Get The App

યુદ્ધથી 3 ટ્રિલિયન ડોલરના પ્રાઈવેટ ક્રેડિટ માર્કેટ પર તોળાતું જોખમ

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધથી 3 ટ્રિલિયન ડોલરના પ્રાઈવેટ ક્રેડિટ માર્કેટ પર તોળાતું જોખમ 1 - image

- ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિ નહીં સ્થપાય અને યુદ્ધ ચાલુ રહેશે તો ૨૦૦૮ની જેમ મહામંદી અને આર્થિક સંકટ સર્જાવાની શક્યતાઓ

- પ્રાઈવેટ ક્રેડિટ માર્કેટ હકિકતે તો એક ઓપેક એટલે કે આભાસી અને અપારદર્શક દુનિયા છે. મહત્ત્વની બાબત એ છે કે, આ પ્રાઈવેટ માર્કેટમાં ક્યાંય નક્કર અને સ્પષ્ટ નિયમો જ નથી. 2020માં આ માર્કેટ ૨ ટ્રિલિયન ડોલરનું હતું. જે પાંચ વર્ષમાં વધીને ગત વર્ષે 3 ટ્રિલિયન ડોલર પહોંચી ગયું છે : જે દિવસે રોકાણકારોનો વિશ્વાસ આ સિસ્ટમ ઉપરથી ઉઠી જશે તે દિવસે તેઓ પૈસા પાછા ખેંચવાનું શરૂ કરી દેશે. આમ જોવા જઈએ તો તેની શરૂઆત થઈ જ ગઈ છે. એક અહેવાલ જણાવે છે કે, આ વર્ષના પહેલા ક્વાર્ટરમાં જ રોકાણકારો દ્વારા પ્રાઈવેટ ક્રેડિટ ફંડ માર્કેટમાંથી 20 અબજ ડોલર પાછા ખેંચવાની કામગીરી કરવામાં આવી છે : 40 દિવસ ચાલેલા યુદ્ધને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને જે નુકસાન થયું છે તે સરળતાથી ભરપાઈ થાય તેવા નથી. તેની અસર આગામી દિવસોમાં જોવા મળશે. આ યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્રને જે છ અઠવાડિયા સુધી નુકસાન થયું છે તેના કારણે 2026નો વિકાસદરનો અંદાજ ઘટાડવાની સ્થિતિ આવી ગઈ છે. આ યુદ્ધને કારણે જે આર્થિક સમસ્યા સર્જાઈ છે તેમાંથી બહાર આવતા અંદાજે એક દાયકા જેટલો સમય લાગશે

અમેરિકા અને ઈરાને યુદ્ધ વિરામ કરીને વાતચીતનો પ્રયાસ કર્યો હતો પણ તે સદંતર નિષ્ફળ ગયો છે. પહેલા તબક્કાનો પ્રયાસ અનિર્ણિત રહ્યો અને ઉપરથી બંને દેશો એકબીજા સામે આકરાપાણીએ થયા હતા. ઈરાને હોર્મુઝની ખાડી ખોલવા માટે શરતો મૂકી જ્યારે અમેરિકાએ હવે આ ખાડીની નાકાબંધી જાહેર કરી દીધી. હજી પણ બંને દેશો એકબીજાને ધમકીઓ તો આપી જ રહ્યા છે. 

૪૦ દિવસ ચાલેલા આ યુદ્ધમાં નુકસાન સિવાય કશું જ મળ્યું નથી છતાં આ બંને દેશો હજી પણ લડી લેવાના મૂડમાં છે. બંને જાણે કે એકબીજાનો વિશાન વેરવા સજ્જ થયા હોય તેમ વર્તી રહ્યા છે. 

જાણકારો માને છે કે, આ બંને દેશો વચ્ચે કદાચ સમાધાન થઈ જશે અને એકાદ મહિના બાદ સ્થિતિ સામાન્ય થઈ જશે તેમ છતાં વાસ્તવિક સ્થિતિ સામાન્ય થશે નહીં. આગામી સમયમાં મોટાપાયે આર્થિક મંદી આવવાના એંધાણ છે. જાણકારોના મતે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન જો નાનકડી પણ ભુલ થશે અથવા તો કોઈ અયોગ્ય નિર્ણય લેવાશે તો વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મોટો ભૂકંપ આવશે. 

તેઓ માને છે કે, હાલમાં જે યુદ્ધની સ્થિતિ સર્જાયેલી છે તેના કારણે ૨૦૦૮ની જેમ મોટું આર્થિક સંકટ આવવાની અને વૈશ્વિક અર્થતંત્રના પાયા હાલી જવાની શક્યતાઓ રહેલી છે. જો ખરેખર તેમ થયું તો ૩ ટ્રિલિયન ડોલરનું પ્રાઈવેટ ક્રેડિટ માર્કેટ કડડડભૂસ થઈ જશે. આ માર્કેટમાં જો વિસ્ફોટ થયો તો દુનિયાભરની બેન્કો અને આર્થિક સંસ્થાઓના પાયા હચમચી જશે. અનેક બેન્કો અને ખાનગી આર્થિક સંસ્થાઓ કાટમાળમાં પરિવર્તિત થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૦ના દાયકાના મિડિયમ અને સબ પ્રાઈમ મોર્ગેજની જેમ જ હાલમાં પ્રાઈવેટ ક્રેડિટ માર્કેટ ફુલ્યુ ફાલ્યું છે. 

મોર્ગેજ માર્કેટમાં જે ભંગાણ થયું હતું તેણે ૨૦૦૮માં આખી દુનિયાને રડાવ્યું હતું. તેવી જ રીતે હાલમાં જે માર્કેટ વિકસ્યું છે તે માર્કેટ જે દિવસે તૂટશે તે દિવસે પણ દુનિયાને રાતા પાણીએ રડવાનો વારો આવશે. દુનિયા મહામંદીમાં ધકેલાઈ જશે. આજે પ્રાઈવેટ ક્રેડિટ માર્કેટ એક એવી રહસ્યમય દુનિયા બની ગયું છે જેની કોઈને સમજ નથી. બેન્કોના સ્થાને હેઝ ફંડ અને મોટા ફાઈનાન્સરો લોન અને ક્રેડિટ આપવા માંડયા છે. 

જાણકારો માને છે કે, પ્રાઈવેટ ક્રેડિટ માર્કેટ હકિકતે તો એક ઓપેક એટલે કે આભાસી અને અપારદર્શક દુનિયા છે. મહત્ત્વની બાબત એ છે કે, આ પ્રાઈવેટ માર્કેટમાં ક્યાંય નક્કર અને સ્પષ્ટ નિયમો જ નથી. ૨૦૨૦માં આ માર્કેટ ૨ ટ્રિલિયન ડોલરનું હતું. જે પાંચ વર્ષમાં વધીને ગત વર્ષે ૩ ટ્રિલિયન ડોલર પહોંચી ગયું છે. યુદ્ધના કારણે તથા એનર્જી સેક્ટરમાં સર્જાયેલી તંગીના કારણે આ બજારમાં મોટી ઉથલપાથલ થઈ છે. આગામી સમયમાં યુદ્ધ ચાલુ રહેશે કે પછી ઊર્જાની અછત મોટી થશે તો આ માર્કેટ પત્તાના મહેલની જેમ પડી શકે તેવી હાલતમાં છે.

ચિંતાજનક બાબત એ છે કે વિશ્વની મોટી ફાઈનાન્સ કંપનીઓ, બેન્કો અને આ સેક્ટર સાથે સંકળાયેલા જાણકારો માને છે કે, આ માર્કેટ ડામાડોળ થવા લાગ્યું છે. તેઓ માને છે કે, આ સિસ્ટમમાં એટલા મોટાપાયે ખામીઓ રહેલી છે અને એટલા નુકસાન છુપાયેલા છે કે કોઈનું ધ્યાન જ નથી. આ યુદ્ધોના કારણે આ નકારાત્મક બાબતો ધીમે ધીમે સામે આવી રહી છે. તેઓ સ્પષ્ટ માને છે કે, જે દિવસે રોકાણકારોનો વિશ્વાસ આ સિસ્ટમ ઉપરથી ઉઠી જશે તે દિવસે તેઓ પૈસા પાછા ખેંચવાનું શરૂ કરી દેશે. આમ જોવા જઈએ તો તેની શરૂઆત થઈ જ ગઈ છે. એક અહેવાલ જણાવે છે કે, આ વર્ષના પહેલા ક્વાર્ટરમાં જ રોકાણકારો દ્વારા પ્રાઈવેટ ક્રેડિટ ફંડ માર્કેટમાંથી ૨૦ અબજ ડોલર પાછા ખેંચવાની કામગીરી કરવામાં આવી છે. જો આગામી બે-ત્રણ ક્વાર્ટરમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી તો આ વર્ષના મધ્ય સુધીમાં જ પ્રાઈવેટ ક્રેડિટ ફંડ માર્કેટ પડી ભાંગશે અને દુનિયામાં ૨૦૦૮ જેવી મહામંદી ફેલાઈ જશે. કેટલાક માને છે કે, ૨૦૦૮ કરતા પણ ભયાનક સ્થિતિ ઊભી થાય તેમ દેખાઈ રહ્યું છે.

બીજી મોટી વાત એ છે કે, ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના વડા અને જાણકારો પણ હાલની સ્થિતિને ખૂબ જ ગંભીર માની રહ્યા છે. તેઓ માને છે કે, જો એક સમયે અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સમાધાન થઈ ગયું અને સ્થિતિ સામાન્ય થઈ ગઈ તો પણ તેની અસર લાંબા સમય સુધી જોવા મળશે. આ ૪૦ દિવસ ચાલેલા યુદ્ધને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને જે નુકસાન થયું છે તે સરળતાથી ભરપાઈ થાય તેવા નથી. તેની અસર આગામી દિવસોમાં જોવા મળશે. 

આ યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્રને જે છ અઠવાડિયા સુધી નુકસાન થયું છે તેના કારણે ૨૦૨૬નો વિકાસદરનો અંદાજ ઘટાડવાની સ્થિતિ આવી ગઈ છે. જો આવતીકાલથી પણ સ્થિતિ સુધરી જાય તો પણ દુનિયા યુદ્ધ પહેલાની સ્થિતિમાં પહોંચી શકે તેમ નથી. આગામી સમયમાં લોકોના જીવનધોરણમાં મોટો ડાઉનફોલ જોવા મળશે.

સમગ્ર વિશ્વની નજર હાલમાં પણ હોર્મુઝની ખાડી ઉપર જ ટકેલી છે. ત્યાં હવે ઈરાન શરતોનું પાલન કરીને જહાજો જવા દેવા તૈયાર થયું છે ત્યાં તેની શરતોને અમેરિકાએ ફગાવી છે. તેણે હોર્મુઝની ખાડીમાં નાકાબંઘી જાહેર કરી છે. આ એવો રસ્તો છે જ્યાંથી દુનિયાનો ૨૦ ટકા ક્રૂડ અને ગેસનો જથ્થો સપ્લાય થાય છે. આ રસ્તામાં ૪૦ દિવસ દરમિયાન જે મુશ્કેલી સર્જાઈ તેના કારણે વૈશ્વિક સ્તરે એનર્જી માર્કેટ હચમચી ગયું છે. હવે વધુ એક વખત બંને દેશોની આડોડાઈ વધશે તો ગ્લોબલ એનર્જી માર્કેટમાં ભાવવધારો અને અછતનો વિસ્ફોટ સર્જાશે. યુદ્ધના કારણે ક્રૂડ અને ગેસ જેવા પાયાગત સુવિધાઓને વ્યપક નુકસાન પહોંચ્યું છે. તેને નિયમિત બનાવવામાં ખરેખર કેટલો સમય લાગશે તેનો કોઈ અંદાજ લગાવી શકાય તેમ નથી. ક્રૂડ આયાત કરનારા દેશો અને ખાસ કરીને ગરીબ દેશો ઉપર તેનો સૌથી વધારે બોજ આવશે. 

જાણકારો માને છે કે, જે દેશો દ્વારા સબસીડી ઓછી કરીને કે ટેક્સમાં કાપ મૂકીને સ્થિતિ કાબુમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેઓ ખરેખર તો આગમાં ઘી નાખવાનું કામ કરી રહ્યા છે. તેના દ્વારા ઈકોનોમી વધારે ડામાડોળ થશે.

બીજી વાત એવી છે કે, આ યુદ્ધના કારણે અત્યાર સુધીમાં દુનિયાને વ્યાપક નુકસાન થયું જ છે. આ યુદ્ધ માત્ર ત્રણ દેશો વચ્ચે થયું છે તેવું નથી. આ યુદ્ધની આગમાં વૈશ્વિક અર્થતંત્ર ભડકે બળ્યું છે. વૈશ્વિક આર્થિક વ્યવસ્થાના પાયા હચમચી ગયા છે. ગત અઠવાડિયે જ આવેલા અહેવાલો જણાવે છે કે, આ યુદ્ધના પગલે વૈશ્વિક જીડીપીને અંદાજે ૫૫ લાખ કરોડ રૂપિયાનું નુકસાન ગયું છે. ઈરાનમાં તો અનેક વિસ્તારો કાટમાળમાં પરિવર્તિત થઈ ગયા છે પણ બીજી તરફ વોલ સ્ટ્રીટ, દલાલ સ્ટ્રીટ અને અન્ય બજારોમાં પણ મંદીના ભૂકંપ આવ્યા છે. આ યુદ્ધના કારણે ક્રૂડ અને ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેના પગલે સપ્લાય ચેઈન તુટવાથી દુનિયાભરમાં મોંઘવારીનું એવું ચક્રવ્યૂહ સર્જાયું છે કે, તેમાંથી નીકળવું મુશ્કેલ બની ગયું છે. આ યુદ્ધની અસર ઈરાન ઉપર સૌથી વધારે થઈ છે પણ સાથે સાથે અમેરિકાએ પણ ૮૦ અબજ ડોલર ફંકી માર્યા છે. 

આ સિવાય ખાડી દેશો, અમેરિકા, એશિયાના દેશો અને ખાસ કરીને ભારતની જીડીપીને પણ તેનાથી વ્યાપક નુકસાન થયું છે. આ આર્થિક વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ છે.

પ્રાઈવેટ કંપનીઓ તુટી છે, હવે બેન્કો ડુબવાની નોબત આવી તો મોટું જોખમ સર્જાશે

ઉલ્લેખનીય છે કે, જાણકારોને જે જોખમ દેખાઈ રહ્યું છે તેની શરૂઆત થઈ ગઈ છે. કેટલીક પ્રાઈવેટ કંપનીઓ ઉપર તો પસ્તાળ પડવા લાગી છે. પ્રાઈવેટ ક્રેડિટ માર્કેટમાં પહેલું મોટું જોખમ દેખાયું છે. અમેરિકામાં ટ્રાઈકલર અને ફર્સ્ટ બ્રાન્ડ જેવી મોટી કંપનીઓ બંધ થઈ ગઈ છે. તે ઉપરાંત બ્રિટનમાં પણ માર્કેટ ફાઈનાન્શિયલ સોલ્યુશન નામની મોટી કંપની સામે છેતરપિંડીના આરોપ મુકાયા બાદ તેને બંધ કરવામાં આવી છે. 

આ સિવાય પણ કેટલાક દેશોમાં પ્રાઈવેટ ક્રેડિટ કંપનીઓને તાળા વાગવા માંડયા છે. આ ઘટનાઓને પગલે રોકાણકારોન મનમાં અસમંજસ અને ભય ઊભો થવા લાગ્યો છે. 

એક વખત રોકાણકારોને લાગ્યું કે, સિસ્ટમ ખરાબ થઈ રહી છે તો તેમનો વિશ્વાસ ઊઠી જશે અને પેનિક ક્રિયેટ થશે. ૨૦૦૮માં પણ આવી જ સ્થિતિ આવી હતી. તે વખતે સબ પ્રાઈમ સેક્ટરે રોકાણકારોનો વિશ્વાસ તોડયો અને જોતજોતામાં સમગ્ર સેક્ટર ધસી પડયું હતું. મોટી મોટી બેન્કોએ દેવાળા ફુંક્યા હતા. હાલમાં પણ તેની શરૂઆત થઈ ગઈ છે. પ્રાઈવેટ કંપનીઓ તુટી રહી છે અને જો આમ જ ચાલશે તો આગામી સમયમાં બેન્કો ડૂબવાની પણ નોબત આવી શકે છે. જાણકારો માને છે કે, તમામ દેશોની સરકારોએ પોતાના આર્થિક સંપત્તીઓનો જવાબદારી સાથે ઉપયોગ કરવો જોઈએ. જો આ સમસ્યા આવી તો મોંઘવારી વધવાથી કોઈ રોકી શકશે નહીં. કેન્દ્રીય બેન્કોએ પણ હાલમાં વ્યાજના દરો બાબતે ખૂબ જ સાવધાની રાખવી પડશે.

 હાલમાં કોઈપણ પ્રકારનો અવિચારી જાહેર ખર્ચ દેશ માટે મોટી સમસ્યા ઊભી કરી શકે તેમ છે. આ યુદ્ધને કારણે જે આર્થિક સમસ્યા સર્જાઈ છે તેમાંથી બહાર આવતા અંદાજે એક દાયકા જેટલો સમય લાગશે.