- વિશ્વનો સૌથી ભારે દંડ : સ્વિટ્ઝર્લેન્ડમાં સૌથી વધારે ૯૦ લાખ રૂપિયાનું ચલાણ આપવામાં આવ્યું છે, વાહન ચલાવવામાં સ્વીડન સૌથી સુરક્ષિત, દ.આફ્રિકા જોખમી દેશ
- ભારતમાં દર વર્ષે 70,000 જેટલા કેસ રોંગ સાઈડ વાહન ચલાવવાના આવે છે. દર વર્ષે 1.7 લાખથી વધારે લોકો રોડ એક્સિડન્ટમાં પોતાનો જીવ ગુમાવે છે. 2024માં રોંગ સાઈડ વાહન ચલાવતા થયેલા અકસ્માતમાં 14 હજાર કરતા વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો : સાઉથ આફ્રિકામાં સૌથી વધારે દુર્ઘટનાઓમાં બેદરકારી સાથે ડ્રાઈવિંગ, અતિશય ઝડપથી વાહન ચલાવવું, શરાબ પીધા બાદ ડ્રાઈવિંગ, ખોટી રીતે ઓવરટેક કરવું, રોંગ સાઈડ ડ્રાઈવિંગ જેવી ઘટનાઓ બને છે. આ રીતે વાહન ચલાવતા લોકોની સંખ્યા 58 ટકા છે : સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, બ્રિટન, જર્મની, જાપાન વગેરેમાં ઓવર સ્પીડિંગ શરમજનક બાબત ગણવામાં આવે છે. તે ઉપરાંત અહીંયા વારંવાર હોર્ન મારવા પણ અસભ્યતા ગણવામાં આવે છે. અહીંયા લાઈસન્સ મેળવવું મુશ્કેલ અને લાઈસન્સ રદ થવું ખૂબ જ સરળ છે
ભારતમાં દર વર્ષે રોડ અકસ્માતના અનેક કિસ્સા બને છે. તે ઉપરાંત રોંગ સાઈડ વાહન ચલાવવાના પણ અનેક કિસ્સા સામે આવે છે. આપણે લાગે છે કે, ભારતમાં વાહન વ્યવહાર અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે પણ હકિકત તેના કરતા પણ વિપરિત અને આશ્ચર્યજનક છે. તાજેતરનો અહેવાલ જણાવે છે કે, દુનિયામાં વાહન ચલાવવા મુદ્દે સ્વીડન સૌથી સુરક્ષિત દેશ છે. અહીંયા કડક નિયમો અને મજબૂત અનુશાસન રહેલું છે. અહીંયા અકસ્માતમાં દર એક લાખે માત્ર ૨ વ્યક્તિના મોતની સરેરાશ છે. બીજી તરફ સાઉથ આફ્રિકા અને ભારત જેવા દેશોમાં આ આંકડો ખૂબ જ મોટો આવે છે.
જાણકારોના મતે ભારતમાં દર વર્ષે ૭૦,૦૦૦ જેટલા કેસ રોંગ સાઈડ વાહન ચલાવવાના આવે છે. તેના આધારે એટલું તો કહી જ શકાય કે આ કારણે જ સૌથી વધારે અકસ્માત થતા હશે. ૨૦૨૩માં ભારત સરકાર અને સડક પરિવહન મંત્રાલયે એક અહેવાલ આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, દર વર્ષે ૧.૭ લાખથી વધારે લોકો રોડ એક્સિડન્ટમાં પોતાનો જીવ ગુમાવે છે. આ આંકડો ખરેખર ભયાનક છે. તેનો સીધો અર્થ એ છે કે, ભારતમાં દરરોજ ૪૭૪ લોકો મોતને ભેટે છે. ભારતમાં સરેરાશ દર કલાકે ૨૦ લોકો રોડ એક્સિડન્ટમાં પોતાનો જીવ ગુમાવે છે. તેમાંય રોંગ સાઈડ ડ્રાઈવિંગ સૌથી મોટો મુદ્દો છે. તેના કારણે જ અકસ્માતો વધ્યા છે. થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનારા લોકો સામે પગલાં લેવાની માગણી કરાઈ હતી. અહેવાલો પ્રમાણે ૨૦૨૩માં દેશમાં રોંગ સાઈડ વાહન ચલાવવાના રોડ અકસ્માતમાં ૧૩,૦૦૦ કરતા વધારે લોકોનાં મોત થયા હતા. તેવી જ રીતે ૨૦૨૪માં રોંગ સાઈડ વાહન ચલાવતા થયેલા અકસ્માતમાં ૧૪ હજાર કરતા વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો. સરેરાશ એવું સામે આવે છે કે, દર વર્ષે લાખો લોકોનાં મોત રોંગ સાઈડ વાહન ચલાવાના કારણે થતા અકસ્માતમાં થાય છે.
ઉલ્લેખનીય છે કે, રોંગ સાઈડ વાહન ચલાવવા ધીમે ધીમે એક ગંભીર ટ્રાફિક સમસ્યા બની ગઈ છે. દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ જેવા મોટા શહેરોમાં દર વર્ષે લાખો લોકોને રોંગ સાઈડ વાહન ચલાવવા માટે ચલાણ આપવામાં આવે છે. તેના કારણે તેમણે લાખો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે. તેમ છતાં સ્થિતિમાં સુધારો થતો નથી. દિલ્હી, ગુરગ્રામ અને અન્ય કેટલાક શહેરોમાં પોલીસ દ્વારા રોંગ સાઈડ વાહન ચાલકને પકડીને પાંચ હજારોનો દંડ કરવામાં આવી રહ્યો છે. તેમની સામે કેસ પણ દાખલ થાય છે અને મોટો દંડ પણ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પણ કેસ દાખલ કરવાની અને દંડ કરવાની પરંપરા છે છતાં મોટાભાગના શહેરો અને નગરોમાં રોંગસાઈડ વાહનો ચલાવવાની પદ્ધતિમાં કોઈ ફરક પડયો નથી.
વાહન ચલાવવા મુદ્દે વિશ્વ ઉપર નજર માંડીએ ત્યારે ભારતની સમસ્યા આપણને ઘણી ઓછી લાગે છે. સાઉથ આફ્રિકામાં ટ્રાફિકની સમસ્યા સૌથી ખરાબ છે. તેને દુનિયાનો સૌથી અસુરક્ષિત દેશ માનવામાં આવે છે. અહીંયા ભાગ્યે જ ટ્રાફિકના નિયમોનું પાલન થતું જોવા મળે છે. અહીંયા ઓવર સ્પીડિંગ અને ઓવરટેકના કારણે દરરોજ હજારો રોડ અકસ્માત થતા હોય છે. અહીંયા દર વર્ષે રોંગ સાઈડ વાહન ચલાવવામાં ૧૨,૦૦૦ લોકોનાં મોત થાય છે. આ આંકડો દુનિયામાં સૌથી વધારે છે. અહીંયાના લોકોનું ડ્રાઈવિંગ સૌથી ખરાબ છે અને તેના કારણે સૌથી વધારે દુર્ઘટનાઓ અને અકસ્માતો થાય છે. અહીંયા સૌથી વધારે દુર્ઘટનાઓમાં બેદરકારી સાથે ડ્રાઈવિંગ, અતિશય ઝડપથી વાહન ચલાવવું, શરાબ પીધા બાદ ડ્રાઈવિંગ, ખોટી રીતે ઓવરટેક કરવું, રોંગ સાઈડ ડ્રાઈવિંગ જેવી ઘટનાઓ બને છે. આ રીતે વાહન ચલાવતા લોકોની સંખ્યા ૫૮ ટકા છે. અહીંયા મોટાભાગે ચાલતા જતા લોકો અકસ્માતમાં સૌથી વધારે ભોગ બને છે. તેમની સંખ્યા ૪૩ ટકા જેટલી હોય છે.
થાઈલેન્ડમાં સૌથી વધારે બાઈકર્સ દ્વારા એક્સિડન્ટ કરવામાં આવે છે. તેના કારણે મૃત્યુદર પણ વધારે આવે છે. બીજી તરફ ઈન્ડોનેશિયામાં પણ અત્યંત ભીડ અને માળખાગત સુવિધાના અભાવને કારણે લોકો શોર્ટકટ વધારે લેવા જતા હોય છે અને તેના કારણે અકસ્માતો વધારે થતા હોય છે. તેવી જ રીતે રશિયા અને જોર્જિયામાં પણ રોંગ સાઈડ ડ્રાઈવિંગના કારણે અકસ્માતોની સંખ્યા વધારે નોંધાઈ છે. યુરોપના દેશોની વાત કરીએ તો બેલ્જિયમમાં ૨૦૨૪માં પોલીસ દ્વારા ૯૨ લાખ લોકોને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડ અને સજા કરવામાં આવ્યા હતા. આ કિસ્સામાંથી ૭૬ લાખ લોકોને ઓવર સ્પીડિંગ માટે સજા કરવામાં આવી હતી. બેલ્જિયમ એક નાનકડો દેશ છે અને તેમાં આટલી મોટી સંખ્યામાં કેસ આવે તે ચિંતાજનક છે. બેલ્જિયમની જેમ નેધરલેન્ડ અને ફ્રાન્સમાં પણ ઓવર સ્પીડિંગના ચલણ સૌથી વધારે જારી કરવામાં આવે છે.
યુરોપના દેશોમાં જ્યારે ટ્રાફિકના નિયમો તોડવાની અને દંડની વાત આવે છે ત્યારે તેમાં બેલ્જિયમ અને સ્વિટ્ઝર્લેન્ડનું નામ સૌથી ઉપર હોય છે. બેલ્જિયમ એવો દેશ છે જે નાનો છે અને તેની વસતી પણ ઓછી છે છતાં ત્યાં ટ્રાફિકના નિયમોનો ભંગ વધારે પ્રમાણમાં થાય છે. તેના કારણે અહીંયા લાખોની સંખ્યામાં લોકોને દંડ કરવામાં આવે છે અથવા બીજી સજા કરવામાં આવે છે. બીજી તરફ સ્વિટ્ઝર્લેન્ડ એવો દેશ છે જ્યાં ટ્રાફિક નિયમના ભંગ બદલ સૌથી મોટી રકમનો દંડ કરવામાં આવે છે. તેમાંય ઓવર સ્પીડિંગ માટે તો અધધ દંડ ફટકારવામાં આવે છે. સ્વિટ્ઝર્લેન્ડમાં એક ધનિક વ્યક્તિને ઓવર સ્પીડિંગના કેસમાં ૯૦,૦૦૦ સ્વિસ ફ્રેક એટલે કે અંદાજે ૯૦ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. સ્વિટ્ઝર્લેન્ડ એક એવો દેશ છે જેમાં વ્યક્તિની આવક અને તેની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને દંડ કરવામાં આવે છે. તેના કારણે ધનિક લોકોને વધારે દંડ ભરવાનો આવે છે. તેવી જ રીતે નોર્વે, આઈસલેન્ડ અને એસ્ટોનિયામાં પણ અન્ય દેશોની સરખામણીએ ઓવર સ્પીડિંગનું ચલાણ વધારે રકમનું આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, સ્વિટ્ઝર્લેન્ડની આર્થિક સદ્ધરતા અને સ્થિતિના આધારે કરવામાં આવતી દંડની પ્રણાલી સમગ્ર વિશ્વમાં ચર્ચાસ્પદ છે. સ્વિટ્ઝર્લેન્ડમાં તેને ડે ફાઈન સિસ્ટમ કહેવામાં આવે છે. તેમાં સૌથી પહેલાં કોર્ટ દ્વારા વ્યક્તિના ગુનાની ગંભીરતા નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ તેની રોજિંદી આવકના આધારે તેને કેવો અને કેટલો દંડ કરવો તે નક્કી કરવામાં આવે છે. તેના આધારે જ સામાન્ય માણસોને પણ હજારો ફ્રેૅકમાં દડ કરવામાં આવે છે જ્યારે ધનિકોને લાખો રૂપિયાનો દંડ કરવામાં આવે છે. આ રીતે ગરીબ અને ધનિક તમામ લોકો માટે કાયદો અને દંડ સમાન અસર કરે તેવી સિસ્ટમ વિકાસવવામાં આવી છે.
યુરોપના મોટાભાગના દેશોમાં માનવામાં આવે છે કે, તમારી વાહન ચલાવવાની આઝાદીના ભોગે બીજા લોકોને જીવનનું જોખમ ઊભું થાય તે ગ્રાહ્ય નથી. તેના કારણે જ સ્પીડ લિમિટ ઉપર બધો જ આધાર રાખવામાં આવ્યો છે. અહીંયા ઓવર સ્પીડિંગ થતાની સાથે જ મોટી રકમનો દંડ કરવામાં આવે છે. તેના કારણે જ લોકો ઓવર સ્પીડિંગના કેસમાં નિયમોનું પાલન વધારે સતર્કતાથી કરે છે. બીજી તરફ સ્કૂલઝોન અને રહેણાક વિસ્તારોમાં તો નિયમો વધારે કડક છે. આ સિવાય ચાલતા જતા લોકોને જો અકસ્માત થાય અને નુકસાન થાય તો તેના માટે કડક કાયદા છે અને ૧૦૦ ટકા જેટલો દંડ અને જેલની સજા ફટકારવામાં આવે છે.
જાપાન, જર્મની અને બ્રિટનમાં પણ રોડ અકસ્માતો નહીવત્ થાય છે
દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં લોકોની પોતાની ટ્રાફિક સેન્સ ઘણી સારી છે. બીજી તરફ તેમના દેશના નિયમો અને તેનું પાલન એટલું કડક છે કે તેમાં કોઈ બાંધોછોડ કરાતી નથી. ડ્રાઈવિંગમાં અનુસાશન, સુરક્ષા અને નિયમોનું પાલન એમ ત્રણેય બાબત જોઈએ તો દુનિયાભરમાં સ્વીડન ટોચના સ્થાને આવે છે. તે ડ્રાઈવિંગની બાબતમાં દુનિયાનો સૌથી અનુશાસનપ્રિય દેશ છે. અહીંયા એક લાખ અકસ્માતોમાં માત્ર બે લોકોમાં જ મોતની સરેરાશ છે.
આ સિવાય સ્વિટ્ઝર્લેન્ડમાં પણ અકસ્માતે મોતના કિસ્સા આંગળીના વેઢે ગણાય તેટલા પણ પરાણે થાય છે. આ ઉપરાંત જાપાન, જર્મની અને બ્રિટન પણ ટોચના પાંચ દેશોમાં સ્થાન ધરાવે છે જ્યાં ટ્રાફિક મુદ્દે અનુસાશન, સુરક્ષા અને નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, સ્વીડનમાં ૧૯૯૭માં એક અનોખી નીતિ અપનાવવામાં આવી હતી. તેમાં સડક દુર્ઘટનામાં કોઈપણ વ્યક્તિનું મોત થાય તે સ્વીકાર્ય નહીં હોવાનું નક્કી કરાયું હતું. સ્વીડનની સરકારે નક્કી કર્યું હતું કે, માણસ દ્વારા ભુલ થાય તે સ્વીકાર્ય છે પણ સિસ્ટમ દ્વારા ભુલ ન થવી જોઈએ જેથી આ ભુલના કારણે કોઈ વ્યક્તિનું મોત થઈ જાય. તેને ધ્યાનમાં રાખીને જ રસ્તાની ડિઝાઈન, સ્પીડ લિમિટ, વાહનોની સુરક્ષા, ચાલતા જતા લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા નિયમો બનાવવામાં આવ્યા. લોકો પાસે તેનું કડકાઈથી પાલન પણ કરાવવામાં આવે છે. તેના કારણે જ સ્વીડનમાં લોકો જાતે જ સારું ડ્રાઈવિંગ કરતા થઈ જાય છે. ઝિબ્રા ક્રોસિંગ આવે એટલે ગાડી આપોઆપ રોકાઈ જાય છે. અહીંયા ઓવર સ્પીડિંગ શરમજનક બાબત ગણવામાં આવે છે. તે ઉપરાંત અહીંયા વારંવાર હોર્ન મારવા પણ અસભ્યતા ગણવામાં આવે છે. અહીંયા લાઈસન્સ મેળવવું મુશ્કેલ અને લાઈસન્સ રદ થવું ખૂબ જ સરળ છે. અહીંયા લાઈસન્સ લેવા માટે મહિનાઓની ટ્રેનિંગ લેવી પડે છે, પરીક્ષા પાસ કરવી પડે છે. ત્યારબાદ લાઈસન્સ મળે છે અને તેની ફી પણ વધારે હોય છે. તેના કારણે જ રસ્તા ઉપર એવા લોકો જ ડ્રાઈવિંગ કરે છે જે તેની જવાબદારી સમજે છે. અહીંયા વારંવાર બરફ પડવો, અંધારપટ છવાઈ જવો, વરસાદ પડવો, રસ્તા ચીકણા થઈ જવા સામાન્ય બાબત છે છતાં અકસ્માતો ખુબ જ ઓછા થાય છે.


