Updated: Mar 15th, 2023
- અમેરિકામાં બે બેંકને તાળાં વાગી ગયાં તેના કારણે અમેરિકનો ફફડેલા છે ત્યાં હવે બીજી છ બેંકો ઉઠી જવાના ભણકારા વાગી રહ્યા છે. આ છ બેંકોનું રેટિંગ મૂડીઝે ઘટાડી દેતાં આ છ બેકોનું પણ ગમે ત્યારે ઉઠમણું થઈ જશે ને આખી દુનિયા કારમી મંદી તરફ ધકેલાઈ જશે એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 2008માં લેહમેન બ્રધર્સથી શરૂઆત થઈ ને એક પછી એક બેંકો ઉઠી ગઈ તેમાં દુનિયા કારમી મંદીમાં ધકેલાઈ ગઈ હતી. અર્થશાસ્ત્રીઓને લાગે છે કે, 15 વર્ષ પછી આ ઈતિહાસ દોહરાવાઈ રહ્યો છે.
અમેરિકામાં સિલિકોન વેલી બેંક ઉઠી ગઈ ને એ પછી સિગ્નેચર બેંકને તાળાં વાગી ગયાં તેના કારણે અમેરિકનો ફફડેલા છે ત્યાં હવે બીજી છ બેંકો ઉઠી જવાના ભણકારા વાગી રહ્યા છે. ફસ્ટ રીપબ્લિક બેંક, ઝિયોન્સ બેંકોર્પોરેશન, વેસ્ટર્ન એલાયન્સ, બેંકોર્પ, કોમેરિકા ઈન્કોર્પોરેશન, યુએમબી ફાયનાન્સિયલ કોર્પ અને ઈન્ટ્રસ્ટ ફાયનાન્સિયલ કોર્પોરેશનનું રેટિંગ મૂડીઝે ઘટાડી દેતાં આ છ બેંકોની હાલત ખરાબ હોવાનું સ્પષ્ટ છે. આ છ બેકોનું પણ ગમે ત્યારે ઉઠમણું થઈ જશે ને આખી દુનિયા કારમી મંદી તરફ ધકેલાઈ જશે એવી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.
આખા વિશ્વને હચમચાવી નાંખે એવી કારમી મંદી છેલ્લે પંદર વર્ષ પહેલાં એટલે કે ૨૦૦૮માં જોવા મળી હતી. એ વખતે પણ આ રીતે અમેરિકાની બેંકોના ઉઠમણાથી જ શરૂઆત થઈ હતી. લેહમેન બ્રધર્સથી શરૂઆત થઈ ને એક પછી એક બેંકો ઉઠવા માંડી. લેહમેન બ્રધર્સ પણ સિલિકોન વેલી બેંકની જેમ મજબૂત બેંક હતી. ૧૮૪૭માં સ્થપાયેલી લેહમેન બેંકના કર્મચારીઓની સંખ્યા જ ૨૫ હજાર કરતા વધારે હતી.
અમેરિકાની ચોથા નંબરની સૌથી મોટી બેંક મનાતી લેહમેન બ્રધર્સ પર ઘણી બેંકો નિર્ભર હતી તેથી તેમને પણ અસર થઈ ને અમેરિકાનું અર્થતંત્ર મંદીની લપેટમાં આવી ગયેલું. અમેરિકાની મંદી આખી દુનિયામાં ફેલાઈ ને આખી દુનિયા મંદીમાં ફસાઈ ગયેલું. આ મંદીમાંથી બહાર નિકળતાં ચાર-પાંચ વર્ષ લાગી ગયેલાં.
અર્થશાસ્ત્રીઓને લાગે છે કે, ૧૫ વર્ષ પછી આ ઈતિહાસ દોહરાવાઈ રહ્યો છે. ૨૦૦૮માં લેહમેન બ્રધર્સથી શરૂઆત થયેલી ને આ વખતે સિલિકોન વેલીથી શરૂઆત થઈ છે. સિલિકોન વેલી લેહમેન બ્રધર્સ જેટલી મોટી બેંક નહોતી પણ અમેરિકાની ટોપ ટ્વેન્ટી બેંકમાં ગણાતી હતી. જો કે સિલિકોન વેલી બેંકના કિસ્સામાં મોટી વાત એ છે કે, સિલિકોન વેલીનો પથારો બહુ મોટો છે.
સિલિકોન વેલી બેંક અમેરિકા સિવાય કેનેડા, ચીન, ભારત, હોંગકોંગ, આયર્લેન્ડ, ઈઝરાયસ, યુકે, ડેન્માર્ક, સ્વીડન, જર્મની આર્થિક રીતે ટોચના દેશો ઉપરાંત યુરોપીયન યુનિયનના તમામ દેશોમાં ઓફિસ ધરાવતી હતી. સિલિકોન વેલીમાં દુનિયાભરની મોટી આઈટી કંપનીઓ આવેલી છે કે જે આખી દુનિયામાં લાખો લોકોને આઉટસોર્સિંગ દ્વારા રોજગારી આપે છે. આ કંપનીઓની આર્થિક જરૂરીયાતોનો સ્ત્રોત સિલિકોન વેલી બેંક હતી. હવે આ બેંક ઉઠી જતાં આખી દુનિયાના આઈટી સેક્ટરને પણ મોટો ફટકો પડશે.
આ તો એક બેંકની વાત કરી પણ એક પછી એક બેંકો ઉઠવા માંડે તો બીજાં સેક્ટર્સને પણ ભારે ફટકો પડે ને સરવાળે અમેરિકાનું અર્થતંત્ર મંદીમાં આવે. અમેરિકા વિશ્વમાં સૌથી મોટું અર્થતંત્ર છે તેથી અમેરિકામાં આર્થિક રીતે પડતી કોઈ પણ તકલીફની અસર આખી દુનિયા પર પડે છે. અમેરિકાની કંપનીઓ આખી દુનિયા સાથે ધંધો કરે છે. અમેરિકામાં બેંકો ડૂબવા માંડે તેની અસર કંપનીઓ પર પડે છે ને સરવાળે આખી દુનિયાની કંપનીઓ પર પડે છે.
અમેરિકા દુનિયામાં સૌથી મોટો આયાતકાર દેશ પણ છે. બેંકો ડૂબે તેના કારણે સામાન્ય લોકોનાં નાણાં સલવાઈ જાય ને તેની અસર લોકોની ખરીદશક્તિ પર પડતી હોય છે. બીજા દેશોમાંથી અમેરિકામાં આવતો માલ ઘટવા માંડે તેના કારણે જે તે દેશના અર્થતંત્રને ફટકો પડે. બજારમાં રોકડ ફરતી બંધ થવા માંડે ને તેના કારણે આખી દુનિયામાં મંદી ફરી વળે.
આ બે બેંક બંધ થઈ તેના કારણે હજારો લોકો સીધા બેરોજગાર બન્યા છે. અમેરિકાની સોળમા નંબરની સૌથી મોટી બેંક સિલિકોન વેલી બેંકના કર્મચારીઓની સંખ્યા સાડા આઠ હજાર કરતાં વધારે છે. સિગ્નેચર બેંકના કર્મચારીઓની સંખ્યા પણ બે હજાર જેટલી છે એ જોતાં ચાર દાડાના ગાળામાં જ બે બેંકોના ૧૦ હજારથી વધારે કર્મચારી નવરા થઈ ગયા છે. બાકીની છ બેંકો પણ મધ્યમ કક્ષાની છે તેથી તેની અસર પણ વર્તાશે. દુનિયામાં મંદી ફરી વળે તો કેટલાં લોકો બેકાર થાય તેની વાત જ થઈ શકે તેમ નથી.
અમેરિકાની સરકારે બેંકોમા ડીપોઝિટ મૂકનારા તમામ ડીપોઝિટર્સને નાણાં પાછાં આપવાની ખાતરી આપી છે પણ સિલિકોન વેલી બેંકના ઉઠમણાએ અમેરિકન સરકારની આર્થિક નીતી સામે સવાલો ખડા કર્યા છે કેમ કે સિલિકોન વેલી બેંક સરકારી બોન્ડમાં નાણાં રોકવામાં ઉઠી ગઈ છે. દરેક દેશમાં બેંકે ચોક્કસ રકમ સરકારી બોન્ડમાં રોકવાની હોય છે. ભારતમાં જી-સીક્યુકરિટીઝ એટલે કે ગવર્મનેન્ટ સીક્યુરિટીઝમાં દરેક બેંકે રોકાણ કરવું જ પડે છે. બૈંકોને તેમાં વાંધો હોતો નથી કેમ કે સરકારી બોન્ડમાં રોકાણ એકદમ સલામત કહેવાય.
દેશની સરકાર પોતે જ પાકતી મુદતે વ્યાજ સાથે નાણાં પાછાં આપવાની ખાતરી આપતી હોય તેનાથી વધારે સલામત રોકાણ બીજું કોઈ ના કહેવાય. તેમાં પણ અમેરિકા જેવો દેશ ખાતરી આપતો હોય પછી તો જોવાનું જ ના હોય. આ કારણે સિલિકોન વેલી બેંકે આંખો મીંચીને લોંગ ટર્મના અમેરિકન સરકારી બોન્ડ ખરીદી લીધા હતા. સરકારી બોન્ડમાં વ્યાજ ઓછુ મળતું ને બીજી તરફ બેંકોના વ્યાજ દર વધતાં સિલિકોન વેલી બેંકે પણ વ્યાજ વધારવું પડયું. તેમાં આવક કરતાં જાવક વધી ગઈ ને છેવટે બેંક ડૂબી ગઈ.
બાઈડને આ બેંકને બચાવવા માટે બોન્ડનું વ્યાજ દર વધારવા સહિતનાં પગલાં લીધાં હોત તો કદાચ બેંક બચી ગઈ હોત. હવે બાઈડન લોકોને રાજી કરવા પેકેજ આપવાના જ છે પણ આ ડહાપણ મોડે મોડે આવ્યું છે.
બાઈડનને બેંકો અંગે સવાલ કરાતાં ભાગી ગયા
અમેરિકામાં બેંકો ડૂબવાનો સિલસિલો શરૂ થયો તેના કારણે અમેરિકાના પ્રમુખ જો બાઈડન ટેન્શનમાં છે. બાઈડન બેકિંગ સિસ્ટમની સલામતી અંગેના સવાલથી અકળાઈને પત્રકાર પરિષદ અધવચ્ચે છોડીને જતા રહ્યા તેના પરથી જ સ્પષ્ટ છે કે, બાઈડનને આ મુદ્દો પરેશાન કરી રહ્યો છે. સિલિકોન વેલી બેંક બંધ કરી દેવાતાં અમેરિકનોમાં ગભરાટ છે. આ ગભરાટ ઓછો કરવા બાઈડને નિવેદન આપેલું કે, અમેરિકનો એ વાતનો ભરોસો રાખે કે, અમેરિકાની બેકિંગ સિસ્ટમ એકદમ સલામત છે. તમે બેંકોમાં મૂકેલાં નાણાં ઈચ્છો ત્યારે ઉઠાવી શકો છો.
બાઈડને સોમવારે પત્રકાર પરિષદમાં આ વાત દોહરાવીને કહેલું કે, અમેરિકાની બેકિંગ સિસ્ટમ ગમે તેવા આંચકા ખમવા અને આપણી ઐતિહાસિક ઈકોનોમિક રીકવરી માટે સક્ષમ છે. એક પત્રકારે સવાલ કર્યો કે, સિલિકોન વીલે સહિતની બેંકો ડૂબી રહી છે એ અંગે તમે અત્યાર સુધી શું જાણો છો ? અને તમે અમેરિકનોને ખાતરી આપો છો કે, આ ઘટનાક્રમની વ્યાપક અસરો નહીં થાય ?
આ સવાલ સાંભળીને બાઈડને ચાલતી પકડી હતી. કોન્ફરન્સના રૂમનો દરવાજો ખોલીને વ્હાઈટ હાઉસમાં પોતાની ઓફિસમાં જતા રહ્યા હતા.
આ વીડિયો અત્યારે વાયરલ થયો છે. ૪૦ લાખથી વધારે લોકોએ આ વીડિયો જોયો છે. અમેરિકનો સવાલ કરી રહ્યા છે કે, બાઈડન કેમ કોઈ ખાતરી આપવા તૈયાર નથી ?
ભારતીય સ્ટાર્ટ-અપ્સને મોટો ફટકો
સિલિકોન વેલી બેંક ઉઠી ગઈ તેના કારણે ભારતમાં સ્ટાર્ટ-અપ્સને બહુ મોટો ફટકો પડયો છે કેમ કે ભારતમાં મોટા ભાગનાં સ્ટાર્ટ-અપ્સનાં ખાતાં સિલિકોન વેલી બેંકમાં હતાં.
ભારતમાં મોટા ભાગનાં સ્ટાર્ટ-અપ્સ આઈટી સેક્ટરનાં છે અને અમેરિકાની કંપનીઓ સાથે કામ કરે છે. અમેરિકાની કંપનીઓ ભારતીય બેંકો સાથે કામ કરવા નથી માંગતી. અમેરિકાની બેંકોને પણ ભારતીય બેંકો સાથે કામ કરવામાં રસ નથી તેથી ભારતીય સ્ટાર્ટ-અપ્સ પાસે મર્યાદિત વિકલ્પો છે.
સિલિકોન વેલી બેંક તેમાં શ્રેષ્ઠ વિકલ્પ હતી કેમ કે અમેરિકાની તમામ આઈટી કંપની સિલિકોન બેંકની ગ્રાહક હતી. સિલિકોન વેલી ભારતીય બેંકો સાથે કામ પણ કરતી ને તેની ભારતમાં બ્રાંચ પણ છે.
સિલિકોન વેલી વરસોથી આઈટી કંપનીઓ સાથે કામ કરતી હોવાથી ફ્લેક્સિબલ પણ હતી. સિલિકોન વેલીની મોટા ભાગની કંપનીઓ સ્ટાક્ટ અપ તરીકે જ શરૂ થયેલી તેથી તેમની ઈકોસિસ્ટમને બેંક સારી રીતે સમજતી તેથી સ્ટાર્ટ-અપ્સ માટે પણ સિલિકોન વેલી અનુકૂળ હતી.
હવે બેંક ઉઠી ગઈ છે તેથી સેંકડો ભારતીય સ્ટાર્ટ-અપ્સનાં નાણાં તેમાં ફસાઈ ગયાં છે. સ્ટાર્ટ-અપ્સ નાણાંની ખેંચ અનુભવતાં હોય છે ત્યારે હવે આ રકમ ફસાતાં તેમની હાલત બગડી જશે.