Get The App

ઈરાનના મોઝેઈક ચક્રવ્યૂહમાં અમેરિકા-ઈઝરાયેલ અટવાઈ ગયા

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનના મોઝેઈક ચક્રવ્યૂહમાં અમેરિકા-ઈઝરાયેલ અટવાઈ ગયા 1 - image

- સદ્દામ અને ઈરાકનો અંત જોયા બાદ ૨૦૦૩થી ઈરાને અમેરિકા સામે શરૂ કરેલી યુદ્ધની તૈયારીઓ હવે કામ લાગી !

- ૨૦૦૫માં આઈઆરજીસી સેનાના કમાન્ડર મોહમ્મદ જાફરીએ તત્કાલિન સરકાર અને સુપ્રીમ કમાન્ડરને નવી રણનીતિ લાગુ કરવા અને સેનાનું માળખું બદલવાની ભલામણ કરી હતી. મોહમ્મદ જાફરીએ આઈઆરજીસીની સેનાને નાની નાની ટુકડીઓમાં વહેંચી દીધું. દરેક સેનાને એક સૈન્ય વડો આપી દીધો. આ તમામ સેનાઓ જોડાઈને ફરી પાછી ઈરાનની જ સેના બને છે ઃ ઈરાને પોતાના ૩૧ પ્રાંત માટે ૩૧ જેટલી સેનાના કમાન્ડ બનાવી દીધા. હવે તેઓ એક જ સેના નહીં પણ ૩૨ કમાન્ડમાં વહેંચાયેલી સેના હતી. દરેક યૂનિટ અલગ રીતે કામ કરે છે છતાં મુખ્ય યુનિટ સાથે સંકળાયેલું છે. દરેક પ્રાન્તની સેનાનો પોતાનો કમાન્ડર છે. દરેક કમાન્ડના પોતાના હથિયારો છે. તેમની પોતાની યુદ્ધ લડવાની પદ્ધતિ છે ઃ આ એક એવું માળખું છે જેમાં ટોચનો નેતા મૃત્યુ પામે તેમ છતાં દરેક યુનિટ પોતાની રીતે ઉત્તરાધિકારીને ચાર્જ આપીને કામ કરતું રહે છે. ઈરાને દરેક યુનિટમાં ૩ ઉત્તરાધિકારી રાખ્યા છે. તેની ચેઈન ઓફ કમાન્ડ ખૂબ જ મજબૂત છે. દરેક પ્રાન્તની કમાન્ડ યુદ્ધમાં પોતાની સ્થિતિ પ્રમાણે સ્વતંત્ર રીતે નિર્ણય કરે છે અને યુદ્ધ ચાલુ રાખે છે

અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈરાનના અનેક સ્થળો ભડકે બળે છે, તેના સુપ્રીમ લીડરનું મોત થઈ ગયું છે છતાં ઈરાન ટસનું મસ થતું નથી. જાણકારોના મતે ઈરાન દ્વારા છેલ્લાં ઘણા દાયકાથી આ યુદ્ધ માટે તૈયારીઓ કરવામાં આવી રહી હતી. કહેવાય છે કે, ઈરાને પોતાના મોઝેઈક ચક્રવ્યૂહમાં અમેરિકા અને ઈઝરાયેલને ફસાવી દીધા છે. ઈરાનના ટોચના નેતા અને સુપ્રીમ કમાન્ડરોના મોત છતાં તાકીદે નવા નેતાઓ અને કમાન્ડરો ચુંટાઈ ગયા અને હજી ઈરાન લડી રહ્યું છે તેની પાછળ આ રણનીતિ જ જવાબદાર છે. વૈશ્વિક સ્તરે બીજો સવાલ એ પણ છે કે, જો ઈરાનની સેના કે જેને આઈઆરજીસી કહેવાય છે તે માત્ર સુપ્રીમ લીડર અને કમાન્ડરના ઈશારે જ કામ કરે છે તો પછી આયતોલ્લાહ ખામેનેઈના મોત બાદ પણ તે કેવી રીતે યુદ્ધ કરી રહી છે. જાણકારો માને છે કે, અમેરિકા ગમે ત્યારે આ યુદ્ધ કરવાનું છે તેવા ઈરાનને ભણકારા હતા અને તેના કારણે જ તેણે પોતાની રીતે તમામ તૈયારીઓ કરી રાખી હતી. તેણે દાયકાઓથી મોઝેઈક ચક્રવ્યૂહની રચના કરેલી હતી જેમાં ગમે ત્યારે અમેરિકા ફસાય તેમ હતું. હાલમાં તેવું જ થયું છે. કહેવાય છે કે, ૨૦૦૩માં જ્યારે અમેરિકાએ ઈરાનના પડોશી દેશ ઈરાક ઉપર હુમલો કર્યો અને સદ્દામ હુસૈનને પકડી લીધો ત્યારે દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. બીજી તરફ ઈરાકની સમગ્ર સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. સદ્દામ હુસૈનનું કમાન્ડ સ્ટ્રક્ચર એવી રીતે તૂટી ગયું કે, આખો દેશ બરબાદ થઈ ગયો. સદ્દામ દ્વારા તૈયાર કરવામાં આવેલું સરકારી માળખું, કમાન્ડ, સૈન્ય બધું જ બરબાદ થઈ ગયું. અમેરિકાએ બધું જ પોતાના હાથમાં લઈ લીધું અને ટૂંક જ સમયમાં ગૃહયુદ્ધને કારણે સમગ્ર દેશ બરાબદ થઈ ગયો. ઈરાન ત્યારે જ સમજી ગયું હતું કે, આજે નહીં તો કાલે પણ અમેરિકા ઈરાન ઉપર પણ હુમલો કરીને આવી સ્થિતિનું નિર્માણ કરી શકે છે. તેના કારણે જ ઈરાન દ્વારા તે સમયથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આ ઘટનાક્રમ સમજવા જેવો છે. એક તરફ અમેરિકા અને ઈઝરાયેલ પ્લાનિંગ કરતા હતા કે, ઈરાન ઉપર હુમલો કરવો. ઈઝરાયેલે વર્ષો સુધી ખામેનેઈની જાસુસી કરી હોવાનું જણાવ્યું હતું. ઈઝરાયેલના અહેવાલ પ્રમાણે ખામેનેઈ એક જ જગ્યાએ મિટિંગ કરવાના હતા. ઈઝરાયેલના આ અહેવાલો ઉપર અમેરિકાને વિશ્વાસ હતો. ઈઝરાયેલ અને અમેરિકી સેનાએ સાથે મળીને મિટિંગના દિવસે હુમલો કરી દીધો. તેમની સુચના સાચી પડી ખામેનેઈ અને તેમની સાથે ઘણા કમાન્ડરો અને ખામેનેઈના કેટલાક પરિવારજનો પણ આ હુમલામાં મૃત્યુ પામ્યા. 

અમેરિકા અને ઈઝરાયેલને વિશ્વાસ હતો કે, ખામેનેઈના મોત બાદ ઈરાન તુટી જશે અને બધું અટકી જશે પણ એવું બન્યું નહીં. અહીંયા જ ઈરાને આ બંને સાથે ખેલ કરી નાખ્યો. ટ્રમ્પ જણાવી રહ્યા છે કે, ટૂંક સમયમાં યુદ્ધ પૂરું થઈ જશે પણ ઈરાને હુંકાર કર્યો છે કે, હવે તો યુદ્ધ શરૂ થયું છે. અમેરિકા અને ઈઝરાયેલે જે કરવાનું હતું તે કરી લીધું હવે અમે યુદ્ધ કરીશું. યુદ્ધ અમેરિકાએ શરૂ કર્યું હતું પૂરું ઈરાન કરશે. ઈરાકની ઘટના બાદ ઈરાને પોતાનું સમગ્ર કમાન્ડ સ્ટ્રક્ચર જ બદલી કાઢયું હતું અને તે જ આ યુદ્ધનું સૌથી મોટું ચક્રવ્યૂહ છે.  જાણકારોના મતે ૨૦૦૫માં આઈઆરજીસી સેનાના કમાન્ડર મોહમ્મદ જાફરીએ તત્કાલિન સરકાર અને સુપ્રીમ કમાન્ડરને નવી રણનીતિ લાગુ કરવા અને સેનાનું માળખું બદલવાની ભલામણ કરી હતી. દુનિયાના મોટાભાગના દેશોમાં સૈન્ય એક જ સેન્ટ્રલ કમાન્ડ હેઠળ કામ કરતી હોય છે. ટોચના સ્થાને એક સુપ્રીમ કમાન્ડર હોય છે અથવા સેનાનો વડો હોય છે જેના આદેશ પ્રમાણે સમગ્ર સેના કામ કરતી હોય છે. તેઓ જ રણનીતિ બનાવે છે અને તેઓ જ સેનાની વિવિધ પાંખને યુદ્ધ માટે આદેશ આપે છે. હવે જો કોઈપણ દેશના આવા ટોચના કમાન્ડરોનો મારી નાખવામાં આવે તો તે દેશની સેના પણ પૂરી થઈ જાય છે. મોહમ્મદ જાફરીએ આ જ સ્ટ્રક્ચર બદલી કાઢયું. તેણે મોઝેઈક કમાન્ડની રચના કરાવી જે ઈરાન માટે ફાયદાકારક રહી. 

મોઝેઈક શબ્દ હકિકતે તો ચિત્ર માટે ઉપયોગમાં લેવાય છે. તેમાં નાના-નાના ટુકડા ભેગા કરીને એક ચિત્ર બનાવવામાં આવે છે. અનેક મકાનો, ઈમારતો ઉપર ટાઈલ, કાચ કે અન્ય વસ્તુઓ જોડીને કોઈ કલાકૃતિ બનાવવામાં આવે છે. તેને મોઝેઈક કહેવાય છે. મોહમ્મદ જાફરીએ આઈઆરજીસીની સેનાના માળખાને પણ આવી રીતે તૈયાર કર્યું. તેણે સેનાને નાની નાની ટુકડીઓમાં વહેંચી દીધું. દરેક સેનાને એક સૈન્ય વડો આપી દીધો. આ તમામ સેનાઓ જોડાઈને ફરી પાછી ઈરાનની જ સેના બને છે.

ઈરાને પોતાના ૩૧ પ્રાંત માટે ૩૧ જેટલી સેનાના કમાન્ડ બનાવી દીધા. આઈઆરજીસી સેના ૩૧ ભાગમાં વહેંચાઈ ગઈ. હવે તેઓ એક જ સેના નહીં પણ ૩૨ કમાન્ડમાં વહેંચાયેલી સેના હતી. એક રીતે જોઈએ તો ૩૨ સેના થઈ ગઈ હતી. દરેક યુનિટ અલગ રીતે કામ કરે છે છતાં મુખ્ય યુનિટ સાથે સંકળાયેલું છે. દરેક પ્રાન્તની સેનાનો પોતાનો કમાન્ડર છે. દરેક કમાન્ડના પોતાના હથિયારો છે. તેમની પોતાની યુદ્ધ લડવાની પદ્ધતિ છે. તેમનું પોતાનું નેટવર્ક અને ઈન્ટેલિજન્સ છે. દરેક કમાન્ડ પોતાના અલગ અધિકારી અને ચેઈન ઓફ કમાન્ડ ધરાવે છે. તેનો સીધો અર્થ એ છે કે, ૩૨ સેનાઓની કામ કરવાની ૩૨ અલગ અલગ પદ્ધતિ છે. તહેરાનમાં બે ટુકડી જ્યારે બાકીના ૩૦ પ્રાન્તોમાં ૩૦ ટુકડી રાખવામાં આવી છે.

આઈઆરજીસીની સેનાના ૩૨ કમાન્ડ છે. તાજેતરમાં અમેરિકા અને ઈઝરાયેલે જ્યારે તહેરાન પર હુમલો કર્યો ત્યારે તેમના ટોચના કમાન્ડરોને પણ મારી નાખ્યા. તેમના મોત બાદ તરત જ બીજા કમાન્ડરો અને સુપ્રીમ લીડર તૈયાર જ હતા જેમણે ઉત્તરાધિકારી તરીકે ચાર્જ લઈ લીધો અને કામગીરી સંભાળી લીધી. આ એક એવું માળખું છે જેમાં ટોચનો નેતા મૃત્યુ પામે તેમ છતાં દરેક યુનિટ પોતાની રીતે ઉત્તરાધિકારીને ચાર્જ આપીને કામ કરતું રહે છે. ઈરાને દરેક યુનિટમાં ૩ ઉત્તરાધિકારી રાખ્યા છે. તેની ચેઈન ઓફ કમાન્ડ ખૂબ જ મજબૂત છે. દરેક પ્રાન્તની કમાન્ડ યુદ્ધમાં પોતાની સ્થિતિ પ્રમાણે સ્વતંત્ર રીતે નિર્ણય કરે છે. તેઓ પોતાની રીતે હથિયારો રાખે છે, બનાવે છે, તેનો ઉપયોગ કરે છે. મિસાઈલ છોડવી, ડ્રોન હુમલા કરવા કે સરહદે યુદ્ધ લડવું તેનો નિર્ણય તેઓ કરે છે. તેમના હથિયારો અને મિસાઈલના ભંડારો પણ અલગ અલગ હોય છે. તેનો સીધો અર્થ એ છે કે, ઈરાન ૩૨ અલગ અલગ સ્થળોએથી અલગ અલગ રીતે યુદ્ધ લડી શકે છે અને હુમલા કરી શકે છે કે પછી હુમલાનો જવાબ આપી શકે છે. મોઝેઈક માળખું એક એવું માળખું છે જેમાં સેનાની અંદર એક સેના અને તેની સાથે અન્ય સેના જોડાયેલી છે. તેના ઘણા ટુકડા છે અને દરેક ટુકડા પોતાની રીતે લડે છે અને જરૂર પડે સાથે મળીને લડે છે. જેટલી બાજુ જરૂર પડે તેટલી બાજુ અલગ બનીને લડે છે અને તેથી જ અમેરિકા અને ઈઝરાયેલ હવે ફસાયા છે. અનેક મોરચે તેમને લડવું પડે છે અને ધ્યાન રાખવું પડે છે.

- શિવાજી મહારાજ દ્વારા ગેરિલા પદ્ધતિથી યુદ્ધ કરાતું હતું તેને ઈરાન મોઝેઈક કહે છે 

એક સમયે જેને આપણે ગેરીલા પદ્ધતિ કહેતા હતા કે છુપાઈને યુદ્ધ કરવાની પદ્ધતિ કહેતા હતા તે આ જ પદ્ધતિ છે. હિન્દુ સ્વરાજના રક્ષક અને ભારતના સપૂત એવા શિવાજી મહારાજ દ્વારા પણ દુશ્મનોનો નાશ કરવા ગેરિલા યુદ્ધ પદ્ધતિનો ઉપયોગ કરાતો હતો. તેઓ પણ મરાઠા લડવૈયાઓની ટુકડીઓ બનાવીને, તેનો એક સરદાર નક્કી કરીને દુશ્મનને ચારે તરફથી ઘેરીને હુમલો કરતા અને પૂરા કરતા હતા. 

ઈરાને પણ આ પદ્ધતિ અપનાવી છે. જેમાં મજબૂત દુશ્મનને હંફાવવા માટે અચાનક હુમલો કરવો, સંતાઈને હુમલો કરવો. અમેરિકા લાંબા સમય સુધી યુદ્ધ લડી શકે છે તેની ઈરાનને જાણ હતી. આઈઆરજીસીના લડવૈયાઓ અને કમાન્ડરોએ તેના કારણે જ આ પદ્ધતિ લાગુ કરીને તાકીદે કામગીરી હાથ ધરી હતી. તેમને ખબર હતી કે લાંબા સમય સુધી લડવું હશે તો સેન્ટ્રલ ફોર્સ બનીને લડી શકાશે નહીં. તેથી હવે તેઓ અમેરિકાને જવાબ આપી રહ્યા છે અને સાથે સાથે ફસાવી પણ રહ્યા છે. 

બીજી બાબત એવી છે કે, ઈરાન પાસે આ ૩૨ કમાન્ડ ઉપરાંત કુર્દ્સની સેના પણ છે. તેમણે બીજા દેશોમાં પોતાના લડવૈયાઓ તહેનાત કરલા છે. લેબેનોનમાં હિઝબુલ્લાહ દ્વારા ઈઝરાયેલ સામે મોરચો માંડવામાં આવ્યો છે. ઈઝરાયેલી તાકાત હવે ત્યાં પણ વહેંચાઈ છે. બીજી તરફ યમનમાં હુથી લડવૈયા છે. તેઓ પણ આઈઆરજીસીને મદદ કરે છે. રાતા સમુદ્રમાં તેઓ હુમલા કરીને યુદ્ધ લાંબું ખેંચી શકે છે. ઈરાન હવે યુદ્ધ લાંબું ખેંચવા અને અમેરિકાને હંફાવવા માગે છે. તેઓ અમેરિકા ઉપર સીધો હુમલો નહીં પણ અન્ય દેશોમાં આવેલા અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ ઉપર પણ હુમલા કરી રહ્યા છે. અન્ય દેશોમાં આવેલી તેમની કંપનીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. ધારો કે એર ડિફેન્સ સિસ્ટમ હવામાં ડ્રોન અને મિસાઈલ તોડી પાડે છતાં તેનો કાટમાળ તો નીચે જ પડવાનો છે. તે દુબઈ, કતાર, કુવૈત, બહેરીન, દોહા જેવા પ્રદેશોમાં ભયનો માહોલ ઊભો કરવા પર્યાપ્ત છે. આ રીતે હવે અમેરિકા અને ઈઝરાયેલને ફસાવવામાં આવ્યા છે અને યુદ્ધને અલગ સ્તરે લઈ જવામાં આવ્યું છે.