Get The App

સ્ટેટ ઓફ કલાત(બલુચિસ્તાન)ની આઝાદી માત્ર 277 દિવસ ટકી

Updated: May 16th, 2025

GS TEAM


Google News
Google News
સ્ટેટ ઓફ કલાત(બલુચિસ્તાન)ની આઝાદી માત્ર 277 દિવસ ટકી 1 - image


- ભારત અને પાકિસ્તાનના ભાગલ થયા ત્યારથી બલુચિસ્તાન આઝાદ રહેવા માગતું હતું પણ તેનો સંઘર્ષ આજદિન સુધી યથાવત્ 

- રાષ્ટ્રવાદી નેતા કલાતનું માનવું હતું કે, માત્ર મુસ્લિમ હોવાના કારણે બલુચિસ્તાનને પાકિસ્તાનમાં જોડવામાં ન આવે, અમારી પરંપરા ઈરાનની જેમ અલગ છે : પાકિસ્તાન સાથે જોડાવું નહોતું અને ભારત સાથે જોડાઈ શક્યા નહીં અને ત્યારથી બલુચ નેતાઓનો આઝાદી અને અલગ દેશ માટે સંઘર્ષ ચાલુ થયો છે  : ખાણ-ખનીજોના ભંડાર સમાન બલુચિસ્તાનને પાકિસ્તાન છોડી શકે તેમ નથી પણ માત્ર આધિપત્યની ડંફાસ મારવા માટે નિર્દોષ પ્રજાને કનડવાનું ચાલુ રાખશે 

પાકિસ્તાન અત્યારે બરાબર ભીંસમાં છે. એક તરફ, ભારત સાથે યુદ્ધ કરવામાં ઘણું ગુમાવવું પડયું છે, બીજી તરફ અફઘાનિસ્તાન સરહદે સમસ્યાનો સામનો કરી રહ્યું છે. પીઓકેમાં બલુચ લિબરેશન આર્મીએ તેની સામે હવે મોટાપાયે વિદ્રોહ કરી દીધો છે. તાજેતરમાં જ બલોચ નેતાઓએ જાહેરાત કરી દીધી છે કે, બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો ભાગ નથી પણ આઝાદ દેશ છે. તેમણે ભારત સહિત દુનિયાભરના દેશો સાથે સમર્થન અને મદદની માગણી કરી છે. ખાસ કરીને બલુચ નેતાઓ મોદીને અપીલ કરી રહ્યા છે કે, અમને આઝાદ કરાવો. બલુચિસ્તાનની મહિલાઓ પીએમ મોદીને પોતાના ભાઈ ગણાવે છે. તેઓ પોતાના ઉપર થઈ રહેલા અન્યાય અને અત્યાચારને દૂર કરાવીને મુક્ત કરાવવા માગણી કરી રહી છે. બલોચ આર્મી અને તેમના વિદ્રોહ તથા અલગ દેશની માગણી આજની કે થોડા સમયની નથી. આ બધું તો છેલ્લાં ૭૫ વર્ષથી ચાલતું આવ્યું છે. ભારત દ્વારા તેમના માટે કુણી લાગણી વ્યક્ત કરાઈ છે પણ ભારત તેને સંપૂર્ણ સમર્થન આપે છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ સંકેત નથી. આ સિવાય દુનિયાના દેશો પણ આ સ્થિતિને કેવી રીતે જુએ છે તે અંગે અસ્પષ્ટતા છે.

આ પરિસ્થિતિમાં બલુચિસ્તાનની આઝાદી શું અને આ બધું ક્યાંથી શરૂ થયું તે પણ સમજવા જેવું છે. બલુચિસ્તાનની જનતા વર્ષોથી વિદ્રોહ કરી રહી છે. તેઓ પાકિસ્તાન સાથે રહેવા માગતા નથી. આ મુદ્દો તેમને દાયકાઓ જૂને છે. ભારત અને પાકિસ્તાન આઝાદ થયા અને ભારતના ભાગલા પડયા તે સમયથી અલગ બલુચિસ્તાનનો મુદ્દો ઊભો થયો હતો જે આજદિન સુધી સળગી રહ્યો છે. 

એક સમય હતો જ્યારે મોહમ્મદ જિન્ના તેમને પાકિસ્તાનમાં જોડાવા માગતા નહોતા અને ભારત સાથે જોડાવું કે નહીં તે અંગે બલોચ નેતાઓનું સ્ટેન્ડ ક્લિયર નહોતું. આખરે પાકિસ્તાને તેમને પોતાની સાથે જોડીને ફસાવી દીધા. છેલ્લી ઘડીએ ખેલ થઈ ગયો.

વાત એવી છે કે, ૧૯૪૭માં જ્યારે ભારતની આઝાદી સાથે તેના બે ભાગ પડયા હતા. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન બે અલગ દેશ ગણાયા હતા. આ દરમિયાન બલુચિસ્તાન કે જેને તે સમયે સ્ટેટ ઓફ કલાત કહેવામાં આવતું હતું તે પણ આઝાદ થયું હતું. તેઓ પાકિસ્તાન સાથે જોડાવા માગતા નહોતા. ત્યારે ભારત સાથે જોડાવા અંગે પણ તેમનું વલણ સ્પષ્ટ  નહોતું. બલુચિસ્તાન વિષમ રણપ્રદેશ છે અને ત્યાંની પરંપરાઓ, સંસ્કૃતિ અને સ્થિતિ અલગ છે તેથી તેમને અલગ રહેવું હતું. અહેવાલો પ્રમાણે પાકિસ્તાન અને ઝિણા પણ તેના માટે રાજી થઈ ગયા હતા. તેઓ બલુચિસ્તાનને અલગ દેશ માનવા તૈયાર હતા અને તેને પાકિસ્તાન સાથે જોડવા માગતા નહોતા. તેના કારણે ૨૨૭ દિવસ સુધી સ્ટેટ ઓફ કલાત અલગ દેશ તરીકે રહ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાન દ્વારા કાશ્મીર લેવા માટે જે હુમલા કરાયા અને યુદ્ધ કરાયું તેમાં કાશ્મીરનો કેટલોક ભાગ પચાવી પાડવામાં આવ્યો. તેને આપણે પીઓકે કહીએ છીએ. બલુચિસ્તાન પણ તેમાં ફસાઈ ગયું અને પાકિસ્તાને તેને પોતાની સાથે જોડી દીધું.

ઈતિહાસકારો નોંધે છે કે, બલુચિસ્તાનના લોકો પોતાને લડવૈયા માને છે. તેઓ સ્વતંત્ર અસ્તિત્વ માટે સંઘર્ષ કરે છે. વાત છે ૧૯૪૫ની જ્યારે આ સંઘર્ષની સાચી શરૂઆત થઈ હતી. ૧૯૪૫માં ઓલ ઈન્ડિયા સ્ટેટ પીપલ્સ કોન્ફરન્સી બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં સ્ટેટ ઓફ કલાત વતી કલાત સ્ટેટ નેશનલ પાર્ટી જોડાઈ હતી. કલાત નેતા રાષ્ટ્રવાદી હતી. જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં મળેલી આ બેઠકમાં કલાત નેતાઓએ જણાવ્યું કે, તેઓ મુસ્લિમ લીગના નેતૃત્વવાળા પાકિસ્તાન સાથે જોડાવા માગતા નથી. તેઓ ભારત સાથે સંબંધ મજબૂત રાખવા માગતા હતા પણ તેવું ખરેખર થયું નહીં. આઝાદી બાદ પાકિસ્તાની સેનાએ હુમલા કર્યા અને સ્ટેટ ઓફ કલાતને પોતાની સાથે જોડી દીધું. તે વખતે પણ બલુચિસ્તાનનો વિલય એ શરતે જ થયો હતો કે, પાકિસ્તાનની સરકાર બલુચિસ્તાનની આંતરિક બાબતોમાં દખલ દેશે નહીં પણ તેવું થયું નહીં.

આ મુદ્દે કેટલાક ઈતિહાસકારો એવું પણ નોંધે છે કે, ખાન ઓફ કલાત માત્ર અલગ દરજ્જો માગતા હતા. તેઓ કહેતા હતા કે, તેમના માટે અલગ કેટેગરી બનાવવામાં આવે. માત્ર મુસ્લિમ હોવાના કારણે તેમને પાકિસ્તાન સાથે જોડી દેવામાં આવે તે અયોગ્ય છે. ઈરાનની જેમ તેમની પરંપરાઓ અને સંસ્કૃતિ અલગ છે. તે સમયે તેઓ ઈરાન અને ભારત બંને સાથે જોડાવા અંગે વાટાઘાટો કરી રહ્યા હતા. તે સમયના વાટાઘાટો ખાસ કરાગર સાબિત થઈ નહીં અને બલુચિસ્તાનનો પાકિસ્તાન સાથે વિલય થઈ ગયો.

ખમીર અને જુસ્સો ધરાવતા બલોચ નેતાઓ અને બલોચ લડવૈયાઓ આજે પણ પાકિસ્તાન સામે જંગે ચડેલા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલેલા યુદ્ધ જેવા માહોલને પગલે બલુચિસ્તાને ફરીથી માથું ઉચક્યું અને પોતાને અલગ દેશ જાહેર કરી દીધો. તેમણે અલગ દેશના સર્જન અને સંચાલન માટે ભારત સહિત દુનિયાભરના મોટા દેશો પાસે મદદની માગણી કરી છે. થોડા દિવસ પહેલાં પણ બલોચ લિબરેશન આર્મીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, ભારત હુમલા કરે અને પાકિસ્તાનને ધ્વસ્ત કરતું રહે. અમે પશ્ચિમી મોરચે પાકિસ્તાનને તોડી કાઢીશું અને ભારતને મદદ કરીશું. આ દિશામાં બલોચ આર્મીએ ઘણા હુમલા કર્યા પણ ભારત તરફથી કોઈ રાજદ્વારી નિર્ણય લેવાયો નથી.

બલુચ લિબરેશન આર્મી જણાવે છે કે, અમે કોઈપણ મદદ અને સમર્થન વગર આટલા સમયથી પાકિસ્તાનને હંફાવતા આવ્યા છીએ અને આગળ થોડી મદદ મળે તો બલુચિસ્તાન કાયમી અલગ થઈ જાય તેમ છે. તેમની માગણી છે કે, ભારત અમને રાજકિય, કૂટનીતિક અને સૈન્ય સ્તરે મદદ આપે તો અમે પાકિસ્તાનનું અસ્તિત્વ જ પૂરું કરી નાખીશું. તાજેતરમાં જ બીએલએ દ્વારા કલાતના મોંગોચર વિસ્તારમાં મોટો હુમલો કર્યો હતો. તેમાં ક્વેટા-કરાચી હાઈવે ડેમેજ કરી નાખ્યો હતો, સરકારી કચેરીઓમાં આગ લગાવી દીધી હતી અને હાઈવે સંપર્ક વિહોણો કરી નાખ્યો. આંતરરાષ્ટ્રીય એજન્સીઓ જણાવે છે કે, બીએલએના લડવૈયાઓએ પાકિસ્તાનનો નેશનલ હાઈવે સંપર્ક વિહોણો કરી દીધો તે મોટી બાબત છે. મુક્તિ સંઘર્ષના નામે આ હુમલા કરીને પાકિસ્તાનને પછાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

આમ જોવા જઈએ તો ૧૯૭૩થી ૧૯૭૭ દરમિયાન સ્વતંત્ર બલુચિસ્તાન આંદોલન ચાલ્યું તેના વૈચારિક ઉત્તરાધિકારી અને ફળ તરીકે બલોચ લિબરેશન આર્મીનો જન્મ થયો. તેઓ ૨૦૦૦ના દાયકામાં એક્ટિવ થયા હતા. આમ તો બલુચની રાષ્ટ્રવાદી ભાવના ૧૯૪૭થી પ્રજજ્વલિત થયેલી છે. બીએલએની એક જ માગણી છે કે, બલુચિસ્તાનને પાકિસ્તાનથી સંપૂર્ણ સ્વતંત્ર જાહેર કરવામાં આવે. તેમને પાકિસ્તાન સરકાર સામે કોઈ ફરિયાદ નથી પણ ભૂતકાળમાં થયેલા ખોટા અને મજબૂરીના વિલયને તેઓ અટકાવવા માગે છે. બલુચિસ્તાનમાં કુદરતી ગેસ, કોલસો, તાંબું, સોનું અને અન્ય ગણા રેર અર્થ મિનરલ્સ છે જેનું મોટાપાયે શોષણ પાકિસ્તાન કરી રહ્યું છે. અહીંયા વિશાળ માત્રામાં ખનીજો છે છતાં પાકિસ્તાન દ્વારા તેનો જરાય વિકાસ કરાયો નથી. અહીંયા શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક માળખા જેવી સવલતો સાવ નહીવત છે. અહીંયા ગરીબી, નિરક્ષરતા અને અયોગ્ય સ્વાસ્થ્ય સારવાર તથા સેવાઓ છે. સંશાધનોની વિપુલતા વચ્ચે વિકાસની માત્ર વાતો જ થઈ છે. તેના કારણે પણ બલોચ નેતાઓ આઝાદી માટે વિદ્રોહના રસ્તે ઉતરી આવ્યા છે.

એક વાત સ્પષ્ટ છે કે, જાણકારોના મતે જેમ ૧૯૭૧માં યાહ્યા ખાને ભુલ કરી હતી તેવી જ ભુલ ફરી એક વખત પાકિસ્તાની સેના અને તેના વડા મુનિર દ્વારા કરવામાં આવી રહી છે. તે સમયે ખાનને વિશ્વાસ હતો કે, પાકિસ્તાનના ભાગ પડી શકે તેમ જ નથી. પૂર્વ પાકિસ્તાન ક્યારેય છૂટું પડે જ નહીં. તેને કાચુ કપાઈ ગયું હતું. માત્ર ૧૩ દિવસમાં પૂર્વ પાકિસ્તાન અલગ થઈ ગયું અને પાકિસ્તાની સેનાએ ભારતની સામે શરણાગતિ સ્વીકારવી પડી હતી. આ વખતે પણ બલુચિસ્તાનમાં કંઈક વધારે ઉથલપાથલ થાય તેવા વરતારા આવી રહ્યા છે. જો બલુચિસ્તાન અલગ થઈ ગયું અને તેણે કરેલી જાહેરાત સાચી સાબિત થઈ તો ફરીથી વૈશ્વિક સ્તરે પાકિસ્તાનની નાલેશી થશે તે નક્કી છે.

બીએલએને વિદેશી એજન્સીઓની મદદ મળતી હોવાના દાવાઓ 

પાકિસ્તાની સરકાર ભલે બીએલએને આતંકવાદી સંગઠન ગણાવે પણ બલોચ નેતાઓ તો તેને આઝાદીના લડવૈયા જ માને છે. તેઓ પાકિસ્તાનના માળખાને, સૈન્ય સેવાઓને, ચીની રોકાણ સાથે જોડાયેલી યોજનાઓ, ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર જેવી યોજનાઓને નિશાન બનાવે છે. તેઓ વારંવાર આ માળખા તોડવા હુમલા કરતા રહે છે. પાકિસ્તાન માનતું આવ્યું છે કે, બલોચ નેતાઓ પાસે કે બલોચ લડવૈયાઓ પાસે એવું આર્થિક ભંડોળ કે સૈન્ય સંસાધનો નથી કે તેઓ આટલા મોટાપાયે હુમલા કરી શકે. તેમને વિદેશી એજન્સીઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. તેના દ્વારા તેઓ પાકિસ્તાન અને ચીનની મિત્રતાને તોડવા અને વિકાસને રોકવા માગે છે. 

જાણકારો માને છે કે, આ બધા માત્ર આરોપો છે અને તેની ખરાઈ કરાઈ શકાય તેમ જ નથી. બીજી તરફ બલોચ નેતાઓ જણાવે છે કે, પાકિસ્તાની સરકાર અને સેના દ્વારા બલોચ નેતાઓને ઉપાડી જવાય છે. 

તેમના લડવૈયાઓને આતંકી ગણાવીને ગાયબ કરી દેવામાં આવે છે. તેમની રાજકીય હત્યાઓ કરાવી દેવાય છે. તેમને આતંકવાદી જાહેર કરી દેવાય છે. 

પાકિસ્તાની મીડિયા વાસ્તવિકતા બતાવી શકતું નથી અને વિદેશી મીડિયામાં આ મુદ્દો ખાસ ઉછળતો નથી તેના કારણે બલોચ નેતાઓ અને પ્રજાનો સંઘર્ષ લોકોની સામે આવતો નથી.

Tags :