US નેવી UFOના વીડિયો જાહેર કરતાં કેમ ફફડે છે ?


- અમેરિકા જેવા તાકાતવર દેશ પર માત્ર વીડિયો જાહેર કરવાથી તેના પર ખતરો આવી જતો હોય તો આ વીડિયોમાં શું છે એ સવાલ થાય છે. બીજાં ગ્રહનાં લોકોએ અમેરિકાને ધમકી આપી છે કે, પછી પૃથ્વી પર જ એવાં પરિબળો છે કે જેમની તાકાત અમેરિકા કરતાં પણ વધારે છે ને અમેરિકા પણ તેમનાથી ફફડે છે એ સવાલો ઉભા થયા છે.  

અમેરિકન નેવીએ ધડાકો કર્યો છે કે, તેની પાસે અનઆઈડેન્ટિફાઈંગ ફ્લાઈંગ ઓબ્જેક્ટ્સ (યુએફઓ)ના પહેલાં કોઈએ ના જોયા હોય એવી ઘણા વીડિયો છે પણ આ વીડિયો જાહેર નહીં કરાય કેમ કે તેના કારણે રાષ્ટ્રીય સુરક્ષા સામે મોટો ખતરો પેદા થઈ શકે છે. દુનિયાને આ બધા વીડિયો બતાવવા જતાં અમારા માથે જ ખતરો ઉભો થાય તેમ છે તેથી આ વીડિયો જાહેર નહી કરાય અને તેને લગતાં રહસ્યો પણ બહાર પાડી શકાય એમ નથી એવું અમેરિકાનું કહેવું છે.

યુએસ નેવીની આ કબૂલાતથી આખી દુનિયામાં સનસનાટી મચી છે કેમ કે યુએફઓ બધાંના રસનો વિષય છે. સામાન્ય રીતે યુએફઓને બીજાં ગ્રહ પરના માનવજીવન સાથે જોડી દેવાય છે. યુએફઓનો અર્થ બહુ વ્યાપક છે. અવકાશમાંથી પડતી ઉલ્કાઓથી માંડીને બીજું ઘણું યુએફઓમાં આવે પણ આપણે ત્યાં યુએફઓની વાત થાય એટલે બીજાં ગ્રહ પર રહેતા જીવો પોતાનાં યાન પૃથ્વી પર મોકલે છે તેની વાત થાય છે એવું જ લોકો માનતાં હોય છે. અમેરિકન નેવીની કબૂલાતના પગલે પણ એવું જ લોકો માની બેઠાં છે તેથી આખી દુનિયાને તેમાં રસ પડી ગયો છે.  

આપણે જેને યુએફઓ કહીએ છીએ તેને અમેરિકાનો સંરક્ષણ વિભાગ એટલે કે ડીપાર્ટમેન્ટ ઓફ ડીફેન્સ જેને અનઆઈડેન્ટિફાઈંગ એરીયલ ફીનોમેના કહે છે.  યુએસ નેવીએ તેની પાસે જે વીડિયો છે એ ક્યા પ્રકારનાં છે તેનો ફોડ પાડયો નથી પણ અત્યારે એવી જ ચર્ચા ચાલી રહી છે કે, આ વીડિયો પરગ્રહવાસીઓએ મોકલેલાં યાનના છે. આ પરગ્રહવાસીઓ ટેકનોલોજીમાં અત્યંત પાવરફુલ છે તેથી અમેરિકા જેવા દેશને પણ તેના કારણે પોતાને નુકસાન થઈ શકે એવો ખતરો લાગે છે. આ વાત વહેતી થતાં લોકોમાં વધારે ઉત્તેજના છે. 

અમેરિકાના નેવીએ વીડિયો જાહેર કરવાથી પોતાની રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો છે એવું કેમ કહ્યું એ સવાલ છે જ. વિશ્વમાં અત્યારે તો અમેરિકા સૌથી શક્તિશાળી દેશ છે. સાયન્સ અને ટેકનોલોજી તથા મિલિટરી બંને રીતે અમેરિકા પાસે દુનિયામાં કોઈ દેશ પાસે ના હોય એવી તાકાત છે. આટલો તાકાતવર દેશ હોવા છતાં માત્ર વીડિયો જાહેર કરવાથી તેના પર ખતરો આવી જતો હોય તો આ વીડિયોમાં શું છે એ સવાલ પણ થાય જ. બીજાં ગ્રહનાં લોકોએ અમેરિકાને ધમકી આપી છે કે, પછી પૃથ્વી પર જ એવાં પરિબળો છે કે જેમની તાકાત અમેરિકા કરતાં પણ વધારે છે ને અમેરિકા પણ તેમનાથી ફફડે છે એ સવાલો ઉભા થાય છે.  

યુએસ નેવી પાસે ખરેખર ક્યા પ્રકારના વીડિયો છે તેની આપણને ખબર નથી પણ આ વીડિયોનો વિવાદ છેલ્લાં બે વર્ષથી ચાલે છે. અમેરિકા સહિતના દેશો વરસોથી યુએફઓ અંગે સંશોધન કર્યા કરે છે પણ એ બધું ખાનગી રાખે છે. ૨૦૨૦ની સાલમાં અમેરિકાના સંરક્ષણ વિભાગે યુએફઓને લગતા ત્રણ વિડિયો જાહેર કરેલા, બલ્કે જખ મારીને જાહેર કરવા પડેલા એવું કહી શકાય કેમ કે આ વીડિયોના ક્લિપિંગ્સ મીડિયામાં લીક થઈ ગયાં હતાં.

અમેરિકાએ પહેલાં તો આ વીડિયોને બોગસ ગણાવેલા. મીડિયા સનસનાટી ફેલાવવા માટે તુક્કા વહેતા કરે છે ને જાતે બનાવેલા વીડિયો યુએફઓના નામે ફરતા કરે છે એવું કહેલું પણ મીડિયાએ આ વીડિયો સાવ સાચા છે એ વાતને પકડી રાખી. અમેરિકા સહિતના દેશોમાં મીડિયા પાવરફુલ છે અને સરકાર દબાવે કે દબડાવે તેથી દબાઈ જતું નથી. આ કારણે સરકાર તેમને દબાવી  ના શકી એટલે અમેરિકન નેવીએ કબૂલવું પડયું કે, આ વીડિયો સાચા છે અને યુએફઓના જ છે. અમેરિકામાં ફ્રીડમ ઓફ ઈન્ફર્મેશન એક્ટ (એફઓઆઈએ) છે. આ કાયદા હેઠળ લોકોને સરકાર પાસેથી તમામ પ્રકારની માહિતી મેળવવાનો અધિકાર છે. ભારતમાં રાઈટ ટુ ઈન્ફર્મેશન (આરટીઆઈ) તેની જ નબળી નકલ છે. આરટીઆઈ એક્ટ હેઠળ અરજી કરાય તો પણ આપણે ત્યાં તંત્ર લોકોને ટલ્લે ચડાવી દે છે પણ અમેરિકામાં એફઓઆઈએ હેઠળ માહિતી માંગવામાં આવે તો સરકારે જવાબ આપવો જ પડે. 

અમેરિકામાં સરકાર દ્વારા જ બ્લેક વોલ્ટ નામની ટ્રાંસપેરન્સી વેબસાઈટ છે કે જે સરકાર બધું કામ પારદર્શક રીતે કરે છે ને કુલડીમાં ગોળ તો નથી ભાંગતી ને તેના પર નજર રાખે છે. યુએસ નેવીએ પોતાની પાસે યુએફઓના વીડિયો હોવાનું સ્વીકાર્યું એટલે બ્લેક વોલ્ટે ફ્રીડમ ઓફ ઈન્ફર્મેશન એક્ટ (એફઓઆઈએ) હેઠળ અરજી નાંખીને તેની પાસે જેટલા પણ આ પ્રકારના વીડિયો હોય એ તમામ જાહેર કરવાની વિનંતી કરી હતી. અમેરિકન નેવીએ બે વર્ષ સુધી ગલ્લાંતલ્લાં કર્યા પછી હમણાં અંતે આ વિનંતીને નકારી કાઢીને વીડિયો જાહેર કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. 

અમેરિકન નેવીએ બે વર્ષ સુધી આ મામલાને લટકાવી રાખ્યો તેના કારણે શંકા-કુશંકાઓ પણ થઈ રહી છે. અમેરિકાના વિજ્ઞાાનીઓ બીજા ગ્રહનાં લોકો સાથે સંપર્કમાં છે અને તેમની વિગતો જાહેર કરવા માટે તેમની સાથે ચર્ચા કરી રહ્યા હતા એવી વાતો પણ વહેતી થઈ છે. પરગ્રહવાસીઓની ધમકી પછી અમેરિકાએ સાફ ઈન્કાર કર્યો એવું પણ મનાય છે. 

ખેર, અંદરખાને સાચું કારણ શું છે એ અમેરિકનો જાણે પણ બહાર તો આ વીડિયોને લગતો ડેટા ક્લાસિફાઈડ એટલે કે સંવેદનશીલ હોવાથી અને તેના કારણે રાષ્ટ્રની સુરક્ષાને ખતરો હોવાથી તેને જાહેર કરી શકાય તેમ નથી એવો દાવો અમેરિકાએ કર્યો છે. 

આ દાવો ગળે ઉતરે એવો નથી કેમ કે અમેરિકાએ આ પ્રકારના ત્રણ વીડિયો પહેલાં બહાર પાડયા જ છે. એ વખતે રાષ્ટ્રની સુરક્ષા સામે ખતરો ઉભો નહોતો થયા ?  બીજું એ કે, અમેરિકાના ડિરેક્ટર ઓફ નેશલ ઈંન્ટેલિજન્સ દ્વારા યુએફઓ વિશે કેટલીક વિગતો બહાર પડાઈ હતી. અમેરિકાની સંસદ દ્વારા યુએફઓ દેખાય છે એ મુદ્દે ઓપન હાઉસ કમિટી પણ બનાવાઈ છે. આ કમિટી જાહેર સુનાવણી કરે છે અને લોકોના અનુભવો સાંભળે છે. અમેરિકાની સરકાર સત્તાવાર રીતે યુએફઓ અંગે આ બધું કરી રહી છે ત્યારે નેવી શું કરવા વીડિયો છૂપાવી રહી છે એ પણ સવાલ છે. 

એક વર્ગ એવો છે કે જે માને છે કે, ખરેખર યુએફઓના કોઈ વીડિયો જ અમેરિકા પાસે નથી. નેવી પોતે આવી વાતો ફેલાવીને લોકોને ઉલ્લુ બનાવી રહી છે. બાકી, આવા વીડિયો હોય તો એ અત્યાર લગી છૂપા ના રહી શકે. 

ખેર, સત્ય ગમે તે હોય, યુએફઓની આખી વાત રોમાંચક તો છે જ. બીજાં ગ્રહનાં લોકોનાં યાનના આ વીડિયો હોય તો તેની રોમાંચકતા ઓર વધી જાય છે. બ્રહ્માંડમાં આપણા જેવા બીજા જીવો અસ્તિત્વમાં છે એ વાત જ રૃવાડાં ઉભાં કરનારી છે. આ જીવો કેવા હશે એ આપણને ખબર નથી પણ હશે તો ક્યારેક તો નજર આવશે જ ને ? 

અમેરિકાએ યુએફઓના નકલી વીડિયો જાહેર કરેલા ? 

અમેરિકાના નેવીએ ૨૦૨૦માં યુએફઓના ત્રણ વીડિયો જાહેર કર્યા ત્યારે એ પણ નકલી હોવાની વાતો ચાલી હતી. અમેરિકાએ ફિલ્મ સ્ટુડિયોમાં વીડિયો બનાવીને જાતે જ મીડિયાં ક્લિપ લીક કરાવી હતી એવી વાતો ચાલી હતી.  

અમેરિકા માટે આ પ્રકારની વાતો પહેલી વાર નથી થઈ. બલ્કે રશિયા તો અમેરિકાના અવકાશ કાર્યક્રમને જ બોગસ ગણાવે છે અને અમેરિકાએ પહેલી વાર ચંદ્રની ધરતી પર યાન ઉતાર્યું જ નહોતું પણ સ્ટુડિયોમાં વીડિયો શૂટ કરેલા એવો દાવો કરે છે. રશિયાએ તો ચાર વર્ષ પહેલાં જાહેરાત પણ કરી હતી કે, અમેરિકાના અવકાશયાત્રીઓ ખરેખર ચંદ્ર સુધી પહોંચ્યા હતા કે કેમ તેની તપાસ કરાશે.

ચંદ્રની ધરતી પર પહેલી વાર પગ મૂકવાનું શ્રેય અમેરિકનોને અપાય છે. 

૧૯૬૯ની ૨૦ જુલાઈએ એપોલો-૧૧ યાને ચંદ્રની સપાટી પર 'સી ઓફ ટ્રેક્વિલિટી' તરીકે ઓળખાતા સ્થળ પાસે ઉતરાણ કર્યુ હતું. ૨૧ જુલાઈએ નીલ આર્મસ્ટ્રોંગે યાનમાંથી બહાર નીકળી ચંદ્રની સપાટી પર પગ મૂક્યો પછી થોડી વાર આંટા ફેરા કર્યા હતાં.

આર્મસ્ટ્રોંગે પોતાની સાથે લાવેલા ઉપકરણો ચંદ્રની સપાટી ઉપર મૂકવા ઉપરાંત શાંતિના સંદેશા તરીકે સોનાની બનેલી ઓલિવની ડાળી પણ ચંદ્ર પર મુકી હતી. અમેરિકાનો ધ્વજ પણ ફરકાવાયો હતો.  એ પછી અમેરિકાએ ચંદ્ર પર બીજા ૬ સમાનવ યાનો મોકલ્યા અને એપોલો પ્રોગ્રામ છેક ૧૯૭૨ સુધી ચાલ્યો. ૧૯૭૨ના ડિસેમ્બરમાં એપોલો-૧૭ ચંદ્ર પર ઉતર્યું એ પછી એપોલો કાર્યક્રમ અને ચંદ્રની સમાનવયાત્રા બન્ને સમેટી લેવાયા. રશિયાના દાવા મુજબ ચંદ્રની ધરતી પર ઉતરાણના ફોટો-વીડિયો અમેરિકાના ગુપ્ત વિસ્તાર એરિયા-૫૧માં ઉતારેલા શૂટિંગનો ભાગ છે. 

 હોલિવૂડ સ્ટુડિયોની મદદથી સેટ ઉભો કરીને અમેરિકાએ શૂટિંગ કરેલું કે જેથી રશિયાની બરાબરી કરી શકે. 

આ દાવો કેટલો સાચો છે તે ખબર નથી પણ અમેરિકા શંકાના દાયરામાં છે જ.

City News

Sports

RECENT NEWS