mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

અફઘાનિસ્તાનમાં તાલિબાનના ક્રૂર શાસનની કાળરાત્રિની શરૂઆત

Updated: Aug 17th, 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાનના ક્રૂર શાસનની કાળરાત્રિની શરૂઆત 1 - image


- તાલિબાને કાબુલમાં પ્રવેશ કરતાની સાથે જ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને નાસી છૂટયાં કબજો જમાવતાની સાથે જ કાબુલમાં 

- તાલિબાનની સત્તાવાપસી સાથે જ અફઘાનિસ્તાનમાં ભારતને અનેક પરિયોજનાઓ સામે પ્રશ્નાર્થ લાગી ગયો છે, આમ તો તાલિબાને ભારત સાથે સારા સંબંધો રાખવાની ધરપત આપી છે પરંતુ ભૂતકાળને જોતાં તાલિબાન ઉપર વિશ્વાસ કરવો શક્ય નથી

છેવટે આખી દુનિયાને જે ડર હતો એ સાચો ઠર્યો છે. અફઘાનિસ્તાનમાં કાળરાત્રિની ફરી શરૂઆત થઇ ગઇ છે. રવિવારે તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ઉપર કબજો જમાવતાની સાથે જ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તાવાપસી નક્કી થઇ ગઇ છે. તાલિબાન લડવૈયાઓ કાબુલના એક પછી એક વિસ્તારો પર કાબુ મેળવી રહ્યાં છે અને દુનિયા ૨૦ વર્ષ પહેલાના બર્બર તાલિબાની શાસનને યાદ કરી રહ્યાં છે.

કાબુલમાં ચોતરફ અફરાતફરીનો માહોલ

રવિવારે તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પ્રવેશ કર્યો એ પછી રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને નાસી છૂટયાં. બાદમાં તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ ખૂનામરકી અટકાવવા માંગે છે એટલા માટે દેશ છોડયો છે. બીજી બાજુ તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે યુદ્ધ પૂરું થઇ ગયું છે અને અફઘાનિસ્તાનના લોકોને ટૂંક સમયમાં જ નવી સરકારની રચના વિશે જાણકારી મળી જશે.

રવિવારે તાલિબાનના કાબુલમાં પ્રવેશવાની ખબર ફેલાતા જ ચારે તરફ ભાગદોડ મચી ગઇ. અમેરિકા અને બીજા પશ્ચિમી દેશોના હેલિકોપ્ટરો પોતાના કર્મચારીઓ અને નાગરિકોને બહાર કાઢવા માટે આકાશમાં ઊડી રહ્યાં હતાં. 

કાબુલના એરપોર્ટ ઉપર તો જાણે મેળાવડો જામ્યો હતો. સેંકડો લોકો દેશ છોડવા માટે પોતાનો વારો આવવાની રાહ જોઇ રહ્યાં હતાં. સ્થાનિક ટીવીમાં આવતા સમાચાર મુજબ રાત્રે શહેરમાં કેટલાંક વિસ્ફોટના અવાજ સંભળાયા પરંતુ દિવસે શાંતિ રહી. કેટલાંક ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પણ લઇ જવાયા હોવાના સમાચાર હતાં પરંતુ જીવલેણ ઇજા હોય એવા લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં.

અગાઉ આંતરરાષ્ટ્રીય ટીવી ચેનલો ઉપર તો તાલિબાન કમાન્ડરો રાષ્ટ્રપતિ ભવનમાં કબજો જમાવી ચૂક્યા હોવાના વીડિયો પણ આવી ગયા હતાં. અનેક હથિયારબંધ તાલિબાનો રાષ્ટ્રપતિ ભવનમાં ટહેલતા પણ જોવા મળ્યાં.

તાલિબાને વીજળીવેગે દેશ પર કબજો જમાવ્યો

હજુ તો ગત ૨૩ જૂને સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી હતી કે તાલિબાન અફઘાનિસ્તાનના ૩૭૦ જિલ્લાઓમાંથી ૫૦ ઉપર કબજો જમાવી ચૂક્યા છે. એ વખતે આખી દુનિયા ચકિત થઇ ગઇ હતી કારણ કે હજુ તો અમેરિકા અને બીજા પશ્ચિમી દેશોની સેનાઓ અફઘાનિસ્તાન છોડવામાં વ્યસ્ત હતી અને તાલિબાન દેશ પર કબજો જમાવવા લાગ્યું હશે એનો કોઇને અંદાજ પણ નહોતો.

એ પછી ગયા અઠવાડિયે જ અમેરિકાની ગુપ્તચર એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે તાલિબાન ૩૦ દિવસની અંદર જ કાબુલની સરહદે પહોંચી જશે અને આવતા ૯૦ દિવસમાં આખા દેશ ઉપર કબજો જમાવી લેશે. પરંતુ તાલિબાન તો એના કરતા ક્યાંય વધારે ઝડપી નીકળ્યાં અને અમેરિકાની વૉર્નિંગના માત્ર એક અઠવાડિયામાં કાબુલ હાથમાં કરી લીધું. 

મહાસત્તાઓના કૂટનૈતિક ખેલનો ભોગ બનેલો દેશ

અફઘાનિસ્તાન દાયકાઓથી મહાસત્તાઓની કૂટનૈતિક રમતોનો અતિશય ખરાબ રીતે ભોગ બનેલું રાષ્ટ્ર છે. અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચેના શીત યુદ્ધ દરમિયાન સોવિયેત સેનાએ અફઘાનિસ્તાનમાં પગપેસારો કર્યો એ સાથે જ અફઘાનિસ્તાનની માઠી દશાની શરૂઆત થઇ હતી. એ સમયે સોવિયેત સંઘને ખાળવા માટે અમેરિકાએ જ અફઘાનિસ્તાનની ધરતી ઉપર આતંકી સંગઠનો ઊભા કરવામાં મદદ કરી હતી. સોવિયેત સંઘના વિઘટન બાદ રશિયન સેના અફઘાનિસ્તાનમાંથી હટી કે તરત જ તાલિબાને કબજો જમાવવાની શરૂઆત કરી દીધી હતી. 

વર્ષોથી માઠી દશામાં રહેલા અફઘાનિસ્તાનના લોકોને આશા હતી કે રશિયન સેના દૂર થયા બાદ તેમના દેશમાં શાંતિ સ્થપાશે અને તાલિબાન તેમને સુદૃઢ શાસન સ્થાપશે. પરંતુ તાલિબાને તો કડક ઇસ્લામિક કાયદા લાગુ કરવાના નામે પ્રજા ઉપર કેર વર્તાવવાનો શરૂ કર્યો. એ પછી અમેરિકા ઉપર થયેલા ૯૧૧ હુમલા બાદ ઓસામા બિન લાદેન અફઘાનિસ્તાનમાં છૂપાયેલો હોવાના દાવા સાથે અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં ઉતરી આવી. એ પછી ૨૦ વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે લડયા બાદ છેવટે અમેરિકાએ વિદાય લેવાનું નક્કી કર્યું અને ફરી વખત દેશ તાલિબાનના હાથમાં જઇ ચડયો છે. 

તાલિબાનના ક્રૂર શાસનની વાપસીના ભયથી થથરી રહ્યાં છે લોકો

આમ તો તાલિબાને ધરપત આપી છે કે તેઓ આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે સારા સંબંધો ઇચ્છે છે. ભલે તેઓ દેશમાં શરિયા કાનૂન લાગુ કરે પરંતુ છોકરીઓને અભ્યાસ કરવાની પરવાનગી આપવામાં આવશે. તાલિબાને લોકોને ભૂતકાળ ભૂલવાની અપીલ કરી છે પરંતુ અફઘાનિસ્તાનના લોકો હજુ પણ તાલિબાનના ક્રૂર શાસનને ભૂલ્યાં નથી. સ્વાસ્થ્ય, શિક્ષણ અને મહિલાઓના અધિકારોના ક્ષેત્રમાં જે થોડીઘણી પ્રગતિ થઇ છે એ પણ તાલિબાન સત્તામાં આવવાથી સંકટમાં આવી જશે.

છેલ્લા ૨૦ વર્ષમાં અફઘાનિસ્તાનમાં લોકોનું આયુષ્ય ૫૬થી વધીને ૬૪ વર્ષ થયું છે. માતૃત્ત્વ મૃત્યુદર પણ અડધાથી વધારે ઓછો થયો છે. સાક્ષરતા દર આઠ ટકા વધીને ૪૩ ટકાએ પહોંચ્યો છે. બાળલગ્નમાં ૧૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. હવે આ બધા પર પાણી ફરી વળવાનો ભય છે.

અમેરિકાની બે દાયકા લાંબા યુદ્ધમાં ભૂંડી હાર

અફઘાનિસ્તાન અમેરિકાનું સૌથી લાંબો સમય સુધી રહેલું રણમેદાન બની ચૂક્યું છે. અનેક સંસાધનો અને હજારો લોકોના જીવની કિંમત ચૂકવ્યા બાદ પણ અમેરિકા આ યુદ્ધ જીતી શક્યું નહીં. યુદ્ધની સૌથી મોટી કિંમત અફઘાનિસ્તાનના લોકોએ ચૂકવી છે. છેલ્લા બે દાયકામાં અફઘાનિસ્તાનના આશરે ૪૭,૨૩૫ લોકોએ જીવ ગૂમાવ્યો છે.

આ ઉપરાંત આશરે ૬૯ હજાર અફઘાન સૈનિકો પણ આ યુદ્ધમાં માર્યા ગયાનું અનુમાન છે. અમેરિકાએ ૨૪૪૨ સૈનિકો અને ૩૮૦૦ ખાનગી સુરક્ષાકર્મીઓ ગુમાવ્યાં છે. ઉપરાંત નાટોના ૪૦ સભ્ય રાષ્ટ્રોના ૧૧૪૪ સૈનિકો પણ માર્યા ગયાં છે. 

યુદ્ધના કારણે ૨૭ લાખ કરતા પણ વધારે અફઘાન લોકો બીજા દેશમાં જતાં રહ્યાં. આમાંના મોટા ભાગના ઇરાન, પાકિસ્તાન અને યુરોપ જતાં રહ્યાં. જે લોકો દેશમાં રહ્યાં એમાંનાં ૪૦ લાખ લોકો દેશની અંદર જ વિસ્થાપિત થઇ ગયાં. એક રિપોર્ટ અનુસાર અમેરિકાએ આ યુદ્ધ પાછળ ૨૨૬૦ અબજ ડોલર ખર્યી કાઢ્યાં છે.

અમેરિકાના રક્ષા ખાતાના જણાવ્યા અનુસાર આમાંના ૮૧૫ અબજ ડોલર યુદ્ધ લડવામાં ખર્ચ થઇ ગયાં. યુદ્ધ બાદ અફઘાનિસ્તાનના નિર્માણ માટેની જુદી જુદી પરિયોજનાઓમાં ૧૪૩ અબજ ડોલર વપરાઇ ગયાં. ઇતિહાસમાં પહેલી વખત અમેરિકાએ આ યુદ્ધ માટે ઉધાર લેવાની જરૂર પડી અને હાલ પણ તે ૫૩૦ અબજ ડોલરનું વ્યાજ ચૂકવી રહ્યું છે.

જોકે અફઘાનિસ્તાનના નવનિર્માણમાં અમેરિકાએ જે અબજો ડોલર ખર્ચ્યા એ બાતલ ગયા એટલું તો તાલિબાનના જોરને જોતાં લાગે છે. બીજા દેશોએ બંધ અને હાઇવે બનાવ્યા પરંતુ ઉપયોગમાં ન લેવાઇ શક્યાં. 

નવી હોસ્પિટલો અને શાળાઓ બન્યા પરંતુ એ ખાલી પડયાં છે. દેશમાં ભ્રષ્ટાચાર પણ ઘણો ફેલાયો છે.

અફઘાનિસ્તાનમાં ભારતની પરિયોજનાઓ સામે પ્રશ્નાર્થ

કાબુલ ઉપર તાલિબાનના કબજાની સાથે જ ડિપ્લોમેટિક એરિયાની સુરક્ષા વ્યવસ્થા પણ ખતમ થઇ ગઇ છે. ભારતે પણ પોતાના રાજદ્વારી કર્મચારીઓને પરત બોલાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. જોકે કાબુલ એરપોર્ટ ઉપર મચેલી અફરાતફરીના કારણે હાલપૂરતી તો તમામ ફ્લાઇટ રદ્ કરવામાં આવી છે.

એ સાથે જ અફઘાનિસ્તાનમાં ભારતે અનેક યોજનાઓમાં કરેલા રોકાણ ઉપર પણ પ્રશ્નાર્થ લાગી ગયો છે. છેલ્લા બે દાયકા દરમિયાન ભારતે અફઘાનિસ્તાનમાં આશરે ૫૦૦ જેટલી નાનીમોટી પરિયોજનાઓમાં રોકાણ કર્યું છે. જેમાં સ્કૂલો, હોસ્પિટલો, સ્વાસ્થ્ય કેન્દ્રો, હોસ્ટેલ અને પુલ સામેલ છે. અફઘાનિસ્તાનમાં લોકશાહીની નિશાનીસમાન સંસદભવન, સલમા બંધ અને ઝરાંજ-દેલારામ હાઇવેમાં પણ મોટું રોકાણ કર્યું છે. 

હવે આ પરિયોજનાઓનું શું થશે એ નક્કી નથી. જો તાલિબાન આ યોજનાઓને નુકસાન પહોંચાડશે તો છેવટે તો નુકસાન અફઘાન લોકોને જ થશે. પરંતુ ભારતને મોટું નુકસાન થઇ શકે છે કારણ કે અફઘાનિસ્તાનની સરકાર સાથે ભારતના સારા સંબંધો રહ્યાં છે અને તાલિબાનરાજ આવતાની સાથે ભારતનો પ્રભાવ ખતમ થઇ શકે છે.

હાલ તો તાલિબાને ભારત સાથે સંબંધો સારા રાખવાની વાત ઉચ્ચારી છે પરંતુ ભૂતકાળને જોતાં તેના પર વિશ્વાસ થઇ શકે એમ નથી. એ સંજોગોમાં તાલિબાન ભારત પ્રત્યે કેવું વલણ રાખે છે એના પર તમામ પરિયોજનાઓનો આધાર છે.

Gujarat