Get The App

બિટકોઇનની ફૂલગુલાબી તેજી કે પોકળ પરપોટો?

- ક્રિપ્ટો કરન્સી બિટકોઇનનો ભાવ 50 હજાર અમેરિકન ડોલરને આંબી ગયો

Updated: Feb 17th, 2021

GS TEAM


Google News
Google News

- ઇલોન મસ્કની ઓટો કંપની ટેસ્લાએ બિટકોઇનમાં ૧.૫ અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કર્યા બાદ બિટકોઇનના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો અને જાણકારોના મતે આગામી સમયમાં બિટકોઇનના ભાવ દોઢ લાખ ડોલર સુધી પહોંચી શકે છે

બિટકોઇનની ફૂલગુલાબી તેજી કે પોકળ પરપોટો? 1 - image

દુનિયાભરમાં બિટકોઇન નામની વર્ચ્યુઅલ કરન્સીનું વર્ચસ્વ વધી રહ્યું છે. ગયા અઠવાડિયે બિટકોઇનનો ભાવ ૪૮ હજાર અમેરિકન ડોલર હતો જે આજે ૫૦ હજાર ડોલરની વિક્રમી ઊંચાઈને આંબી ગયો છે.

કોરોના મહામારીના આ અનિશ્ચિતતા ભર્યા સમયમાં પૈસા સલામત રાખવાના એક ઉપાય તરીકે બીટકોઇનની બોલબાલા વધી છે. કોરોનાકાળમાં સોના, ચાંદી અને પ્લેટિનમની જેમ જ બીટકોઇનના ભાવ અનેક ગણા વધી ગયા છે. બીટકોઇનની રચનાની ખાસિયતના લીધે હવે નવા બીટકોઇન બનવાના બંધ થઇ ગયા છે અને એટલા માટે જે બીટકોઇન અસ્તિત્ત્વમાં છે એના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે. કેટલાંક જાણકારોએ તો બિટકોઇનનો ભાવ આગામી સમયમાં દોઢ લાખ ડોલરને આંબવાની આગાહી પણ કરી છે. 

હકીકતમાં ઇલોન મસ્કની ઓટો કંપની ટેસ્લાએ બિટકોઇનમાં ૧.૫ અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કર્યા બાદ બિટકોઇનના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો. ટેસ્લાએ તો આગામી સમયમાં પોતાની કારોનું વેચાણ પણ બિટકોઇનમાં કરવાની વાત કરી છે. દુનિયાની અનેક જાણીતી કંપનીઓ એક પછી એક બિટકોઇનમાં પોતાની વસ્તુઓ વેચવા માટે તૈયાર થવા લાગી છે. એનો મતલબ એ કે દુનિયાભરમાં આ ક્રિપ્ટોકરન્સીનો સ્વીકાર થવા લાગ્યો છે.

છેલ્લા ઘણાં સમયથી બિટકોઇન તેમજ અન્ય ક્રિપ્ટોકરન્સી વિશે સાંભળવા મળે છે. બિટકોઇન તેમજ એના જેવી અન્ય ક્રિપ્ટોકરન્સી વર્ચ્યુઅલ કરન્સી એટલે કે આભાસી ચલણ કહેવાય છે. આનો અર્થ એ કે જેમ રૂપિયા કે ડોલરની નોટ અને સિક્કા હોય એવુ બિટકોઇનમાં નથી. રૂપિયાની કિંમતનો આધાર આપણી અર્થવ્યવસ્થા પર છે અને ડોલરની કિંમતનો આધાર અમેરિકાની અર્થવ્યવસ્થા પર. બિટકોઇનનો આવો કોઇ આધાર નથી. મતલબ કે દુનિયાની કોઇ સરકાર કે બેંક આ ચલણનું નિયમન કરતી નથી. બિટકોઇનની કિંમતમાં વધઘટ થાય છે તેની સટ્ટાબાજીના આધારે. 

બિટકોઇનનો ઇતિહાસ બહુ જૂનો નથી. ૧૮ ઓગસ્ટ, ૨૦૦૮ના રોજ બિટકોઇનના નામે ડોમેઇન રજિસ્ટર થયું. જાન્યુઆરી ૨૦૦૯માં સાતોશી નાકામોટો નામના કોઇ અજ્ઞાાત વ્યક્તિએ બિટકોઇન સોફ્ટવેર ઓપન સોર્સ તરીકે ઇન્ટરનેટ પર મૂક્યો. નાકામોટોની ઓળખ તો અજાણી જ રહી પરંતુ તે જાપાનનો કોઇ સોફ્ટવેર નિષ્ણાંત હોવાનું મનાય છે. બિટકોઇન એક જટિલ કમ્પ્યુટર પ્રક્રિયા દ્વારા તૈયાર થાય છે જેને બિટકોઇન માઇનિંગ કહેવામાં આવે છે. આ કામગીરી કરવા માટે અત્યાધુનિક અને શક્તિશાળી કમ્પ્યુટરની આવશ્યકતા રહે છે. ઉપરાંત માઇનિંગ સોફ્ટવેર પણ જરૂરી છે. બિટકોઇન કોઇ એક કમ્પ્યુટરથી તૈયાર થઇ શકતો નથી પરંતુ દુનિયાભરમાં મોજૂદ કમ્પ્યુટર નેટવર્ક દ્વારા તે તૈયાર કરવામાં આવે છે. રોજના સરેરાશ ૩૬૦૦ બિટકોઇન તૈયાર કરવામાં આવે છે. બિટકોઇન બનાવવા માટે બે કરોડ દસ લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે. મતલબ કે આ સંખ્યાએ પહોંચ્યા પછી નવા બિટકોઇન નહીં બનાવી શકાય.

બિટકોઇન કોઇ બેંકે જારી કર્યો નથી અને તે કોઇ દેશનું અધિકૃત ચલણ ન હોવાથી તેના પર સરકારી નિયંત્રણ નથી જેના કારણે બિટકોઇન પર કોઇ ટેક્સ લાગતો નથી. બિટકોઇન સંપૂર્ણ ગુપ્ત કરન્સી છે અને તે સરકારથી છુપાવીને રાખી શકાય છે. એટલું જ નહીં તેને દુનિયામાં ગમે ત્યાં ખરીદી કે વેચી શકાય છે. ખરું જોતા આ કરન્સી માત્ર કોડ સ્વરૂપે હોવાથી તેને ન તો જપ્ત કરી શકાય છે કે ન તો નષ્ટ કરી શકાય છે. બિટકોઇન ખરીદવા માટે યૂઝરે એક એડ્રેસ રજિસ્ટર કરાવવો પડે છે. આ એડ્રેસ ૨૭-૩૪ અક્ષરો કે અંકોના કોડમાં હોય છે અને એક વર્ચ્યુઅલ એડ્રેસ તરીકે કામ કરે છે. આ એડ્રેસ બિટકોઇન વોલેટમાં સ્ટોર કરવામાં આવે છે. આ આભાસી એડ્રેસ ઉપર જ બિટકોઇનનું ખરીદ-વેચાણ થાય છે. આવા આભાસી એટલે કે વર્ચ્યુઅલ એડ્રેસ રજિસ્ટર ન હોવાથી બિટકોઇન ધરાવતા લોકોની ઓળખ ગુપ્ત રહે છે. 

બીજું એ કે બિટકોઇનની સંખ્યા અને સપ્લાય મર્યાદિત છે જેના કારણે તેની કિંમતોમાં ભારે ઉછાળ જોવા મળે છે. બિટકોઇન રયાયા બાદ તેની કિંમતમાં અનેક ગણો ઉછાળો આવ્યો છે. એક અંદાજ પ્રમાણે હજારો ભારતીયોએ પણ બિટકોઇનમાં રોકાણ કર્યું છે. મજાની વાત એ છે કે જેમ જેમ બિટકોઇનમાં ઉછાળાની ખબરો ફેલાય છે તેમ તેમ તેની કિંમતો વધુ ને વધુ ઊંચે જાય છે. હવે જે ચલણની કિંમતમાં ચઢાવ-ઉતાર માત્ર તેના અંગેની ખબરો ફેલાવાથી થતો હોય તેમાં રોકાણ કરવું કેટલું જોખમી ગણાય?

આભાસી ચલણના વધી રહેલા ઉપયોગનું મુખ્ય કારણ એ છે કે તેના દ્વારા થતી લેવડદેવડ અંગે તપાસ કરવી મુશ્કેલ છે. બિટકોઇનનું સમર્થન કરતા લોકોની દલીલ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પૈસાના ટ્રાન્સફર માટે તે ખૂબ સચોટ અને ઝડપી ઉપાય છે. જોકે આવા આભાસી ચલણનો વિરોધ કરતા લોકોનું કહેવું છે કે તેના દ્વારા ડ્ગ્સ અને હથિયારો જેવા ગેરકાયદેસર ધંધાઓ ફૂલશે ફાલશે. 

થોડા વખત પહેલા જ અમેરિકામાં ડ્રગ્સ વેચતી એક કંપની બંધ કરી દેવામાં આવી હતી. આ કંપની તેના માલનું વેચાણ બિટકોઇન મારફત કરતી હતી. 

અમેરિકાની નાણાકીય સંસ્થાઓ અને એફબીઆઇ જેવી એજન્સીઓ પણ બિટકોઇન દ્વારા ગેરકાનૂની કામો વધવાની ચેતવણી આપી ચૂકી છે. ચીન ઉપરાંત જર્મની અને ફ્રાન્સ જેવા યુરોપી દેશો પણ લોકોને ચેતવણી આપી ચૂક્યાં છે કે આભાસી નાણું જોખમ ભરેલી અંધકારમય દુનિયા છે. યુરોપમાં તો બિટકોઇનનું ચલણ એટલું વધી રહ્યું છે કે ત્યાંની બેંકોને હવે એ ચિંતા થવા લાગી છે કે બિટકોઇનના કારણે લોકોનો પરંપરાગત બેંકિંગ પરથી વિશ્વાસ ન ઊઠી જાય. 

બિટકોઇનના વધી રહેલા ચલણ સામે ચેતવણી છતાં તેના સમર્થકોની સંખ્યા વધી રહી છે. કેટલાક લોકો તો બિટકોઇનને ડિજિટલ ગોલ્ડ પણ કહે છે. અત્યાર સુધી જે દેશો પાસે પેટ્રોલિયમ અને ડોલર જેવી મુદ્રાના ભંડાર હોય એ જ શ્રીમંત દેશો મનાતા રહ્યાં છે પરંતુ કેટલાક જાણકારોના મતે ક્રિપ્ટો કરન્સી ધરાવતા દેશો શ્રીમંત ગણાશે. રશિયા તો આવી ક્રિપ્ટો કરન્સીમાં ભારે રસ લઇ રહ્યું છે. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનના આર્થિક સલાહકાર અને બિઝનેસમેન દિમિત્રી મરિનિચેવનું કહેવું છે કે આગામી સમયમાં પરંપરાગત ચલણ ગાયબ થઇ જશે. રશિયાની સેન્ટ્રલ બેંક તો પોતે જ આવું આભાસી રાષ્ટ્રીય ચલણ અમલમાં લાવવાનું વિચારી રહી છે. 

આભાસી ચલણની દુનિયામાં બિટકોઇન એકલું જ નથી. ઇથેરિયમ અને રિપલ જેવી વર્ચ્યુઅલ કરન્સી પણ મેદાનમાં છે.  હાલ માર્કેટ કેપિટલાઇઝેશનના મામલે ૧૬૨.૫ અબજ ડોલર સાથે બિટકોઇન સૌથી ટોચે રહેલી ક્રિપ્ટો કરન્સી છે. એ પછી ૨૫ અબજ ડોલર સાથે ઇથેરિયમ બીજા સ્થાને અને ૧૦ અબજ ડોલર સાથે એક્સઆરપી રિપલ ત્રીજા સ્થાને છે. તો બિટકોઇન કેશ ૬ અબજ ડોલરની માર્કેટ કેપ સાથે ચોથા સ્થાને છે. ૪.૬ અબજની માર્કેટ કેપ સાથે ટીથર પાંચમા સ્થાને અને ૪ અબજની માર્કેટ કેપ સાથે બિટકોઇન એસવી છઠ્ઠા સ્થાને છે. કિંમતની દૃષ્ટિએ પણ બિટકોઇન ટોચના સ્થાને છે. એક બિટકોઇનની કિંમત આજે ૮૯૦૩ ડોલર જેટલી ઊંચી છે. તો ઇથેરિયમની કિંમત ૨૨૮ ડોલર છે અને બિટકોઇન કેશની કિંમત ૩૩૧ ડોલર તેમજ બિટકોઇન એસવીની કિંમત ૨૩૫ ડોલર છે. 

ક્રિપ્ટોકરન્સીના ફાયદા પણ ઘણાં છે જેમકે એ ડિજિટલ કરન્સી હોવાથી છેતરપિંડીની શક્યતા ઓછી છે. ક્રિપ્ટોકરન્સીમાં રિટર્ન એટલે કે નફો પણ ઘણો વધારે થાય છે. ઓનલાઇન ખરીદીના કારણે લેવડદેવડ આસાન હોય છે. ક્રિપ્ટોકરન્સી માટે કોઇ નિયામક સંસ્થા ન હોવાથી નોટબંધી કે કરન્સી અવમૂલ્યન જેવી સ્થિતિમાં પણ તેને આંચ આવતી નથી. જોકે ક્રિપ્ટોકરન્સીમાં જે ઉથલપાથલ જોવા મળે છે એ હૃદયના ધબકારા વધારી દેવા માટે પૂરતી છે. છેલ્લા પાંચ વર્ષમાં એવું અનેક વખત બન્યું કે બિટકોઇનની કિંમતમાં એક જ દિવસમાં ૪૦થી ૫૦ ટકાનો કડાકો બોલ્યો. 

હાલ તો બિટકોઇન ઇન્ટરનેટની દુનિયા સિવાય ચલણમાં નથી. પરંતુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધતા અને ઇ-કૉમર્સની ક્ષિતિજો વિસ્તરતા આવા આભાસી ચલણનો વપરાશ વધવાની શક્યતાઓ નિષ્ણાંતો જોઇ રહ્યાં છે. ઘણાં લોકો વર્ચ્યુઅલ કરન્સીની વધી રહેલી કિંમતો જોતા તેમાં રોકાણ કરવા પણ લલચાય એ સ્વાભાવિક છે. પરંતુ તેમાં રોકાણ કરવું જોખમભર્યું તો છે જ. જો કોઇ કરન્સીની કિંમત એક હજાર ટકા જેટલી વધી શકતી હોય તો શક્ય છે કે ગમે ત્યારે તળિયે પણ બેસી જાય. અત્યારે તો લોકોને બિટકોઇનમાં સોનાની ખાણ દેખાઇ રહી છે પરંતુ એવું પણ બને કે વખત જતાં આ આભાસી ચલણ ઇન્ટરનેટની આભાસી દુનિયામાંથી પણ અદૃશ્ય બની જાય.

Tags :