Get The App

નેપાળમાં રહીને ભારત સાથે પ્રોક્સિવોર કરવાની તુર્કીને મેલી મુરાદ

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
નેપાળમાં રહીને ભારત સાથે પ્રોક્સિવોર કરવાની તુર્કીને મેલી મુરાદ 1 - image


ભારત-નેપાળ સરહદે તુર્કીની એનજીઓ દ્વારા મસ્જિદો અને મદરેસા શરૂ કરીને ઈસ્લામના નામે દ્વેષ ઊભો કરાઈ રહ્યો છે

- એક તરફ પાકિસ્તાન અને ચીનનું પ્રોક્સિવોર ચાલી જ રહ્યું છે ત્યાં હવે તુર્કીએ પણ વૈચારિક યુદ્ધ ચાલુ કરીને ભારતને પરેશાન કરવાનો નવો પેંતરો શોધી કાઢતા ચિંતા વધી ઃ મસ્જિદો અને મદરેસામાં આવતા લોકોને ધર્મના નામે ઉશ્કેરીને કટ્ટરવાદ તરફ દોરી જવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે જે ભારતીય શાંતિ અને સલામતી માટે મોટું જોખમ બની શકે તેમ છે ઃ ભારત અને નેપાળ વચ્ચે ૧૭૫૧ કિ.મીની ખુલ્લી સરહદ છે જે તેના સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધોના મજબૂત પ્રતિક સમાન છે. જાણકારો માને છે કે, ભારત અને નેપાળ વચ્ચે રહેલી આ ખુલ્લી સરહદને કારણે ઘણી ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ રહી છે ઃ છેલ્લાં બે વર્ષમાં ભારત અને નેપાળના સરહદી વિસ્તારોમાં ૫૦૦ કરોડ રૂપિયાનું વિદેશી ભંડોળ દાન તરીકે આવ્યું છે

નેપાળ સાથે જોડાયેલી ભારતીય સરહદો ઉપરના જિલ્લાઓમાં તુર્કીની મદદથી મસ્જિદો અને મદરેસાઓનો વિકાસ અને નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તુર્કીની ફાઈન્ડેશન ફોર હ્યુમન રાઈટ્સ એન્ડ ફ્રીડમ એન્ડ હ્યુમેનિટેરિયન રિલીફ નામની એનજીઓ દ્વારા આ કામગીરી માટે ભંડોળ આપવામાં આવે છે. જાણકારોના મતે આ એવું એનજીઓ છે જેને તુર્કીમાં આશરો લેનારા કટ્ટરવાદી જૂથો અને અલગાવવાદી સમૂહો દ્વારા મદદ કરવામાં આવી રહી છે. આ તમામને તુર્કી સરકાર અને ગુપ્તચર એજન્સીઓની મદદથી ઓપરેટ કરવામાં આવે છે. કટ્ટરવાદી સંગઠનો અને એનજીઓની સાંઠગાંઠને કારણે આ વિવાદ વકર્યો છે. જાણકારોનું માનવું છે કે, આઈએચએચ જેવા સંગઠનો નેપાળના સ્થાનિક ઈસ્લામિક જૂથો જેવા કે ઈસ્લામિક સંઘ નેપાલ સાથે જોડાઈ મુસ્લિમો માટે મસ્જિદો, મદરેસા, અનાથાશ્રમ અને ઈસ્લામિક કેન્દ્રો બનાવે છે. તુર્કીનું એનજીઓ આ તમામ ધાર્મિક સ્થાનોના નામે ધર્માંંતરણ, કટ્ટરવાદ, સામાજિક અસ્થિતરતા અને ભકડાઉ વાતાવરણના સર્જનનું કામ કરે છે.

થોડા સમય પહેલાં આવેલા એક ગુપ્તચર અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, તુર્કી હવે પાકિસ્તાન સાથે જોડાઈને નેપાળમાં ભારતીય હિતો માટે દુષ્કર પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે. અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે, નેપાળના સરહદી જિલ્લામાં તુર્કી અને પાકિસ્તાન સમર્થિત ધાર્મિક કેન્દ્રો અને નેટવર્કનો વિકાસ થઈ રહ્યો છે. તેના દ્વારા ભારતીય સરહદી જિલ્લામાં પડકારો ઊભા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ક્ષેત્રીય સુરક્ષા, સરહદી વિસ્તારોમાં કટ્ટરવાદી માનસિકતામાં વધારો, સ્થાનિક વસતીનું ધુ્રવીકરણ જેવી ઘણી સમસ્યાઓ સામે આવી રહી છે. મહત્ત્વની વાત એ છે કે, છેલ્લાં બે વર્ષમાં ભારત અને નેપાળના સરહદી વિસ્તારોમાં ૫૦૦ કરોડ રૂપિયાનું વિદેશી ભંડોળ દાન તરીકે આવ્યું છે. 

ભારત અને નેપાળ વચ્ચે ૧૭૫૧ કિ.મીની ખુલ્લી સરહદ છે જે તેના સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધોના મજબૂત પ્રતિક સમાન છે. જાણકારો માને છે કે, ભારત અને નેપાળ વચ્ચે રહેલી આ ખુલ્લી સરહદને કારણે ઘણી ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ રહી છે. આ ઉપરાંત બાહ્ય તાકાતો દ્વારા પણ પોતાનો પ્રભાવ જમાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તુર્કીની વાત કરીએ તો તે તે સ્વાભાવિક રીતે જ પશ્ચિમી અને મધ્ય એશિયાની કામગીરી અને મુદ્દામાં સક્રિય રહ્યું છે. છેલ્લાં કેટલાક સમયથી તે સાઉથ એશિયા અને અન્ય વિસ્તારોમાં પોતાની પહોંચ વધારવા માટે પ્રયાસ કરી રહ્યું છે. તેના કારણે જ તેણે પાકિસ્તાન સાથે જોડી જમાવીને ભારતીય વિસ્તારોને અંદરથી ખોખલા કરવાની મેલી મથરાવટી ઘસવાનું શરૂ કરી દીધું છે.

અહેવાલો સ્પષ્ટ સંકેત આપે છે કે, નેપાળમાં તુર્કી દ્વારા જે કરવામાં આવી રહ્યું છે તે નવી બાબત નથી પણ હાલમાં જે રીતે થઈ રહ્યું છે તે મહત્ત્વનું છે. તુર્કીના આ એનજીઓ આઈએચએચ દ્વારા નેપાળના સરહદી વિસ્તારોમાં પોતાની કામગીરીમાં મોટાપાયે વધારો કરી દેવાયો છે. નેપાળમાં પણ આઈએએસએન જેવા સ્થાનિક સંગઠનો દ્વારા તુર્કીના કટ્ટરપંથી જૂથો સાથે જોડાણ કરવામાં આવ્યું છે. આઈએસએન ઉપર પણ કટ્ટરવાદી વિચારધારા ફેલાવવાનો આરોપ મુકાયેલો જ છે. આઈએચએચે લઘુમતી વસતી માટે માટે મસ્જિદો, મદરેસા, અનાથાશ્રમો ખોલવામાં આવી રહ્યા છે અને તેના થકી તેમના મનમાં કટ્ટરવાદનું ઝેર રેડવામાં આવી રહ્યું છે. આઈએસએન સાથે જોડાયેલા તુર્ર્કીના અર્ધસૈનિક સંગઠન સાદાતની નેપાળમાં ઉપસ્થિતિએ મિલિશિયા પ્રશિક્ષણ અને ગુપ્ત અભિયાનોની દિશામાં ધ્યાન ખેંચ્યું છે. તેના કારણે જ તુર્કીની મેલી મથરાવટી ઘુંટાવાની કામગીરી ચાલતી હોવા તરફ ભારતનું ધ્યાન ખેંચાયું છે. ભારતના ગુપ્તચર એજન્સીઓએ આ વિસ્તારોમાં તુર્કી સમર્થિત જૂથ અને શંકાસ્પદ લોકોની ગતિવિધિઓ જોઈએ છે જે દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઊભો કરી શકે છે. તેના કારણે જ ભારતે સતર્ક રહેવાનું વલણ અપનાવી લીધું છે.

નેપાળ સરહદે તુર્કીનું સમર્થન ધરાવતા તત્ત્વોની હાજરી અને ગતિવિધિ વધવી તે ભારત માટે મુશ્કેલ બાબત છે. તેનું કારણ એવું છે કે, પાકિસ્તાનને ભારતથી મુશ્કેલી છે અને તે તમામને દેખાય તેવી બાબત છે. 

પાકિસ્તાન ખુલ્લાઆમ ભારતને કનડવાનો પ્રયાસ કરતું હોય છે પણ તુર્કીનો વિરોધ ગુપ્ત અને સુક્ષ્મ છે જે દેખાવો અને સમજવો ખરેખર કપરું કામ છે. તે ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠનો માટે મૌન સમર્થન ઉપરાંત સોફ્ટ પાવર જોડીને કામ કરી રહ્યું છે. ભારતને ચિંતા એ જ વાતની છે કે, તુર્કીની કામગીરીઓ ધાર્મિક કટ્ટરવાદને પ્રોત્સાહન આપી રહી છે. તેના કારણે નેપાળ સરહદે મોટો ખતરો ઊભો થાય તેમ છે. તે ઉપરાંત તુર્કી સ્થાનિક રીતે ભારત વિરોધી પ્રચાર કરે, દુષ્પ્રચાર કરે તો તેનાથી નેપાળમાં સ્થાનિક સ્તરે ભારતની છબી ખરાબ થાય તેમ છે. કેટલાક જાણકારો માને છે કે, તુર્કીના પ્રમુખ એર્દોગન દ્વારા સાઉથ એશિયામાં પોતાના પ્રભાવને વિસ્તારવા માટે આ કટ્ટરવાદી વિચારધારાને પ્રોત્સાહન આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

સરહદે તુર્કીની આડોડાઈ વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે, પાકિસ્તાન પણ પોતાની ખોટી કામગીરી ચાલુ જ રાખી રહ્યું છે. તેનો પ્રભાવ પણ નેપાળના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન આઈએસઆઈની મદદથી ભારત-નેપાળ સરહદે મસ્જિદો અને મદરેસાઓના ઝડપી વિકાસને પહોંચી વળવા માટે આર્થિક સહાય કરી રહ્યું છે. તે ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાંથી પોતાના સ્લીપર સેલ દ્વારા નેપાળ સરહદના વિસ્તારોમાં શાંતિ ડહોળવાનું પણ કામ કરવામાં આવી રહ્યું છે. અહેવાલો પ્રમાણે નેપાળ સાથે જોડાયેલા ભારતીય સરહદી વિસ્તારોમાં ૨૦૧૮માં મસ્જિદોની સંખ્યા ૭૬૦ હતી જે ૨૦૨૧માં વધીને ૧૦૦૦ને પાર થઈ ગઈ હતી. તેવી જ રીતે મદરેસાઓની સંખ્યા તે સમયે ૫૦૮ હતી જે પછી વધીને ૬૪૫ પહોંચી ગઈ હતી. હાલમાં તો તેનો આંકડો ઘણો વધારે હશે. આ તમામ ધાર્મિક સ્મારકોનો ઉપયોગ માત્ર ધર્મના નામે દુષ્પ્રચાર કરીને ગુનાખોરી વધારવાનો અને કટ્ટરવાદીઓને આશરો આપવાનો છે. તેના થકી જ ભારત વિરોધી વલણ ઊભું થાય છે અને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે.

મૂળ સમસ્યા એવી છે કે, ભારત અને નેપાળની સરહદનો મોટાભાગનો વિસ્તાર ઉબડખાબડ વિસ્તારોમાંથી પસાર થાય છે અને તેમાં કોઈ ફેન્સિંગ કરવામાં આવ્યું નથી. તેના કારણે જ આ વિસ્તારો ગેરકાયદે પ્રવૃત્તિ માટે લાલ જાજમ જેવા સાબિત થઈ રહ્યા છે. આ ખુલ્લા વિસ્તારોનો ઉપયોગ પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ, કટ્ટરવાદીઓ દ્વારા ભારત વિરોધી અભિયાનો ચલાવવા, આતંકી પ્રવૃત્તિઓ કરવા અને ગુનાખોરી કરીને સંતાઈ જવાના ગુપ્ત સ્થળ તરીકે કરવામાં આવી રહ્યો છે. ઈન્ડિયન મુજાહિદ્દીન, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો માટે આર્થિક મદદ અને સૈન્ય સહાયતા કે પછી હથિયારોનો સપ્લાય નેપાળની ધરતી ઉપરથી જ કરવામાં આવે છે. નેપાળમાં બનાવાયેલા મદરેસા અને અન્ય કથિત ધાર્મિક સ્મારકોમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના આતંકવાદીઓને આશરો આપવામાં આવે છે. તેના કારણે ભારત માટે સ્થિતિ વધારે કપરી બનતી જાય છે. આતંકવાદીઓ, કટ્ટરવાદીઓ દ્વારા નેપાળ સરહદે આવેલા આ તમામ સ્થળોનો ઉપયોગ ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે, તેની યોજના બનાવવા માટે, આર્થિક મદદ પહોંચાડવા, હથિયારોનો સપ્લાય કરવા કે પછી ગુના આચરીને સંતાવા કે ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે કરવામાં આવે છે.

- ભારત માટે સંવેદનશીલ સમય અને વિસ્ફોટક સ્થિતિ સર્જાઈછે

જિયોપોલિટિક્સના જાણકારો માને છે કે, ચીન અને પાકિસ્તાન દ્વારા દેખીતી રીતે ભારત સામે પ્રોક્સિવોર લડવામાં આવી રહ્યું છે. તેઓ વિવિધ મોરચેથી ભારતને પરેશાન કરી રહ્યા છે પણ હવે પાકિસ્તાને નવા પેંતરા રચીને તુર્કી સાથે હાથ મિલાવી દીધો છે. પાકિસ્તાન અને તુર્કી ભેગા થઈને ભારત-નેપાળ સરહદે ભારત માટે અત્યંત વિસ્ફોટક સ્થિતિનું સર્જન કરી રહ્યા છે.

 વિદેશી ભંડોળની મદદથી ચાલતા ધાર્મિક સ્થળો અને સંસ્થાઓ થકી ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં આવી રહ્યું છે. આ તમામ જગ્યાઓનો ઉપયોગ આતંકવાદી સંગઠનો દ્વારા આતંકીઓની ભરતી કરવા, ટ્રેનિંગ આપવા, આતંકીઓને આશરો આપવા, વૈચારિક રીતે સ્થાનિક સ્તરે વિદ્રોહ અને વિરોધ ઊભો કરવા માટે કરાઈ રહ્યો છે. અહીંયા તમામ પ્રકારની યોજનાઓ બનાવવામાં આવે છે, તૈયારી કરવામાં આવે છે, હથિયારો લાવવામાં આવે છે, આર્થિક મદદ પહોંચાડવામાં આવે છે અને હુમલા કરીને આતંકીઓને સગેવગે પણ કરવામાં આવે છે. સરહદી વિસ્તારોમાં બાહ્ય તાકાતોના વધતા પ્રભાવ, આર્થિક મદદ અને અન્ય કારણોના લીધે ભારતના સામાજિક સદભાવ અને રાષ્ટ્રીય એકતાના પ્રયાસો ઉપર માઠી અસર પડી રહી છે.

અનિયંત્રિત ધાર્મિક સંસ્થાઓમાં થયેલો મોટો વધારો અને તેના ઉપરનું નિરિક્ષણ તંત્ર રચવામાં વિલંબ થવાના કારણે પરિસ્થિતિઓ વધુ આકરી બની રહી છે. અહીંયા સામાજિક કામગીરી, ધાર્મિક કટ્ટરતા અને ગુનાખોરીને અલગ પાડીને જોવા કે સમજવા જ મુશ્કેલ થઈ રહ્યા છે. આ ઉપરાંત ભારતને પાકિસ્તાનના સ્લીપર સેલની સાથે સાથે તુર્ર્કીના પણ વૈચારિક મતભેદોના કારણે સર્જાયેલા કટ્ટરવાદનો પણ સામનો કરવાનો છે. તેના માટે ભારતના નેપાળ સાથેના સંબંધો વધારે મજબૂત થાય, સરકારી અધિકારીઓની સાથે ભારતનું જોડાણ વધુ સરળ બને અને કડક કામગીરી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. હાલમાં ભારતીય સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં ૧૫ કિ.મી સુધીની જગ્યાઓમાં ગેરકાયદે મસ્જિદો અને મદરેસાના નિર્માણ ઉપર પગલાં લેવાનું ભારતે શરૂ કરી દીધું છે. ગેરકાયદે ઈમારતો તોડવાનું અને સંસ્થાઓ બંધ કરવાનું કામ પણ શરૂ કરી દીધું છે. ભારતીય સરહદોને કટ્ટરવાદ અને સાંપ્રદાયિક ઝેરથી બચાવવા માટે ભારત કામગીરી કરી રહી છે પણ નેપાળના સરહદી વિસ્તારો આજે પણ ખુલ્લા છે અને તેના ઉપર પ્રતિબંધ નહીં આવે કે પગલાં લેવામાં નહીં આવે તો ભારત માટે સ્થિતિ વધારે કપરી થાય તો જરાય નવાઈ નહીં.

Tags :