- દિલ્હીમાં પ્રદુષણ ભયાનક સ્તરે વધ્યું, એક્યુઆઈ 500ને પાર, ઈન્ડિયા ગેટ અને અક્ષરધામ પણ સ્મોગના કારણે દેખાતા બંધ થયા
- દિલ્હીમાં એકયુઆઈ 500ને પાર થઈ જતા સ્થિતિ બેકાબુ બની હતી. અશોક વિહાર, રોહિણી, જહાંગીરપુરી, વજરીપુર જેવા વિસ્તારોમાં એક્યુઆઈ ૫૦૦ને પણ પાર જતો રહ્યો હતો. દિલ્હીનો સરેરાશ એક્યુઆઈ 460ની આસપાસ આવે છે. તેના પગલે તંત્ર દ્વારા શનિવારે ગ્રેપ-3 લાગુ કરાયું હતું. ત્યારબાદ હવે ગ્રેપ-4 નિયમો લાગુ કરી દેવાયા છે થ હવામાન ખાતાના જાણકારો માને છે કે, આગામી અઠવાડિયા સુધી પણ આ સ્થિતિ સુધરે તેવા કોઈ અણસાર લાગતા નથી. જાણકારો સ્પષ્ટ માને છે કે, આ અઠવાડિયામાં હવાની ઝડપમાં વધારો નહીં થાય કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નહીં થાય અને વરસાદ નહીં આવે તો દિલ્હીની હાલત અત્યંત કફોડી થઈ જશે : આપની સરકારે શુદ્ધ હવા માટે 23 કરોડના ખર્ચે એર પ્યોરિફાયર યાવર બનાવ્યો હતો. તે બે વર્ષ પણ ચાલ્યો નહીં. તે આજે પણ ધુળ ખાય છે. તેવી જ રીતે અન્ય સરકારોએ પોતાને ગમતા અને પોતાનાઓને ગમતા કામ કર્યા છે.
દિલ્હીમાં હાલમાં જે પ્રદુષણની સ્થિતિ છે તે અકલ્પનિય અને અસહ્ય થઈ ગઈ છે. અહીંયાના લોકો પોતાના શ્વાસમાં માત્રને માત્ર ઝેર ખેંચી રહ્યા છે. અહીંયા શનિવાર રાતથી પ્રદુષણનું પ્રમાણ વધવા લાગ્યું અને સોમવારે સ્થિતિ એવી આવી ગઈ કે, ચારેતરફ માત્રને માત્ર સ્મોગ અને ફોગનું વાતાવરણ થઈ ગયું હતું. વધી રહેલી ઠંડીને પગલે ગાઢ ધુમ્મસ તો ખરું જ પણ શહેરી વિસ્તારોમાં તો સ્મોગનું પ્રમાણ પણ એટલું વધી ગયું હતું કે, ૫૦ મીટર દૂર સુધી પણ જોઈ શકાય તેવી સ્થિતિ નહોતી. દેશની રાજધાની દિલ્હી ઉપર ઠંડી, સ્મોગ અને પ્રદુષણનો ત્રણ બાજુએથી હુમલો થયો હતો. અહીંયા ઘણા વિસ્તારોમાં એક્યુઆઈ ૫૦૦ને પાર જતો રહ્યો છે. તેના કારણે સ્મોગનું પ્રમાણ એટલું બધું વધી ગયું કે, ઈન્ડિયા ગેટ અને અક્ષરધામ જેવા સ્મારકો અને મંદિરો પણ દેખાતા બંધ થઈ ગયા હતા. આ ગેસ ચેમ્બર બનેલી રાજધાનીને ઉગારવા માટે ગ્રેપ-૪ નિયમો લાગુ કરી દેવાયા હતા.
દિલ્હીમાં સૌથી જોખમી બાબત એ થઈ હતી કે, રોડ અને રસ્તા ઉપર તો વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી પણ સાથે સાથે એરપોર્ટ અને રેલવેનું કામકામ પણ ખોરવાઈ ગયું હતું. સોમવારે ૧૦૦ ફ્લાઈટ રદ કરવામાં આવી હતી જ્યારે ૩૦૦થી વધારે ફ્લાઈટ મોડી પડી હતી. ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી ૫૦ મીટરથી પણ ઓછી થઈ ગઈ હતી. ડોક્ટરો દ્વારા બાળકો, વૃદ્ધો, શ્વાસની તકલીફ ધરાવતા લોકો, સગર્ભાઓને ઘરની બહાર ન નીકળવાની તાકીદ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં પણ કામકાજ હાઈબ્રિડ મોડલ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગની મદદથી કરવાની સુચના અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે, દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણ મુદ્દે આવતીકાલે સુપ્રીમમાં સુનાવણી છે પણ તે પહેલાં દિલ્હીની હાલત અત્યંત ગંભીર થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં એકયુઆઈ ૫૦૦ને પાર થઈ જતા સ્થિતિ બેકાબુ બની હતી. અશોક વિહાર, રોહિણી, જહાંગીરપુરી, વજરીપુર જેવા વિસ્તારોમાં એક્યુઆઈ ૫૦૦ને પણ પાર જતો રહ્યો હતો. દિલ્હીનો સરેરાશ એક્યુઆઈ ૪૬૦ની આસપાસ આવે છે. તેના પગલે તંત્ર દ્વારા શનિવારે ગ્રેપ-૩ લાગુ કરાયું હતું. ત્યારબાદ હવે ગ્રેપ-૪ નિયમો લાગુ કરી દેવાયા છે. તેમાં સરકારી હોય કે ખાનગી તમામ કચેરીઓના ૫૦ ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી દેવું, બીએસ-૪ જેવા મોટા કોમર્શિયલ વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ, તમામ પ્રકારના નિર્માણ અને બાંધકામ તથા ડેમોલિશન ઉપર પ્રતિબંધ, તમામ સ્કુલોમાં ૧૦ અને ૧૨ ધોરણ સિવાયના તમામ ક્લાસ હાઈબ્રિડ મોડલથી ચલાવવા, કચરો બાળવો નહીં, બિનજરૂરી વાહનોનો ઉપયોગ કરવો નહીં, ડીઝલ જનરેટર, આરએમસી પ્લાન્ટ, સ્ટોન ક્રશર, ઈંટના ભઠ્ઠા અને ખનન જેવી તમામ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
જાણકારો માને છે કે, દિલ્હી હાલમાં વાતાવરણ અને સિઝનનો બેવડો માર સહન કરી રહ્યું છે. એક તરફ શિયાળો જામતો જાય છે અને તેના કારણે ગાઢ ધુમ્મસ થવું તે સ્વાભાવિક છે પણ બીજી તરફ દિલ્હીમાં જે પ્રદુષણ છે તેના પગલે સ્મોગનું પ્રમાણ ભયાનક રીતે વધ્યું છે. સોમવારે દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં તો હાલત એવી થઈ ગઈ હતી કે, ૩ થી ૧૦ મીટર સુધીની પણ વિઝિબિલિટી વધી નહોતી. જાણકારોના મતે રવિવારે સાંજથી સ્થિતિ કફોડી થવાની શરૂઆત થઈ હતી. દિલ્હીમાં ૩૯ જગ્યાએ વાયુ ગુણવત્તા નિરિક્ષણ કેન્દ્રો બનાવ્યા છે તેમાંથી ૩૮ કેન્દ્રોમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ હોવાના અહેવાલો આવ્યા હતા. દિલ્હીમાં એપ્રિલ ૨૦૨૫થી એક્યુઆઈ માપવાની અને સતત નિરિક્ષણ કરતા રહેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
દિલ્હીમાં હવાની સ્થિતિ એટલી ખરાબ છે કે, લોકોને સારા સ્વાસ્થ્ય માટે પણ ઘરમાં ભરાઈ રહેવાની નોબત આવી છે. સામાન્ય રીતે શિયાળામાં લોકો વ્યાયામ કરવા જવાનું પસંદ કરતા હોય છે, રસ્તા ઉપર કે જાહેર બાગ-બગીચાઓમાં ચાલવા જવાનું કે દોડવાનું પસંદ કરતા હોય છે પણ હાલમાં દિલ્હીમાં આવું કશું જ થાય તેમ નથી. યોગ અને પ્રાણાયામ કરવા દરમિયાન પણ શરીરમાં કાર્બન મોનોક્સાઈડ ઘુસવાની શક્યતાઓ વધી ગઈ છે. ડોક્ટોરોએ સ્પષ્ટ પણે લોકોને મોર્નિંગ વોક કે ઈવનિંગ વોક અથવા તો એક્સરસાઈઝ કરવાની ના પાડી છે. નાના બાળકો, વૃદ્ધો, બિમાર રહેતા લોકો, સગર્ભાઓને જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવાની સુચના આપી છે. લોકોને વધારે ટ્રાફિક થતો હોય તેવા સ્થળો, ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પણ ન જવાની સલાહ આપી છે. અગરબત્તી, મોસ્કિટો કોઈલ પણ ઘરમાં કે ઓફિસમાં ન સળગાવવાની અપિલ કરી છે.
ખાસ વાત એવી છે કે, દિલ્હીમાં હાલમાં જે સ્થિતિ છે તેમાં સુધારો થવાના કોઈ અણસાર નથી. દિલ્હીમાં ફેલાયેલા સ્મોગ અને ફોગને કારણે જનજીવન સદંતર ખોરવાઈ ગયું છે. વાસ્તવિકતા એવી છે કે, દિલ્હી અને ઉત્તરી રાજ્યો ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થવા લાગી તેની સાથે જ પવન બંધ થવા લાગ્યો હતો. પવન ઓછો થતાં પ્રદુષણ આગ વધતું અટકી ગયું હતું.
છેલ્લાં ચાર દિવસથી દિલ્હીમાં જરાય હવા વહેતી નથી. તેની ઝડપ નહીવત કહી શકાય તેવી નથી. તેના કારણે સ્થિતિ એ થઈ છે કે, આસપાસથી આવતા ધુમાડા અને દિલ્હીમાં સર્જાતા ધુમાડા અને પ્રદુષણ બધું જ દિલ્હીની ઉપર જ અટકી ગયા છે. હવામાન ખાતાના જાણકારો માને છે કે, આગામી અઠવાડિયા સુધી પણ આ સ્થિતિ સુધરે તેવા કોઈ અણસાર લાગતા નથી. જાણકારો સ્પષ્ટ માને છે કે, આ અઠવાડિયામાં હવાની ઝડપમાં વધારો નહીં થાય કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નહીં થાય અને વરસાદ નહીં આવે તો દિલ્હીની હાલત અત્યંત કફોડી થઈ જશે. ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયાના અંત સુધીમાં પાકિસ્તાન તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય તેવી શક્યતાઓ છે. તેની અસર હિમલાય ક્ષેત્રમાં થશે. દિલ્હીમાં તેની અસર વર્તાશે કે કેમ તેની ખબર આવતા અઠવાડિયે જ થશે.
બિનજરૂરી વિકાસવાદ અને કૌભાંડોને પગલે દિલ્હીનો શ્વાસ રૃંધાઈ રહ્યો છે
દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણ મુદ્દે અનેક કારણો સામે આવે છે પણ લોકોમાં હવે એક જ વાત ઠસી ગઈ છે કે, રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ અને રાજકીય દોષારોપણને કાણે તેમનો જીવ જશે. દિલ્હીમાં છેલ્લાં કેટલાય વર્ષોથી વિવિધ પક્ષની સરકાર આવે છે. તેઓ પોતાની રીતે નીતનવા પ્રોજેક્ટ લાવીને કામગીરીઓ કરે છે. મોટાભાગની કામગીરીઓમાં કોન્ટ્રાક્ટરો, નેતાઓ, મળતીયાઓ અને બાકીનાને લાભ મળે છે પણ જનતાને તો આ કામગીરી ચાલે ત્યારે અને ત્યારબાદ પણ હરાન થવાનું જ આવે છે. પહેલાં વિકાસના નામે રસ્તા બંધ કરી દેવાય જેથી અગવડ પડે છે. શિયાળામાં આવી જગ્યાઓએ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈને સ્વાસ્થ્યને નુકસાન કરવાનું. દિલ્હીમાં કેન્દ્ર અને રાજ્ય બંને સરકાર અસર કરતી હોવાથી એકબીજા ઉપર દોષારોપણ કરતા રહેવાની પરંપરા પણ અહીંયા દાયકાઓ જૂની છે. તેમાંય કોંગ્રેસ અને ભાજપના રાજની વાત કરીએ તો કેન્દ્રમાં જે-તે સમયે કોંગ્રેસની સરકાર હતી ત્યારે દિલ્હીમાં પણ કોગ્રેેસની જ સરકાર હતી. તેવી જ રીતે હાલમાં કેન્દ્ર અને દિલ્હીમાં પણ ભાજપની જ સરકાર છે છતાં કોઈ નક્કર કામ થતા નથી. લોકોના સ્વાસ્થ્યને અસર કરી શકે તેવા પગલાં લેવામાં આવતા નથી. જાણકારોના મતે નેતાઓ દ્વારા, બાબુઓ દ્વારા, કોન્ટ્રાક્ટરો દ્વારા કૌભાંડનું એવું મોડલ વિકસાવાયું છે કે, લોકોને માત્ર પરેશાની ભોગવવાની આવે છે. વિકાસના નામે જંગલો અને ખેતરો તથા પાણીના કુદરતી સ્રોતનો નાશ કરવામાં આવી રહ્યો છે. જંગલો કપાઈ રહ્યા છે, કરોડોના ખર્ચે રોડ અને રસ્તા બની રહ્યા છે પણ વૃક્ષો વાવવાનું કે પછી યમુનાની સફાઈનું કામ નક્કર રીતે થતું નથી. ટ્રાફિકના અને વાહનોના જે નિયમો લાગુ કરાયા છે તેનું અમલિકરણ થતું નથી. ટ્રાફિક પોલીસ હોય કે સામાન્ય લોકો એકબીજા સાથે જોડતોડ કરીને બધું ગેરવલ્લે ચડાવીને કામ કરે છે. નાના માણસથી શરૂ કરીને ઉપરના લેવલ સુધી તમામ સ્તરે કૌભાંડ છે અને તેનો ભોગ સામાન્ય માણસ બની રહ્યો છે. આપની સરકારે શુદ્ધ હવા માટે ૨૩ કરોડના ખર્ચે એર પ્યોરિફાયર યાવર બનાવ્યો હતો. તે બે વર્ષ પણ ચાલ્યો નહીં. તે આજે પણ ધુળ ખાય છે. તેવી જ રીતે અન્ય સરકારોએ પોતાને ગમતા અને પોતાનાઓને ગમતા કામ કર્યા છે. આ કૌભાંડો અને ગોઠવણોમાં પ્રજાના પૈસા પણ ગયા છે અને તેમના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થયા છે.
ખરેખર તો બિનજરૂરી વિકાસ અટકાવીને પ્રજાને લાભ થાય તેવા બાગ-બગીચાઓ વિકાસવવા જોઈએ, જંગલો વિકાસવવા જોઈએ, ખેતીનો વિકાસ કરવો જોઈએ, સારી સ્વાસ્થ્ય સેવાઓ આપવી જોઈએ. આ બધું કરવાથી દિલ્હીની હાલત સુધરશે. બાકી તો વાયુ પ્રદુષણ અને સિસ્ટમમાં ઘુસેલું દુષણ દિલ્હીનો શ્વાસ રૃંધી કાઢશે.
દિલ્હીમાં ફ્લાઈટ ઓપરેશન પણ કેટ-3 હેઠળ કરવાના આદેશ અપાયા
એક તરફ ઈન્ડિગોના ડખાના લીધે લોકો અઠવાડિયાથી ફ્લાઈટ કેન્સલ થવાનો માર સહન કરતા હતા ત્યાં હવે ખરાબ વાતાવરણ અને પ્રદુષણને પગલે દિલ્હીના એરપોર્ટ ઉપર ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ છે. દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ ઉપર ૧૦૦ ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી હતી. તે ઉપરાંત ૩૦૦ ફ્લાઈટ સાતથી દસ કલાક જેટલી મોડી ચાલતી હતી. જાણકારોના મતે એરપોર્ટ ઉપર પણ એટલું ગાઢ ધુમ્મસ અને પ્રદુષણ ફેલાઈ ગયું છે કે, ફ્લાઈટ ટેકઓફ, લેન્ડિંગ અને ટેક્સિંગ કરવામાં ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડી રહી છે. આ સ્થિતિમાં કંઈપણ ચુક થાય તો મોટો અકસ્માત થાય તેમ છે. તેના પગલે જ ફ્લાઈટ ઓપરેશન માટે કેટ-૩ લાગુ કરવામાં આવ્યું છે. જાણકારોના મતે ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ થકી પ્લેનને ગાઈડ કરીને ખરાબ વિઝિબિલિટીમાં પણ લેન્ડ કરાવી શકાય છે. તેમાં બે પ્રકારના રેડિયો સિસ્ટમ હોય છે જેના દ્વારા વર્ટિકલ અને હોરિઝોન્ટલ એમ બંને પ્રકારે માર્ગદર્શન આપીને લેન્ડિંગ કરાવવામાં આવે છે. તેના એડવાન્સ્ડ વર્ઝન પણ વિશ્વમાં ઉપલબ્ધ છે પણ તે ન્યૂયોર્કના કેનેડી એરપોર્ટ અને લંડનના હિથ્રો એરપોર્ટ ઉપર છે જેના દ્વારા ઝીરો વિઝિબિલિટીમાં પણ પ્લેન લેન્ડ કરાવી શકાય છે.


