દિલ્લી કા ઠગ, એરપોર્ટ-ફ્લાઈટમાંથી 300 કરોડની ચોરી
- છેલ્લા એક વર્ષમાં રાજેશ કપૂરે 110 દિવસમાં 200થી વધારે ફ્લાઈટ્સમાં માત્ર ને માત્ર ચોરી કરવા મુસાફરી કરી હતી. આ દરમિયાન ઓછામાં ઓછી 20 કરોડ રૂપિયાથી વધારેની ચોરી કરી હોવાનું પોલીસનું માનવું છે. છેલ્લાં ૧૫ વર્ષમાં કપૂરે સેંકડો ચોરીઓ કરી છે. જે હાથ લાગે એ લઈ લેવાનું એ સિધ્ધાંતનો કપૂર અમલ કરતો. રોકડા, ઘરેણાં, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, મોબાઈલ ફોન, લેપટોપ, ઈમ્પોર્ટેડ આઈટમ્સ, પરફ્યુમ્સ, બેગ્સ સહિતની ગણી ગણાય નહીં એટલી ચીજો તેણે ચોરી છે. કેટલાક કિસ્સામાં તો અંડરગાર્મેન્ટ્સ અને મેક-એપ કીટ પર પણ હાથ મારેલો છે.
દિલ્હી પોલીસે ૪૨ વર્ષના રાજેશ કપૂર નામના એવા ચોરને પકડયો છે કે જે ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન પેસેન્જર્સની હેન્ડ-બેગમાંથી માલ-મત્તા ચોરી લેતો હતો. છેલ્લા એક વર્ષમાં કપૂરે ૧૧૦ દિવસમાં ૨૦૦થી વધારે ફ્લાઈટ્સમાં માત્ર ને માત્ર ચોરી કરવા મુસાફરી કરી હતી. આ દરમિયાન તેણે ઓછામાં ઓછી ૨૦ કરોડ રૂપિયાથી વધારેની ચોરી કરી હોવાનું પોલીસનું માનવું છે.
કપૂરે ૧૧ ચોરીની કબૂલાત તો કરી જ લીધી છે. પોલીસ બીજા કેસોમાં પણ પુરાવા શોધી રહી છે. કપૂરે છેલ્લા એક વર્ષમાં જે ૨૦૦ ફ્લાઈટમાં મુસાફરી કરી એ બધી ફ્લાઈટ્સ ઉપરાંત કપૂર જ્યાંથી ફ્લાઈટમાં બેઠો અને જ્યાં ઉતર્યો એ એરપોર્ટ્સ્ પર થયેલી ચોરીની ફરિયાદોનો ડેટા પોલીસ તપાસી રહી છે એ જોતાં કપૂરના બીજા કારનામાંનો ભાંડો ફૂટશે જ એવો પોલીસને વિશ્વાસ છે.
રસપ્રદ વાત એ છે કે, કપૂર છેલ્લા ૧૫ વર્ષથી આ રીતે એરપોર્ટ્સ પર અને ફ્લાઈટમાં ચોરી કરે છે. આ પહેલાં ૨૦૧૭માં પણ કપૂર પકડાયેલો ત્યારે તેણે કરેલી ૯ ચોરીના પુરાવા મળતાં તેને જેલભેગો કરી દેવાયેલો. થોડાક મહિના જેલમાં ગાળ્યા પછી એ બહાર આવ્યો ને છૂ થઈ ગયો. હવે છેક ૭ વર્ષે પકડાયો છે. આ ગાળામાં તેણે ઓછામાં ઓછી ૧૦૦ કરોડ રૂપિયાની માલમત્તા ચોરી હશે એવું પોલીસનું માનવું છે.
કપૂર આ વખતે પકડાયો તેનું કારણ છેલ્લા ત્રણ મહિનામાં થયેલી બે ચોરી છે. ૧૧ એપ્રિલે દિલ્હી એરપોર્ટથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં એક પ્રવાસીના ૭ લાખની જ્વેલરી ચોરાઈ ગઈ હતી. એ પહેલાં ૨ ફેબ્રુઆરીએ અમૃતસરથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં એક પ્રવાસીની ૨૦ લાખ રૂપિયાની જ્વેલરી ચોરાઈ હતી. આ ચોરીઓના પગલે દિલ્હી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પોલિસની એક ખાસ ટીમ બનાવાઈ હતી.
આ ટીમે સીસીટીવી ફૂટેજ જોવાના શરૂ કર્યા પછી ચોરી થઈ હતી એ બંને ફ્લાઈટના પ્રવાસીઓમાં રાજેશ કપૂર હતો એ ખબર પડી. પોલીસે તેની ટિકિટ બુક કરનારી એરલાઈન્સ પાસેથી મોબાઈલ નંબર લીધો પણ આ નંબર ખોટો હતો તેથી શંકા મજબૂત થઈ ગઈ. પોલીસે તરત જ ટેકનિકલ સર્વેલન્સ ટીમને કામે લગાડી અને તેમાં તેનો સાચો મોબાઈલ નંબર મળી ગયો.
આ મોબાઈલ નંબર ટ્રેસ કરીને તેને ઝડપી લેવાયો ત્યારે ખબર પડી કે કપૂર તો પુરાના પાપી છે. પૂછપરછમાં કપૂરે પોતે હૈદરાબાદ એરપોર્ટ પર કરેલી ચોરી સહિત પાંચ ચોરીની કબૂલાત કરી પણ પોલીસે પોતાની રીતે તપાસ કરી તેમાં ૧૧ ચોરીમાં તેની સંડોવાણીની શક્યતા લાગી. પોલીસે આકરા થઈને પૂછપરછ કરતાં તેણે ૧૧ ગુના કબૂલ્યા છે.
કપૂરે ૧૧ એપ્રિલે થયેલી ચોરીની જ્વેલરી દિલ્હીના પહાડગંજના શરદ જૈન નામના ચોરીનો માલ લેનારને આપેલી. પોલીસે તેની પાસેથી જ્વેલરી જપ્ત કરી પણ પહેલાંનો ચોરાયેલો માલ મળ્યો નથી. કપૂરે આ પૈસા જુગાર અને ઓલનાઈન ગેમ્બલિંગમાં ઉડાવી દીધા હોવાનો દાવો કર્યો છે. પોલીસને લાગે છે કે, કપૂર જૂઠું બોલે છે કેમ કે તેની લાઈફસ્ટાઈલ લેવિશ છે. બધા પૈસા ઉડાવી દીધા હોય તો આ લાઈફસ્ટાઈલ પરવડે જ નહીં. કપૂર પરણેલો છે અને પત્ની સાથે રહે છે. તેની પત્ની પણ આ જાકુબીના ધંધામાં સામેલ છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.
કપૂરે પોલીસને પોતાની મોડસ એપરેન્ડી કહી એ સાંભળીને પોલીસ પણ છક થઈ ગઈ છે. કપૂર મહાઠગ છે અને બિઝનેસમેનની જેમ બનીઠનીને એરપોર્ટ પર જતો અને તક મળે તો હાથ મારી લેતો. એરપોર્ટ પર હાથ મારવા ના મળે તો ફ્લાઈટમાં તો એ ચોરી કરી જ લેતો. એકદમ સોફિસ્ટિકેટેડ હોવાથી કોઈને શંકા પણ નહોતી જતી. કપૂરને એરપોર્ટ પર આવતા પ્રવાસીઓની હેન્ડબેગ જોઈને કોની પાસે વધારે માલ છે તેની ખબર પડી જતી.
જ્વેલરીના કારણે હેન્ડબેગના આકારમાં થતા ફેરફારની તેને ખબર પડી જતી તેથી કપૂર સૌથી પહેલાં જ્વેલરી પર જ હાથ મારતો. સીક્યુરિટી ચેકિંગ દરમિયાન પણ એ સ્કેનર પર નજર રહે એ રીતે ઉભો રહેતો. કપૂર મોટી ઉંમરની મહિલાઓને પણ ટાર્ગેટ કરતો. ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં આવતી વૃધ્ધાઓ સહિતની મોટી ઉંમરની મહિલાઓ પોતાની સાથે જ્વેલરી વગેરે લઈને આવતી હોય છે તેની તેને ખબર હતી. તેમની બેગ પર હાથ મારવાથી થોડો ઘણો માલ મળી જ જતો. ક્યારેક તો જેકપોટ પણ લાગી જતો.
કપૂર પોતાના મૃત ભાઈના ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરીને તેના નામે ટિકિટ બુક કરાવતો કે જેથી તેની સાચી ઓળખ છૂપાયેલી રહે. એરપોર્ટ પર સારી માલમત્તા મળી જાય તો એ વોશરૂમમાં જઈને કપડાં બદલી દેતો કે જેથી ભોગ બનનાર ઝડપથી ઓળખી ના જાય.
છેલ્લાં ૧૫ વર્ષમાં આ રીતે કપૂરે હજારો ચોરીઓ કરી છે. કપૂરે ચોરી કરવામાં કશું બાકી રાખ્યું નથી. જે હાથ લાગે એ લઈ જ લેવાનું એ સિધ્ધાંતનો કપૂર અમલ કરતો. રોકડા, ઘરેણાં, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, મોબાઈલ ફોન, લેપટોપ, ઈમ્પોર્ટેડ આઈટમ્સ, પરફ્યુમ્સ, બેગ્સ સહિતની ગણી ગણાય નહીં એટલી ચીજો તેણે ચોરી છે. કેટલાક કિસ્સામાં તો અંડરગાર્મેન્ટ્સ અને મેક-એપ કીટ પર પણ હાથ મારેલો છે. કપૂરની આખી કરીયરની ચોરીની ચીજોની કિંમતનો આંકડો ૩૦૦ કરોડને પાર થઈ જાય એવું પોલીસ અધિકારીઓ માને છે. કપૂરે ટ્રેનોમાં પણ ચોરીઓ કરી હોવાનું કબૂલ્યું છે. લગ્ન માટે જતા પરિવારોને ટાર્ગેટ બનાવીને એ મોટા હાથ મારી લેતો.
કપૂરના કારનામાઓની તપાસ ચાલી રહી છે અને હજુ કેટલું બહાર આવશે એ રામ જાણે.
ધનિક બિઝનેસમેન પરિવારનો દીકરો, અય્યાશીના કારણે ચોરીના રવાડે ચડયો
રાજેશ કપૂરની લાઈફ સ્ટોરી એકદમ રસપ્રદ છે. ૪૨ વર્ષનો રાજેશ કપૂર ધનિક પરિવારનો નબિરો છે.
કપૂરનાં પિતા સાઉથ કોરીયામાં રહે છે. કોરીયામાં તેના પિતાનો વિશાળ બિઝનેસ છે જ્યારે તેની મમ્મી હોટલ બિઝનેસમાં છે. દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં તેમની હોટલો આવેલી છે. કપૂર દંપતિને બે દીકરા હતા પણ એક દીકરો ગુજરી જતાં હવે રાજેશ તેમનું એક માત્ર સંતાન છે પણ ચોરીની આદતના કારણે માતા-પિતાએ તેની સાથેના સંબંધો પૂરા કરી નાંખ્યા છે. કપૂરે લવ મેરેજ કર્યા હોવાથી તેની પત્ની તેની સાથે રહે છે પણ એ સિવાય બીજાં કોઈ સગાં તેની સાથે સંબંધ રાખતાં નથી.
કપૂર યુવાનીમાં સિંગાપોર અને મલેશિયામાં રહ્યો હતો. સિંગાપોર-મલેશિયાથી લક્ઝુરીયસ બ્રાન્ડ્સની કોપી કરેલી ચીજો અહીં મોકલતો ને ધૂમ કમાતો. અલબત્ત ત્યાં અય્યાશીઓની આદત પડી ગઈ હતી તેથી દારૂ, જુગાર ને છોકરીઓ પાછળ બધી કમાણી વપરાઈ જતી.
કપૂર ઈમ્પોર્ટ બિઝનેસમાં હોવાથી વારંવાર ફ્લાઈટમાં મુસાફરી કરતો. મુસાફરી દરમિયાન તેને ખબર પડી કે, લોકો ઓવરહેડ કમ્પાર્ટમેન્ટમાં હેન્ડ-બેગ્સ મૂકીને નચિંત થઈને સૂઈ જાય છે કે પછી મૂવી જોવા સહિતનાં કામ કરે છે. લોકોની લાપરવાહીનો લાભ લઈને તેણે ચોરી શરૂ કરી ને તેમાં એવી ફાવટ આવી ગઈ કે બધા ધંધા બાજુ પર મૂકીને ચોરી તરફ જ વળી ગયો.
કપૂરની માતાને આ વાતની ખબર પડતાં તેણે તેને સમજાવ્યો પણ કપૂર આદતો બદલવા તૈયાર ના થતાં પરિવારે સંબંધો તોડી નાંખ્યા.
2017માં 9 મહિના જેલમાં રહ્યો, નજરકેદમાંથી છટકીને એરપોર્ટ પહોંચ્યો ને...
રાજેશ કપૂર આ પહેલાં ૨૦૧૭માં એરપોર્ટ પરથી ચોરી કરતાં પકડાયો હતો. ૨૦૧૭ના જાન્યુઆરીમાં કપૂરે મુંબઈથી દિલ્હી આવતી ફ્લાઈટની કેબિન બેગમાંથી ત્રણ ક્રેડિટ કાર્ડ ચોરી લીધેલાં. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા પછી ક્રેડિટ કાર્ડથી બે-બે બજાર ડોલરની ૧૬ ઈમ્પોર્ટેડ પરફ્યુમ બોટલ ખરીદીને નિકળી ગયો હતો પણ પોલીસ તપાસમાં ઝડપાઈ ગયેલો. આ કેસમાં તેને ૯ મહિના જેલમાં રખાયેલો. જેલમાંથી બહાર આવ્યા પછી નજરકેદ કરી દેવાયેલો પણ ૩૦ સપ્ટેમ્બરે પૈતૃક ગામ જવાના બહાને છટકીને દિલ્હી એરપોર્ટ પહોંચી ગયો.
રાજેશ કપૂરે દિલ્હી એરપોર્ટ પર એક ચાઈનીઝ નાગરિકની હેન્ડબેગમાંથી પર્સમાંથી ૧૪૦૦ ડોલર સેરવી લીધા હતા. ચીનાને કંઈક લેવું હશે તેથી તેણે હેન્ડ બેગ ખોલીને જોયું તો ડોલર ગાયબ હતા. તેણે તરત પોલીસને જાણ કરી. પોલીસે સીસીટીવી તપાસતાં રાજેશ કપૂર ચીનાની આસપાસ આંટાફેરા મારતો હોવાનું બહાર આવ્યું.
યોગાનુયોગ કપૂર જાન્યુઆરીમાં ઝડપાયો ત્યારે એરપોર્ટ પર હાજર સીક્યુરિટીવાળા જવાન તેને તરત ઓળખી ગયા. તપાસ કરાઈ તો ખબર પડી કે, કપૂર તો દિલ્હીથી મુંબઈની ફ્લાઈટ પકડીને રવાના થઈ ગયો છે. તરત મુંબઈ એરપોર્ટ પર જાણ કરાતાં કપૂર ઉતર્યો ત્યાં તેને ઝડપી લેવાયો, તેની તપાસ કરતાં ચીનાના ૧૪૦૦ ડોલર મળી આવતાં તેને જેલભેગો કરી દેવાયેલો.