- શેરબજારમાં રોકાણકારો માટે છેલ્લાં પંદર વર્ષમાં 2026 સૌથી વધારે ખરાબ રહ્યું, નાના રોકાણકારો રાતાપાણીએ રડયા
- વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે હાલમાં રોકાણકારોમાં ચિંતા ફેલાઈ છે. તેના પગલે બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે. આ વેચવાલીએ જ બજારને પછાડયું હતું અને શુક્રવારે એક જ દિવસમાં લોકોને 10 લાખ કરોડ ગુમાવવાનો વારો આવ્યો હતો : 2011માં ભારતીય રોકાણકારોને શેર બજારમાં વ્યાપક નુકસાન ગયું હતું. કોરોનાકાળમાં પણ બજારમાં આવો ઘટાડો કે વેચવાલી જોવા મળ્યા નહોતા. આ વર્ષે અત્યાર સુધીમાં જ બીએસઈ ઉપર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 533 અબજ ડોલર નીચે જતું રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2011માં આવા ઘટાડા દરમિયાન 625 અબજ ડોલર ગુમાવ્યા હતા : હાલમાં કુલ માર્કેટ કેપ 4.77 ટ્રિલિયન ડોલરની આસપાસ છે જે એપ્રિલ 2025 બાદ સૌથી નીચલા સ્તરે હોવાના અહેવાલો છે. નવાઈની વાત એ છે કે, માર્કેટ કેપ 2026ની શરૂઆતમાં તેજી વખતે 5.3 ટ્રિલિયન ડોલર પહોંચી ગઈ હતી. તેમાં હવે સીધો 10 ટકાનો ઘટાડો આવી ગયો છે
શેરબજારમાં શુક્રવારે બ્લડબાથ જોવા મળ્યો હતો. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે વધતા ભૂ-રાજનૈતિક તણાવની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. સતત ત્રણ દિવસથી શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો પણ શુક્રવારે તો બજાર ધડામ કરતું પટકાયું હતું. જાણકારોના મતે દલાલ સ્ટ્રીટ પર વેચવાલીનું દબાણ થતાં બજાર રેડ ઝોનમાં જોવા મળ્યું હતું. આ ઘટાડાને કારણે માત્ર ગણતરીના કલાકોમાં જ રોકાણકારોના અંદાજે ૧૦ લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે દિવસના અંતે મ્જીઈ સેન્સેક્સ ૧૪૭૦.૫૦ પોઇન્ટ ગગડીને ૭૪,૫૬૩ના સ્તરે જ્યારે નિફ્ટી૫૦ પણ ૪૮૮.૦૫ પોઇન્ટના ઘટાડા સાથે ૨૩,૧૫૧.૧૦ના સ્તરે આવીને સ્થિર થયો હતો. વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે હાલમાં રોકાણકારોમાં ચિંતા ફેલાઈ છે. તેના પગલે બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે. આ વેચવાલીએ જ બજારને પછાડયું હતું અને શુક્રવારે એક જ દિવસમાં લોકોને ૧૦ લાખ કરોડ ગુમાવવાનો વારો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં રોકાણકારોને કોરોના મહામારી દરમિયાન પણ જે ભયાનકતા જોવા મળી નહોતી તેનાથી બમણી ખરાબ સ્થિતિ ૨૦૨૬ના શરૂઆતના જ અઢી મહિનામાં ભોગવવાની આવી છે. આ વર્ષના શરૂઆતના જ અઢી મહિનામા રોકાણકારોને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે. તેમને જે નુકસાન ગયું છે તે છેલ્લાં ૧૫ વર્ષમાં ક્યારેય નથી ગયું તેટલું નુકસાન ગયું છે. વર્ષની શરૂઆત તો થોડી સારી રહી હતી પણ ધીમે ધીમે વૈશ્વિક પરિબળોએ જે દબાણ ઊભા કર્યા છે તેના કારણે વૈશ્વિક બજારોને સાથી સાથે ભારતીય શેર બજારમાં પણ રમખાણ મચી ગયું છે. છેલ્લાં અઢી મહિનામાં રોકાણકારોએ કુલ ૪૮.૫૦ લાખ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.
જાણકારોના મતે વર્ષ ૨૦૧૧માં ભારતીય રોકાણકારોને શેર બજારમાં વ્યાપક નુકસાન ગયું હતું. ત્યારબાદ અત્યાર સુધીમાં આવી પડતી ક્યારેય આવી નથી. કોરોનાકાળમાં પણ બજારમાં આવો ઘટાડો કે વેચવાલી જોવા મળ્યા નહોતા. આ વર્ષે અત્યાર સુધીમાં જ બીએસઈ ઉપર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૫૩૩ અબજ ડોલર નીચે જતું રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૧માં આવા ઘટાડા દરમિયાન ૬૨૫ અબજ ડોલર ગુમાવ્યા હતા. તે વર્ષના કુલ ઘટાડા કરતા આ વર્ષના માત્ર શરૂઆતના અઢી મહિનામાં જ લોકોએ અબજો રૂપિયા ગુમાવવા પડયા છે. તેમાંય નાના રોકાણકારોને તો રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે.
અહેવાલો પ્રમાણે માત્ર ભારતીય બજારમાં ઘટાડો થયો છે તેવું નથી. વિશ્વના બીજા બજારો પણ તૂટી રહ્યા છે. યુદ્ધના કારણે દરેક દેશના શેરબજારને અસર થઈ રહી છે. તેમ છતાં ભારતીય શેરબજારમાં વ્યાપક અસર જોવા મળી રહી છે. ભારતીય શેરબજારને જે નુકસાન થયું છે તે મેક્સિકો, મલેશિયા, સાઉથ આફ્રિકા, નોર્વે, ફિનલેન્ડ, પોલેન્ડ અને વિયેતનામના બજારને થયેલા કુલ નુકસાન કરતા વધારે છે. બીજી તરફ ચિલી, ઓસ્ટ્રિયા, ફિલિપાઈન્સ, કતાર અને કુવૈતના કુલ નુકસાન કરતા બમણું નુકસાન ભારતીય શેરબજારમાં થયું છે.
ચિંતાજનક બાબત એ છે કે, ભારતીય શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં પણ મોટો ઘટાડો આવ્યો છે. હાલમાં કુલ માર્કેટ કેપ ૪.૭૭ ટ્રિલિયન ડોલરની આસપાસ છે જે એપ્રિલ ૨૦૨૫ બાદ સૌથી નીચલા સ્તરે હોવાના અહેવાલો છે. નવાઈની વાત એ છે કે, માર્કેટ કેપ ૨૦૨૬ની શરૂઆતમાં તેજી વખતે ૫.૩ ટ્રિલિયન ડોલર પહોંચી ગઈ હતી. તેમાં હવે સીધો ૧૦ ટકાનો ઘટાડો આવી ગયો છે. બજારમાં આ વખતે જાન્યુઆરીથી જ ઉતાર-ચડાવ જોવા મળ્યા છે. તેમાંય તાજેતરના યુદ્ધને પગલે વ્યાપક પ્રમાણમાં વેચવાલી જોવા મળી રહી છે. આ વેચવાલીના કારણે જ બજારમાં મોટા કડાકા બોલી રહ્યા છે અને માર્કેટ કેપ નીચે જઈ રહ્યું છે. બીજી તરફ સ્થિતિ એવી છે કે, ભારતમાં જ વેચવાલી છે તેવું નથી. વિદેશી રોકાણકારોએ પણ ભારતીય શેરબજાર ઉપરથી વિશ્વાસ ઓછો કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે. એફઆઈઆઈમાં પણ સતત વેચવાલીનો જ ટ્રેન્ડ રહ્યો છે. ૨૦૨૫ બાદ ભારતીય શેરબજારોમાં રોકાણ પ્રત્યે નારાજગીની વિદેશી રોકાણકારોની વૃત્તિ યથાવત્ છે. ૨૦૨૬માં પણ વિદેશી રોકાણકારોએ સતત પૈસા ખેંચી લેવાનો અને વેચવાલીનો જ ટ્રેન્ડ રાખ્યો છે. બીજી તરફ કંપનીઓની કમાણીમાં ઘટાડો થયો છે અને ટેરિફ વોર અને ટ્રેડ વોરના કારણે પણ બજાર ઉપર વ્યાપક અસર પડી છે. ટેરિફ વોરથી શરૂ કરીને ઈરાન વોર સુધી તમામ મોરચે બજાર હચમચી ગયું છે. ભારતીય બજાર ઉપર તેની વધારે અસર જોવા મળી છે.
જાણકારો માને છે કે, ગત વર્ષથી ભારતીય બજારમાં ઉથલપાથલનો અગ્નિ ભારેલો છે. સૌથી પહેલાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે ટેરિફ વોરનો પલિતો ચાંપ્યો અને વૈશ્વિક બજારોની સ્થિતિ કફોડી કરી નાખી. ત્યારબાદ દુનિયા થોડી શાંત પડી અને સ્થિર થવા મથતી હતી ત્યાં પહેલાં વેનેઝુએલા ઉપર હુમલો કરીને તેના પ્રમુખનું અપહરણ કરી લીધું. ત્યારબાદ ઈઝરાયેલ સાથે જોડાઈને ઈરાન ઉપર હુમલો કરીને યુદ્ધ શરૂ કરી દીધું. તેના કારણે ક્રૂડ ૧૦૦ ડોલરને પાર જતું રહ્યું. તેના પગલે ભારતમાં મોંઘવારી અને કરન્ટ ડેફિસિટ વધવાની શક્યતાઓ વધારે પ્રબળ થઈ ગઈ. આયાત બિલમાં વધારો થવાથી તેનું દબાણ ભારતીય અર્થતંત્ર ઉપર પડે તે સ્વાભાવિક છે. જાણકારોના મતે ક્રૂડમાં હવે જો ૧૦ ડોલરનો પણ વધારો થયો તો ભારતની કરન્ટ ડેફિસિટ ૯ અબજ ડોલર વધી જશે અને તેનાથી બજાર ઉપર વ્યાપક દબાણ ઊભું થશે. હાલમાં પણ અમેરિકા-ઈરાન યુદ્ધે આગમાં ઘી હોમવાનું કામ કરીને ભારતીય બજારમાં ભયાનક આગ લગાડી છે.
ખાસ વાત એ છે કે, ઈરાન-અમેરિકા યુદ્ધની અસર ખૂબ જ ખરાબ છે. માર્ચ મહિનામાં જ ભારતીય બજારમાં ધોવાણ થયું છે. જાણકારો માને છે કે, આ મહિનાના પંદર દિવસમાં જ સેન્સેક્સ અને નિફ્ટી ૧૦ ટકા જેટલા તૂટયા છે. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની જ આ અસર હોવાનો મત છે. બે અઠવાડિયામાં બજારમાં ભારે ઉથલપાથલ રહી છે. બજારમાં પડતીનો કયાસ એના ઉપરથી જ લગાવી શકાય છે કે, છેલ્લાં દિવસે ટ્રેડિંગ દરમિયાન ૭૦૦ શેરમાં નજીવો વધારો નોંધાયેલો હતો અને તેની સરખામણીએ ૩૦૦૦થી વધારે શેરબજાર લાલ નિશાનમાં ચાલી રહ્યા હતા.
જાણકારો માને છે કે, હાલમાં બજારમાં વેચવાલી ચાલી રહી છે જેના કારણે બજાર નબળું પડી ગયું છે. ટેકનિકલ ડેટા પણ જણાવે છે કે, નિફ્ટી પોતાની મહત્ત્વની સરેરાશથી નીચે ચાલે છે જેથી આગામી કેટલાક સમયમાં પણ બજાર ઉપર દબાણ રહેશે તે સ્વાભાવિક છે. વિશ્લેષકોના મતે નિફ્ટી ૨૩,૮૦૦થી ઉપર નહીં જાય ત્યાં સુધી કોઈપણ નાનકડા કરેક્શનને પણ સેલ ઓન રાઈઝ માની શકાય નહીં. તે ઉપરાંત વોલેટાલિટી ઈન્ડેક્સ પણ ૨૦ ઉપર સ્થિર છે જે બજારની વધતી અનિશ્ચિતતાને જ રજૂ કરે છે.
હાલમાં બજારની જે સ્થિતિ છે તે જોતાં રોકાણકારોને સંયમ રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. જાણકારો માને છે કે, કોઈએ પણ ઉતાવળે નિર્ણય લઈને વેચવાલી કે ખરીદીમાં પડવું જોઈએ નહીં. જ્યાં સુધી નિફ્ટી મજબૂતી સાથે ૨૪,૦૦૦ને પાર ન જાય ત્યાં સુધી બજારમાં સ્થાયી તેજી આવવાની કોઈ શક્યતા જણાતી નથી. હાલમાં રોકાણકારોએ તેની કલ્પના પણ ન કરવી જોઈએ. બીજી તરફ કેટલાક જાણકારોનો મત છે કે, નિફ્ટી ૨૫,૦૦૦ની મનોવૈજ્ઞાાનિક સપાટી કુદાવીને તેની ઉપર સ્થિર રહેવા લાગે ત્યારે બજારમાં તેજી છે તેવું માનવું જોઈએ. ત્યારબાદ બજારમાં લાંબાગાળાની મજબૂતી આવી છે તેવું લાગશે.
બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સમાં પણ 2020 બાદ મોટો ઘટાડો નોંધાયો
બજારના વિશ્લેષકોનું માનવું છે કે, બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ આ અઠવાડિયે ૫.૫ ટકા પડયો હતો જે મે ૨૦૨૦ બાદ સૌથી મોટી અઠવાડિક પડતીના સંકેત આપે છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડની કિંમતોમાં ભડકો થયો છે અને ૧૦૦ ડોલરને પાર કરી ગઈ છે. તેના કારણે ભારતમાં મોંઘવારી વધવાના વરતારા છે. ભારતીય શેરબજાર ઉપર તેની વ્યાપક અસર પડી છે. નિફ્ટી૫૦માં આ અઠવાડિયે જ ૫.૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેમાં ૧૬ મોટા સેક્ટરને ભારે નુકસાન ભોગવવું પડયું છે. મિડ-કેપ અને સ્મોલ કેપમાં પણ અનુક્રમે ૪.૬ ટકા અને ૩.૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઓટો સ્ટોક્સમાં ૧૦.૬ ટકાનો કડાકો બોલ્યો હતો જે સૌથી વધારે હતો. મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે પ્રોડક્શન અને એક્સપોર્ટ બંનેને અસર પડવાના કારણે રોકાણકારોમાં ભય ફેલાયો હતો. તેના લીધે આ સેક્ટરમાં સૌથી વધારે વેચવાલી આવી હતી. છેલ્લાં છ વર્ષમાં આ સેક્ટરમાં એક જ અઠવાડિયાનો આ સૌથી મોટો ઘટાડો હતો. વિદેશી રોકાણકારો પણ હાથ પાછા ખેંચી લેવા માંડતા ફાઈનાન્સિયલ ફોકસ કરનારા બેન્ક નિફ્ટીમાં પણ આ અઠવાડિયે ૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ કોલ ઈન્ડિયામાં ૬ ટકાનો ઉછાળો આવ્યો હતો. ઉનાળો આવતા જ કોલસાની ડિમાન્ડ વધતા આ સેક્ટર મજબૂત થયું હતું. કેટલાક જાણકારો માને છે કે, વર્તમાન સમયમાં બજારમાં વ્યાપક તોડફોડ થઈ છે. બજાર ઉપર આવેલી આ આફત લોન્ગટર્મ ઈન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છતા લોકો માટે અવસર પણ બની શકે છે. રોકાણકારોએ ગભરાઈને વેચવાલીનો ટ્રેન્ડ અપનાવવા કરતા મજબૂત કંપનીઓમાં ધીમે ધીમે રોકાણ કરવાની નીતિ અપનાવવી જોઈએ.


