Get The App

ભારતનું ચંદ્રયાન-3 માનવજાતનો ઈતિહાસ બદલી શકે

Updated: Jul 15th, 2023

GS TEAM


Google News
Google News
ભારતનું ચંદ્રયાન-3 માનવજાતનો ઈતિહાસ બદલી શકે 1 - image


- ચંદ્રના દક્ષિણ ધુ્રવનો અભ્યાસ સૌથી જરૂરી અને કપરો છે ઃ દુનિયાભરના અવકાશ સંશોધન ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ ચંદ્રયાન-૩ ઉપર મીટ માંડીને બેઠી છે

- ભારતના આ મિશન પર આખી દુનિયાની નજર છે કેમ કે આ મિશન માનવજાતનો ઈતિહાસ બદલી શકે છે. ભારતે પહેલા પણ ચંદ્ર પર બે યાન મોકલેલાં ને તેમાંથી એક યાન તૂટી પડયું હતું પણ એ પહેલાં ભારતે ઓક્ટોબર ૨૦૦૮માં મોકલેલા ચંદ્રયાન ૧ મિશને ચંદ્ર પર બરફ છે એ સાબિત કર્યું છે. બરફ પાણીથી બને છે તેથી ચંદ્ર પર પાણી હોવાનું સાબિત થયેલું છે. ચંદ્ર પર પાણી હોવાથી માનવજીવનની શક્યતા જીવંત બની છે પણ આ પાણી કેવું છે એ જાણવું જરૂરી છે.

ભારતનું અત્યંત મહત્વાકાંક્ષી ચંદ્રયાન ૩ ચંદ્રની સફરે જવા રવાના થઈ ગયું. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી શુક્રવારે બપોરે ૨.૩૫ કલાકે અવકાશની સફરે રવાના થયેલું  ચંદ્રયાન-૩  લગભગ ૪૦ દિવસ પછી એટલે કે ૨૩  ઓગસ્ટે કે ૨૪ ઓગસ્ટે ચંદ્ર પર પહોંચશે. ચંદ્રયાન-૩ અવકાશયાનમાં ત્રણ લેન્ડર-રોવર અને પ્રોપલ્શન મોડયુલ છે. આ પૈકી લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે. સતત ૧૪ દિવસ સુધી ચંદ્રની ધરતીનો ડેટા લઈને વિજ્ઞાાનીઓને મોકલશે. આ ચંદ્રયાન મિશનનો ઉદ્દેશ ચંદ્રની સપાટી કેવી છે, ચંદ્રની સપાટીની માટી અને ધૂળ કેવી છે, તેમાં ક્યાં ક્યાં તત્વો છે તેનો અભ્યાસ કરવાનો છે. 

ભારતના આ મિશન પર આખી દુનિયાની નજર છે કેમ કે આ મિશન માનવજાતનો ઈતિહાસ બદલી શકે છે. ભારતે પહેલા પણ ચંદ્ર પર બે યાન મોકલેલાં ને તેમાંથી એક યાન તૂટી પડયું હતું પણ એ પહેલાં ભારતે ઓક્ટોબર ૨૦૦૮માં મોકલેલા ચંદ્રયાન ૧ મિશને ચંદ્ર પર બરફ છે એ સાબિત કર્યું છે. બરફ પાણીથી બને છે તેથી ચંદ્ર પર પાણી હોવાનું સાબિત થયેલું છે.

ચંદ્ર પર પાણી હોવાથી માનવજીવનની શક્યતા જીવંત બની છે પણ આ પાણી કેવું છે એ જાણવું જરૂરી છે. પાણીમાં મિનરલ્સ એટલે કે ખનિજો હોય તો જ જીવન શકય બને. મિનરલ્સ વિનાનું પાણી લોકો માટે કંઈ કામનું નથી તેથી ચંદ્રયાન ૩નું મુખ્ય કામ પાણીની ગુણવત્તા ચકાસવાનું છે. સાથે સાથે માટીની ગુણવત્તા પણ ચકાસશે. 

ચંદ્રયાન ૨નું વિક્રમ લેન્ડર પાણીની ગુણવત્તાની ચકાસણી માટે ચંદ્રની ધરતી પર ઉતર્યું પણ સોફ્ટ લેન્ડિંગ ના કરી શકતાં ખડકો સાથે અથડાઈને તૂટી પડયું. વિક્રમ લેન્ડર ચંદ્રની જમીનની અંદરથી અવશેષો મેળવીને તેનું એનાલિસીસ કરવાનું હતું પણ એ શક્ય ના બન્યું. તેનો કાટમાળ મળ્યો પણ સંપર્ક તૂટી ગયો હોવાથી બીજો કોઈ ડેટા આપણને ના મળ્યો. 

ચંદ્રની ધરતી પર સંશોધન માટે  ઘણાં મિશન હાથ ધરાયાં પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કોઈ નથી પહોંચ્યું. ચંદ્રયાન ટુનું લેન્ડર વિક્રમ દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું હતું. દુનિયામાં કોઈએ નથી કર્યું એવું પરાક્રમ આપણે કરવાના હતા ને ભારત અવકાશ સંશોધનમાં એક નવો ઈતિહાસ રચવાનું હતું પણ એ શક્ય ના બન્યું.

હવે ચંદ્રયાન થ્રી પણ દક્ષિણ ધ્રુવ પર જ ઉતરશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવનો અભ્યાસ સૌથી જરૂરી અને કપરો છે તેથી અત્યાર સુધી કોઈ દેશે એવી હિંમત કરી નથી. તેનું કારણ એ કે, ચંદ્રના ધ્રુવીય પ્રદેશો સાવ અલગ છે ધુ્રવપ્રદેશના ઘણા ભાગોમાં સૂર્યપ્રકાશ ક્યારેય પહોંચતો જ નથી.  તાપમાન પણ માઈનસ ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જતું રહે છે. આ કારણે ઠંડીમાં ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો બગડી જાય ને બધો ખર્ચ માથે પડે. ભારતે એ જોખમ ઉઠાવ્યું છે કેમ કે દક્ષિણ ધ્રુવ પર ઠંડી વધારે હોવાથી બરફ મળ્યો છે ને વિજ્ઞાાની અનુમાન છે કે, બરફના રૂપમાં પાણી હોઈ શકે છે. પાણીની ખાતરી થઈ જાય તો ઈતિહાસ રચાઈ જાય તેથી ભારતે એ જોખમ ઉઠાવ્યું છે. 

ચંદ્રયાન ૩ સફળ થાય ને આ અંગેના ડેટા મોકલી શકે તો તેના આધારે ભવિષ્યમાં ચંદ્ર પર માનવજીવનની શક્યતાનો નિર્ણય થશે. આ કારણે દુનિયાભરની અવકાશ સંશોધન ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ અને વિજ્ઞાાનીઓ ચંદ્રયાન ૩ પર મીટ માંડીને બેઠા છે. આ મિશન સફળ થાય તેની પ્રાર્થના પણ કરી રહ્યા છે. 

ભારતનું સાયન્સ અને ટેકનોલોજીમાં બહુ યોગદાન નથી. અવકાશ સંશોધનમાં તો ભારત બહુ પાછળ છે પણ ચંદ્રયાન ૩ એવું મિશન છે કે જે ભારતના પછાતપણાની બધી કસર પૂરી શકે છે. માનવો પૃથ્વી સિવાય બીજે જઈને રહી શકે, એક નવી દુનિયા વસાવી શકે એવું સપનું વરસોથી દુનિયાની મહાસત્તાઓ જોઈ રહી છે. હજુ સુધી કોઈને સફળતા મળી નથી ત્યારે ભારત ચંદ્ર પર માનવજીવન શક્ય હોવાનું સાબિત કરે એ ઘટના વિશ્વનો ઈતિહાસ બદલનારી સાબિત થશે. 

આ ઘટના ભારત માટે પણ ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. દુનિયામાં અવકાશ સંશોધનમાં એક સમયે રશિયા અને અમેરિકા વચ્ચે હરીફાઈ ચાલતી. હવે ચીન તેમાં આવ્યું છે. ૨૦૧૩માં ચીને ચાંગ ઈ-૩ મિશન મોકલેલું ને એ પ્રથમ પ્રયાસમાં સફળ થયેલું. આમ પ્રથમ પ્રયાસમાં સફળ થનાર ચીન એકમાત્ર દેશ છે. 

અત્યારે રશિયા, અમેરિકા અને ચીન એ ત્રણ જ દેશો સ્પેસ રીસર્ચમાં અવ્વલ છે. ભારતનું આ મિશન સફળ થશે તો ભારત આપોઆપ ચીન, રશિયા અને અમેરિકાની હરોળમાં આવી જશે. તેના કારણે દુનિયા ભારતને ગંભીરતાથી લેશે. 

ભારતમાં પણ આવાં મિશનને વેગ મળશે કેમ કે તેના કારણે વૈશ્વિક સ્તરે દેશનું ગૌરવ વધે છે. આ મિશનો  ભવિષ્યમાં ભારત માટે ઘણી મોટી તકોનું નિર્માણ પણ કરી શકે છે.

- ચંદ્રયાન ટુ ૧ મિનિટ ૯ સેકંડ માટે સફળતા ચૂક્યું હતું

૨૦૧૯માં ચંદ્રયાન ૨ મિશન એક મિનિટ માટે સફળતાથી દૂર રહી ગયું હતું.  ચંદ્રયાન ૨નું લેન્ડર વિક્રમ ૭ સપ્ટેમ્બરે ચંદ્રની સપાટીથી માત્ર ૨.૧ કિમી દૂર હતું ને ૧ મિનિટ ૯ સેકન્ડ પછી ચંદ્ર પર ઉતરવાનું હતું. આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવા ઈસરોના વડા કે. શિવન તથા ટોચના વિજ્ઞાાનીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસરોના હેડક્વાર્ટરમાં બેઠા હતા. કરોડો લોકો પણ ઐતિહાસિક ઘડીની રાહ જોઈ રહ્યા હતા ત્યાં જ ચંદ્રયાનનો સંપર્ક તૂટી જતાં આખા દેશમાં સોપો પડી ગયો હતો. 

ચંદ્રની ભ્રમણ કક્ષામાં ફરતા ઓર્બિટરે ચંદ્રની સપાટી પર પડેલા વિક્રમ લેન્ડરની તસવીર મોકલી હતી પણ વિક્રમ સાથે સંપર્ક થઈ શક્યો નહોતો. ભારતીય વિજ્ઞાાનીઓએ બહુ પ્રયત્ન કર્યા પણ વિક્રમનો કાટમાળ ક્યાં છે એ પણ ખબર નહોતી પડી. છેવટે અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેસ (નાસા)એ વિક્રમ લેન્ડરનો કાટમાળ શોધી કાઢયો છે. નાસાના લ્યુનર રેકોનઈસન્સ ઓર્બિટર (એલઆરઓ)એ કાટમાળની તસવીર પણ જાહેર કરી હતી. આ કાટમાળ શોધવામાં બનેલા ભારતીય એન્જીનિયર શણ્મુગ સુબ્રમણ્યમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

નાસાએ ૧૭ સપ્ટેમ્બરે ચંદ્રની સપાટીની તસવીરો ટ્વિટર પર મૂકીને સવાલ કર્યો હતો કે, ૮ સપ્ટેમ્બરે ચંદ્રયાન ટુ સાથેનો સંપર્ક તૂટયો એ પહેલાંની અને અત્યારની સ્થિતીમાં કોઈ ફરક દેખાય છે ? સુબ્રમણ્યમે ચંદ્રની સપાટી પર એક ટપકા જેવા આકારને જોઈને એલઆરઓ પ્રોજેક્ટને માહિતી આપી. નાસાએ તરત નજીકથી તસવીરો લેવડાવતાં ચંદ્રયાન ટુનો કાટમાળ પડયો હોવાનું સ્પષ્ટ થતાં નાસાએ સત્તાવાર રીતે કાટમાળ મળ્યો હોવાની જાહેરાત કરી હતી.

- ચંદ્રયાન ૧થી ચંદ્ર પર માનવજીવન શક્ય હોવાના સંકેત આપેલા

ભારતે ૨૦૦૮માં ચંદ્રયાન મિશનની શરૂઆત કરી હતી. ઓક્ટોબર ૨૦૦૮માં ચંદ્રયાન ૧ રવાના થયું હતું.  ૧૪ નવેમ્બર, ૨૦૦૮ના દિવસે મૂન ઈમ્પેક્ટ પ્રોબ છૂટું પડીને ચંદ્રની ધરતી પર ઉતર્યું હતું અને ભારતનો તિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. રશિયા, અમેરિકા અને ચીન પછી ચંદ્રની ધરતી પર ધ્વજ ફરકાવનારો ભારત માત્ર ચોથો દેશ બન્યો હતો.  

ચંદ્રયાન વન મિશન અત્યંત સફળ સાબિત થયેલું કેમ કે આ મિશને સાબિત કરેલુ કે, ચંદ્ર પર બરફ એટલે કે પાણી છે. પાણી હોય તેથી માનવજીવન શક્ય છે તેથી ભારતે ચંદ્ર પર માનવજીવનની શક્યતાને જીવંત કરી હતી. ભારતની આ શોધ ઐતિહાસિક હતી. અમેરિકાની નાસાએ પણ ભારતની શોધને બિરદાવી હતી.  ભારતે ચંદ્ર પર જીવન હોવાની શક્યતા અંગે વધુ તપાસ કરવા ૨૦૧૯માં ચંદ્રયાન ટુ મિશન મોકલ્યું હતું પણ એ મિશન નિષ્ફળ ગયું. 

ઈસરોએ તેનાથી હતાશ થયા વિના ચંદ્રયાન થ્રી મિશન હાથ ધરવાની તૈયારી કરી નાંખી હતી. મિશનનો રોડમેપ સ્પેસ કમિશનને આપી દેવાયો હતો. ઈસરો તો ૨૦૨૦માં જ ચંદ્રયાન ૩ મિશન હાથ ધરીને  ચંદ્રની ધરતી પર સંશોધન શરૂ કરવા માગતું હતું પણ સરકારી રાહે મંજૂરીઓમાં સમય જતાં પ્રોજેક્ટ ત્રણ વર્ષ માટે લંબાઈ ગયો.


Tags :