લમણે પિસ્તોલ રાખી શાંતિદૂત બનવા નીકળેલા ટ્રમ્પ નિષ્ફળ પુરવાર થયા
- ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વિકરાળ સ્થિતિ ધારણ કરી શકે
- ઇઝરાયેલે ઈરાન ઉપર કરેલા હુમલા અને પછી શુક્રવારની રાત્રે ઈરાને આપેલા વળતા જવાબ બાદ દુનિયાભરમાં ચિંતા ફેલાઈ છે. બન્ને દેશ એકબીજાને ભરીપીવા મેદાને પડયા છે. અમેરિકાએ પહેલા તહેરાન ઉપરના હુમલામાં કોઈ ભૂમિકા નથી એવી વાત કરી હાથ ધોઈ નાખ્યા પણ હવે પરમ મિત્ર ઇઝરાયેલ માટે સૈનિકો અને શો ખડા કરી દીધા છે. બીજી તરફ, ઈરાને ધમકી આપી છે કે કોઇપણ દેશ સ્થિત મિલીટરી બેઝનો ઉપયોગ થાય, જે પણ દેશનો બેઝ હોય તેને પણ વળતો જવાબ આપવામાં આવશે. સ્ફોટક આ સ્થિતિમાં યુદ્ધ વિરામ અને શાંતિ સ્થાપવાની વાતો કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ અને રીતિ ખુલ્લી પડી ગઈ છે. લમણે પિસ્તોલ રાખી શાંતિદૂત બનવા નીકળેલું અમેરિકા ખુલ્લું પડી ગયું છે.
કમલા હેરિસ સામે ચૂંટણી પ્રચારમાં અને પછી જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે વચન આપ્યું હતું કે પોતે વિશ્વમાં શાંતિ સ્થાપશે. 'શાંતિના સર્જક અને દુનિયાને એક કરવી એ મારો સૌથી ગૌરવપૂર્ણ વારસો હશે,' એમ ટ્રમ્પ શપથ લીધા પછી પોતાના ભાષણમાં બોલ્યા હતા. અગાઉ, પોતે રાષ્ટ્રપતિ હોત તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું જ ન હતો. સત્તા ઉપર આવ્યા પછી તરત જ બન્ને દેશ યુદ્ધ વિરામ જાહેર કરે અને શાંતિમંત્રણા શરૂ કરશે એવી વાતો બોલ્યા હતા. ઇઝરાયેલના ગાઝા, પેલેસ્ટાઈન ઉપરના હુમલા અટકી જશે... ગાઝા અમેરિકા કબજો જમાવશે અને તેને સ્વર્ગ જેવું બનાવી શકાય એમ પણ ટ્રમ્પે બડાશ હાંકી હતી. જોકે આજે સ્થિતિ અલગ છે. ઇઝરાયેલના ગાઝા અને પેલેસ્ટાઇન ઉપર હુમલા વધારે તીવ્ર થયા છે, એટલા ઉગ્ર હુમલા કે કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા જેવા સાથી દેશો પણ હવે થંભી જવા નિવેદન કરી રહ્યા છે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ વધારે વકર્યું છે. એટલું બાકી હતું ત્યાં ઈઝરાયેલે ઈરાનની પરમાણુ શક્તિ, સ્થાનક ઉપર હુમલા અને લશ્કરી વડાઓને મારી નાખતા સ્થિતિ વધારે વણસી છે.
લમણે પિસ્તોલ રાખી, પોતાની શરતે દુનિયાને શાંતિનો સંદેશ આપવા નીકળી પડેલા ટ્રમ્પ ભોંઠા પડી રહ્યા છે. ટ્રમ્પ સત્તા ઉપર આવ્યા તેના કરતા દુનિયા વધારે અસ્થિર બની છે. ૨૪ કલાકમાં તાબડતોડ ઉકેલ લાવવા માટે, અમેરિકા પોતાની શક્તિના આધારે દુનિયામાં શાંતિ સ્થાપશે એવી વાત પાંચ મહિના પછી વણસી છે. શસ્ત્રથી લડતા યુદ્ધની સાથે પોતે છેડેલા ટેરિફ વોરમાં પણ વૈશ્વિક અર્થતંત્રની ગતિ મંદ પડી રહી છે. મુખ્યત્વે ચીન, યુરોપિયન સંઘ, કેનેડા અને મેક્સિકો સાથે અને બાકીની આખી દુનિયા સાથે ટેરિફ, રેસીપ્રોક્લ ટેરિફ લાદવાની વાતો કરી અમેરિકાન પ્રજાની હાલત પણ બગાડી છે. સૌથી મોટા ટેકેદાર અને ધરતી પરના સૌથી મોટા ધનકુબેર ઈલોન મસ્ક પણ હવે ટ્રમ્પથી દૂર થઇ ગયા છે.
ટ્રમ્પની આકાંક્ષા અને વાસ્તવિકતા વચ્ચે ધરતી-આસમાન જેટલું અંતર છે. ટ્રમ્પે ઇઝરાયેલની ઈરાન ઉપર હુમલો નહીં કરવા નિવેદન કર્યું તેની કલાકોમાં જ ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સ તહેરાન ઉપર તૂટી પડયા હતા. પછી, અમેરિકાને આ હુમલા સાથે કઈ લેવાદેવા નથી એવું નિવેદન વ્હાઈટ હાઉસે કર્યું અને ત્રીજા દિવસે ઈરાને વળતો જવાબ આપ્યો એટલે અમેરિકા કહે છે કે અમારી સેના ઇઝરાયેલની સાથે ઈરાન સામે લડી રહી છે અને દરેક મદદ પૂરી પાડશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને વ્હાઈટ હાઉસમાં બોલાવી, આખી દુનિયાના પત્રકારો સામે ઉદ્ધત વર્તન કરી વતન પરત જવા મજબૂર કરવામાં આવ્યા હતા. વોશીગ્ટન શાંતિ ઈચ્છે છે, યુક્રેન મોસ્કો સાથે સંધિ કરે એવા નિવેદન વચ્ચે અમેરિકાએ ડોટેડ લાઈન ઉપર યુક્રેનના બહુમૂલ્યવાન ખનીજનો સોદો કરી નાખ્યો. ભારત અને પાકિસ્તાનના ટૂંકા સશસ્ત્ર ઘર્ષણમાં પણ ટ્રમ્પ વ્યાપાર અને ધંધો લાવ્યા હતા.
આ દર્શાવે છે કે ટ્રમ્પ જે શાંતિની વાત કરી રહ્યા હતા, એ નક્કર વિચારો નહીં પોકળ વાતો હતી. હકીકતે, અમેરિકા પોતાની શરતોએ દુનિયા ઉપર કબજો જમાવવા પ્રયત્ન કરી રહ્યું છે. જે દેશ શરતોનો સ્વીકાર કરે તેની સાથે શાંતિ અને જે વિરોધ કરે તેની સામે સીધું કે પ્રત્યક્ષ યુદ્ધ છેડવામાં આવી રહ્યું છે. લશ્કરી યુદ્ધ થાય તો શસ્ત્રો વેંચી અને ટ્રેડ વોરમાં વધારે ટેરિફ લાદી અમેરિકા દુનિયા જીતવા નીકળી પડયું છે. રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશે ઈરાક, ઈરાન અને ઉત્તર કોરિયાને 'શેતાનની ધરી' તરીકેના દેશ ઘોષિત કર્યા હતા. ટ્રમ્પની જેમ રિપબ્લિકન પાર્ટીના બુશે, ઈરાક પાસે 'સામુહિક સંહાર'ના હથિયારો છે, રસાયણિક હથિયારો છે એવા દાવા સાથે સદામ હુસૈનને ફાંસીએ ચડાવી દીધા. વર્ષ ૨૦૦૩ની આ ઘટના પછી હજી સુધી આવા કોઈ હથિયાર કે તેનો નાનો પુરાવો પણ દુનિયાને મળ્યો નથી. ઉત્તર કોરિયાને મિસાઈલ કાર્યક્રમ માટે અમેરિકાએ સતત બદનામ કર્યું છે પણ તે નમતું જોખતુ નથી. ઈરાનને ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસ વેચવા ઉપર અને તેની ખરીદી કરનાર દેશ ઉપર પ્રતિબંધ ફરમાવી આર્થિક રીતે પાયમાલ કરવામાં અમેરિકાએ કાઈ બાકી નથી રાખ્યું. ડેમોક્રેટ રાષ્ટ્રપતિ બરાક ઓબામાંએ યુરોપીયન સંઘને સાથે રાખી ઈરાન સાથે વાટાઘાટ કર્યા અને પરમાણુ કાર્યક્રમ અટકાવવા એક સમજૂતી થઇ અને ઈરાન ફરી વિશ્વ સાથે જોડાયું. પણ, ૨૦૧૬માં અમેરિકામાં રિપબ્લિકન ટ્રમ્પ સત્તા ઉપર આવતા આ કરારમાંથી અમેરિકા નીકળી ગયું અને ફરી પ્રતિબંધ લાદવામાં આવ્યા.
અમેરિકા ઈચ્છે છે ઈરાન પરમાણુ હથિયાર બનાવવાનો કાર્યક્રમ અટકાવે, ઈરાન કહે છે આજુબાજુ દુશ્મનથી ઘેરાયેલા છીએ ત્યારે પરમાણુ કાર્યક્રમ હથીયાર અને નાગરિક ઉપયોગ માટે જરૂરી છે. ૨૦૨૫માં ટ્રમ્પ બીજી વાર સત્તા ઉપર આવ્યા ત્યારથી ઈરાન ઉપર પરમાણુ કાર્યક્રમ અટકાવવા ધમકીઓ, મુદ્દત આપી રહ્યા છે. ઈઝરાયેલે ઈરાનના પરમાણુ સંસ્થાનો ઉપર હુમલા કરી તેને તોડી પાડવા પ્રયત્ન કર્યો છે એટલે અમેરિકા ખુશ છે. કારણ કે અમેરિકાને લાભ થાય એ રીતે, અમેરિકા વતી ઇઝરાયેલ લડી રહ્યું છે!
સત્તા ઉપર આવ્યા પછી ટ્રમ્પે ગાઝામાં શસ્ત્રવિરામની જાહેરાત થઇ હતી. બન્ને પક્ષે થોડા નાગરીકો છોડી મૂકવામાં આવ્યા પણ પછી યુદ્ધ વધારે ઉગ્ર બન્યું છે. અત્યારસુધીમાં આ યુદ્ધમાં ૫૫,૦૦૦ જેટલા પેલેસ્ટાઈન નાગરીકો માર્યા ગયા છે, ઇઝરાયેલ નાગરિકો, શાળા, હોસ્પિટલ ઉપર હુમલા કરે છે, યુનો અને અન્ય સંસ્થાઓની માનવીય સહાય મહિનાઓ સુધી અટકાવી રહ્યું છે, માણસો ઠંડી-ગરમીમાં કોઈ છત્ર વગર, ભોજન, પાણી અને દવા વગર ભટકી રહ્યા છે પણ અમેરિકા મૌન છે. એ ઇઝરાયેલને મદદ અટકાવી રહ્યું નથી. કારણ કે અમેરિકા ઈચ્છે છે કે ઇઝરાયેલ મધ્ય-પૂર્વ એશિયામાં વધારે શક્તિશાળી બને. ઇઝરાયેલના સહારે ચીન તરફ ઢળી રહેલા ઈરાન અને બાકીના આરબ દેશોને નાથવા અમેરિકા પ્લાન બનાવી રહ્યું છે. શક્ય છે કે ગાઝા ઉપર અમેરિકાનો કબજો હોવો જોઈએ, ગાઝાના રહેવાસીઓ સિરિયા કે અન્યત્ર ખસી જાય એવું નિવેદન આપી ચુકેલા ટ્રમ્પનો આ પ્લાન હોય. કારણ કે, ટ્રમ્પ મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીની સિરિયા સરકારને સ્વીકારી ચૂક્યા છે, એની સાથે આથક અને અન્ય સહકારની વાત પણ કરી રહ્યા છે. જો આમ, થાય તો આ એક વધુ મોટું પ્રોક્સી વોર હશે. એવું યુદ્ધ કે જેમાં અમેરિકા પોતે નહીં લડે પણ અન્ય દેશોને લડાવી પોતાનું ધાર્યું કરાવશે.
પરંપરાગત રીતે શાંતિ માટે બન્ને પક્ષો, સમાન શક્તિ અને સમાન મુદ્દા ઉપર આમને-સામને બેસે અને વાટાઘાટ કરે છે. પરંતુ, ટ્રમ્પની નીતિ મુજબ લમણે પિસ્તોલ રાખી સામેના પક્ષને શાંતિ માટે હથિયાર હેઠા મૂકી વાત કરવા માટે કે શરતો સ્વીકારવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. ટ્રમ્પની આ જોખમી રણનીતિના કારણે અત્યારે દુનિયા આર્થિક, સામાજિક અને ભૌગોલિક રીતે વધારે જોખમી બની ગઈ છે. ટ્રમ્પની શાંતિદૂત તરીકેની વાણી અને વર્તન અલગ હોવાથી દુનિયા ઉપર જોખમ વધી રહ્યું છે.
પરમાણુ કાર્યક્રમ ઉપર ઇઝરાયેલના હુમલા : જૂન 1981માં ઈરાક અને જૂન 2025માં ઈરાન
આરબ દેશો સામે પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા માટે ઈરાન કોઇપણ પ્રકારના આર્થિક કે લશ્કરી પગલાં લેવામાં ખચકાતું નથી. ઈરાક ૧૯૫૦ના દાયકાથી પરમાણુ કાર્યક્રમ માટે તૈયારી કરી રહ્યું હતું.
સિતેરના દાયકામાં સદ્દામ હુસૈન સત્તા ઉપર આવતા તેમણે કાર્યક્રમને વેગ આપ્યો. જોકે, ઇઝરાયેલને આ કણાની માફક ખૂંચતું હતું. જૂન ૧૯૮૧માં ઓપરેશન ઓપેરા હેઠળ ઇઝરાયેલના ૧૪ યુદ્ધ વિમાનોએ બે કલાકમાં, ૧૧૦૦ કિલોમીટર દૂર પહોંચી ઈરાકનું ઓસીરક ન્યુક્લિયર રીએક્ટર તોડી પાડયું હતું. જૂન ૨૦૨૫માં ઓપરેશન રાઈઝીંગ લાયન હેઠળ ઈઝરાયેલે ૨૦૦ ફાઈટર જેટનો ઉપયોગ કરી ઈરાન ઉપર હુમલો કર્યો. ઈરાન ઉપરના હુમલામાં યુરેનિયમ અને પરમાણુ હથિયારનો એક પ્લાન્ટ, બેલેસ્ટિક મિસાઈલના સંગ્રહ સ્થાન અને તહેરાનના મીલીટરીની ટોચની લીડરશીપ એક સાથે નષ્ટ કરી છે.
અમેરિકા ઇઝરાયેલની હમેશ પડખે, અબજો ડોલરની લશ્કરી સહાય કરે છે
વર્ષ ૧૯૪૬માં ઇઝરાયેલની સ્થાપના થઇ અને પ્રથમ સરકારની રચના થઇ ત્યારે અમેરિકાએ એ દેશને પ્રથમ માન્યતા આપી હતી. આ દિવસથી આજ સુધી અમેરિકા ઇઝરાયેલને દરેક મોરચે સહાય કરે છે. કાઉન્સિલ ફોર ફોરેન રિલેશન્સના અભ્યાસ અનુસાર ૧૯૪૬ થી ૨૦૨૪ વચ્ચે અમેરિકાએ ઇઝરાયેલને કુલ ૩૧૦ અબજ ડોલરની સહાય કરી છે જેમાં આર્થિક સહાય ૮૦ અબજ અને લશ્કરી સહાય ૨૨૮ અબજ ડોલરની છે. ૨૦૧૬માં બન્ને પક્ષે એક ખાસ સમજૂતી થઇ અને તેમાં ૨૦૨૮ સુધી દર વર્ષે ૩.૬ અબજ ડોલરની લશ્કરી સહાય અમેરિકા આપે છે. આ ઉપરાંત, ગાઝાના વર્તમાન યુદ્ધમાં અમેરિક સેનેટે વધારાના ૧૨.૫ અબજ ડોલર ફાળવ્યા છે.