Get The App

ક્લાઈમેટ સમિટ : પઈની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
ક્લાઈમેટ સમિટ : પઈની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં 1 - image


- બ્રાઝિલના એમેઝોનના જંગલમાં પર્યાવરણ બચાવવાના નામે 50,000 લોકો ભેગા થયા છે, જે આગળની કોઈ સમિટના તારણોનું પૂર્ણ અમલિકરણ કરી શક્યા નથી

- પર્યાવરણ અને ગ્લોબલ એન્વાર્યનમેન્ટની સ્થિતિ અત્યંત ડામાડોળ છે અને છતાં હજારો લોકો પ્રાઈવેટ જેટ લઈને, વિમાનોમાં સવાર થઈને લાખો કરોડોની કિંમતના પેટ્રોલના ધુમાડા કરીને પર્યાવરણ બચાવવાની વાતો કરશે : નવાઈની વાત એ છે કે, અત્યાર સુધી યોજાયેલી આગળની 29 ક્લાઈમેટ સમિટમાંથી મોટાભાગની સમિટના તારણો અને ઉકેલ ઉપર ખાસ અમિલકરણ થયું જ નથી. તેમાંય કેટલી મોટી ક્લાઈમેટ સમિટના નિર્ણયો ઉપર અમલિકરણ થવાનું તો દૂર પણ અવળી પરિસ્થિતિ જોવા મળી છે : 2024માં જ ભારતમાં ભયાનક વરસાદ પડયો હતો અને મોટા પ્રમાણમાં પૂર આવ્યું હતું. તેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને ત્રિપુરાના જ 80 લાખ કરતા વધારે લોકોને અસર થઈ હતી

બ્રાઝિલમાં સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ સમિટની શરૂઆત થઈ ગઈ છે. તેની શરૂઆત જ ભયાનક વિરોધ અને વિદ્રોહ સાથે થઈ છે. યુએનની આ COP30  ક્લાઈમેટ સમિટમાં ક્લાઈમેટ ચેન્જ, પર્યાવરણને બચાવવાની વાતો, ગરમીને કેવી રીતે ઓછી કરી શકાય, વારંવાર આવતા વાવાઝોડા, અતિવૃષ્ટી, ભૂકંપો વગેરે જેવી કુદરતી આપત્તીઓનો રોકવા માટે ચર્ચા થવાની છે. ૧૨ નવેમ્બરથી શરૂ થયેલી આ સમિટ ૨૧ નવેમ્બર સુધી ચાલવાની છે. દુનિયાભરના પર્યાવરણવિદોની નજર આ ક્લાઈમેટ સમિટ ઉપર છે પણ બ્રાઝિલના સ્થાનિકો તો આ સમિટનો મોટાપાયે વિરોધ કરી રહ્યા છે. 

આ સમિટનો વિરોધ કરનારા સંગઠનોનું કહેવું છે કે, યુએનની આ સમિટનો કોઈ લાભ નથી. આ પહેલાં ૨૯ સમિટ કરવામાં આવી છે. તેમાં નીકળેલા તારણો અને લેવાયેલા નિર્ણયોનો આજદિન સુધી સંપૂર્ણ અમલ કરી શકાયો નથી. લોકોનું કહેવું છે કે, ગત સમિટમાં પણ જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેનો પણ યોગ્ય રીતે અમલ કરી શકાયો નથી. પર્યાવરણ અને ગ્લોબલ એન્વાર્યનમેન્ટની સ્થિતિ અત્યંત ડામાડોળ છે અને છતાં હજારો લોકો પ્રાઈવેટ જેટ લઈને, વિમાનોમાં સવાર થઈને લાખો કરોડોની કિંમતના પેટ્રોલના ધુમાડા કરીને પર્યાવરણ બચાવવાની વાતો કરશે. તેનાથી પણ મોટી વાત એ છે કે, બેલમ શહેરમાં નદી કિનારે એસી ટેન્ટ બનાવવામાં આવ્યા છે જેથી લોકોને ગરમી ન લાગે અને મિટિંગો ચાલતી રહે. આટલી મોટી સંખ્યામાં એસી ચાલવાના કારણે ગ્રીનહાઉસ ગેસનું પ્રમાણ વધી ગયું છે છતાં જંગલમાં એસી ટેન્ટ બનાવીને બ્રાઝિલ અને એમેઝોન જંગલ બચાવવા મિટિંગ થવાની છે. સ્થાનિકોમાં તેના માટે જ રોષ ફેલાયો છે કે અમારા જ જંગલને અને અમારી જ જમીનને બચાવવાની વાત થાય છે અને અમારું જ પ્રતિનિધિત્વ નથી.

ઉલ્લેખનીય છે કે, યુએન દ્વારા જે બેઠક બોલાવાઈ છે તેનો સાર સમજવો પડશે. યુએનની આ COP30  બેઠકને કોન્ફરન્સ ઓફ ધ પાર્ટિઝ પણ કહેવાય છે. યુએન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ હેઠળ દર વર્ષે આવી બેઠક થાય છે. ૧૯૯૨થી પર્યાવરણની સુરક્ષા માટે આ પ્રકારની બેઠકો કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૨૯ વખત બેઠક થઈ ગઈ છે. આ વખતે બ્રાઝિલમાં ૩૦મી બેઠક યોજવામાં આવી છે. ખાસ વાત એ છે કે, બ્રાઝિલમાં એમેઝોન જંગલમાં આવેલા એમેઝોન નદીના કિનારે વસેલા આદિવાસીઓના શહેર બેલમમાં નદી કિનારે જ એસી ટેન્ટ સિટી વિકાસવીને આ સમિટ યોજવામાં આવી રહ્યું છે. આ રીતે આ સમિટ દ્વારા જંગલોના મહત્ત્વ વિશે લોકોને સમજાવી શકાય અને ઉજાગર કરી શકાય. ૨૧ નવેમ્બર સુધી ચાલનારી આ સમિટમાં ૧૯૮ દેશોના નેતાઓ, ટોચના લિડર્સ, સાયન્ટિસ્ટ, સંશોધકો, એનજીઓના સભ્યો, પર્યાવરણ પ્રેમીઓ અને એક્ટિવિસ્ટ સહિત કુલ ૫૦,૦૦૦ લોકો આવ્યા છે. આ તમામ લોકો પર્યાવરણ બચાવવા માટે ચર્ચા કરવા છે. 

કહેવાય છે કે, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની સ્થિતિ દિવસે ને દિવસે અત્યંત વિકટ થતી જાય છે. ૨૦૨૪નું વર્ષ સૌથી ગરમ વર્ષ પણ રહ્યું હતું. જાણકારો માને છે કે, પેરિસ એગ્રિમેન્ટ દરમયાન નક્કી કરવાં આવ્યું હતું કે, આગામી એક દાયકામાં પૃથ્વીનું તાપમાન ૧.૫ ડિગ્રીથી વધારે કરવામાં આવશે નહીં પણ હાલમાં આપણે ભયાનક સ્થિતિમાં છીએ. પૃથ્વીનું તાપમાન અત્યારે ૩ ડિગ્રીના વધારા સુધી પહોંચવા આવ્યું છે. આ વખતે યોજાનારું આ COP30  સમિટ પેરિસ એગ્રિમેન્ટ દરમિયાન નક્કી કરાયેલા આયોજનો અને સંકલ્પને વધારે મજબૂત કરવામાં મદદગાર સાબિત થશે તેવું મનાય છે.

આ સમિટમાં ભાગ લેનારા સંશોધકો અને જાણકારોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગથી બચવું હશે અને ક્લાઈમેટ ચેન્જથી આગામી પેઢીને સુરક્ષિત રાખવી હશે તો જંગલો બચાવવા પડશે. એમેઝોન દુનિયાના ફેફસાં ગણાય છે. તે સૌથી વધારે કાર્બન ડાયોક્સાઈડ શોષે છે અને ઓક્સિજન પૂરો પાડે છે. તાજેતરમાં શરૂ થયેલી COP30 સમિટ ડિફોરેસ્ટેશનને રોકવા માટે નવા આયોજનો અને નવી કામગીરી ઉપર ચર્ચા કરશે. ધનિક દેશો દ્વારા ક્લાઈમેટ ચેન્જમાં પરિવર્તન લાવવા અને સ્થિતિ સુધારવા માટે ગરીબ દેશોને ૧૦૦ બિલિયન ડોલરનું વાર્ષિક ભંડોળ આપવામાં આવશે તેવો વાયદો ગત સમિટમાં કરવામાં આવ્યો હતો પણ તેનું હજી પાલન કરાયું નથી. આ વખતે ૧ ટ્રિલિયન ડોલરના ટાર્ગેટ અંગે વિચારણા કરવામાં આવશે. બીજી તરફ આફ્રિકા, એશિયા અને ખાડી દેશો તથા દ્વિપ દેશોમાં વારંવાર આવતા ચક્રવાત અને વાવાઝોડા તથા અન્ય કુદરતી આપત્તીઓથી લોકોને બચાવવા અને સ્થિતિ સુધારવા માટે વધુ મદદ અને આયોજન અંગે વિચારણા કરવામાં આવશે. નવાઈની વાત એ છે કે, અત્યાર સુધી યોજાયેલી આગળની ૨૯ ક્લાઈમેટ સમિટમાંથી મોટાભાગની સમિટના તારણો અને ઉકેલ ઉપર ખાસ અમલીકરણ થયું જ નથી. તેમાંય કેટલી મોટી ક્લાઈમેટ સમિટના નિર્ણયો ઉપર અમલીકરણ થવાનું તો દૂર પણ અવળી પરિસ્થિતિ જોવા મળી છે. ગત વર્ષની જ વાત કરીએ તો COP29 સમિટ દરમિયાન ફાઈનાન્સ ઉપર ફોકસ કરવાનું નક્કી થયું હતું. ધનિક દેશો દ્વારા ક્લાઈમેટ ચેન્જ સામે લડવા ગરીબ દેશોને ફંડ આપવામાં આવસે તેવું નક્કી થયું હતું પણ તે વાયદા પૂરા થયા નહીં. નવા ફંડ સેટઅપ થયા નહીં અને જે ફંડ આવ્યું તે પણ ઓછું આવ્યું જેના કારણે ગરીબ દેશોને ખાસ લાભ થયો નહીં. તેવી જ રીતે COP26 સમિટ જે ૨૦૨૧મા ગ્લાસગો ખાતે યોજાઈ હતી તેમાં કોલ ફેઝ ડાઉનનો નિર્ણય લેવાયો હતો. તમામ દેશો દ્વારા કોલસાનો ઉપયોગ ધીમે ધીમે ઘટાડવાની ચર્ચા થઈ હતી. હાલમાં પણ કોલસાનો ઉપયોગ પહેલાં જેટલો જ થઈ રહ્યો છે. ગણતરીના દેશો દ્વારા તેમાં ઘટાડો કરાયો છે બાકી સરેરાશ સ્થિતિમાં કોઈ જ સુધારો નથી. 

તેનાથી થોડા આગળ જઈએ તો એક દાયકા પહેલાં પેરિસ ખાતે યોજાયેલી સમિટમાં પેરિસ એગ્રિમેન્ટ કરવામાં આવ્યો હતો. તેમાં રિન્યૂએબલ એનર્જીના વપરાશમાં વધારો કરવાનું નક્કી કરાયું હતું. આ મુદ્દે સફળતા મળી છે અને રિન્યૂએબલ એનર્જીનો ઉપયોગ એક દાયકામાં ત્રણ ગણો વધ્યો છે. 

બીજી તરફ તે સમિટમાં ધનિક દેશોએ ફંડની જવાબદારી લીધી હતી તેમાં ઉણા ઉતરવા લાગ્યા અને તેના પગલે સ્થિતિ ડામાડોળ થઈ ગઈ તેની કોઈ ચર્ચા નથી. હાલમાં જે સમિટ ચાલી રહી છે તેમાં પેરિસ રિવ્યૂ ઉપર વધારે ફોકસ કરવા તથા જંગલો બચાવવા અને જમીન સુરક્ષિત રાખવા ઉપર વધારે ધ્યાન કેન્દ્રીત કરાઈ રહ્યું છે.

કુદરતી આપત્તિઓને પગલે છેલ્લાં 3 દાયકામાં ભારતમાં 80,000 મોત 

બ્રાઝિલ ખાતે ચાલી રહેલા ક્લાઈમેટ સમિટ દરમિયાન દરેક કોન્ટિનેન્ટ અને તેના વિવિધ સેક્ટર તથા તેમાં આવેલા દેશોની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત દુનિયામાં કુદરતી આપત્તીઓના ભોગ બનનારા ટોચના દેશઓ અંગે પણ ચર્ચા કરાઈ હતી. તેમાં જણાવાયું હતું કે, ભારતમાં છેલ્લાં ત્રણ દાયકામાં ક્લાઈમેટ ચેન્જની મોટી અસર થઈ છે.

 દુનિયાના ક્લાઈમેટ ચેન્જથી પરેશાન દેશોમાં ભારત ટોપટેનમાં આવે છે. તે નવમા ક્રમે આવે છે. છેલ્લાં ત્રીસ વર્ષમાં ૪૩૦ જેટલી ભયાનક કુદરતી આપત્તીઓ નોંધાઈ છે જે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના પરિણામ જેવી હતી. ૧૯૯૫થી અત્યાર સુધીમાં ભારતમાં ક્લાઈમેટ ચેન્જના કારણે આવેલી કુદરતી આપત્તીઓમાં ૮૦,૦૦૦ લોકોનાં મોત થયા છે જ્યારે દેશની મોટાભાગની એટલે કે અંદાજે ૧.૩ અબજ વસતી કોઈને કોઈ મુશ્કેલી અને સમસ્યાનો સામનો કરી રહી છે. ક્લાઈમેટ રિસ્ક ઈન્ડેક્સ ૨૦૨૬ નામના આ અહેવાલમાં જણાવાયું છે કે, ભારતની મોટાભાગની વસતી ક્લાઈમેટ ચેન્જથી પરેશાન છે. તેના કાણે ત્રણ દાયકામાં ભારતે ૧૭૦ અબજ ડોલરનું નુકસાન વેઠવું પડયું છે. 

પૂર, વાવાઝોડા, દુકાળ અને હીટ વેવ જેવી કુદરતી આપત્તીઓએ ભારતમાં કેર વર્તાવ્યો છે. જાણકારોના મતે ૧૯૯૮માં ગુજરાતમાં આવેલું ભયાનક વાવાઝોડું, ૧૯૯૯માં ઓડિશામાં આવેલું સુપર સાઈક્લોન તથા ૨૦૧૩માં ઉત્તરાખંડમાં આવેલું ભીષણ પૂર તથા તાજેતરના કેટલાક વર્ષોમાં હીટ વેવથી થઈ રહેલા લોકોનાં મોતે ભારતને આ ઈન્ડેક્સમાં ટોચના ૧૦ દેશોમાં રાખ્યો છે. અહેવાલો જણાવે છે કે, ભારતમાં થઈ રહેલા વિકાસ અને જંગલો તથા ઉપજાઉ જમીનોના આડેધડ નિકંદનને કારણે ક્લામેટ ચેન્જની અસર વધારે વકરી રહી છે. તેના કારણે કુદરતી આપત્તીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં વરસાદની અનિશ્ચિતતાઓ એટલી બધી છે કે, અતિવૃષ્ટિ થાય કે દુકાળ પડે તો કરોડો લોકો તેનો ભોગ બનતા હોય છે. અતિવૃષ્ટિની જ વાત કરીએ તો ૨૦૨૪માં જ ભારતમાં ભયાનક વરસાદ પડયો હતો અને મોટા પ્રમાણમાં પૂર આવ્યું હતું. તેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને ત્રિપુરાના જ ૮૦ લાખ કરતા વધારે લોકોને અસર થઈ હતી. 

ત્રણ દાયકામાં દુનિયાભરના દેશોને કુદરતી આપત્તિઓમાં 4.5 ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું 

જાણકારોના મતે માત્ર ભારત જ નહીં પણ પૂર, વાવાઝોડું અને અતિવૃષ્ટિ ગત વર્ષે દુનિયાભરના દેશો માટે મુસીબત બન્યા હતા. તેના કારણે દુનિયાભરની અડધી વસતી હેરાન થઈ હતી અને અબજો ડોલરનું નુકસાન થયું હતું. આ અહેવાલમાં જોઈએ તો છેલ્લાં ત્રણ દાયકામાં ક્લાઈમેટ ચેન્જના અસર રૂપ જે કુદરતી આપત્તીઓ આવી તેનો આંકડો ખૂબ જ મોટો છે. ૧૯૯૫થી ૨૦૨૪ સુધીમાં ૯,૭૦૦ કુદરતી આપત્તીઓ આવી જેમાં ૮.૩ લાખલોકોના જીવ ગયા છે. તે ઉપરાંત ૫.૭ અબજ લોકો તેનો સીધી કે આડકતરી રીતે ભોગ બન્યા છે. તે ઉપરાંત દુનિયાના દેશોને કુલ ૪.૫ ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું છે. સૌથી ખરાબ વાતાવરણની અસરનો ભોગ બનનારો ટોચનો દેશ ડોમિનિકા છે. ત્યારબાદ મ્યાંમાર, હોન્ડુરાસ, લિબિયા, હૈતી, ગ્રેનાડા, ફિલિપાઈન્સ, નિકારાગુઆ, ભારત અને બહામાસ આવે છે. જાણકારો માને છે કે, ગત વર્ષે અલ નિનોએ વાતાવરણ અને ઋતુચક્રમાં મોટાપાયે ફેરફાર કર્યા હતા પણ સાથે સાથે ક્લાઈમેટ ચેન્જની પણ તેની ઉપર વ્યાપક અસર થઈ હતી. તેના કારણે જ વૈશ્વિક ધોરણે હીટવેવ, વાવાઝોડા, પૂર જેવી કુદરતી આપત્તીઓમાં અતિશય વધારો જોવા મળ્યો હતો.

Tags :