- આર્ટકિટ રિજનમાં ચીનના પગપેસારાના નામે હવે કોઈપણ ભોગે ગ્રીનલેન્ડ કબજે કરવા અમેરિકા તલપાપડ થયું છે, હાલ નવ દેશો સાથે સંઘર્ષ યથાવત્
- હવે અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે કે, હાલમાં દુનિયાની એક જ સર્વોચ્ચ સત્તાનું પદ જતું રહેશે અને દુનિયામાં મલ્ટિપાવર સેન્ટર બની જશે : દુનિયા તેને નબળો પડતો દેશ ન માને તેના કારણે તેણે મરણિયો જંગ આદર્યો છે. તે ક્યાંક દબાણ કરે છે તો ક્યાંક પ્રતિબંધ મુકે છે તો ક્યાંક દુશ્મનના દુશ્મનને દોસ્ત બનાવે છે તો ક્યાંક શક્તિ પ્રદર્શન કરે છે : સર્વોચ્ચ મહાસત્તા બની રહેવાનું દબાણ કે પછી રશિયા, ચીન, ભારતના વધતા પ્રભાવને અટકાવવા અને ઈરાનને કચડવા આક્રમક પગલા : અમેરિકા ‘Sanctioning Russia Act of 2025' નામના નવા કાયદા એવા તમામ દેશો ઉપર ૫૦૦ ટકા તોતિંગ ટેરિફ લગાવશે જેઓ રશિયા પાસેથી ક્રૂડ અથવા તો યુરેનિયમ ખરીદે છે, ખાસ કરીને ચીન અને ભારત ઉપર
પેન્ટાગોન હાલમાં મરણિયું થયેલું છે. કોઈપણ ભોગે સમગ્ર વિશ્વમાં અમેરિકાને મહાસત્તા તરીકે યથાવત્ રાખવા માટે તેણે તમામ સ્તરે પ્રયાસ શરૂ કરી દીધા છે. હાલમાં ગ્રીનલેન્ડને કબજે કરવાની જાહેરાત ટ્રમ્પના માધ્યમથી કરાવાઈ છે. અમેરિકી પ્રમુખે જાહેરાત કરી છે કે, ગ્રીનલેન્ડ અને આર્કટિક રીજનમાં ચીનની દખલગીરી અને પ્રભાવ વધી રહ્યા છે. તેને કાબુ કરવા માટે અમેરિકા દ્વારા પગલાં લેવાશે અને ગ્રીનલેન્ડ કબજે કરાશે.
જાણકારોના મતે પેન્ટાગોને કોઈપણ ભોગે ચીનને દબાવવાની નીતિ ઉપર કામ શરૂ કરી દીધું છે અને ચીનના વધતા પ્રભાવને રોકવા માટે તે ગમે તે કામ કરી રહ્યું છે. હાલમાં તે નવથી વધારે દેશો સાથે સીધું જ બાથ ભીડી રહ્યું છે.
ઈરાનમાં જે જનઆંદોલન શરૂ થયું છે તેને અમેરિકા દ્વારા પ્રેરિત માનવામાં આવે છે. જાણકારો કહે છે કે, ઈરાનમાં ઘણા સમયથી લોકજુવાળ ઊભો થયેલો હતો અને તેને અમેરિકાએ પડદા પાછળ સમર્થન, ફંડિંગ અને તાકાત આપીને વિસ્ફોટ કરાવી દીધો છે. ખામેનેઈ દ્વારા જે રીતે અમેરિકાની ધરાર અવગણના કરીને કામગીરી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને સત્તા હાથમાં રાખીને ન્યૂક્લિયર પાવર બનવા તરફ દોટ મુકવામાં આવી છે તેનાથી અમેરિકાને સખત વાંધો છે. તેથી જ ખોમેનૈની સત્તા ઉથલાવવા માટે અમેરિકાએ જનઆંદલોનની આગ ચાંપી છે.
બીજી તરફ જોઈએ તો અમેરિકાએ થોડા સમય પહેલાં રશિયાનું એક ક્ડ જહાજ પકડી પાડયું અને તેના કારણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અમેરિકાએ જાહેરાત કરી દીધી છે કે, તે નવો કાયદો લાવવાની તૈયારી કરી રહ્યું છે. તે ‘Sanctioning Russia Act of 2025' નામના નવા કાયદા દ્વારા રશિયાને ભીંસમાં લેવા ઉપરાંત તેની સાથે વેપાર કરતા અને તેનું ક્રૂડ લેતા દેશોને પણ ફિક્સમાં મુકવા માગે છે. આ કાયદા હેઠળ એવા તમામ દેશો ઉપર ૫૦૦ ટકા તોતિંગ ટેરિફ લગાવવામાં આવશે જેઓ રશિયા પાસેથી ક્રૂડ અથવા તો યુરેનિયમ ખરીદે છે. ખાસ કરીને ચીન અને ભારતના રશિયા સાથે સંબંધો ગાઢ અને મજબૂત હોવા ઉપરાંત વ્યાપારિક કામગીરીઓ પણ અત્યંત વધારે છે. આ બંને દેશોને પણ દબાણમાં લેવા માટે અમેરિકા તલપાપડ છે. બીજી તરફ આ ત્રણ દેશો જ નહીં તે સિવાય અન્ય પાંચ દેશો સહિત કુલ આઠ દેશો સાથે અમેરિકાએ શિંગડા ભરાવેલા છે.
જાણકારો માને છે કે, હાલના સમયમાં સર્વોચ્ચ મહાસત્તા બની રહેવાનું દબાણ અથવા તો ભારત, ચીન, રશિયાના વધતા પ્રભાવને અટકાવવા અમેરિકાએ આ કાયદાનો કોરડો વિંઝયો હોવાની મજબૂરી હોવાની ચર્ચા છે.
ઉલ્લેખનીય છે કે, એક તરફ અમેરિકા અને ભારત મિત્ર રાષ્ટ્રો હોવાની વાત ચાલે છે. ટેક્નોલોજી, સંરક્ષણ, હથિયારો અને ચીનની આડોડાઈ મુદ્દે બંને દેશો એકબીજાની સાથે છે પણ જ્યારે ભારતની રશિયા જોડેથી ક્રૂડ ખરીદવાની વાત આવે છે ત્યારે અમેરિકાને પેટમાં દુ:ખે છે. બીજી તરફ ભારત એવું માને છે કે તેને સસ્તા ક્રૂડની જરૂર છે જેથી દેશમાં પેટ્રોલ-ડીઝલ અને અન્ય પેદાશોના ભાવ કાબુમાં રહે. તેના કારણે જ રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ખરીદવું એક કૂટનીતિક નિર્ણય છે. અમેરિકા આ ડીલના નામે રશિયા અને ભારત બંનેને દબાવે છે. ભારત બંને સાથે સંતુલન જાળવવા મથી રહ્યું છે.
ચીન સાથે અમેરિકાના ખૂબ જ વિચિત્ર સંબંધ છે. અમેરિકાને કોઈપણ ભોગે ચીનને દબાણમાં રાખવું છે અને ચીન દબાણમાં રહે તેવી સ્થિતિમાં નથી. હાલમાં ટેક્નોલોજી, માઈક્રોચિપ્સ, એઆઈ, તાઈવાન, સાઉથ ચાઈના સી અને ઈન્ડો-પેસિફિસ સેક્ટરમાં વર્ચસ્વ મુદ્દે અમેરિકા અને ચીન આમને સામેને છે.
અમેરિકાનો એક જ પ્રયાસ છે કે, ચીનને કોઈપણ રીતે રોકવામાં આવે જેથી તે ભવિષ્યની સર્વોચ્ચ મહાસત્તા બની શકે નહીં. આશ્ચર્યની વાત એ છે કે, અમેરિકા દ્વારા ગમે તેટલા દબાણ કરવામાં આવે પ્રયાસ કરવામાં આવે પણ ચીન આત્મનિર્ભર અને શક્તિશાળી બની રહ્યું છે અને તે દિશામાં જ આગેકૂચ કરી રહ્યું છે.
અમેરિકાને હાલમાં મોટો વાંધો રશિયા સામે પણ છે. આમ તો બંનેને પહેલા વિશ્વયુદ્ધ સમયથી એકબીજા સામે વાંધો પડેલો જ છે. અમેરિકા નથી ઈચ્છતું કે વર્તમાન સમયમાં રશિયા મજબૂત થાય અને ખાસ કરીને યુરોપમાં મજબૂત સૈન્ય શક્તિની જેમ વિકસે અને પોતાના સોવિયેત સંઘ જેવા વર્ચસ્વને ફરીથી પ્રાપ્ત કરે.
તેના કારણે જ અમેરિકા યુદ્ધ માટે યુક્રેનને પૈસા અને હથિયારો આપતું રહે છે. બીજી તરફ રશિયાને પણ ભય છે કે, તે મજબૂત નહીં રહે તો નાટો સેનાઓ અને અમેરિકી સેનાઓ તેની સરહદ સુધી આવી જશે જે ભવિષ્ય માટે જોખમી છે.
બંને દેશો મહાસત્તા છે અને પરમાણુ હથિયારોનો મોટો જથ્થો ધરાવે છે તેથી અમેરિકા અને રશિયા યુદ્ધ કરતા નથી પણ એકબીજા ઉપર પ્રતિબંધો મુકે છે અને એકબીજાના મિત્રો ઉપર પગલાં લે છે. અમેરિકા હાલમાં આવું જ કંઈ કરીને ટેરિફ વોરમાં ઉતર્યા છે.
અમેરિકાની નીતિ એટલી મેલી છે કે, તે એક તરફ રશિયા સામે જંગે ચડયું છે અને બીજી તરફ રશિયા સાથે યુદ્ધ કરતા યુક્રેનને સમર્થન કરે છે અને યુક્રેનને પણ દબાણમાં લાવી રહ્યું છે. યુક્રેન ખનીજ સંસાધનોથી ભરપૂર છે અને યુરોપમાં રણનીતિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વનો દેશ છે. તેથી જ અમેરિકા તેને અધધ મદદ કરે છે. તેણે હવે આ મદદના બદલામાં તમામ હથિયારો અને પૈસાનો ઉપયોગ કેવી રીતે અને કયાં કર્યો તેના હિસાબ માગવાની શરૂઆત કરી છે.
બીજી તરફ રશિયા સામેના યુદ્ધમાં હથિયારો અને પૈસાની મદદના બદલામાં તેની પાસે રહેલા યુરેનિયમ અને ટાઈટેનિયમના ખજાનાનો લાભ પશ્ચિમી દેશો આપવાનું પણ દબાણ કરી રહ્યો છે. યુક્રેન માને છે કે, આ મદદના નામે સોદો થઈ રહ્યો છે અને તેને દબાવાઈ રહ્યું છે. યુક્રેન પણ હવે અમેરિકાથી નારાજ છે પણ કશું કરી શકે તેવી સ્થિતિમાં નથી.
અમેરિકાને તો હાલમાં વિયેતનામથી પણ વાંકુ જ પડેલું છે. વર્ષો પહેલાં દાયકા સુધી યુદ્ધ કરનારા અમેરિકા અને વિયેતનામ વચ્ચે હાલમાં સારા સંબંધ છે. તેની પાછળ એક જ કારણ છે, ચીન. અમેરિકાની ઈચ્છા છે કે, ચીનના વધતા પ્રભાવને અટકાવવા માટે વિયેતનામ મુક્ત રીતે અમેરિકાને સમર્થન આપે.
તે ઉપરાંત સૈન્ય અને રણનીતિક મોરચે પણ વિયેતનામ આગળ આવે. વિયેતનામ પોતાની નીતિમાં સ્પષ્ટ છે કે, તે કારણ વગર ચીન સાથે શિંગડા ભરાવવા માગતો નથી અને તે વિસ્તારમાં અન્ય કોઈ દેશનો હાથો બનીને પોતાના સાર્વભૌમત્વને જોખમાવવા તૈયાર નથી. તે ચીનને નારાજ કરવા માગતું નથી અને અમેરિકા ઉપર સંપૂર્ણ આધારિત રહેવા માગતું નથી અને તેથી અમેરિકા હાલ વિયેતનામથી નારાજ છે.
તુર્કી સાથે પણ અમેરિકાને દોસ્તી છતાં અવિશ્વાસનો સંબંધ છે. બંને નાટોના સાથી હતી અને કાગળ ઉપર મિત્રો હતા.
૨૦૧૭માં તુર્કીએ રશિયા સાથે એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનો કરાર કર્યો અને ૨૦૧૯માં તે ખરીદી લીધી. તેનાથી અમેરિકાને લાગ્યું કે, નાટોમાં રશિયન સાધનોનો પ્રવેશ થશે અને અમેરિકાએ તુર્કીને એફ-૩૫ ફાઈટર પ્લેન આપવાની મનાઈ કરી દીધી અને બંનેના સંબંધ વણસી ગયા.
તેવી જ રીતે વેનેઝુએલા ઉપર ઘણા સમયથી અમેરિકા દબાણ બનાવી રહ્યું હતું. ખાસ કરીને માદુરો અને તેમના સાથીઓ ડ્રગ્સનો વ્યવસાય કરતા હોવાના આરોપો મુક્યા હતા. તેના આધારે અમેરિકાએ ૩ જાન્યુઆરીએ વેનેઝુએલા ઉપર હુમલો કરીને માદુરોની અને તેની પત્નીનું અપહરણ કરીને ધરપકડ કરી લીધી.
હવે તે વેનેઝુએલાને પોતાના કબજામાં રાખીને તેના તેલના ભંડારો પોતાને હસ્તક કરવા માગે છે.
સોવિયેતની તોડવા અમેરિકાએ ઊભું કરેલું ચીન જ હવે તેને પડકારી રહ્યું છે
જિયોપોલિટિક્સમાં આ તબક્કો સૌથી વધારે ઉતાર-ચડાવવાળો છે. હાલમાં અમેરિકા અને તેની સામે આઠ મોટા દેશો છે. વાત એવી છે કે, અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે જે કોલ્ડવોરની સ્થિતિ હતી તે ખૂબ જ આકરી હતી. ૧૯૪૭ થી ૧૯૯૧ સુધીના આ ગાળામાં અમેરિકા સુપર પાવર બની ગયું.
તે સમયે અમેરિકાએ ચીનને ઊભું થવામાં મદદ કરી હતી અને સોવિયેત સંઘની સામે તેને ઊભું રાખ્યું હતું. ત્યારબાદ સોવિયેત સંઘનું વિઘટન થયું પણ રશિયા તબક્કાવાર મજબૂત થતું ગયું. તેની સાથે જ દુનિયામાં મહાસત્તા બનાવાની હોડ શરૂ થઈ. તેમાં રશિયા, ફ્રાન્સ, બ્રિટન, ચીન બધા જ દેશો જોડાવા લાગ્યા. હવે ચીન આથક મજબૂત સ્થિતિ અને ટેક્નોલોજીના પગલે અમેરિકાને પડકારી રહ્યું છે. રશિયા મજબૂત સૈન્ય શક્તિના આધારે અમેરિકાને ગાંઠતું નથી. ભારત સહિતના નવી દુનિયાના દેશો પણ અમેરિકાની ઘણી વાતો ફગાવી રહ્યા છે. તેના પગલે અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે કે, હાલમાં દુનિયાની એક જ સર્વોચ્ચ સત્તાનું પદ જતું રહેશે અને દુનિયામાં મલ્ટિપાવર સેન્ટર બની જશે. બીજી બાજુ અત્યાર સુધી ડોલરનો કાબુ અમેરિકાના હાથમાં હતો. તે જ તેની સૌથી મોટી તાકાત હતી. હવે રશિયા, ચીન, ભારત અને બીજા ઘણા દેશો ડોલર સિવાયના પોતાના ચલણમાં પણ વેપાર કરતા થયા છે. તેના કારણે અમેરિકી ડોલરને ફટકો પડયો છે.
ચીને ઘણા મુદ્દે ટેક્નોલોજીમાં અમેરિકાને પછાડયું છે અને રેર અર્થ મિનરલ્સ મુદ્દે સમગ્ર દુનિયાનું નાક દબાવ્યું છે. તેથી આગામી સમયમાં ચીન સર્વોચ્ચ મહાસત્તા બની જાય તો અમેરિકાને નાક કપાયા જેવી સ્થિતિ થાય. બીજી બાજુ રશિયાએ ક્રૂડ અને ઊર્જા સેક્ટરમાં ઘણા દેશોને સસ્તો માલ આપ્યો છે.
ઈરાન ઉપર પ્રતિબંધ છતાં ભારત અને તેના સાથી દેશોમાં સરળતાથી અને સસ્તાભાવે ક્રૂડ જતું હોવાથી અમેરિકા ગિન્નાયું છે. તેથી એક વાતાવરણ ઊભું થઈ રહ્યું છે કે, અમેરિકા નબળું પડી રહ્યું છે. દુનિયા તેને નબળો પડતો દેશ ન માને તેના કારણે તેણે મરણિયો જંગ આદર્યો છે. તે ક્યાંક દબાણ કરે છે તો ક્યાંક પ્રતિબંધ મુકે છે તો ક્યાંક દુશ્મનના દુશ્મનને દોસ્ત બનાવે છે તો ક્યાંક શક્તિ પ્રદર્શન કરે છે. જાણકારો માને છે કે, અમેરિકાથી બચવા અને બહાર આવવા બ્રિક્સ જેવા સંગઠનો કે જેને ગ્લોબલ સાઉથ કહેવાય છે તેઓ પોતાના ધરી મજબૂત કરી રહ્યા છે.
તેઓ ડોલરની સામે પોતાની કરન્સી સિસ્ટમ ઊભી કરી રહ્યા છે. આ ગ્લોબલ સાઉથ માને છે કે, અમેરિકાના ઈશારે જ બધું ચાલે તેમ નથી, દેશના પોતાના હિત અને ઈચ્છા હોય છે. તેના કારણે જ હવે અમેરિકા પોતાની ગુમાવેલી શાખ મેળવવા અને બચેલી જાળવી રાખવા બેફામ પગલાં લઈ રહ્યું છે.


