Get The App

બેઠકનો હિડન એજન્ડા : અમેરિકાને ઈરાન અને ચીનને તાઈવાન જોઈએ છે!

Updated: May 15th, 2026

GS TEAM

Google News
Google News
બેઠકનો હિડન એજન્ડા : અમેરિકાને ઈરાન અને ચીનને તાઈવાન જોઈએ છે! 1 - image

ટ્રમ્પ પોતાની ટૂંકાગાળાની જ્યારે જિનપિંગ લાંબાગાળાની યોજનાઓ અંગે એકબીજા સાથે મોઘમ જોડાણ કરે તેવી ચર્ચા

ચીનનો સંદેશ સ્પષ્ટ હતો કે, અમેરિકા ચીન સાથે વાટાઘાટો કરવા માગે છે, મદદ માગે છે કે પછી જોડાણ કરવા માગે છે તો તેમાં ચીનના પોતાના પણ હિત સધાવા જોઈએ. ઈરાન, ટ્રેડિંગ, ટેરિફ અને રેર અર્થ મિનરલ્સ મુદ્દે અમેરિકાની વાત સાંભળવામાં ત્યારે જ આવશે જ્યારે અમેરિકા પણ તાઈવાન મુદ્દે પોતાનંે વલણ બદલશે અને ચીનને લાભ થાય તેવું વલણ દાખવશે ઃ ચીનને ખબર છે કે, અમેરિકી પ્રમુખની શું કિંમત લગાવી શકાય અને તેમને શું ઓફર કરી શકાય. ખાસ કરીને રેર અર્થ મિનરલ્સ થકી તે ધારે તે કામ કઢાવી શકે છે. તે રેર અર્થ મિનરલ્સની સાથે સાથે બોઈંગના વિમાનોની ખરીદી, અમેરિકી સોયાબીનની ખરીદી અને રોકાણ અંગે પણ તેમની સાથે જોડાણ કરી શકે છે ઃ ૭૦ના દાયકામાં અમેરિકી પ્રમુખોએ જ ચીનને મદદ કરી હતી પણ વિકાસની સાથે ચીન બદલાયું નહીં. આ સિવાય અમેરિકાએ યુરોપને સાચવવામાં રશિયા સામે વેર વહોરી લીધું અને ચીન તથા રશિયા એકબીજાની પડખે આવી ગયા. તેનું લાંબાગાળે પરિણામ એ આવ્યું કે, બાઈડને યુક્રેનમાં અમેરિકાને ફસાવ્યું હતું અને હવે ઈરાનમાં ટ્રમ્પ ફસાયા છે. હાલમાં ટ્રમ્પ ફરી એક વખત સોદાબાજી કરવા નીકળ્યા છે

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તાજેતરમાં ચીનના પ્રવાસે પહોંચી ગયા છે. ઈરાન સાથેના યુદ્ધમાં જ્યાં વિરામ લેવાયો છે અને સ્થિતિનો હજી પણ ઉકેલ આવ્યો નથી ત્યાં અમેરિકી પ્રમુખની એકાએક ચીનની યાત્રાએ ઘણા સવાલ ઊભા કર્યા છે. વૈશ્વિક રાજકારણના વર્તુળોમાં અનેક ચર્ચાચો ચાલે છે. તેમ છતાં એક એવો અંદાજ લગાવી શકાય છે કે, અમેરિકા અને ચીન પોતપોતાના સ્વાર્થ સાધવા માટે એકબીજાની સાથે જોડાણ કરી રહ્યા છે. ટ્રમ્પ પોતાના ટૂંકાગાળાના લાભ મેળવવા અને જિનપિંગ પોતાના લાંબાગાળાના આયોજનો પાર પાડવા માટે એક મંચ ઉપર આવ્યા છે. 

સામાન્ય રીતે એવું કહેવાય છે કે, ચીન ક્યારેય પોતાના મનમાં રહેલી બાબતોને છતું કરતું નથી. તે બતાવે છે કંઈક જુદુ અને તેની પાછળના અર્થઘટનો અને ઈચ્છાઓ કંઈક જુદા જ હોય છે. ટ્રમ્પ પોતે પણ કેટલાક અંશે આવા જ છે. તેઓ જ્યાં જાય છે અથવા તો જેમની સાથે હોય છે તેમના થઈ જવાની કૂટનીતિને અનુસરતા હોય છે. તેમ છતાં ચીન અને અમેરિકાની રણનીતિઓમાં ઘણો તફાવત છે. ટ્રમ્પની સ્ટ્રેટેજી કામ તાત્કાલિક પરિણામ લાવનારી, ઝડપી અસર દેખાડનારી અને કદાચ એમ કહી શકાય કે ટૂંકાગાળાનો વિજય રજૂ કરનારી છે. બીજી તફ જિનિપિંગ અને ચીન એકાદ દાયકા જેટલું લાંબું આયોજન કરીને બેઠા હોય છે. તેઓ લાંબાગાળાની યોજના સાથે ડીલ કરે છે. 

ટ્રમ્પ જ્યારે આગામી મહિના-બે મહિના કે છ મહિના માટે નેગોશિયેશન કરતા હશે કે પછી એકાદ વર્ષ માટે નેગોશિયેશન કરશે તેની સામે જિનપિંગ આગામી દાયકાના આયોજન અંગે તેની સાથે નેગોશિયેશન કરશે.

ઉલ્લેખનીય છે કે, આમ તો આ બેઠકનો એજન્ડા વેપાર, ટેરિફ વોર અને અન્ય સમસ્યાઓ સાથે જોડાયેલો છે. બીજી તરફ ઈરાન અને રેર અર્થ મિનરલ્સ પણ આ શિખર સંમેલનનો એક મહત્ત્વનો ભાગ છે. ખાસ કરીને ચીનની નજર તો તાઈવાન ઉપર છે. તેના કાણે જ તાઈપેઈમાં લોકો ગભરાયેલા છે. દેખીતી રીતે લાગી રહ્યું છે કે, ઈરાનને નાથવા માટે અમેરિકા દ્વારા ચીનની મદદ લેવામાં આવશે. 

જાણકારોના મતે થોડા સમય પહેલાં ચીની વિદેશ મંત્રી વાંગ યી દ્વારા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબુયોને તાઈવાન અંગે મોઘમ ચેતવણી આપવામાં આવી જ હતી. વાંગ યીએ તે સમયે જણાવ્યું હતું કે, ચીન અને અમેરિકાના સંબંધો સુધરવામાં સૌથી મોટી અડચણ તાઈવાન છે. ચીનનો સંદેશ સ્પષ્ટ હતો કે, જો અમેરિકા ચીન સાથે વાટાઘાટો કરવા માગે છે, મદદ માગે છે કે પછી જોડાણ કરવા માગે છે તો તેમાં ચીનના પોતાના પણ હિત સધાવા જોઈએ. ઈરાન, ટ્રેડિંડ, ટેરિફ અને રેર અર્થ મિનરલ્સ મુદ્દે અમેરિકાની વાત સાંભળવામાં ત્યારે જ આવશે જ્યારે અમેરિકા પણ તાઈવાન મુદ્દે પોતાનું વલણ બદલશે અને ચીનને લાભ થાય તેવું વલણ દાખવશે.

જાણકારનો મતે ચીનને લાગી રહ્યું છે કે, અમેરિકી દ્વારા સહમતી સાધવામાં આવશે. તેની પાછળ ઘણા કારણો છે. તેમ છતાં થોડા સમય પહેલાનું ટ્રમ્પનું જ નિવેદન જોઈએ તો તેમણે કહ્યું હતું કે, અમેરિકા શા માટે તાઈવવાનો બચાવ કરે. આ પહેલાં કોઈ અમેરિકી પ્રમુખોએ આવી વાત કરી નહોતી. ટ્રમ્પે તો આરોપ મુક્યા હતા કે, તાઈપેઈ દ્વારા અમેરિકાની સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રી ચોરી લેવામાં આવી છે. આ સિવાય તેમણે તાઈવાની પ્રમુખને અમેરિકા ખાતે ટ્રાન્ઝિટ સ્ટોપેજ આપવાની પણ મનાઈ કરી હતી. તે ઉપરાંત તાઈપેઈને મોટા હથિયારો પણ આપ્યા નથી. ટ્રમ્પના આવા વલણને કારણે જ ચીન માની રહ્યું છે કે, ટ્રમ્પ કોઈ વિરોધી કે સ્પર્ધક નહીં પણ વેપારી છે. તે પોતાને ગમતી બાબતોને ચોક્કસ કિંમત ચુકવી શકે છે અને ઘણી વખત બાર્ટર પણ કરી શકે છે.

બીજી ખાસ વાત એ છે કે, ચીનને ખબર છે કે, અમેરિકી પ્રમુખની શું કિંમત લગાવી શકાય અને તેમને શું ઓફર કરી શકાય. ખાસ કરીને રેર અર્થ મિનરલ્સ થકી તે ધારે તે કામ કઢાવી શકે છે. તે રેર અર્થ મિનરલ્સની સાથે સાથે બોઈંગના વિમાનોની ખરીદી, અમેરિકી સોયાબીનની ખરીદી અને રોકાણ અંગે પણ તેમની સાથે જોડાણ કરી શકે છે. 

ચીનને એ પણ ખબર છે કે, તાઈવાન હકિકતે તો અમેરિકા માટે લક્ષ્મણરેખા સમાન છે. તે મિલિટરી એક્શન લઈ શકે તેમ નથી. તેની સ્ટ્રેટેજી પણ સરળ છે. તેઓ ધીમે ધીમે અવિસ્વાસ દૂર કરશે, ભાગલા પાડવાની કામગીરી વધારશે અને કામને વધુ આકરું બનાવશે. તેનાથી દૂર રહેવા માટે જ ચીને પોતાની ચાલ પહેલેથી જ ચાલીને અમેરિકાને ગમતી દુનિયા ઊભી કરી લીધી છે. એક વખત ટ્રમ્પ આ સોદાબાજી માટે રાજી થઈ ગયા પછી ચીનને તાઈવાન મેળવતા કોઈ રોકી શકે તેમ નથી. 

જિનપિંગ પોતાની અઠંગ કૂટનીતિ થકી પણ ટ્રમ્પને ફસાવે તેવી ચર્ચા ચાલી રહી છે. હકિકતે ચીને પોતાની કૂટનીતિ થકી તાઈવાનમાં વિરોધ પક્ષને સાધી લીધો છે. તાઈવાનના વિરોધપક્ષના નેતા ચેંગ લી વુન ઘણા વખતથી બેઈજિંગનું જ સમર્થન કરે છે. 

તેઓ જણાવે છે કે, તાઈવાનના નેતાઓમાં દેશને આગળ લઈ જવાની ક્ષમતા નથી અને દેશનું અર્થતંત્ર અને સમાજતંત્ર પણ મુખ્ય પ્રવાહથી સાવ ફંટાઈ ગયું છે.  આ રીતે જિનપિંગે તાઈવાનમાં પોતાના મહોરા ગોઠવી દીધા છે. 

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં ૮૪ અબજ ડોલરનો વર્જિનિયા મેમોરેન્ડમ ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં ચીન સાથે કર્યો હતો જે આજદિન સુધી પૂરો થયો નથી.  

બીજી વાત એવી પણ છે કે, ટ્રમ્પ ૨૦૧૭માં જે રીતે આવ્યા હતા તેનાથી અત્યારે તેમની પરિસ્થિતિ તદ્દન જુદી છે. તે સમયે તેઓ અમેરિકાના પ્રમુખ તરીકે પોતાની ક્ષમતાઓનો પરચો આપવા ગયા હતા. આ વખતે તે ચીન અને અમેરિકાના સંબંધો સુધારવા માટે ગયા હોય તેમ લાગી રહ્યું છે. બંને દેશો વચ્ચેના સંબંધો કુણા થાય તેમાં કદાચ ટ્રમ્પને વધારે રસ હોય તેમ જણાઈ રહ્યું છે.

- વિરોધીને જાળમાંથી બહાર કાઢવાના નામે જ ફરીથી ફસાવો :ચીની કૂટનીતિ

જાણકારો માને છે કે, ચીનમાં જૂની કહેવત છે કે, તમારા વિરોધીને એક જાળમાંથી બહાર નિકળવામાં મદદ કરો અને બીજામાં ફસાવી દો. ચીની કૂટનીતિ પણ તેના આધારે જ કામ કરી રહી છે. તાજેતરમાં અમેરિકાની જે સ્થિતિ છે તેનો લાભ લેવા ચીન તત્પર હોય તેમ દેખાઈ રહ્યું છે. ટ્રમ્પે જે રીતે ઈરાનને દબાવવામાં ઉતાવળ કરી તેના કારણે સ્થિતિ વધારે લંબાઈ ગઈ છે. શક્તિપ્રદર્શન કરવામાં અમેરિકા ફસાઈ ગયું છે. અમેરિકાને સમજાઈ ગયું છે કે, ઈરાન સર કરવું હશે તો ચીનની મદદ લેવી પડશે. હાલમાં તે માત્ર શક્તિ પ્રદર્શન કરીને ઈરાનને તાબે કરી શકે તેમ નથી. તેના કારણે જ બોલ ચીનના કોર્ટમાં છે. ચીન તેને સારી રીતે રમવા માગે છે. બીજી વાત એવી છે કે, ૭૦ના દાયકામાં અમેરિકી પ્રમુખોએ જ ચીનને મદદ કરીને તેને ઉપર આવવાની તક આપી હતી. તેઓ ચીનમાં ઉદારતાવાદ લાવવા માગતા હતા પણ વિકાસની સાથે ચીન બદલાયું નહીં. ચીન શરૂઆતમાં બદલાયું અને સમૃદ્ધિ, શક્તિ અને ક્ષમતા કેળવીને ફરીથી પોતાના જૂના વલણ ઉપર જ જતું રહ્યું. આ સિવાય અમેરિકાએ યુરોપને સાચવવામાં રશિયા સામે વેર વહોરી લીધું અને ચીન તથા રશિયા એકબીજાની પડખે આવી ગયા. તેનું લાંબાગાળે પરિણામ એ આવ્યું કે, બાઈડને યુક્રેનમાં અમેરિકાને ફસાવ્યું હતું અને હવે ઈરાનમાં ટ્રમ્પ ફસાયા છે. હાલમાં ટ્રમ્પ ફરી એક વખત સોદાબાજી કરવા નીકળ્યા છે. ટ્રમ્પ એવું માનતા હોય કે તેઓ ચીનને દાણા નાખીને ફસાવી લેશે તો તેઓ અહીંયા ભુલ કરે છે. તેઓ જે સોદાબાજી કરવા નીકળ્યા છે તેમાં ચીનનો જ હાથ ઉપર છે અને તે આ દાયકાની સૌથી મોટી સોદાબાજી કરીને ફરી અમેરિકાને જ ગુંચવણમાં મુકી દેશે. ઉન્માદમાં એક વખત અમેરિકાએ તાઈપેઈને દગો આપ્યો તો પછી એશિયાના અન્ય દેશો પણ અમેરિકા ઉપર ભવિષ્યમાં વિશ્વાસ કરતા પહેલાં વિચાર કરશે. જાપાન, સાઉથ કોરિયા અને ભારતે પણ અમેરિકી જોડાણ અંગે ફેરવિચાર કરવાનો આવશે.