- અંગ્રેજો દ્વારા અમલમાં મુકાયેલી બ્લુ બુકને બંધારણીય માન્યતા નથી છતાં આજે પણ નેતાઓ તેના નામે સુરક્ષા પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરે છે
- બ્લૂ બુક એવો દસ્તાવેજ છે જેના થકી વડા પ્રધાનની સુરક્ષાના નિયમો અને વ્યવસ્થા નક્કી કરવામાં આવે છે. રાજ્યના મુખ્યમંત્રીઓની સુરક્ષાની ગાઈડલાઈન્સ પણ તેને આધિન જ હોય છે. અંગ્રેજો દ્વારા આ બ્લૂ બુકની પરંપરા શરૂ કરવામાં આવી હતી. દેશ આઝાદ થયા બાદ પણ નેતાઓ દ્વારા આ પરંપરા પકડી રાખવામાં આવી છે : લાલ બહાદુર શાસ્ત્રી પોતાની સાદગી માટે જાણીતા હતા. તેમના કાફલામાં ૩ વાહનો રહેતા હતા. ત્યારબાદ ૧૯૬૬થી ૧૯૭૭ અને ૧૯૮૦થી ૧૯૮૪ સુધી સત્તામાં રહેલા ઈન્દિરા ગાંધીના કાફલામાં ૮ થી ૧૨ ગાડીઓ રહેતી હતી. ઈન્દિરા ગાંધીના અવસાન બાદ સત્તામાં આવેલા પીએમ રાજીવ ગાંધીની સુરક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેના પગલે કાફલાની સંખ્યા ૧૫ થી ૨૦ થઈ ગઈ હતી ઃ વી.પી સિંહ અને અટલ બિહારી વાજપેયી ત્યારબાદ ૧૯૮૯થી ૨૦૦૪ સુધી સત્તામાં આવ્યા હતા. તેમના કાફલામાં ગાડીઓની સંખ્યા ૨૫થી ૩૦ થઈ ગઈ. મનમોહનસિંહ જ્યારે ૨૦૦૪માં પીએમ બન્યા અને ૨૦૧૪ સુધી સત્તામાં તો તેમના કાફલામાં ૩૦થી ૪૦ જેટલી ગાડીઓનો સમાવેશ કરાયો. પીએમ મોદીના કાફલામાં ૫૦ જેટલા વાહનો છે
વૈશ્વિક આર્થિક સંકટ અને પેટ્રોલ-ડિઝલની અછતને પગલે ભારતીય વડા પ્રધાન દ્વારા લોકોને પેટ્રોલ-ડિઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની અપીલ કરાઈ હતી. આ ઉપરાંત વિદેશ પ્રવાસ ન કરવા, સોનું ન ખરીદવા અને કરકસર કરીને બચત કરવાની પણ સલાહ આપવામાં આવી હતી. આ સલાહ બાદ પ્રજાના આકરા પ્રતિસાદ આવતાની સાથે જ પીએમના કાફલામાં ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી તરફ ઘણા રાજ્યના મુખ્યમંત્રીઓ દ્વારા પણ તેમના કાફલામાં ઘટાડો કરવાની જાહેરાત કરાઈ છે. એસપીજી દ્વારા પણ કાફલો ૫૦ ટકા ઘટાડી દેવાની જાહેરાત કરવામાં આવી છે.
આ તમામ જાહેરાતો વચ્ચે એક વાત વિચારવા જેવી છે કે, દાયકાઓથી પીએમ, સીએમ અને નેતાઓ દ્વારા બ્લૂ બુકના નામે પોતાના કાફલો મોટો કરવામાં આવ્યો છે અને તેના આધારે જ ગાડીઓની સંખ્યા સતત વધારવામાં આવી છે. હકિકતે વડા પ્રધાન, ગૃહ પ્રધાન કે પછી રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને અન્ય મંત્રીઓની સુરક્ષા માટે ચોક્કસ પ્રોટોકલ રાખવામાં આવ્યા છે. ખાસ કરીને ગૃહમંત્રાલય હેઠળ આવતી બ્લૂ બુક દ્વારા નેતાઓની સુરક્ષા નક્કી કરવામાં આવે છે અને તેમનો કાફલો તૈયાર કરવામાં આવે છે. દરેકને તેમની કેટેગરી પ્રમાણે કાફલો અને સુરક્ષા પુરા પાડવામાં આવે છે. વડા પ્રધાન અને રાષ્ટ્રપતિની સુરક્ષા સૌથી ટોચના સ્તરે હોય છે. એસપીજી આ સુરક્ષા સંભાળે છે. બીજી તરફ રાજ્યની પોલીસ તેમના મુખ્યમંત્રીઓની સુરક્ષા સંભાળે છે. આ બધું જ ગૃહમંત્રાલયના આદેશ અને આયોજન હેઠળ થાય છે.
જાણકારોના મતે બ્લૂ બુક એવો દસ્તાવેજ છે જેના થકી વડા પ્રધાનની સુરક્ષાના નિયમો અને વ્યવસ્થા નક્કી કરવામાં આવે છે. રાજ્યના મુખ્યમંત્રીઓની સુરક્ષાની ગાઈડલાઈન્સ પણ તેને આધિન જ હોય છે. આમ જોવા જઈએ તો અંગ્રેજો દ્વારા આ બ્લૂ બુકની પરંપરા શરૂ કરવામાં આવી હતી. દેશ આઝાદ થયા બાદ પણ નેતાઓ દ્વારા આ પરંપરા પકડી રાખવામાં આવી છે અને તેના આધારે પોતાની સવલતોમાં સુધારા-વધારા કરવામાં આવે છે. ગૃહમંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલું આ એક સિક્રેટ પ્રોટોકોલ મેન્યુઅલ ગણાય છે. તેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, તેમના પરિવારો અને દેશના રાજ્યોના વિવિધ સીએમ અને તેમના પરિવારોની સુરક્ષા અંગે જરૂરી નિયમો અને શિષ્ટાચાર લખવામાં આવ્યા હોય છે. તેને સંલગ્ન અધિકારીને આ જવાબદારી આપવામાં આવે છે અને તેના થકી બધું જ ગોઠવાતું હોય છે.
ખાસ વાત એ છે કે, બ્લૂ બુકને મહત્ત્વનો દસ્તાવેજ ગણવામાં આવે છે પણ હકિકતે તેને કોઈ બંધારણીય માન્યતા મળેલી નથી. તે સામાન્ય શિષ્ટાચાર સાથે જોડાયેલો દસ્તાવેજ ગણાય છે. તે ગૃહમંત્રાલયને આધીન હોય છે. તે દેશની ગરિમા અને એકતાનું પ્રતિક છે. તેમાં રાષ્ટ્રપતિ કે વડા પ્રધાન કોઈપણ રાજ્યમાં જાય તો એરપોર્ટ ઉપર સીએમ, અન્ય મંત્રીઓ કે મુખ્ય સચિવ અને પોલીસ વડાની હાજરી ફરજિયાત માનવામાં આવે છે. તે ઉપરાંત તેમના રૂટ ઉપર સુરક્ષાની વ્યવસ્થા કરવી, ધ્વજ લગાવવા, રાષ્ટ્રગાન વગાડવું, સીટિંગ એરેન્જમેન્ટ કરવા અને અન્ય પ્રોટોકોલનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વડા પ્રધાન અને મુખ્યમંત્રીઓના પ્રવાસ અને કાર્યક્રમ માટે એડવાન્સ સિક્યોરિટી લાયેઝન પણ કરવામાં આવે છે. વિશેષ ટીમ દ્વારા તેમના પ્રવાસના રૂટ, સ્થળ અને અન્ય બાબતોની પૂરતી તપાસ કરવામાં આવે છે અને સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરવામાં આવે છે. ટેકનીકલ સિક્યોરિટીની વાત કરીએ તો તમામ મુખ્ય ગાડીઓમાં રન ફ્લેટ ટાયર હોય છે જે ગોળી વાગવા કે પંચર થવા જેવી પરિસ્થિતિમાં પણ કેટલાક કિલોમીટર સુધી ચાલી શકે છે. કોઈપણ મોટી વિઝિટ દરમિયાન પ્રવાસના રૂટ ઉપર આવતી તમામ સરકારી અને ખાનગી મોટી હોસ્પિટલોને એલર્ટ ઉપર રાખવામાં આવે છે અને ત્યાં એક વિશેષ મેડિકલ ટીમ પણ સજ્જ રાખવામાં આવે છે.
વડા પ્રધાન, રાષ્ટ્રપતિ કે પછી મુખ્યમંત્રીઓને અપાતી આ વાહનોના કાફલાની સંખ્યા સમયાંતરે વધી છે. દેશ આઝાદ થયો પછી બ્લૂ બુકને અનુસરીને નેતાઓએ અને મંત્રીઓએ પોતાની જરૂરિયાત અને ઠાઠ પ્રમાણે પોતાનો કાફલો મોટો કરવાનું શરૂ કરી દીધું. હાલમાં જોઈએ તો સમયની સાથે અને સુરક્ષા તથા સંભવિત ખતરાના કારણે વડા પ્રધાનના કાફલાની સંખ્યા ઘણી મોટી છે. દેશ આઝાદ થયો ત્યારે શરૂઆતમાં આ કાફલા ઘણા નાના હતા. કદાચ તેને કાફલો કહી શકાય તેવું પણ નહોતું. તે સમયે સુરક્ષા અને પડકારો ખાસ હતા નહીં અને કેટલાક વડા પ્રધાન વધારે તામઝામ કરવા માગતા નહોતા તેથી તેમના કાફલા નાના હતા જ્યારે કેટલાકના મોટા કાફલા હતા.
જવાહરલાલ નહેરુ જ્યારે દેશની આઝાદી બાદ પહેલી વખત વડા પ્રધાન બન્યા ત્યારે પીએમના કાફલા જેવું કશું હતું જ નહીં. ૧૯૬૪માં સુરક્ષાનો મોટો મુદ્દો જ નહોતો. દેશમાં સાદગીની સ્થિતિ હતી. સંશાધનોના અભાવે દેશમાં સામાન્ય સ્થિતિ હતી, ગરીબી હતી અને તેથી નહેરુના કાફલામાં ચાર વાહનો રહેતા હતા. તેમાં એક પીએમની ગાડી, બીજી એક પોલીસ એસ્કોર્ટ કાર, બેકઅપ કાર અને અન્ય એકાદી ગાડી રહેતા હતા. ત્યારબાદ સત્તામાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી પોતાની સાદગી માટે જાણીતા હતા. તેઓ ૧૯૬૪થી ૧૯૬૬ સુધી પીએમ તરીકે સત્તામાં રહ્યા. તેમના કાફલામાં ૩ વાહનો રહેતા હતા. તેઓ સાદાઈથી જ રહેવાનું, પ્રવાસ કરવાનું પસંદ કરતા હતા.
ત્યારબાદ ૧૯૬૬થી ૧૯૭૭ અને ૧૯૮૦થી ૧૯૮૪ સુધી સત્તામાં રહેલા ઈન્દિરા ગાંધીના કાફલામાં ૮ થી ૧૨ ગાડીઓ રહેતી હતી. તેમાંય ૧૯૭૧ના યુદ્ધ બાદ તેમની સુરક્ષા વધારે કડક કરવામાં આવી હતી. ત્યારબાદ કટોકટી લાગુ કરવા જેવી સ્થિતિ અને રાજકીય અસ્થિરતા અને આતંકવાદના ભય વચ્ચે તેમની સુરક્ષા વધારી દેવાઈ. ચિંતાનજક વાત એ હતી કે, ઓપરેશન બ્લૂ સ્ટાર બાદ તેમના જ સુરક્ષા જવાનોએ પીએમ હાઉસમાં તેમની હત્યા કરી નાખી હતી. ઈન્દિરા ગાંધીના અવસાન બાદ સત્તામાં આવેલા પીએમ રાજીવ ગાંધીની સુરક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ૧૯૮૫માં એસપીજીની રચના કરવામાં આવી અને તેમના માથે પીએમની સુરક્ષાની જવાબદારી નાખવામાં આવી. તેના પગલે રાજીવ ગાંધીના કાફલમાં બુલેટપ્રુફ ગાડી, એમ્બ્યુલન્સ, જામર, રીઝર્વ વ્હીકલ જેવા વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેના પગલે કાફલાની સંખ્યાન ૧૫થી ૨૦ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, વી.પી સિંહ અને અટલ બિહારી વાજપેયી ત્યારબાદ ૧૯૮૯થી ૨૦૦૪ સુધી સત્તામાં આવ્યા હતા. તેમના કાફલામાં ગાડીઓની સંખ્યા ૨૫થી ૩૦ થઈ ગઈ. આતંકવાદ, કાશ્મીર અને વૈશ્વિક સુરક્ષાના કારણે તેમના કાફલામાં મોટો વધારો કરવામાં આવ્યો હતો. તેમાં ઈલેક્ટ્રોનિક જામર, ક્વિક રિએક્શન ટીમ, પોલીસ, અર્ધલશ્કરી દળ, પીએમની પોતાની ત્રણ કાર વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મનમોહનસિંહ જ્યારે ૨૦૦૪માં પીએમ બન્યા અને ૨૦૧૪ સુધી સત્તામાં રહ્યા તો તેમનો કાફલો પણ મોટો કરવામાં આવ્યો. તેમાં ૩૦થી ૪૦ જેટલી ગાડીઓનો સમાવેશ કરાયો હતો. તેમાં બીએમડબ્લ્યૂ સિક્યોરિટી વ્હીકલ, ડિકોય કાર, એસપીજી સિક્યોરિટી કાર અને અન્ય વાહનોનો સમાવેશ થતો હતો. તે સમયે આતંકવાદી હુમલાનો સૌથી વધુ ભય હોવાથી કાફલો વધારાયો હતો.
વર્તમાન સમયની વાત કરીએ તો નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે સત્તામાં આવ્યા ત્યારે તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. પીએમ મોદીના કાફલામાં ૫૦ જેટલા વાહનો હોય છે. તેમાં બુલેટપ્રૂફ બીએમડબલ્યૂ કાર, રેન્જ રોવર, ડિકોય કાર, આધુનિક જામર્સ ધરાવતી કાર, એસપીજી કમાન્ડ વ્હીકલ, એનએસજી-પોલીસ એસ્કોર્ટ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય ગાડીઓનો મોટો કાફલો હોય છે. પીએમ દિલ્હીમાં હોય ત્યારે આ કાફલો ૧૪ ગાડીઓનો હોય છે. તેઓ દિલ્હીની બહાર જાય ત્યારે જ તેમાં ૫૦ વાહનો હોય છે.
- વડા પ્રધાન અને સીએમને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવે છે
વડા પ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીઓના તામજામ મોટા હોય છે. તેમને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવે છે. તેમના કોન્વોય પાછળ દરરોજ લાખો રૂપિયાના પેટ્રોલ-ડીઝલનું આંધણ થતું હોય છે.
લોકમુખે ચર્ચા ચાલી છે કે, નેતાઓને સાદગી, સમર્પણ, કરકસર અને જતું કરવાની ભાવના માત્ર સામાન્ય લોકો પાસેથી રાખવી છે. તેઓ પોતાના કાફલામાં કે સુવિધામાં જરાય બાંધછોડ કરતા નથી. હાલમાં સ્થિતિની ગંભીરતા દર્શાવવા માટે કેટલાક નેતાઓ કે મંત્રીઓ દ્વારા એકાદ-બે મહિના કાફલો ઘટાડાશે કે એકાદ-બે વિદેશ પ્રવાસ રદ કરવામાં આવશે જેથી પ્રજાને ઉદાહરણ મળે. આગામી સમયમાં સ્થિતિ જૈસે થે જેવી જ રહેવાની છે. વડા પ્રધાનના કાફલામાં સ્થાનિક ધોરણે ૧૫ ગાડીઓથી માંડીને દિલ્હીની બહાર જવા દરમિયાન ૫૦ ગાડીઓ સુધીનો કાફલો હોય છે. તેઓ કઈ ગાડીમાં પ્રવાસ કરશે તે અંતિમ ઘડીએ સિક્યોરિટી ઓફિસર દ્વારા નક્કી કરવામાં આવે છે. તેવી જ રીતે મુખ્યમંત્રીઓની સુરક્ષા પણ તેમના ઉપર રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે છે. તેમાં ૧૦થી ૧૫ ગાડીઓનો કાફલો હોય છે. રાજ્યના પ્રોટોકોલ અને ત્યાંની સ્થિતિને આધારે નક્કી કરવામાં આવે છે.
સીએમના કાફલામાં પણ મુખ્ય બુલેટપ્રુફ એસયુવી, પાયલટ કાર, જામર, સિક્યોરિટીની ગાડીઓ, એસ્કોર્ટ ગાડીઓનો સમાવેશ કરવામાં આવે છે. તે ઉપરાંત મેડિકલ ઈમર્જન્સી માટે એમ્બ્યુલન્સ પણ સતત સાથે હોય છે. સીએમની આ સુરક્ષા પણ પીએમની સુરક્ષાના માપદંડોને સમકક્ષ માનવામાં આવે છે.


