- એનડીએના મહિલા અને યુવા ફેક્ટરે મહાગઠબંધનના મુસ્લિમ અને યાદવ ફેક્ટરને કારમો પરાજય આપ્યો
- નીતિશ કુમારે દરેક મહિલા ઉદ્યમીને 10,000 રૂપિયાની પ્રારંભિક મદદ કરાવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં આ રકમ સીધી જ બેન્ક ખાતાઓમાં જમા કરાવવામાં આવી હતી જેના કારણે મહિલાઓમાં એનડીએ પ્રત્યેનો વિશ્વાસ વધી ગયો હતો : નીતિશે પાંચ લાખ કરતા વધારે નોકરીઓ આપી. શિક્ષક, પોલિસ, સ્વાસ્થ્ય કર્મચારી સહિતના સેક્ટરમાં યુવાનોને રોજગાર મળ્યો. તેમણે યુવાનો સામે જંગલરાજની સામે સુશાસની વાત કરી અને યુવાનોને તે પસંદ આવ્યું : પ્રશાંત કિશોર કે જેને રાજકારણના મેજિકલ મેન ગણવામાં આવતા હતા તેનો જાદુ તો સાવ ધોવાઈ ગયો. આ પરિણામોએ ફરી એક વખત સાબિત કરી દીધું કે, નિતિશ કુમાર જ બિહારના રાજકારણમાં મોદી મેજિક ચાલ્યું
બિહાર વિધાનસભા ચૂંટણીની આવેલા પરિણામે તમામ રાજકીય અટકળો અને ધારણાઓને સાઈડલાઈન કરી દીધા છે. બિહારમાં એનડીએની સુનામીમાં વિપક્ષો અને તમામ રાજકીય અટકળોનો રકાસ નીકળી ગયો છે. અહીંયા ફરી એક વખત એનડીએ દ્વારા મહાગઠબંધનને ધોબી પછાડ આપવામાં આવી છે અને સાથે સાથે રેકોર્ડ તોડ વિજય મેળવવામાં આવ્યો છે. પરિણામે સિદ્ધ કરી દીધું છે કે, એનડીએ સુપર પાવર છે અને મહાગઠબંધન પાસે વિપક્ષ બનવાની પણ ક્ષમતા નથી. તેમાંય પ્રશાંત કિશોર કે જેને રાજકારણના મેજિકલ મેન ગણવામાં આવતા હતા તેનો જાદુ તો સાવ ધોવાઈ ગયો. આ પરિણામોએ ફરી એક વખત સાબિત કરી દીધું કે, નરેન્દ્ર મોદી જ બિહારમાં મોટું ફેક્ટર રહ્યા છે અને તેમનો જાદુ યથાવત્ છે. તેઓ જનતાની રગેરગથી માહિતીગાર છે. જાણકારોના મતે આ વખતે નીતિશ કુમાર અને એનડીએ દ્વારા માય ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું. એનડીએ દ્વારા શરૂ કરાયેલું આ 'MY' ફેક્ટર ખૂબ જ અસરકારક રહ્યું છે. તેણે એનડીએના વોટ શેર અને મતને એવો બુસ્ટર ડોઝ આપ્યો કે વિપક્ષોના ડાંડિયા ડૂલ થઈ ગયા છે. એનડીએનું આ 'MY' ફેક્ટર એટલે કે મહિલા અને યુવા ફેક્ટર હતું. તેની સામે મહાગઠબંધન દ્વારા પણ 'MY' ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું. તેમાં મુસ્લિમ અને યાદવ ફેક્ટરને અમલી કરાયા હતા અને તે દિશામાં જ આચાર-વિચાર અને પ્રચાર કરવામાં આવ્યા હતા. તેના કારણે જ નીતિશ કુમારનું અને એનડીએનું જે 'MY' ફેક્ટર હતું તે વધારે અસરકારક સાબિત થયું હતું. દાયકાઓથી લાલુ અને તેજસ્વી જે ફેક્ટર ઉપર કામ કરતા હતા તેને જ નવા કલેવરમાં રજૂ કરીને એનડીએ દ્વારા મહાગઠબંધનના સુપડા સાફ કરી દેવાયા હતા. સ્થિતિ એવી થઈ ગઈ છે કે, એનડીએના 'MY' ફેક્ટરથી લોકો વધારે આકર્ષાયા હતા અને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પણ એનડીએને ખોબલે ખોબલે મત મળ્યા છે. તેનો સીધો અર્થ છે કે, મહિલાઓ અને યુવાનોને આકર્ષવામાં એનડીએ સફળ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, દાયકાઓથી આરજેડી દ્વારા 'MY' ફેક્ટર જ ચલાવવામાં આવતું હતું. આરજેડી દ્વારા અત્યાર સુધી મુસ્લિમ અને યાદવના નામે જ રાજકારણ કરવામાં આવ્યું હતું. વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં પણ આરજેડીની ફોર્મ્યુલાના આધારે મહાગઠબંધન દ્વારા આ જ 'MY' ફેક્ટર લાગુ કરીને વોટ અંકે કરવાનો એજન્ડા બનાવવામાં આવ્યો હતો. નીતિશ કુમાર આ 'MY' ફેક્ટર પોતાની તરફ બદલી કાઢયું હતું. તેમણે રણનીતિ બનાવીને મહિલા અને યુવા ફેક્ટર બનાવી દીધું. તેમણે સચોટ રીતે અને પ્રજાના મૂળમાં ઉતરીને આ ફેક્ટર બદલી કાઢયું હતું. મહિલાઓ માટે મુખ્યમંત્રી સ્વરોજગાર યોજના, શરાબબંદી, સુરક્ષા યોજના તથા છોકરીઓના શિક્ષણ ઉપર ફોકસ કરવાની વાત કરીને મહિલાઓના ઢલગો મત અંકે કરી લીધા હતા. બીજી તરફ યુવાનોને પણ કૌશલ્ય વિકાસ, નોકરી તથા જંગલરાજની યાદ દેવડાવીને વિકાસ અને રોજગાર તરફ ખેંચી જવાનું કામ પણ કર્યું હતું. તેના કારણે જ આ 'MY' ફેક્ટર એનડીએના લાભ કરાવી ગયું હતું. સૌથી આશ્ચર્યજનક બાબત એવી છે કે, વિપક્ષી ગઠબંધન દ્વારા ચલાવાયેલું આ 'MY' ફેક્ટર મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પણ અસરકારક રહ્યું નહોતું. અહીંયા પણ એનડીએ અને નીતિશનું જ ફેક્ટર કામ કરી ગયું. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પણ એનડીએને ખોબલે ખોબલે મત મળ્યા છે. મહાગઠબંધનની પારંપરિક વોટબેન્ક પણ અહીંયા તુટી ગઈ અને એનડીએની તરફેણમાં જતી રહી. સરેરાશ જોવા જઈએ તો નીતિશ કુમારે ફરી એક વખત સાબિત કરી દીધું છે કે, સુશાસનનું મોડલ જ લોકોને પસંદ છે અને તેમને જાતીવાદ કરતા વિકાસવાદમાં વધારે રસ છે. ઉલ્લેખનીય છે કે, એનડીએના 'MY' ફેક્ટરમાં પહેલાં મહિલાઓ ઉપર ફોકસ કરવામાં આવ્યું હતું. નીતિશ કુમારે દરેક મહિલા ઉદ્યમીને ૧૦,૦૦૦ રૂપિયાની પ્રારંભિક મદદ કરાવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં આ રકમ સીધી જ બેન્ક ખાતાઓમાં જમા કરાવવામાં આવી હતી જેના કારણે મહિલાઓમાં એનડીએ પ્રત્યેનો વિશ્વાસ વધી ગયો હતો. તે ઉપરાંત નીતિશે દરેક સભામાં શરાબબંદી અને મહિલાઓની સુરક્ષા તથા પરિવારની સુખ-શાંતિની વાત કરી હતી. પહેલાં શરાબી પીધા બાદ ઘરમાં મારપીટ થતી હતી, હત્યાઓ થતી હતી અને હવે ઘરમાં સુખ અને શાંતિ છે, આ સંદેશ ગ્રામ્ય વિસ્તારની મહિલા સુધી પહોંચ્યો અને તેણે પણ ઉંડી છાપ છોડી.
નીતિશે બાલિકા પોશાક યોજના, સાઈકલ યોજના અને નોકરીમાં ૩૫ ટકા મહિલા અનામતની વાત કરી હતી. તેમણે આપેલા વાયદા અને વચનોને કારણે જ મહિલાઓનું આ વખતે મતદાન ૬૨ ટકા ગયું છે જે ગત વિધાનસભામાં ૫૯ ટકા હતું.
બીજી તરફ યુવાનોની વાત કરીએ તો તેમને પણ જે વચનો આપ્યા અને સ્થિતિ સમજાવી તે વ્યાપક અસર કરી ગઈ છે. નીતિશ કુમારે પાંચ લાખ કરતા વધારે નોકરીઓ આપી. શિક્ષક, પોલિસ, સ્વાસ્થ્ય કર્મચારી સહિતના સેક્ટરમાં યુવાનોને રોજગાર મળ્યો. તેઓ દરેક સભામાં બોલતા હતા કે, પોતાના પરિવારને પૂછો કે જંગલરાજમાં શું થતું હતું. તેમણે યુવાનો સામે જંગલરાજની સામે સુશાસની વાત કરી અને યુવાનોને તે પસંદ આવ્યું. સોશિયલ મીડિયામાં પણ જંગલરાજ અને સુશાસને અસર જન્માવી હતી. નીતિશે આ વખતે સડકમાર્ગે ફરી ફરીને યુવાનોને મળીને પ્રચાર કર્યો છે. તેમણે આ વખતે સૌથી વધારે સભા અને રેલીઓ કરી હતી. તેમના સ્વાસ્થ્ય માટે શંકા કરનારાઓને આ સભાઓ દ્વારા જવાબ આપ્યો હતો. તેમના આ વચનો અને કાર્યો મહિલા તથા યુવાનોને પસંદ આવ્યા અને એનડીઓના મતમાં તોતિંગ ઉછાળો આવ્યો. વિપક્ષોના સમીકરણો ફરી ગયા.
જાણકારો માને છે કે, ૨૦૧૦માં નીતિશ દ્વારા આવો જ ઈતિહાસ રચવામાં આવ્યો હતો. તે સમયે ૨૦૬ બેઠકો ઉપર ભવ્ય વિજય મેળવવામાં આવ્યો હતો. તે સમયે પણ મહિલા અને સુશાનની વાત રજૂ કરાઈ હતી. બિહારમાં સારા કાયદો અને વ્યવસ્થાના નામે અને આશાએ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે એનડીએને પ્રચંડ વિજય મળ્યો નીતિશ લોકચાહનાના ભાગીદાર બન્યા. ખાસ વાત એ છે કે, ૨૦૧૦માં એનડીએને ભવ્ય વિજય મળ્યો તેમાં પણ આવું જ ફેક્ટર કામ કરી ગયું હતું. તે સમયે તો જેડીયુના ફાળે ૧૧૫ બેઠકો આવી હતી અને તે સૌથી મોટી પાર્ટી બની હતી. બીજી તફ ભાજપ પણ ૯૧ બેઠકો સાથે બીજી સૌથી મોટી પાર્ટી બની હતી. આરજેડીને ૨૨ બેઠકો અને એલજેપીને ૩ બેઠકો મળી હતી.
મહત્ત્વની વાત એ છે કે, મહાગઠબંધનને ધારણા હતી કે તેમનું 'MY' ફેક્ટર કામ કરશે અને મસ્લિમ તથા યાદવોના ૩૫ ટકા સુધી વોટ સીધે સીધા તેમના ફાળે આવશે પણ આ વખતે ઘણી અડચણો આવી. સૌથી પહેલાં તો યાદવ મતોમાં જ વિભાજન જોવા મળ્યું. નવાદામાં યાદવ મતોમાં ધ્રુવીકરણ થયું અને મત વહેંચાઈ ગયા. બીજી તરફ નીતિશે યાદવ મહિલાઓને ટાર્ગેટ કરીને તેમના મત અંકે કરી લીધા. યાદવોની જેમ મુસ્લિમ મતોમાં પણ તિરાડો પડી હતી. મુસ્લિમ વિસ્તારોમાં ઓવૈસીની એન્ટ્રીએ આરજેડીના વોટ તોડયા. કિશનગંજ, અરરિયા, પૂર્ણિયામાં ત્રિકોણિય મુકાબલો થયો અને મહાગઠબંધનને નુકસાન થયું. તેજસ્વી દ્વારા આપવામાં આવેલો પઢાઈ, કમાઈ, દવાઈનો મંત્ર બિનઅસરકારક સાબિત થયો. નીતિશે કહ્યું અમે નોકરી આપી છે અને વિપક્ષો વાયદા કરે છે. આ વાતે વિપક્ષોની કમર તોડી કાઢી. તેજસ્વીની રેલીઓ મોટી હતી પણ અસરકારક રહી નહીં. જંગલરાજનો ભય અને રોજગારીના વાયદા વધારે અસર કરી ગયા અને મોદીના જૂના પરિણામો અને કાર્યો વિપક્ષના વાયદા સામે જીતી ગયા.
પુરુષોની સરખામણીએ મહિલાઓ દ્વારા સરેરાશ 9 ટકા વધારે વોટિંગ કરાયું
જાણકારોના મતે બિહારમાં બંને તબક્કાના મતદાન ઉપર નજર કરીએ તો આ વખતે સાવ જુદા આંકડા જોવા મળ્યા છે. સૌથી પહેલાં તો બંને તબક્કામાં પહેલાની ચૂંટણીઓ કરતા વધારે મતદાન થયું છે. આ મતદાનમાં એવું સામે આવ્યું છે કે, બંને તબક્કાના મતદાનમાં પુરુષોની સરખામણીએ મહિલાઓ દ્વારા વધારે મતદાન કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે ૪.૩૫ લાખ વધારે મહિલાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. તેના કારણે જ મહિલાઓનો વોટશેર આ વખતે વધ્યો છે.
જાણકારોના મતે આ વખતે મહિલાઓ દ્વારા ૭૧.૬ ટકા મતદાન કરવામાં આવ્યું છે. તેની સામે પુરુષો દ્વારા ૬૨.૮ ટકા મતદાન કરવામાં આવ્યું છે. આ આંકડા પણ ઈવીએમ ઉપરથી કાઢવામાં આવ્યા હતા. વીવીપેટ અને અન્ય રીતે કરેલા મતદાનના આંકડા જોડાયા બાદ તો આ સરેરાશ વધે તેમ જણાવાયું હતું. મહિલાઓ દ્વારા આટલી મોટી સંખ્યામાં મતદાન થયું તેના કારણે જ પરિણામ ઉપર મોટી અસર પડશે તેવું ચર્ચાતું જ હતું. બિહારમાં રજિસ્ટર્ડ પુરુષ મતદારોની સંખ્યા ૩.૯૪ કરોડ છે જ્યારે મહિલાઓ ૩.૬૧ કરોડ છે. આમ પુરુષો કરતા ૪૨.૩૩ લાખ મહિલાઓ ઓછી છે છતાં તેમનું મતદાન પાંચ લાખ જેટલું વધારે હતું. જાણકારોના મતે પુરુષોની સંખ્યા ૫૨.૮ ટકા હતી અને મહિલાઓની સંખ્યા ૪૭.૨ ટકા હતી. તેની સામે મતદાન કરનારા પુરુષોની સંખ્યા ૪૯ ટકા હતી અને મહિલાઓની સંખ્યા ૫૦.૪ ટકા હતી.
આ વખતે થયેલું કુલ મતદાન પણ ગત વિધાનસભા કરતા ૧૦ ટકા વધારે રહ્યું છે. તેમાં મહિલાઓનું કુલ મતદાન ૭૧.૬ ટકા નોંધાયું હતું. જાણકારો માને છે કે, બીજી તરફ હાઈ માઈગ્રેશનના કારણે પણ મોટો તફાવત જોવા મળ્યો હતો. એસઆઈઆર દ્વારા પુરુષોની સંખ્યા ઓછી થઈ તેના કરતા મહિલાઓની સંખ્યા વધારે ઓછી થઈ છે. તેમ છતાં મહિલાઓ દ્વારા સરેરાશ વધારે મતદાન કરાયું છે અને એનડીએને તેના કારણે જ વધારે ફાયદો થયો છે.


