આંતરિક વિખવાદે કોંગ્રેસને મરણપથારીએ પહોંચાડી દીધી છે
- રાજસ્થાનમાં ગહેલોત જૂથના દબાણને વશ થઇને સચિન પાયલોટને પ્રદેશ પ્રમુખપદ અને નાયબ મુખ્યમંત્રીપદેથી દૂર કરવામાં આવ્યા
- સચિન પાયલોટને દૂર કર્યા બાદ પણ રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર પરનું સંકટ ટળ્યું હોય એવું લાગતું નથી અને કોંગ્રેસના જૂથવાદે પાર્ટીની નબળાઇઓને ફરી વખત સપાટી પર લાવી દીધી છે
રાજસ્થાનમાં બળવાખોર મિજાજ દર્શાવનારા સિચિન પાયલોટને છેવટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી તેમજ રાજ્યના નાયબ મુખ્યમંત્રીપદેથી દૂર કરવામાં આવ્યાં છે. સોમવારે ધારાસભ્યોની બેઠકમાં સચિન પાયલોટ અને તેમના સમર્થકો સામેલ ન થયા બાદ મંગળવારે ફરી વખત ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં સચિન પાયલોટ અને તેમના સમર્થકોને ભાગ લેવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.
પરંતુ બેઠક અગાઉ જ પાર્ટીએ કડક વલણ ધારણ કરતા યૂ-ટર્ન લીધો હતો અને પાયલોટ તેમજ તેમના બે સહયોગીઓ, પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહ અને ખાદ્ય આપૂર્તિમંત્રી રમેશ મીણાને મંત્રીપદેથી તેમજ સચિન પાયલોટને પ્રદેશ અધ્યક્ષપદેથી બરખાસ્ત કરી દેવામાં આવ્યાં હતાં.
સોમવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે ૧૦૨ ધારાસભ્યો સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું એ વખતે જ તમામ ધારાસભ્યોએ સચિન પાયલોટ અને તેમના સમર્થકોના નિષ્કાસનની માંગ કરી હતી. બીજી બાજુ કોંગ્રેસ નેતૃત્ત્વ સચિન પાયલોટ જૂથને એક તક આપવાના પક્ષમાં હતું અને એટલા માટે જ તેમને બેઠકમાં ભાગ લેવાનું જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ છેવટે ગહેલોત જૂથના દબાણ આગળ પાર્ટી નેતૃત્ત્વએ નમવું પડયું અને સચિન પાયલોટને વિદાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો.
હકીકતમાં સચિન પાયલોટે કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રીપદ વિના માનવાના નથી એટલા માટે અશોક ગહેલોત માટે સચિન પાયલોટને દૂર કર્યા વિના ચેન પડે એમ નહોતું.
સચિન પાયલોટને દૂર કર્યા બાદ પણ રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર પરનું સંકટ ટળ્યું હોય એવું લાગતું નથી. મુખ્યમંત્રી ગહેલોત સાથે ૧૦૨ ધારાસભ્યો હાજર હતાં એ જોતાં એવા સંકેત મળે છે કે ગહેલોત સરકાર લઘુમતિમાં નથી. રાજસ્થાનની ૨૦૦ બેઠકો ધરાવતી વિધાનસભામાં બહુમતિ માટે ૧૦૧ બેઠકોની જરૂર છે. બીજી બાજુ સચિન પાયલોટે ૩૦ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો પરંતુ જાણકારોના મતે તેમની પાસે ૧૬ કરતા વધારે ધારાસભ્યો નથી.
ભાજપે સમગ્ર પ્રકરણમાં ચૂપકીદી સેવી રાખી છે. કારણ કે ભાજપ પાસે સરકાર રચવા માટે જરૂરી સંખ્યાબળ નથી.
કોંગ્રેસના આંતરિક કલહે ફરી વખત પાર્ટીની નબળાઇઓને સપાટી પર લાવી દીધી છે. થોડા મહિના પહેલા જ મધ્યપ્રદેશમાં પણ આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. મધ્યપ્રદેશમાં કોંગ્રેસને બેઠી કરનાર જ્યોતિરાદિત્ય સિંધિયાએ બળવો કરીને સમર્થકો સાથે પાર્ટી છોડતા કમલનાથ સરકારનું પતન થયું હતું. એ પહેલાં પણ છથી વધારે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓ, ઓછામાં ઓછા ત્રણ મુખ્યમંત્રીઓ અને ચાર ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ છોડી ચૂક્યાં છે. પાર્ટીના મોટા માથા ગણાતા લોકો પાર્ટી છોડી ચૂક્યાં છતાં કોંગ્રેસ એ દિશામાં કોઇ રણનીતિ ઘડી રહી હોય એવું જણાતું નથી.
ગયા વર્ષે રાહુલ ગાંધીના પાર્ટી અધ્યક્ષ તરીકેના રાજીનામા બાદ કોંગ્રેસના નેતૃત્ત્વનો સવાલ તો ખડો જ છે.
સોનિયા ગાંધીના કાર્યકારી પાર્ટી અધ્યક્ષ બન્યા છતાં કોંગ્રેસની સમસ્યાઓનો અંત આવવાનું નામ જ નથી લેતો. એક સમયે સચિન પાયલોટ, જ્યોતિરાદિત્ય સિંધિયા, હેમંત બિસ્વા શર્મા અને અશોક તંવર જેવા યુવાન નેતાઓ રાહુલ ગાંધીની નિકટ મનાતા હતાં પરંતુ હવે આ યુવાન નેતાઓ પાર્ટી છોડી ચૂક્યાં છે તેની પાછળ રાહુલ ગાંધીની નબળી નેતાગીરી જ કારણભૂત છે.
ખરું જોતા તો કોંગ્રેસ કદાચ તેના સૌથી કપરા કાળમાંથી પસાર થઇ રહી છે. એક તરફ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારીને કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામુ આપી દીધું હતું. ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીના અધ્યક્ષને લઇને કોઇ નિર્ણય થઇ શક્યો નથી. સુકાની વગરના જહાજની જેમ કોંગ્રેસ ગોથા ખાઇ રહી છે. અધ્યક્ષપદને લઇને મુંઝવણમાં રહેલી કોંગ્રેસના નાક નીચેથી એક પછી એક રાજ્યો સરી રહ્યાં છે. હકીકતમાં કોંગ્રેસમા નવી અને જૂની પેઢી વચ્ચે વર્ચસ્વનો જંગ જામ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલોટ જેવા યુવાન નેતાઓ હવે જૂની પેઢી સામે લડવા મેદાનમાં આવી ગયા તો ગયા પરંતુ તેમનું પાર્ટીમાં ન ઉપજતાં તેમણે છેવટે કોંગ્રેસ છોડવી પડી.
મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસની સરકાર ગબડવા પાછળ ભાજપ કરતા કોંગ્રેસનો આંતરિક કલહ જ વધારે કારણભૂત હતો. મધ્યપ્રદેશના પીઢ નેતાઓએ પોતાના પરિવારને આગળ વધારવા માટે તેમના માર્ગની સૌથી મોટી અડચણ એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને દૂર કરવા માટે સરકારના પતન સુધીનું જોખમ ઉઠાવ્યું એવું ઘણાંને લાગતું હતું. જ્યોતિરાદિત્ય સિંધિયાને એક ચોક્કસ રણનીતિ અંતર્ગત બળવો કરવા માટે મજબૂર કરવામાં આવ્યાં. નહીંતર સિંધિયાની એવી કોઇ શરત નહોતી જે પૂરી કરવી અશક્ય હોય.
કમલનાથ કે દિગ્વિજય સિંહે ધાર્યું હોત તો તેઓ કોંગ્રેસ સરકાર પર છવાયેલા સંકટના વાદળ દૂર કરી શક્યા હોત. જ્યોતિરાદિત્ય સિંધિયા એક રાજ્યસભાની બેઠક માત્ર ઝંખી રહ્યાં હતાં અને જો પહેલી પસંદગીની બેઠક તેમને મળી ગઇ હોત તો તેમણે બળવો ન કર્યો હોત.
પરંતુ આ બેઠક માટે ફરી વખત દિગ્વિજય સિંહે દાવો કર્યો. અગાઉ પણ દિગ્વિજય સિંહ પર આરોપ મૂકાયા હતાં કે તેમણે જ જ્યોતિરાદિત્ય સિંધિયાને પ્રદેશ અધ્યક્ષ બનવા નહોતા દીધાં. તો કમલનાથે પણ સરકાર બચાવવા માટે જરૂરી પ્રયત્ન ન કર્યાં.
જ્યોતિરાદિત્ય સિંધિયાની સોનિયા ગાંધી સાથે મુલાકાત પણ ન યોજાઇ શકી. તેમનું અપમાન કરવાના અનેક પ્રયાસ થયાં. એક સમયે ગાંધી પરિવારના અને ખાસ તો રાહુલ ગાંધીના અતિ નિકટના મનાતા જ્યોતિરાદિત્ય સિંધિયાને છેવટે કોંગ્રેસ છોડવા માટે મજબૂર થવું પડયું. રાહુલ ગાંધીના અધ્યક્ષકાળ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાની પાર્ટીમાં ઘણી બોલબાલા હતી પરંતુ તેમના ગૃહરાજ્યમાં જ તેમને સાઇડલાઇન કરવામાં આવ્યાં. વર્ષ ૨૦૧૮માં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર રચાઇ એની પાછળ જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલોટના જોરદાર પ્રયાસો જવાબદાર હતાં પરંતુ કોંગ્રેસ નેતૃત્ત્વએ છેવટે કળશ પીઢ નેતાઓ પર ઢોળ્યો.
દેશની આઝાદી બાદ દાયકાઓ સુધી કોંગ્રેસનું એકહથ્થુ શાસન રહ્યું. જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીના સમયમાં કોંગ્રેસ સામે કોઇ પડકાર નહોતો. રાજીવ ગાંધીના સમય સુધી પાર્ટી અત્યંત મજબૂત હતી. પરંતુ વી.પી. સિંહે કોંગ્રેસથી છેડો ફાડયા બાદ પાર્ટીના કાંગરા ખરવાની શરૂઆત થઇ ગઇ. એક પછી એક કદાવર નેતાઓ પાર્ટીથી અલગ થવા લાગ્યાં. શરદ પવાર, મમતા બેનરજી, વાઇએસઆર જેવા નેતાઓએ કોંગ્રેસથી છેડો ફાડીને પોતપોતાના ક્ષેત્રોમાં પોતાના પક્ષ ઊભા કરી લીધાં.
આજના દોરમાં જ્યારે ભાજપ જે કુશળતાથી મેનેજમેન્ટ કરે છે ત્યારે કોંગ્રેસમાં એવી કુશળતા અને પ્રોફેશનાલિઝમનો સાવ અભાવ જણાય છે. ભાજપની જેમ કોંગ્રેસમાં છેલ્લા ઘણાં વર્ષોથી જમીનીસ્તરે કોઇ કામગીરી થઇ હોવાનું જણાયું નથી. નવા કાર્યકરોની ભરતીથી લઇને તેમની ટ્રેનિંગ કે પછી વર્કશોપ કે શિબિરનું કોઇ આયોજન જ થતું નથી. અગાઉ પાર્ટીમાં એવા નેતાઓ હતાં જે કાર્યકરો અને સામાન્ય લોકો સાથે સીધી રીતે જોડાયેલા હતાં. આવા નેતાઓની પોતાના પ્રદેશ અને લોકો ઉપર સારી એવી પક્કડ રહેતી જે ચૂંટણીટાણે મતોમાં ફેરવાતી.
પરંતુ હવે કોંગ્રેસમાં એવા નેતાઓનો દુષ્કાળ પડયો છે. કોંગ્રેસ સંપૂર્ણ રીતે ગાંધી પરિવારની આશ્રિત બની ગઇ છે. આ ચૂંટણીમાં એવું પણ જોવા મળ્યું કે ઘણાં વરિષ્ઠ નેતાઓએ પોતાના ક્ષેત્રથી પણ અંતર જાળવ્યું. ખરેખર તો છેલ્લા થોડા વર્ષોથી પાર્ટીનું કલ્ચર જ સાવ બદલાઇ ગયું છે. ખાસ કરીને કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્ત્વ ફરતે કહેવાતા બુદ્ધિજીવીઓની માયાજાળ ફેલાઇ ગઇ છે જે લોકો જમીનીસ્તરથી સાવ અળગા છે. આવા વચેટિયા લોકોના કારણે કોંગ્રેસના ટોચના નેતાઓ સામાન્ય પ્રજા અને કાર્યકરોથી સાવ વિખૂટા પડી ગયા છે.
જાણકારોના મતે કોંગ્રેસના નેતૃત્ત્વમાં રહેલા લોકો વિચારહીનતાથી પીડાય છે અને રાજકીય મામલાઓમાં તેમને અમુક ગણ્યાંગાંઠયાં સલાહકારોનું કહ્યું કરવાની આદત છે. જ્યારે પક્ષના નેતૃત્વ પાસે પોતાની સમજદારી ન હોય ત્યારે તકસાધુઓ તેમને આસાનીથી ભોળવી શકે છે.
એમાંયે પાર્ટી સત્તામાં ન હોવાના કારણે પાર્ટી સાથે જોડાયેલા લોકોને ભોળવવા આસાન બની ગયા છે. કારણ કે પાર્ટી સત્તામાં હોય ત્યારે લોકો લાલચમાં પણ સાથે જોડાયેલા રહે છે પરંતુ સત્તામાંથી દૂર થયા બાદ લોકો તક મળતા જ બીજાનો સહારો લેવા લાગે છે. આજે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી દિશાહીન લોકોનું એક ટોળું બનીને રહી ગઇ છે અને જો પાર્ટીનેતૃત્ત્વ વેળાસર નહીં જાગે તો કોંગ્રેસનું પતન નક્કી છે.