ્લાન્ટમાં પાઈલટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો. તેમાં ભારતના રાખ ધરાવતા જ કોલસામાંથી ઉપયોગી ગેસ મેળવવામાં આવ્યો : ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવી સરકારી જાહેરાતો છે. જાણકારોના મતે આ પ્લાન્ટ નખાતા, કામ કરતા અને બધું જ સમુસુથરું પાર પડતા ઓછામાં ઓછા પાંચથી સાત વર્ષ લાગશે. તે ઉપરાંત પાઈપલાઈન દ્વારા તેનો યોગ્ય સપ્લાય શરૂ કરતા અને અન્ય વ્યવસ્થા કરતા કુલ એક દાયકા જેટલો સમય લાગશે
- અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે યુરોપના દેશો અને એશિયાના કેટલાક દેશોમાં જે પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત સર્જાઈ છે તે જગજાહેર છે. બીજી તરફ ભારતમાં પણ હવે ધીમે ધીમે લોકોને આંશિક લોકડાઉન જેવી સ્થિતિમાં રહેવા, વર્ક ફ્રોમ હોમ કરવા, વિદેશ પ્રવાસ ન કરવા અને અન્ય કરકસર કરવા જણાવાઈ રહ્યું છે. નેતાઓના તામજામ અને ઠાઠમાઠ ઘટાડવા નથી પણ પ્રજાને જતું કરવાનું શીખવવું છે. આવી બેધારી નીતિઓ ચલાવતી સરકારના કારણે દેશમાં અણધારી સ્થિતિ આવી ગઈ છે. હવે સરકારે આ સ્થિતિમાં ક્રૂડના વિકલ્પ શોધવાની શરૂઆત કરી છે.
થોડા સમય પહેલાં જ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે, સરકાર દ્વારા કોલસાની મદદથી ગેસનું ઉત્પાદન કરવામાં આવશે. તેના માટે સરકારે ૩૭,૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. હકિકત એવી છે કે, પેટ્રોલ અને ડીઝલ બનાવવા માટે ક્રૂડની જરૂર પડે છે. તેની હાલમાં દેશમાં અછત છે. તેથી સરકારે કોલસાનો ઉપયોગ કરીને કોલ ગેસિફિકેશન યોજના ઉપર કામ શરૂ કર્યું છે. તેમાં સફળતા મળતા જ બહારથી ગેસ અને ક્રૂડ મંગાવવાની સમસ્યામાં રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયાએ પણ હવે પામ ઓઈલનું એક્સપોર્ટ ઘટાડી દીધું છે અને તેમણે તેના દ્વારા ફ્યૂઅલ બનાવવાની શરૂઆત કરી દીધી છે. મલેશિયા પણ તેની સાથે જોડાયેલું છે. તેઓ હવે પામ ઓઈલ વેચવાના બદલે બાયો ડીઝલ બનાવી રહ્યા છે. પામ ઓઈલનો વિશાળ જથ્થો તેમની પાસે છે અને તેઓ તેનાથી જ બાયો ફ્યૂઅલ બનાવીને સસ્તા ભાવે લોકોને આપશે. ભારત પાસે તેના મર્યાદિત સ્રોત છે. તેના પગલે ભારતે હવે કોલસા તરફ નજર દોડાવી છે. ભારતે કોલ ગેસિફિકેશન પાછળ કુલ ૩ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું આયોજન કરી લીધું છે. જાણકારોના મતે આગામી ૩-૪ વર્ષમાં એવી સ્થિતિ આવી જશે કે ગેસ માટે ભારતે કોઈપણ દેશ ઉપર આધાર રાખવો નહીં પડે.
ઉલ્લેખનીય છે કે, ભારત પાસે કોલસાનો અધધ ભંડાર છે. ભારત પાસે ૨૦૦ વર્ષ ચાલે તેટલો કોલસાનો ભંડાર છે. કોલસાથી ગાડીઓ કે ઘરની સગડી ચાલે તેમ નથી. તેના માટે વિવિધ કામગીરી કરવી પડશે. તેના માટે જ સરકારે અંદાજે ૩૭,૫૦૦ કરોડ રૂપિયા ખર્ચીને ગેસ બનાવવાના પ્લાન્ટ નાખવાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. આ યોજના દ્વારા જે પ્લાન્ટ નાખવામાં આવશે તેમાંથી દર વર્ષે ૭.૫ ટન કોલસાનો ઉપયોગ કરીને ગેસ ઉત્પન્ન કરવામાં આવશે. તેના દ્વારા ૫૦,૦૦૦ રોજગારનું પણ સર્જન થશે. જાણકારો માને છે કે, કોલ ગેસિફિકેશન દ્વારા માત્ર ગેસ જ નહીં પણ પેટ્રોલ અને ડીઝલ પણ બનાવી શકાશે. એક તરફ કોલસાને સળગાવીને ગેસમાં રૂપાંતરણ કરવામાં આવશે જ્યારે બીજી તરફ સીટીએલ એટલે કે કોલ ટુ લિક્વિડ પ્રોસેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલ પણ ઉત્પન્ન કરવામાં આવશે.
કોલસામાંથી ગેસ બનાવવા માટે વિશેષ પ્રોસેસ કરવામાં આવે છે. સૌથી પહેલાં કોલસાને ખાંડીને અત્યંત ઝીણા પાઉડર સ્વરૂપમાં લાવવામાં આવે છે. ત્યારબાદ કોલસાના પાઉડરને એક મોટા રિએક્ટરમાં નાખવામાં આવે છે. આ રિએક્ટરને ગેસિફાયર કહેવાય છે. આ ગેસિફાયરની અંદર અંદાજે ૭૦૦થી ૧૫૦૦ સેલ્સિયસ ડિગ્રી તાપમાન હોય છે. તે ઉપરાંત તેમાં હાઈ પ્રેશર પણ હોય છે. તેના પગલે ધીમે ધીમે તેમાંથી ઓક્સિજન અને પાણીની વરાળ છુટા પડવા લાગે છે. તેના પગલે કોલસો સળગતો નથી પણ ધીમે ધીમે રાસાયણિક પ્રક્રિયા થકી ગેસમાં પરિવર્તિત થવા લાગે છે. આ ગેસને સિનગેસ અથવા તો સિન્થેટિક ગેસ કહેવામાં આવે છે. સિનગેસ મુખ્યરીતે કાર્બન મોનોક્સાઈડ ગેસ હોય છે. તેની સાથે એચટુ ઉમેરવાની કામગીરી કરવામાં આવે છે.
આ કામગીરીના બીજા તબક્કાની વાત કરીએ તો તેને ફિશર ટ્રોપ્શ સિંથેસિસ કહેવામાં આવે છે. તેને એફટી પ્રોસેસ તરીકે પણ ઓળખાય છે. તેમાં સિનગેસને સાફ કરીને એક કેમિકલ સાથે રિએક્ટરમાં નાખવામાં આવે છે. ત્યારબાદ તેને હાઈ પ્રેશર દ્વારા કન્ટ્રોલ કરીને તેના તાપમાનમાં વધારો કરવામાં આવે છે. આ તાપમાનને કાબુ કરીને ર્ભં અને લ્લ૨ જોડવામાં આવે છે. તેના દ્વારા નવું સંયોજન રચાય છે. તેના દ્વારા જે પ્રવાહી બને છે તેને કાચુ પેટ્રોલ અથવા ડીઝલ કહેવામાં આવે છે. તે ઉપરાંત જેટ ફ્યૂઅલ પણ આ જ પદ્ધતિ દ્વારા કોલસામાંથી બની શકે છે. તેનો સીધો અર્થ એ છે કે, પહેલા સ્ટેપમાં જે ગેસ બને છે તે સીએનજી અને પીએનજીનો વિકલ્પ હોય છે. કતાર પાસેથી જે ગેસ મગાવામાં આવે છે તે ગેસ અહીંયા કોલસા દ્વારા તૈયાર કરી શકાય તેમ છે.
જાણકારોના મતે એફટી પ્રોસેસ દ્વારા જે ગેસ અને પેટ્રોલ-ડીઝલ મેળવવામાં આવે છે તેનો સીધો ઉપયોગ પણ કરી શકાય તેમ છે. તેને વાહનોમાં નાખી શકાય છે. તેના માટે કોઈ અલગ એન્જિન પણ લગાવવાની જરૂર નથી. કોલસા દ્વારા જ પેટ્રોલ બની જશે. ભારત આવું કરનારો પહેલો દેશ નથી. ભૂતકાળમાં ઘણા દેશો દ્વારા આવા પ્રયોગો કરાયા છે. સાઉથ આફ્રિકામાં હાલમાં પણ આવું કરવામાં આવી રહ્યું છે. તેઓ કોલસા દ્વારા જ પોતાના માટે પેટ્રોલ અને ડીઝલ બનાવી રહ્યા છે. ત્યાં વાહનો આવા ફ્યૂઅલની મદદથી ચાલી પણ રહ્યા છે. આવા ફ્યૂઅલથી ગાડીઓના એન્જિન સાફ થઈ જાય છે. તેનાથી એન્જિન ખરાબ થવાનો કોઈ ભય નથી. તેમાં સલ્ફર ઓછું હોવાથી એન્જિન વધારે સારી રીતે ચાલે છે.
આ ઉપરાંત બીજો સવાલ એવો થાય કે ગેસિફિકેશન દ્વારા જે ગેસ મળે છે તેનો સીધો જ ઘરમાં ઉપયોગ કરી શકાય કે નહીં. આ ગેસ પીએનજી કે એલપીજી જેવો હોતો નથી. તેનો ઉપર પ્રોસેસ કરવી પડે છે. તેને સિન્થેટિક નેચરલ ગેસ કહેવાય છે. તેને એસએનજી કેહવાય છે. તેનાથી મિથેનોલ, એમોનિયા અને હાઈડ્રોજન, યુરિયા ફીડસ્ટોક બનાવવામાં આવે છે. ભારત જો મોટાપાયે એસએનજીનું ઉત્પાદન શરૂ કરી દે તો પીએનજી નેટવર્ક અને ઈન્ડસ્ટ્રિયલ ગેસ સપ્લાયમાં તેનો વ્યાપક રીતે ઉપયોગ કરી શકાય છે. ભારતને ઓસ્ટ્રેલિયા, કતાર, અમેરિકા કે અન્ય દેશો પાસેથી વારંવાર મોંઘો એલએનજી ખરીદવામાંથી પણ મુક્તિ મળે તેમ છે.
સ્વાભાવિક રીતે લોકોને સવાલ થઈ રહ્યો છે કે, આવી રીતે પેટ્રોલ અને ડીઝલ મળે છે તો સરકાર દ્વારા અત્યાર સુધી તેના ઉપર કામ કેમ ન કરવામાં આવ્યું. આપણી પાસે ૨૦૦ વર્ષ ચાલે તેટલો કોલસો પડયો છે તો આપણે શું કરી રહ્યા હતા. તેનો સીધો જવાબ એવો છે કે, આ કામગીરી દ્વારા જે પટ્ર્રોલ અને ડીઝલ મળે છે તે મોંઘા પડે છે. ભારતને સીધી રીતે બહારના દેશઓ પાસેથી ક્રૂડ મંગાવીને તેમાંથી પેટ્રોલ અને ડીઝલ બનાવવાનું સસ્તું પડે છે. સામાન્ય રીતે જે કોલસામાં રાખ ઓછી થતી હોય તેવા કોલસામાંથી ગેસ અને પેટ્રોલ-ડીઝલ વધારે સારી રીતે બને છે. ભારતમાં મળતા કોલસામાં રાખનું પ્રમાણ વધારે છે. તે શુદ્ધ કોલસો નથી. આપણા કોલસાને વધુ પડતો બાળવામાં આવે તો કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી જાય છે. તેના કારણે પ્રદુષણ વધી જાય છે.
- ભારતીય કંપનીઓ દ્વારા નવી ટેક્નોલોજી થકી કોલસાનો મહત્તમ ઉપયોગ કરાશે
ભારતીય સરકારી કંપની ભેલ દ્વારા રાખ ધરાવતા કોલસાનો પણ યોગ્ય અને મહત્તમ ઉપયોગ કરવાની ટેક્નોલોજી વિકસાવાઈ છે. આ ટેક્નોલોજીને પીબીએફજી એટલે કે પ્રેશરાઈઝ્ડ ફ્લુઈડાઈઝ્ડ બેડ ગેસિફિકેશન કહેવાય છે. ભેલના હૈદરાબાદના એક પ્લાન્ટમાં પાઈલટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો. તેમાં ભારતના રાખ ધરાવતા જ કોલસામાંથી ઉપયોગી ગેસ મેળવવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં ઘણી કંપનીઓ આવા રાખવાળા કોલસામાંથી ગેસ બનાવવાની ટેક્નોલોજી ઉપર કામ કરી રહી છે. આ ઉપરાંત જૂની પદ્ધતિમાં જે રીતે કાળો ધુમાડો નીકળતો હતો તેનો પણ ઉકેલ લાવી દેવાયો છે. તેના માટે પણ કાર્બન કેપ્ચર ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના પગલે પ્રદુષણ થતું નથી. ખાસ વાત એ છે કે, પહેલાં આટલી એડવાન્સ ટેક્નોલોજી નહોતી અને વિદેશોમાંથી સરળતાથી ક્રૂડ મળી જતું હતું તેથી ભારત સહિતના એશિયાના દેશો આવી પદ્ધતિ ઉપર કામ પણ કરતા નહોતા. હવે જ્યારે ઈરાન યુદ્ધને પગલે વિશ્વભરમાં અનિશ્ચિતતા સર્જાઈ છે ત્યારે કોલસા ઉપર તમામનું ધ્યાન ગયું છે. ભારત સરકારે તો યોજનાઓ પણ જાહેર કરી દીધી છે. ખાસ વાત એ છે કે, આ રીતે મળતા ગેસનો ઉપયોગ ઈંધણ તરીકે કરી શકાય છે. તે સિવાય પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ પણ કરી શકાય છે. આ સિવાય તેમાંથી એમોનિયા નીકળે છે જેના દ્વારા ખાતર બનાવી શકાય છે. કેમિકલ ઈન્ડસ્ટ્રીમાં તેનો ઉપયોગ કરી શકાય છે. તે ઉપરાંત વીજળી અને હાઈડ્રોજન બનાવવા માટે પણ આ ગેસિફિકેશન પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવી સરકારી જાહેરાતો છે. જાણકારોના મતે આ પ્લાન્ટ નખાતા, કામ કરતા અને બધું જ સમુસુથરું પાર પડતા ઓછામાં ઓછા પાંચથી સાત વર્ષ લાગશે. તે ઉપરાંત પાઈપલાઈન દ્વારા તેનો યોગ્ય સપ્લાય શરૂ કરતા અને અન્ય વ્યવસ્થા કરતા કુલ એક દાયકા જેટલો સમય લાગશે. તેનો અર્થ એ છે કે, હાલમાં જે સમસ્યા છે તેનો કોઈ ઉકેલ હાલ આવે તેમ નથી.


