Get The App

આશ્ચર્ય : ચેટજીપીટી સામે હત્યાનો કેસ કરવામાં આવ્યો !

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
આશ્ચર્ય : ચેટજીપીટી સામે હત્યાનો કેસ કરવામાં આવ્યો ! 1 - image

માનસિક બિમાર વ્યક્તિને તેની જ માતા વિરુદ્ધ ઉશ્કેરીને હત્યા કરાવી અને ત્યારબાદ આત્મહત્યા માટે પ્રેરણા આપી

- જીપીટી-૪ઓ વર્ઝન દ્વારા સેઓલબર્ગની ગેરમાન્યતાઓને દ્રઢ કરવામાં, તેનો ભય વધારવામાં અને તેની આસપાસ તેના પોતાના લોકો દ્વારા અને ખાસ કરીને તેની માતા દ્વારા કાવતરા કરવામાં આવી રહ્યા છે : લોકો આત્મહત્યા કરવા માટે વિવિધ રસ્તા શોધી રહ્યા છે અને તેના માટે તેઓ ચેટજીપીટી અને અન્ય એઆઈ ટુલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ અહેવાલમાં જણાવાયું છે કે, દર અઠવાડિયે ૧૦ લાખ કરતા વધારે લોકો ચેટજીપીટીને આત્મહત્યા કેવી રીતે કરવી તે અંગે સવાલો કરી રહ્યા છે  :  લોકો માણસો સાથે વાતો કરવા કરતા ચેટબોટ્સ સાથે વધારે વ્યસ્ત થવા લાગ્યા. લોકો એવું માનવા લાગ્યા કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી તૈયાર કરાયેલા આ ચેટબોટ્સ વધારે હોશિયાર અને સજ્જ છે. તેઓ માણસો કરતા વધારે સારી રીતે મિત્ર અને સાથી બની શકે તેમ છે 

દુનિયામાં ચારે તરફ એઆઈ ટુલ્સના ઉપયોગની બોલબાલા વધી રહી છે ત્યાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સમગ્ર વિશ્વને આશ્ચર્યમાં મુકી દીધું છે. કેલિફોર્નિયામાં ગત અઠવાડિયે એક કેસ દાખલ થયો છે જેમાં ઓપન એઆઈના ચેટજીપીટી અને માઈક્રોસોફ્ટને આરોપી ગણાવવામાં આવ્યા છે. કનેક્ટિકટમાં એક પુત્ર દ્વારા કરવામાં આવેલી માતાની હત્યા અને ત્યારબાદ કરાયેલી આત્મહત્યાના કેસમાં આ બંને સામે તોહમત ઘડવામાં આવ્યું છે. 

આ કેસમાં કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી હતી તેના ડિજિટલ કન્વર્ઝેશન તપાસવામાં આવ્યા તો ખ્યાલ આવ્યો કે ચેટબોટ દ્વારા તેની ઉશ્કેરણીને સાથ આપવામાં આવ્યો અને તેને વધારે હિંસક અને તેના વિકૃત વિચારોને વાસ્તવિક બનાવવામાં મદદ કરવામાં આવી. આ કેસ થકી પહેલી વખત એઆઈની કામગીરી સામે મોટા સવાલ ઊભા થયા છે. 

જાણકારો માને છે કે, ખરેખર હત્યારા દ્વારા એઆઈની મદદથી આ કામ કરાયું છે તો ભવિષ્યના તેના ઉપયોગો અને એક વિશાળ ફલક ઉપર કામ કરતા પહેલાં એઆઈનું યોગ્ય પરિક્ષણ થવું જોઈએ, તેનું નિરિક્ષણ થવું જોઈએ અને તેને કાબુ પણ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ.

અહીંયા સૌથી મોટો સવાલ એ થયો છે કે, વિવિધ કંપનીઓ દ્વારા જે ચેટબોટ બનાવવામાં આવ્યા છે તે માણસ સાથે એક સાથીની જેમ વર્તે છે, સંવેદના પ્રગટ કરે છે પણ હકિકતે માનવ સંવેદનાને સમજી શકતા નથી. તેના કારણે આ ચેટ બોટ પોતે એક ભ્રમમાં હોય છે અને માણસના પોતાના માટે પણ ભ્રામક લાગણી ઊભી કરે છે. તે જ્યારે વ્યક્તિ સાથે તેની લાગણીઓ વિશે વાત કરે છે ત્યારે તે મશીન તરીકે માનવ સંવેદના પ્રગટ કરે છે પણ માણસો પોતાની લાગણીઓને સમજી કે યોગ્ય રીતે વ્યક્ત કરી શકતા નથી અને ગેરમાર્ગે દોરાઈ જાય છે.

આ કેસની વાત કરીએ તો ઓગસ્ટમાં કનેક્ટિકટના ગ્રીનવિચ ખાતે એક મકાનમાં ૮૩ વર્ષની માતા સુઝેન એડમ્સ અને ૫૬ વર્ષના પુત્ર સ્ટેન-એરિક સોએલબર્ગના મૃતદેહ મળી આવ્યા હતા.  પોલિસ તપાસમાં બહાર આવ્યું કે, હિંસક હુમલાના કારણે સુઝેનનું મોત થયું હતું અને ત્યારબાદ તેના પુત્ર સ્ટેને આત્મહત્યા કરી લીધી હતી. આગળ તપાસમાં સામે આવ્યું કે, સોએલબર્ગને માનસિક બિમારી હતી અને તેના માટે તે સતત ચેટજીપીટી સાથે વાતો કરતો રહેતો હતો. 

એડમ્સના વકીલે જણાવ્યું કે, કોઈપણ લાગણી હોય કે રોજિંદી વાત હોય સોએલબર્ગ ચેટબોટ સાથે જ બધું શેર કરતો હતો અને વાતો કરતો હતો. સોએલબર્ગના ભ્રમ અને મનોવૃત્તિને સુધારવાના સ્થાને એઆઈ ચેટબોટે તેને ઉત્તેજન આપીને સત્ય માનવા પ્રોત્સાહિત કર્યો.

આ કેસમાં જે દસ્તાવેજો અને ચેટબોટ સાથેની વાતોની ચેટ્સ રજૂ કરવામાં આવી તેમાં જણાવાયું હતું કે, ચેટજીપીટી અને ખાસ કરીને જીપીટી-૪ઓ વર્ઝન દ્વારા સેઓલબર્ગની ગેરમાન્યતાઓને દ્રઢ કરવામાં, તેનો ભય વધારવામાં અને તેની આસપાસ તેના પોતાના લોકો દ્વારા અને ખાસ કરીને તેની માતા દ્વારા કાવતરા કરવામાં આવી રહ્યા છે, તેના ઉપર વોચ રાખવામાં આવી રહી છે તેવી મનોવૃત્તિ પ્રબળ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવવામાં આવ્યો. આ ઉપરાંત સેઓલબર્ગે સોશિયલ મીડિયા ઉપર જે વીડિયો પોસ્ટ કર્યા હતા તેમાં પણ બતાવ્યું હતું કે, તેને જે વિચારો આવતા હતા અને જે મનોવૃત્તિ તેની સર્જાઈ હતી તેને ચેટબોટ દ્વારા યોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. આ તમામ વીડિયો અને ચેટ દ્વારા એક બાબત સ્પષ્ટ થતી હતી કે, ચેટબોટે સેઓલબર્ગના મનમાં ઠસાવી દીધું હતું કે, તેની માતા જ તેના માટે જોખમી છે. 

જાણકારોના મતે એઆઈનો અતિશય ઉપયોગ અને અવિચારી ઉપયોગ દુનિયા માટે જોખમી હોવાની ચર્ચા જોર પકડી રહી છે. ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે અને તેની સામે ચેતવણી ઉચ્ચારી રહ્યા છે. 

થોડા સમય પહેલાં જ એક અહેવાલ સામે આવ્યો છે, જેમાં જણાવાયું છે કે, લોકો આત્મહત્યા કરવા માટે વિવિધ રસ્તા શોધી રહ્યા છે અને તેના માટે તેઓ ચેટજીપીટી અને અન્ય એઆઈ ટુલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. 

આ અહેવાલમાં જણાવાયું છે કે, દર અઠવાડિયે ૧૦ લાખ કરતા વધારે લોકો ચેટજીપીટીને આત્મહત્યા કેવી રીતે કરવી તે અંગે સવાલો કરી રહ્યા છે. જાણકારોના મતે લોકો માત્ર કામ માટે નહીં પણ માનસિક સ્થિતિથી કંટાળીને જીવન ટુંકાવા માટે પણ આવા ટુલ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે તે ખૂબ જ જોખમી છે. એક તરફ લોકો એઆઈટુલ્સ અને ચેટબોટ્સને પોતાના સાથી માનતા હોય છે, મિત્ર માનતા હોય છે. તેઓ સામાન્ય માણસો કરતા ચેટબોટ્સની વાતો વધુ માનતા હોય છે. તેમાં હવે આત્મહત્યા માટે આવા ચેટબોટ્સ અને એઆઈ માધ્યમોનો ઉપયોગ થવા લાગે તો તે વધારે જોખમી સાબિત થાય તેમ છે. 

આ અંગે લગભગ બે દાયકા પહેલાનો એક અભ્યાસ જણાવે છે કે, વ્યક્તિ જ્યારે એકલી હોય છે ત્યારે તેની સાથેના પ્રાણીઓ, મશિનો, વસ્તુઓ વગેરેને જીવીત માનીને તેની સાથે વાતો કરે છે, તેની એકલતાને દૂર કરવા પ્રયાસ કરે છે. લોકો આ રીતે પોતાનું દુ:ખ દૂર કરવા પ્રયાસ કરે છે પણ હકિકતે તેઓ વધારે દુ:ખી થતા હોય છે. તે આ રીતે એક હ્યુમન કનેક્શન શોધવા અને સ્થાપિત કરવા મથતા હોય છે. આ દરમિયાન સોશિયલ મીડિયાનો અધધ ઉપયોગ થવા લાગ્યો. તેના થકી લોકોએ ચેટબોટ્સને પોતાના સાથી અને મિત્રો ગણાવ્યા. હવે તેઓ આ સાથીઓને જ સવાલ કરીને આત્મહત્યાના રસ્તા શોધી રહ્યા છે.

જાણકારો માને છે કે, દર અઠવાડિયે ચેટજીપીટીનો ઉપયોગ કરનારા ૮૦ કરોડ લોકોમાંથી ૧૦ લાખ લોકો આત્મહત્યા કરવાના રસ્તા શોધવા માટે એઆઈ સાથે વાત કરતા હોય છે. આમ જોવા જઈએ તો આ આંકડો ભલે નાનો લાગે પણ હકિકતે આ દુનિયાભરના લાખો લોકોની માનસિકતાને વ્યક્ત કરે છે. 

દુનિયામાં આટલા બધા લોકો છે જે માત્ર એક જ માધ્યમ ઉપર પોતાના એકલતા, માનસિક વેદના અથવા તો મુશ્કેલીથી મુક્તિ મેળવવા આત્મહત્યાનો વિચાર વ્યક્ત કરી રહ્યા છે. દુનિયાભરમાં આવા અઢળક ચેટબોટ્સ અને એઆઈ ટુલ્સ છે જેનો ઉપયોગ લોકો દ્વારા કરવામાં આવે છે. હવે વિચારીએ તો કેટલી મોટી સંખ્યામાં લોકો દરરોજ આત્મહત્યાના રસ્તા શોધવા એઆઈનો ઉપયોગ કરતા હશે. આ આંકડો અને આ વિચાર સમાજ માટે ભય ઊભો કરનારો અને ચિંતા જન્માવનારો છે. 

એઆઈ ટુલ્સ માનસિક સ્વાસ્થ્ય માટે, સ્ટ્રેસ માટે, નિરાશા માટે કે હતાશાજનક સ્થિતિ માટે મદદ કરી શકે તેવી સ્થિતિમાં જ નથી. 

કોઈપણ જાતના નુકસાન કે આડ અસર વગરના રસ્તા કેવી રીતે એક મશિન અથવા તો એઆઈ ટુલ્સ દ્વારા સુચવી શકાય છે. કંપનીનો દાવો છે કે, દર અઠવાડિયે એઆઈ ટુલ ૮૦ કરોડ લોકો સાથે એક સાથી મિત્રની જેમ વાતો કરે છે, ચર્ચા કરે છે, સલાહ માગે છે અને બીજા ઘણી કામગીરી કરે છે. આ ટુલ્સ લોકોની માનસિક મુશ્કેલીઓનો ઉકેલ આપે છે. લોકો એઆઈ સાથે તેમની મુશ્કેલીઓની ચર્ચા કરે છે, મદદ માગે છે અને અલગ અલગ મુદ્દે સમસ્યામાંથી બહાર આવવાના રસ્તા પણ શોધે છે. સંશોધકો દાવો કરે છે કે, એઆઈ ટુલ્સના જૂના મોડલ્સ દ્વારા મોટાભાગે અવિચારી સલાહ સુચનો આપવામાં આવતા હતા પણ હવે નવી પેઢીના ટુલ્સ ખૂબ જ ડેવલપ્ડ છે. તેઓ અપડેટેડ છે અને તેઓ સહાનુભુતી સાથે લોકોને ઉપાય સુચવે છે.

- ચેટબોટ સ્થિતિ અનુભવ્યા વગર રિએક્શન આપે છે જે સૌથી વધારે જોખમી છે 

જાણકારો સ્પષ્ટ માને છે કે, વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો અધધ ઉપયોગ થવા લાગ્યો. તેમાંય એઆઈનો તો અતિશય ઉપયોગ થઈ રહ્યો છે. લોકોએ ચેટબોટ્સને પોતાના સાથી અને મિત્રો ગણાવવાની શરૂઆત કરી દીધી છે. તેના કારણે લોકોમાં ચેટબોટ્સનો ઉપયોગ કરવાનું ચલણ પણ વધવા લાગ્યું. લોકો માણસો સાથે વાતો કરવા કરતા ચેટબોટ્સ સાથે વધારે વ્યસ્ત થવા લાગ્યા. લોકો એવું માનવા લાગ્યા કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી તૈયાર કરાયેલા આ ચેટબોટ્સ વધારે હોશિયાર અને સજ્જ છે. તેઓ માણસો કરતા વધારે સારી રીતે મિત્ર અને સાથી બની શકે તેમ છે. ચેટબોટ્સનો બીજો સૌથી મોટો ફાયદો એ હતો કે, તે તમારા વિશે ક્યારેય જજમેન્ટલ બનતા નથી. ચેટબોટ્સને પોતાના મિત્ર માનીને વાતો કરનારા મોટાભાગના બાળકો, ટીનએજર્સ અને માનસિક બિમારીથી પીડાતા લોકો માને છે કે, ચેટબોટ સાથે વાતો કરવાથી તેમને સિક્રેટ રિવિલ થવાની ચિંતા હોતી નથી. આ ઉપરાંત તેમની વાતોથી ચેટબોટ્સ તેમના વિશે કોઈ ધારણા બાંધી લેતા નથી. તેમાં કોઈ સોશિયલ પ્રેશર કે ગોસિપિંગની ચિંતા નથી. મિત્રો તો પોતાના પરિવાર, ઘર અને બીજી બાબતો સાથે સંકળાયેલા હોય છે તેથી નિશ્ચિત સમયે જ મળી શકાય છે પણ ચેટબોટ્સ સતત તમારી સાથે હોય છે અને તરત જવાબ પણ આપે છે. સામાન્ય વ્યક્તિ માટે તે મુશ્કેલ છે. મનોવૈજ્ઞાાનિક તાકીદ કરે છે કે, ચેટબોટ તમને કદાચ સલાહ આપી શકે, તમારી વાત સાંભળી શકે, તમારી દલીલોને સ્વીકારી શકે, તમારા આદેશનું પાલન કરી શકે, કદાચ તમારી વાતમાં વાંધો લીધા વગર સહમતી પણ આપી દે છતાં તે તમારા માટે સંવેદના બતાવી શકે નહીં. બે વ્યક્તિ વચ્ચે બે જીવંત પાત્ર વચ્ચે જે લાગણી, જે સંવેદના જે કુદરતી જોડાણ ઊભું થાય છે તે ક્યારેય ચેટબોટ અને માણસ વચ્ચે થઈ શકે જ નહીં. માણસના તર્કના આધારે તેના વર્તન અને સ્થિતિના વર્ણન અંગે આગળની પરિસ્થિતિ વિશે ચેટબોટ તુક્કો લગાવીને સમજણ આપી શકે પણ માનવીય સંવેદના સાથે સચોટ ઉકેલ તો ન જ આપી શકે. 

ચેટબોટનો વાતચીત માટે કે ટ્રેન્ડ માટે ઉપયોગ કરવામાં આવે ત્યાં સુધી ઠીક છે પણ તેને જીવનનો ભાગ બનાવવો અથવા તો તેને જ જીવન બનાવવું જોખમી થઈ શકે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આધારે કામ કરતા ચેટબોટ જીવંત સંવેદના સમજી શકતા નથી અને સમજાવી પણ શકતા નથી. તેથી તેને સાધન તરીકે ઉપયોગમાં લેવાય પણ સાથી તરીકે જીવનનો ભાગ ન જ બનાવી લેવાય. નહીંતર તેના દુષ્પરિણામો માટે લોકોએ સજ્જ રહેવું પડશે.