- ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી કેટલીક શરતોને આધિન ખોલવાની તૈયારી બતાવાઈ છે પણ અમેરિકા તેને દબાવવા માગે છે જેથી આ મુદ્દો વધુ ગુંચવાશે
- યૂનાઈટેડ સ્ટેટ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, અમેરિકા દ્વારા સંપૂર્ણ નાકાબંધી નહીં પણ ટાર્ગેટેડ બ્લોકેજ ઊભો કરવામાં આવશે. તેનો સીધો અર્થ એવો છે કે, અમેરિકા દ્વારા માત્ર એવા જ જહાજોને રોકવામાં આવશે જે ઈરાનના બંદરોએથી આવતા હશે અથવા તો ઈરાનના બંદરો સુધી જતા હશે : હોર્મુઝની ખાડી દુનિયાનો મહત્ત્વનો ચોક પોઈન્ટ ગણાય છે. તેને ચિકન નેક પણ કહેવામાં આવે છે. તેની પહોળાઈ માત્ર 33 કિલોમીટર છે પણ વાસ્તવિકતામાં જહાજોને પસાર થવા દેવાની પહોળાઈ તો માત્ર 3.7 કિલોમીટરની જ છે. તેના કારણે જ આ જગ્યા રણનીતિક દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશિલ અને મહત્ત્વની બની જાય છે : ઈરાન પાસે આ વિસ્તારમાં એન્ટિ શિપ મિસાઈલો, હજારો સમુદ્રી સુરગો અને લાખોની સંખ્યામાં નાની નાની એમ્યુનિશન બોટ, મિસાઈલો, રોકેટ અને ડ્રોન છે જે અમેરિકાના મોટા મોટા જહાજોને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે અને લાગ આવે તો ડૂબાડી પણ શકે છે. આ રસ્તો ખૂબ જ નાનો અને સાંકડો છે તેથી અમેરિકી જહાજો અને સેના ચોક્કસ ક્ષેત્રથી આગળ વધી શકે તેમ જ નથી
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કામચલાઉ ધોરણે યુદ્ધ વિરામ થકી ૧૪ દિવસ માટે અટકાવાયું હતું. આ દરમિયાન પાકિસ્તાનના મધ્યસ્થીના નામે ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલા નેતાઓ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ચર્ચા કરવા ભેગા થયા હતા. ત્રણે દેશો વચ્ચેની શાંતિવાર્તા નિષ્ફળ ગયાની સોમવારે અધિકારિક જાહેરાત કરવામાં આવી હતી. આ ચર્ચા વિચારણા દરમિયાન ઈરાને જે શરતો મુકી હતી તેના કારણે ટ્રમ્પ વધારે અકળાયા હતા. તેમણે આ વાર્તા રદ થયા બાદ ચેતવણી ઉચ્ચારી હતી કે, હવે હોર્મુઝની ખાડીમાંથી તે એકપણ જહાજ પસાર થવા નહીં દે. તેણે સમગ્ર ખાડીની આસપાસ નાકાબંદી કરવાની જાહેરાત કરી હતી અને તે દિશામાં કામગીરી પણ શરૂ કરી દીધી હતી.
જાણકારો માને છે કે, અમેરિકા દ્વારા ભલે શેખી મારવામાં આવતી પણ તેઓ હોર્મુઝની ખાડીની નાકાબંધી કરી શકે તેમ જ નથી.
જો આ ખાડીની નાકાબંધી કરવામાં આવે તો દુનિયાભરમાં ક્રૂડ અને ગેસ ઉપરાંત અન્ય વસ્તુઓનો સપ્લાય સદંતર અટકી જાય અને ચારેકોર ભયાનક સ્થિતિ ઊભી થાય. તેના કરતા પણ મોટી બાબત એ છે કે, ખરેખર અમેરિકા આ હોર્મુઝની ખાડી બંધ કરી શકે છે તે માની લેવું કે નહીં.
જાણકારોનો અહેવાલ છે કે, અમેરિકા ધારે તો પણ ૩૩ કિલોમીટર પહોળો આ જળમાર્ગ બંધ કરી શકે તેમ નથી. તે અહીંયા નાકાબંધી કરવા તહેનાત પણ થઈ શકે તેમ નથી. ઈરાને દરિયામાં એટલા બધા મરીન માઈન્સ બિછાવ્યા છે કે ક્યારે કઈ માઈન્સ ફાટે કોઈને ખબર નથી. બીજી તરફ અમેરિકાએ બે મોટા યુદ્ધ જહાજ આ ખાડીમાં તહેનાત કરી દીધા છે જે બાકીના જહાજો ઉપર દબાણ ઊભું કરશે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે પોતાના પહેલા નિવેદનમાં કહ્યું હતું કે, હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા દરેક જહાજને અમેરિકા દ્વારા રોકવામાં આવશે. તેના થકી લાગશે કે હોર્મુઝની ખાડીમાં બ્લોકેજ ઊભો થયો છે. ત્યારબાદ થોડા સમય પછી યૂનાઈટેડ સ્ટેટ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, અમેરિકા દ્વારા સંપૂર્ણ નાકાબંધી નહીં પણ ટાર્ગેટેડ બ્લોકેજ ઊભો કરવામાં આવશે. તેનો સીધો અર્થ એવો છે કે, અમેરિકા દ્વારા માત્ર એવા જ જહાજોને રોકવામાં આવશે જે ઈરાનના બંદરોએથી આવતા હશે અથવા તો ઈરાનના બંદરો સુધી જતા હશે. બીજી તરફ સાઉદી અરબ, યુએઈ અને કુવૈત જેવા સાથી દેશોના બંદરોએ આવન-જાવન કરતા જહાજોને રાહત આપવામાં આવશે.
ટ્રમ્પનો દાવો છે કે, ઈરાન દ્વારા આ રસ્તેથી પસાર થતા જહાજો પાસેથી ગેરકાયદે ટોલ વસુલવામાં આવી રહ્યો છે. અમેરિકા ક્યારેય આવું કામ ચલાવી લેશે નહીં. હું કોઈપણ ભોગે ઈરાનને આવા ટોલ વસુલવા દઈશ નહીં. ઉલ્લેખનીય છે કે, જેમ હાઈવે ઉપરથી ગાડીઓ પસાર થાય અને તેની પાસેથી ટોલ વસુલવામાં આવે છે તેમ ઈરાન દ્વારા હોર્મુઝની ખાડીમાંથી પસાર થનારા જહાજો પાસેથી ટોલ વસુલવામાં આવશે. ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાન દ્વારા જે કરવામાં આવી રહ્યું છે તે આંતરરાષ્ટ્રીય મરિન કાયદાઓનું ઉલ્લંઘન છે. કાયદાનો ભંગ કરીને જહાજો પાસેથી ગેરકાયદે ટોલ વસુલાતને અમેરિકા અટકાવશે.
માનવામાં આવી રહ્યું છે કે, આ કામગીરી ધારવામાં આવે તેટલી સરળ નથી. હોર્મુઝની ખાડી દુનિયાનો મહત્ત્વનો ચોક પોઈન્ટ ગણાય છે. તેને ચિકન નેક પણ કહેવામાં આવે છે. તેની પહોળાઈ માત્ર ૩૩ કિલોમીટર છે પણ વાસ્તવિકતામાં જહાજોને પસાર થવા દેવાની પહોળાઈ તો માત્ર ૩.૭ કિલોમીટરની જ છે. તેના કારણે જ આ જગ્યા રણનીતિક દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશિલ અને મહત્ત્વની બની જાય છે. ટેકનિલકી અમેરિકા પાસે નૌસેનાના વિશાળ યુદ્ધ જહાજો અને અન્ય જહાજો છે કે તે આ ખાડીને બંધ કરીને તેના ઉપર બ્લોકેજ ઊભું કરી શકે છે. તે સ્થિતિને કાબુ કરવાની ક્ષમતા ધરાવે છે પણ તે આ કામ કરી શકે કે કેમ ત્યાં સૌથી મોટો પડકાર રહેલો છે.
યુદ્ધના જાણકારો અને સૈન્ય ક્ષેત્રના જાણકારો માને છે કે, આ વિસ્તાર હકિકતે માત્ર જહાજોની અવરજવરો રસ્તો નહીં અને મોતનું તાંડવ કરી શકે તેવી એક જગ્યા છે. અમેરિકા માટે આ ખાડી ડેથ વેલી સાબિત થઈ શકે છે. ઈરાન પાસે આ વિસ્તારમાં એન્ટિ શિપ મિસાઈલો, હજારો સમુદ્રી સુરંગો અને લાખોની સંખ્યામાં નાની નાની એમ્યુનિશન બોટ, મિસાઈલો, રોકેટ અને ડ્રોન છે જે અમેરિકાના મોટા મોટા જહાજોને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે અને લાગ આવે તો ડૂબાડી પણ શકે છે. આ રસ્તો ખૂબ જ નાનો અને સાંકડો છે તેથી અમેરિકી જહાજો અને સેના ચોક્કસ ક્ષેત્રથી આગળ વધી શકે તેમ જ નથી. જે દુર્ગમ વિસ્તાર છે તેમાં ઈરાને પોતાનો તખતો ગોઠવી દીધેલો છે તેથી અમેરિકા ત્યાં આવી શકે તેમ નથી.
એક અહેવાલ અનુસાર અમેરિકાએ આ વિસ્તારમાં મોટાપાયે પગલાં લેવાની તૈયારીઓ બે દાયકા પહેલાથી શરૂ કરી દીધી હતી.
૨૦૦૩માં ઈરાક યુદ્ધ બાદ અમેરિકાએ આ વિસ્તારમાં સૌથી વધારે સૈન્ય જમાવડો શરૂ કરી દીધો હતો. હાલમાં તે બે મોટા એરક્રાફ્ટ કેરિયર યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ તથા યુએસએસ અબ્રાહ્મ લિંકન અહીંયા પહેલેથી જ તહેનાત છે. તે ઉપરાંત યુએસએસ જ્યોર્જ એચ.ડબ્લ્યૂ- બુશ પણ પોતાના સ્ટ્રાઈક ગ્રૂપ સાથે અહીંયા પહોંચી રહ્યું છે. આ સિવાય અમેરિકાએ ૧૩ જેટલા મોટા યુદ્ધ જહાજો કે જેમાં ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર અને ક્રૂઝર લગાવેલા છે તે પણ ફારસની ખાડી અને ઓમાનની ખાડીમાં તહેનાત કરવામાં આવેલા છે. અમેરિકાએ અંડર વોટર ડ્રોન અને માઈન સ્વીપિંગ જહાજો પણ સજ્જ કરી દીધા છે. ઈરાન દ્વારા જે સુરંગો લગાવવામાં આવી છે તેનો તાકીદે નિકાલ કરવામાં આવે અને ઈરાન ફરીથી સુરંગ ફેલાવી ન શકે તેની કામગીરી પણ કરી શકાય. અમેરિકાએ આ વિસ્તારમાં કબજો જમાવવાની અને ઈરાન સાથે વધુ એક સંઘર્ષમાં ઉતરવાની પૂરતી તૈયારી કરી લીધી છે.
બીજી તરફ એવું પણ કહેવાય છે કે, ઈરાનની આઈઆરજીસી દ્વારા અમેરિકાને પહેલાં જ ચેતવણી આપી દેવાઈ છે. ઈરાની સૈન્યએ જણાવ્યું છે કે, હોર્મુઝની ખાડી તરફ જો અમેરિકાનું એકપણ યુદ્ધ જહાજ આવ્યું તો તેને યુદ્ધવિરામનો ભંગ માનવામાં આવશે. ઈરાન દ્વારા તેનો આકરો જવાબ આપવામાં આવશે. બીજી તરફ એવું પણ કહેવાય છે કે, જો ઈરાન દ્વારા કોઈપણ અમેરિકી યુદ્ધ જહાજને નુકસાન પહોંચાડવામાં આવ્યું તો આ યુદ્ધ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. જાણકારો માને છે કે, અમેરિકાના કોઈપણ યુદ્ધ જહાજને ઈરાને નુકસાન પહોંચાડયું તો પેન્ટાગોન અકલ્પનિય બદલો લેશે. અમેરિકાની પ્રજા પણ ટ્રમ્પના આ આંધળુકિયાને સમર્થન આપશે. ત્યારબાદ અમેરિકા દ્વારા ઈરાન ઉપર જે તાંડવ કરવામાં આવશે તે અકલ્પનિય હશે.
ક્રૂડના ભાવમાં ફરી ભડકો થશે અને દુનિયાભરમાં તંગી અને મોંઘવારીનો બોમ્બ ફુટશે
ચિંતાજનક બાબત એ છે કે, અમેરિકા અને ઈરાન દ્વારા ફરીથી જે રીતે શિંગડા ભરાવાઈ રહ્યા છે તેનાથી તે બંનેને નુકસાન જવા કરતા દુનિયાને વધારે નુકસાન જવાની શક્યતાઓ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું તેમાં હોર્મુઝની ખાડી બંધ થઈ હતી. તેના કારણે ક્રૂડના ભાવમાં ભડકો થયો હતો. ક્રૂડના ભાવ ૭૨ ડોલરથી વધીને સીધા જ ૧૧૪ ડોલર સુધી પહોંચી ગયા હતા. હાલમાં યુદ્ધ વિરામને પગલે સ્થિતિ થોડી કાબુમાં આવી છે. હાલમાં પણ ક્રૂડના ભાવ ૧૦૩ ડોલરની આસપાસ છે. જો અમેરિકા અને ઈરાન દ્વારા ફરી બાથ ભીડવામાં આવશે તો આ વખતે દુનિયાની માઠી બેસે તેમ છે. ઈરાનનો માલ અમેરિકા ત્યાંથી આવવા નહીં દે અને અન્ય ખાડી દેશોના માલ આવશે તો ઈરાન તેના ઉપર હુમલા કરશે. આ રીતે ફરીથી દુનિયાભરમાં ક્રૂડનો અને ગેસનો સપ્લાય ખોરવાશે. આ ખાડી થકી દુનિયાના ક્રૂડ સપ્લાયનો ૨૦ ટકા જથ્થો આવતો હોવાથી આ વખતે ઘણી મુશ્કેલી વધશે. દુનિયાભરના દેશોમાં મોંઘવારી, ફુગાવો, તંગી જેવી સ્થિતિ સર્જાશે. બીજી તરફ એવું પણ છે કે, અમેરિકાએ નાકાબંધી જાહેર કર્યા બાદ છેલ્લાં ૨૪ કલાકમાં અહીંયાથી ૩૪ જેટલા જહાજો પસાર થઈ ગયા છે. અમેરિકા જ દાવો કરે છે કે, ખાડીની નાકાબંધી કરવા એક મનોવૈજ્ઞાાનિક યુદ્ધ છે. ઈરાનનું જ્યાં સુધી નાક નહીં દબાવવામાં આવે ત્યાં સુધી તે જહાજોને જવા દેશે નહીં. આશ્ચર્યની વાત એ છે કે, અમેરિકા રસ્તો બંધ કરવાની વાત કરે છે અને બીજી તરફ જહાજો નીકળે તેનું પણ કામ કરે છે તે કેવી રીતે શક્ય છે. આ સિવાય મેરિટાઈમ ડેટા જણાવે છે કે, માત્ર ૧૪ જહાજો જ પસાર થયા છે. હવે ખરેખર અમેરિકાનો દાવો સાચો છે કે, મેરિટાઈમ ડેટા સાચો છે. હાલમાં સ્થિતિ જરાય સ્પષ્ટ થતી નથી કે અમેરિકાએ રસ્તો બંધ કર્યો છે કે, ઈરાન દ્વારા માઈન્સ ફેલાવીને ખાડીને બંધ કરવામાં આવી છે. હાલમાં જહાજોની અવરજવર થઈ રહી છે પણ અહીંયા જો સંઘર્ષ ફરી શરૂ થશે તો સામાન્ય આવનજાવન પણ અટકી જશે અને સમગ્ર વિશ્વને તેનું પરિણામ ભોગવવા ફરીથી સજ્જ રહેવું પડશે.


