Updated: Mar 14th, 2023
- 'આરઆરઆર'ના 'નાટુ નાટુ' ગીતે ધમાકો કરી દીધો : 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ' ફિલ્મને 'બેસ્ટ ડૉક્યુમેન્ટરી (શૉર્ટ સબ્જેક્ટ)' કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ
- મૂવીઝનું અસલી માર્કેટ અમેરિકા અને યુરોપ છે કે જ્યાં ઓસ્કાર એવોર્ડ ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જેવાં છોગાં મહત્વનાં છે. આ માર્કેટમાં કોમર્શિયલ અને આર્ટ બંને પ્રકારન ફિલ્મો જોવાય છે પણ કઈ ફિલ્મ સારી છે તેનો નિર્ણય મોટા મોટા એવોર્ડના આધારે થતો હોય છે. ભારતીય સિનેમાએ તેનો લાભ લેવો હોય તો ઓસ્કાર સહિતના મોટા એવોર્ડ દર વરસે ભારતમાં આવે એ માટે મચી પડવું પડે.
દુનિયામાં ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ ફિલ્મોમાં સર્વશ્રેષ્ઠ મનાતા ઓસ્કાર એવોર્ડ એક વાર તો જીતવાની મહત્વાકાંક્ષા ધરાવતા જ હોય છે પણ બહુ ઓછાં લોકોનું સપનું સાકાર થાય છે. ભારતમાં તો ઓસ્કાર એવોર્ડ જીતનારા લોકોની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી ઓછી છે તેથી ભારતમાં તો આ સપનું સાકાર થાય તો જનમારો સફળ થઈ ગયેલો લાગે.
અમેરિકાના લોસ એન્જલસના ડોલ્બી થીયેટરમાં ભારતીય સમય પ્રમાણે સોમવારે સવારે યોજાયેલા ઓસ્કાર એવોર્ડ્સમાં ઘણા ભારતીયોની મહત્વાકાંક્ષા પૂરી થઈ ગઈ અને જનમારો સફળ થઈ ગયો. ભારતની કુલ ત્રણ એન્ટ્રી ઓસ્કાર એવોર્ડ્સ માટેની અંતિમ રેસમાં હતી. તેમાંથી શૌનક સેનની ડોક્યુમેન્ટરી ફિચર ફિલ્મ 'ઓલ ધેટ બ્રીધ્સ'ને ઓસ્કાર એવોર્ડ જીતવામાં સફળતા ના મળી પણ કાર્તિકી ગોન્સાલ્વીઝ અને ગુનીત મોંગાની 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ' તથા 'આરઆરઆર'ના 'નાટુ નાટુ' ગીતે ધમાકો કરી દીધો.
રાજામૌલીની 'આરઆરઆર'ના 'નાટુ નાટુ' ગીતે બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં જ્યારે 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ' ફિલ્મને 'બેસ્ટ ડૉક્યુમેન્ટરી (શૉર્ટ સબ્જેક્ટ)' કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ જીતીને ભારતીયોનો દિવસ સુધારી દીધો. ઓસ્કાર એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ માટેનો એવોર્ડ ગીતના ગીતકાર, કમ્પોઝર અને ગાયકોને મળતો હોય છે તેથી 'નાટુ નાટુ' માટે સંગીતકાર એમ.એમ. કિરવાની, ગીતકાર ચંદ્રબોસ અને ગાયકો રાહુલ સીપલીગંજ તથા કાલા ભૈરવને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ' માટે ગુનીત મોંગા અને કાર્તિતી ગોન્સાલ્વિઝને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.
'નાટુ નાટુ' ગીત 'જય હો' પછી બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં ઓસ્કર એવોર્ડ જીતનારું બીજું ભારતીય ગીત છે. ડેની બોયલે ડિરેક્ટ કરેલી 'સ્લમડોગ મિલિયોનેર'ના ગીત 'જય હો'ને ૨૦૦૮માં બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. આ ગીત ગુલઝારે લખેલું ને એ.આર. રહેમાને કમ્પોઝ કરેલું. સુખવિંદર, મહાલક્ષ્મી ઐયર, તનવી શાહે આ ગીતે ગાયેલું તેથી ઓસ્કાર એવોર્ડ વિજેતા તરીકે પાંચેયનાં નામ લખાઈ ગયાં હતાં. હવે ૧૫ વર્ષ પછી 'નાટુ નાટુ' ગીતમાં એ જ ઈતિહાસ દોહરાવાયો છે.
ભારતની બબ્બે એન્ટ્રીને એક સાથે ઓસ્કાર એવોર્ડ મળે એ મોટી ઘટના છે અને વાસ્તવમાં ભારતીય સિનેમા માટે આ ઘટના ટર્નિંગ પોઈન્ટ બની શકે. એક સાથે બબ્બે ઓસ્કાર એવોર્ડ મળ્યા તેનો લાભ ભારતીય ફિલ્મોના આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રાન્ડિંગ માટે કરીને અબજો રૂપિયાના મનોરંજનના બજારમાં પગપેસારો કરી શકાય છે. જોરદાર કમાણી કરીને દેશને પણ ફાયદો કરાવી શકાય છે.
અત્યારે ભારતીય ફિલ્મોનો આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ ભાવ નથી પૂછતું. તેના કારણે ભારતીય ફિલ્મો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોરદાર કમાણી કરી શકતી નથી. હોલીવુડની સારી ફિલ્મ રમતાં રમતાં આખી દુનિયામાંથી પાંચ-દસ હજાર કરોડ રૂપિયાની કમાણી કરી લે છે એવું ભારતીય ફિલ્મોના કિસ્સામાં નથી બનતું. ભારતની કોઈ ફિલ્મ બહુ જોર કરે તો પણ એક હજાર કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકતી નથી. તેમાંથી અડધી કમાણી તો ભારતમાંથી જ હોય છે એ જોતાં આંતરરાષ્ટ્રીય બજારમાં તો ભારતની ફિલ્મો જોનારા બહુ ઓછા છે.
આપણે ચીનમાં ફલાણી ફિલ્મે આટલી કમાણી કરી ને ઢીંકણી ફિલ્મે આટલી કમાણી કરી એવું સાંભળીને ખુશ થઈએ છીએ પણ વાસ્તવમાં મૂવીઝનું અસલી માર્કેટ તો અમેરિકા અને યુરોપ છે. આ માર્કેટમાં ઓસ્કાર એવોર્ડ ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જેવાં છોગાં મહત્વનાં છે. અમેરિકા અને યુરોપના માર્કેટમાં કોમર્શિયલ અને આર્ટ બંને પ્રકારન ફિલ્મો જોવાય છે પણ કઈ ફિલ્મ સારી છે તેનો નિર્ણય મોટા મોટા એવોર્ડના આધારે થતો હોય છે. ભારતીય સિનેમાએ તેનો લાભ લેવો હોય તો ઓસ્કાર સહિતના મોટા એવોર્ડ દર વરસે ભારતમાં આવે એ માટે મચી પડવું પડે.
ઓસ્કાર એવોર્ડના કારણે થતું બ્રાન્ડિંગ કેવું કામ આવે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ 'જય હો' ગીતને ઓસ્કાર એવોર્ડ મળ્યો પછી ભારતીયોમાં બહારના ફિલ્મ સર્જકોને જાગેલો રસ હતો. 'જય હો' ગીત ડેની બોયલેની સ્લમડોગ મિલિયોનેર ફિલ્મનું હતું. ફિલ્મનું બેકગ્રાઉન્ડ ભારતીય હતું તેથી મોટા ભાગના કલાકારો ભારતીય કે ભારતીય મૂળના હતા. સ્લમડોગ મિલિયોનેર પછી ભારતીયોને હોલીવુડની ફિલ્મોમાં મળેલા રોલ પર નજર નાંખશો તો સમજાશે કે ભારતીયોને કેવો ફાયદો થયેલો. એ.આર, રહેમાન તો ઈન્ટરનેશનલ સેલિબ્રિટી જ બની ગયા પણ બીજા ઘણા કલાકારો પણ તરી ગયા.
કમનસીબે કોઈ ભારતીય સર્જકે આ તકનો લાભ લઈને સ્લમડોગ મિલિયોનેર જેવી બીજી આંતરરાષ્ટ્રીય સ્તરની મૂવી બનાવવાનું સાહસ ના કર્યું. તેના કારણે વ્યક્તિગત લાભ મળ્યો પણ ભારતીય સિનેમાને લાભ ના મળ્યો. 'નાટુ નાટુ' અને 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ'ને કારણે લોકોને ભારતીય ફિલ્મોમાં રસ પડે છે ત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટ માટેની ભારતીય ફિલ્મો બને તો ભારતીય સિનેમા નવી ઉંચાઈ પર પહોંચી શકે.
કાર્તિકીએ પાંચ વર્ષ સુધી હાથીના ઉછેર પર નજર રાખી
'આરઆરઆર'ના 'નાટુ નાટુ' ગીત સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સ સંકળાયેલા છે. રાજામૌલી, રામચરણ તેજા, એનટીઆર જુનિયર, એમ.એમ. કિરવાની વગેરે બહુ જાણીતાં નામ છે પણ 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ' બનાવનારાં કાર્તિકી ગોન્સાલ્વિઝ કે ગુનીત મોંગા બહુ જાણીતાં નામ નથી. ગુનીત મોંગા તો વરસોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં છે. આ પહેલાં પણ તેમની ફિલ્મ ઓસ્કાર એવોર્ડ જીતી ચૂકી છે છતાં તેમને બહુ ઓછાં લોકો ઓળખે છે.
મૂળ દિલ્હીની ગુનીત ૩૯ વર્ષની છે અને શિખયા એન્ટરટેઈનમેન્ટની સ્થાપક છે. આ બેનર હેઠળ દસવિદાનિયા, શૈતાન, લંચબોક્સ, મસાન, પેડલર્સ જેવી વિવેચકોએ વખાણેલી ફિલ્મો બની છે. ગુનીત એ સિવાય ગેંગ્સ ઓફ વાસેપુર, વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ, રંગરસિયા જેવી ચર્ચાસ્પદ અને સફળ ફિલ્મોના નિર્માણ સાથે પણ સંકળાયેલી હતી. ગુનીત હિન્દી ફિલ્મોમાં નવી લહેર લાવનારા અનુરાગ કશ્યપ સાથે પણ કામ કરી ચૂકી છે.
કાર્તિકી તમિલનાડુના ઉટીમાં જન્મી અને ઉછરી છે. એનિમલ પ્લેનેટ અને ડિસ્કવરી ચેનલ માટે કામ કરી ચૂકેલી કાર્તિકીએ પહેલી જ વાર 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ'માં ડિરેક્શન કર્યું અને ઓસ્કાર એવોર્ડ જીતી લાવી. કાર્તિકીના પિતા ટિમોથી ગોન્સાલ્વીઝ કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને પ્રોફેસર છે જ્યારે માતા પ્રિસિલા લેખિકા છે. પ્રિસિલાએ 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ'ની સ્ટોરી લખી છે.
તમિલનાડુના આદિવાસીઓમાં કટ્ટુનાયકન સમુદાય હોય છે. 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ' આ સમુદાયના દંપતિના હાથીના બચ્ચા સાથેના પ્રેમની કથા છે. હાથીનું બચ્ચુ રઘુ ત્રણ મહિનાનું હતું ત્યારે પહેલી વાર કાર્તિકીએ તેને જોયેલું. એ પછી તો દોઢ વર્ષ સુધી કાર્તિકી તેની સાથે જ રહી ને પછી ડોક્યુમેન્ટરી બનાવવાનું શરૂ કર્યું. કાર્તિકીએ સતત પાંચ વર્ષ સુધી શૂટિંગ કરીને આ ફિલ્મ બનાવી છે.
ગુનીત-કાર્તિકીનો દેશપ્રેમ : ઓસ્કાર એવોર્ડ માતૃભૂમિને સમર્પિત
ઓસ્કર એવોર્ડ્સમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીતનારી 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ'ની નિર્માતા ગુનીત મોંગાની બીજી ફિલ્મને ઓસ્કર એવોર્ડ મળ્યો છે. આ પહેલાં ગુનીત મોંગા દ્વારા નિર્મિત ફિલ્મ 'પિરિયડ. એન્ડ ઓફ સેન્ટન્સ'ને ૨૦૧૯માં બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મની કેટેગરીમાં ઓસ્કર એવોર્ડ મળ્યો હતો. કોઈ ભારતીય વ્યક્તિ બે ઓસ્કર એવોર્ડ વિજેતા કૃતિ સાથે સંકળાયેલી હોય એવી આ પહેલી ઘટના છે.
મોંગાની 'પિરિયડ. એન્ડ ઓફ સેન્ટન્સ' ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લાના કાઠીકલા ગામની મહિલાઓનું એક ગ્રુપ પીરિયડ્સની સમસ્યાના ઉકેલ માટે ઓછા ભાવે સેનેટરી પેડ્સ બનાવવાની પહેલ કરે છે તેના પર આધારિત હતી. ગરીબીના કારણે પેડ્સ પણ નહીં ખરીદી શકતી મહિલાઓ માટે આ પહેલ આશિર્વાદરૂપ સાબિત થઈ છે. મૂળ ઈરાનની પણ અમેરિકામાં રહેતી રયકા ઝેહતાબચી આ ફિલ્મની ડિરેક્ટર હતી. ફિલ્મના બીજા નિર્માતા પણ વિદેશી હતા તેથી 'પિરિયડ. એન્ડ ઓફ સેન્ટન્સ'ને ગુનીત સંપૂર્ણપણે ભારતીય ફિલ્મ નથી માનતી.
'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ'ની નિર્દેશક કાર્તિકી ગોન્સાલ્વિઝ ભારતીય છે અને તેના નિર્માતા ગુનીત મોંગા, કાર્તિકી અને અચિન જૈન પણ ભારતીય છે તેથી આ ફિલ્મને ગુનીત મોંગાએ ભારતીય ગણાવીને લખ્યું કે, અમે ભારતીય પ્રોડક્શન માટે પહેલો ઓસ્કર એવોર્ડ જીત્યો છે. કાર્તિકી ગોન્સાલ્વિસે આ એવોર્ડ દેશને સમર્પિત કરતાં લખ્યું કે, આ એવોર્ડ મારી માતૃભૂમિ ભારત માટે છે. ગુનીત અને કાર્તીકીની દેશપ્રેમની ભાવનાને લોકો વખાણી રહ્યા છે.