ચિંતા : ભારતમાં 71 ટકા લોકો પોષણયુક્ત આહાર લઈ શકતા નથી

- ભારતે હથિયારો ખરીદવાની નહીં પણ ખેતીને સમૃદ્ધ કરીને મજબૂત પેઢી અને સશક્ત સમાજ કરવાની વધારે જરૂર છે
- વિશ્વના અંદાજે 300 કરોડથી વધારે લોકો પોષણયુક્ત ભોજન કરી શકતા નથી. ઉલ્લેખનીય છે કે, કોરોના પહેલાં આ આંકડો 282 કરોડની આસપાસ હતો. સહારા ક્ષેત્ર અને આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તો 80 ટકા વધારે લોકોને પૌષ્ટિક ભોજન નહીં મળતું હોવાના અહેવાલો છે : ભારતમાં ૫૬ ટકાથી ૭૧ ટકા લોકો પૌષ્ટિક અને સ્વસ્થ ભોજન પ્રાપ્ત કરી શકતા નથી. ગત વર્ષે આવેલો એક અહેવાલ જણાવતો હતો કે, ભારતના 6 થી 23 મહિના સુધીના 77 ટકાથી વધારે બાળકો કુપોષણનો શિકાર છે : જાપાનમાં શોકુ ઈકુ નીતિ હેઠળ બાળકોનો ભોજનનું વિજ્ઞાાન સમજાવવામાં આવ્યું. એક એવું માળખું તૈયાર કરવામાં આવ્યું કે, ભોજન માત્ર ખાવાની વસ્તુ નહીં પણ સંસ્કૃતિ, સમજ, સમાજ અને સ્વાસ્થ્યનો આધાર બની રહે
દુનિયામાં ચારે તરફ યુદ્ધનો, સંઘર્ષનો, પીડાનો, એકબીજા સામે આક્રોશનો માહોલ છે ત્યારે એક એવી બાબત સામે આવી છે જેના ઉપર ખરેખર વિચાર કરવો જોઈએ. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રનો એક અહેવાલ આવ્યો છે જેણે જણાવ્યું છે કે દુનિયામાં આજે પણ ૪૨ ટકા લોકો એવા છે જે પોષણયુક્ત ભોજનનો ખર્ચ ઉપાડી શકતા નથી. તેઓ બે ટંક ભોજન તો કરે છે પણ તેમને પોષણયુક્ત ભોજન મળતું નથી. વૈશ્વિક નીતિઓ, બજારોની સ્થિતિ, આર્થિક અસમાનતા અને સામાજિક અસમાનતાની સામે ઉઠેલા એવા સવાલો છે જેનો કોઈની પાસે નક્કર જવાબ નથી. વિશ્વના અંદાજે ૩૦૦ કરોડથી વધારે લોકો પોષણયુક્ત ભોજન કરી શકતા નથી. ઉલ્લેખનીય છે કે, કોરોના પહેલાં આ આંકડો ૨૮૨ કરોડની આસપાસ હતો.
જાણકારો માને છે કે, માણસને બે ટંક પૌષ્ટિક ભોજન કરવા જેવો સામાન્ય અધિકાર છે તે પણ તેને મળતો નથી. બજારમાં થઈ રહેલી ઉથલપાથલ અને સામાજિક અસમાનતાઓના કારણે માણસને ભોજન પણ ન મળી રહે તેવા વિશ્વનું કોઈ અર્થ જ સરતો નથી. વૈશ્વિક સ્તરે આફ્રિકા, સાઉથ એશિયા અને લેટિન અમેરિકાના ઘણા દેશોમાં ખાદ્ય સંકટ છે. ઘણા વિસ્તારોમાં લોકોને પૌષ્ટિક ભોજન મળતું નથી. સહારા ક્ષેત્ર અને આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તો ૮૦ ટકા વધારે લોકોને પૌષ્ટિક ભોજન નહીં મળતું હોવાના અહેવાલો છે. બીજી તરફ યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ઉત્તર અમેરિકા જેવા ક્ષેત્રોમાં લોકોને સારું અને પૌષ્ટિક ભોજન મળી શકે તેમ છે પણ ત્યાંના લોકો ફાસ્ટફૂડની પાછળ અને પ્રોસેસ્ડ ફૂડની પાછળ વધારે ઘેલા થયા છે. તેના કારણે ઓબેસિટી અને અન્ય લાઈફસ્ટાઈલ ડિસિઝનું પ્રમાણ વધી ગયું છે.
દુનિયાનું ચિત્ર જે હોય તે પણ ભારતની સ્થિતિ વધારે ભયાનક છે. ભારતમાં વિકાસ થતો હોવાના દાવા કરાય છે, પોસ્ટરો બનાવાય છે, વાતો કરાય છે પણ વાસ્તવિકતા અત્યંત ભયાનક છે. ભારતના વિકાસની વિશાળ ઈમારતના પાયામાં કુપોષણનો લુણો લાગેલો છે અને તેના તરફ કોઈ નજર કરતું નથી. ભારતમાં ભોજન અને પોષણનું સંકટ વ્યાપક રીતે વકરેલું છે. ભારતમાં ૫૬ ટકાથી ૭૧ ટકા લોકો પૌષ્ટિક અને સ્વસ્થ ભોજન પ્રાપ્ત કરી શકતા નથી. તે ઉપરાંત ગત વર્ષે આવેલો એક અહેવાલ જણાવતો હતો કે, ભારતના ૬ થી ૨૩ મહિના સુધીના ૭૭ ટકાથી વધારે બાળકો કુપોષણનો શિકાર છે. મધ્ય ભારતમાં કુપોષણનું પ્રમાણ સૌથી વધારે છે.
દેશમાં કુપોષણ અને ભોજન સંબંધિત સમસ્યાઓને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ગ્રામીણ ભારતમાં આજે પણ કુપોષણ, આર્યનની ઉણપ, ઓછું વજન, હિમોગ્લોબિનની ઉણપ જેવી બિમારીઓનું પ્રમાણ ખુબ જ વધારે છે. બાળકો અને મહિલાઓની પોષણની સ્થિતિ વધારે ચિંતાજનક છે. બીજી તરફ શહેરી ભારતમાં ભોજન મળી તો રહે છે પણ તેની ગુણવત્તા સૌથી મોટો સવાલ ઊભો કરી રહી છે. સમયનો અભાવ, કામનો તણાવ અને ઝડપી કામગીરીને પગલે પેકેટ ફુડ, જંક ફુડ, પ્રોસેસ્ડ ફુડ અને ઠંડાપીણા રોજિંદા જીવનમાં ભોજનનો પર્યાય બની ગયા છે. એક તરફ કુપોષણ અને બીજી તરફ અતિપોષણ જેવી સ્થિતિ સર્જાઈ છે જે એકંદરે તો ભારતીય સમાજને મોટી હાની પહોંચાડી રહ્યા છે.
દેશમાં વધી રહેલી મોંઘવારીના કારણે દરેક વ્યક્તિ મુશ્કેલીમાં છે. ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે જે ખરેખર ચિંતાજનક છે. દાળ, ખાદ્યતેલ, શાકભાજી, ફળ, દૂધ, કઠોળ, અનાજ વગેરેના ભાવ સતત વધે છે અને ગમે ત્યારે અસંતુલિત થઈ જાય છે. તેના પગલે જ લોકોના ભોજનમાં પણ અસંતુલન આવી રહ્યું છે. હાલમાં સ્થિતિ એવી છે કે, ભારતનો એક સરેરાશ પરિવાર પોતાની આવકનો અડધા કરતા વધારે હિસ્સો માત્ર કેલરી આધારિત ભોજન મેળવવામાં જ ખર્ચ કરી કાઢે છે. પૌષ્ટિક ભોજન આજે પણ તેમની પહોંચથી દૂર છે. આ સ્થિતિ જ જણાવે છે કે, પૌષ્ટિક ભોજનનો અભાવ માત્ર બજારની સમસ્યા નહીં પણ સામાજિક સુરક્ષાના અધિકારને પણ વેરવિખેર કરી નાખતી સમસ્યા છે. સમજવા જેવી બાબત છે કે, ભારતમાં આજે પણ ખેતીનો એક મોટો વર્ગ માત્ર ચોમાસા ઉપર આધારિત છે.
છેલ્લાં ઘણા સમયથી પલટાયેલી વાતાવરણની સ્થિતિ, ગ્લોબલ વૉર્મિંગના કારણે ભારતમાં વરસાદ, તાપ અને ઠંડીનું પ્રમાણ પણ અસંતુલિત થઈ ગયું છે. વરસાદના અયોગ્ય પ્રમાણના કારણે ખરીફ પાકમાં સમસ્યા આવી રહી છે. તેના કારણે ઉત્પાદકો હેરાન થઈ રહ્યા છે. તેમની પાસેથી પૂરતો માલ યોગ્ય ભાવમાં બજાર સુધી જતો નથી તેના કારણે બજારમાં ભાવ વધે છે.
બીજી વાત એવી છે કે, ભારતની ખાદ્ય સુરક્ષાની નીતિઓ જોઈએ તો તે મોટાભાગે ઘઉં અને ચોખા જેવા અનાજ ઉપર જ આધારિત છે. ખરેખર વ્યક્તિને સ્વસ્થ શરીર માટે વિવિધ પોષક તત્ત્વોની જરૂર પડે છે અને વર્તમાન સ્થિતિમાં લોકો તે મેળવી શકે તેવી હાલતમાં નથી.
ભારતમાં ફળો, ઈંડા, શાકભાજી, દાળ, કઠોળ, ડેરી પ્રોડક્ટ જેવી ખાદ્ય સામગ્રીઓ જાહેર વિતરણ કે સરકારી પોષણ કાર્યક્રમોનો ક્યારેય ભાગ બની શક્યા નથી. તેના કારણે મધ્યાન ભોજનમાં પણ પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક ભોજનનો લાભ મળતો નથી. તેના કારણે બાળકોને સંપૂર્ણ ભોજન મળતું નથી અને તેઓ પૌષ્ટિક ભોજનથી વંચિત રહે છે. દુનિયાના એવા ઘણા દેશો છે જેણે ભોજનને રાષ્ટ્ર વિકાસનો પાયો બનાવીને કામગીરી કરી અને અદ્વિતિય સફળતા પ્રાપ્ત કરી છે. બ્રાઝિલની ભુખમરાની ઝીરો ટોલરન્સ નીતિ અને અભિયાન તેનું ઉત્તમ ઉદાહરણ છે. તેના દ્વારા સ્થાનિક ખેતીને પ્રોત્સાહન મળ્યું, ખેત પેદાશો અને એગ્રી પ્રોડક્ટ સાથે સંકળાયેલા ઉદ્યોગોને સબસિડી મળી અને પોષણ કાર્યક્રમો દ્વારા લાખો લોકો સુધી પૌષ્ટિક ભોજન પહોંચાડી શકાયું.
અન્ય દેશોની વાત કરીએ તો જાપાનમાં શોકુ ઈકુ નીતિ હેઠળ બાળકોનો ભોજનનું વિજ્ઞાાન સમજાવવામાં આવ્યું. એક એવું માળખું તૈયાર કરવામાં આવ્યું કે, ભોજન માત્ર ખાવાની વસ્તુ નહીં પણ સંસ્કૃતિ, સમજ, સમાજ અને સ્વાસ્થ્યનો આધાર બની રહે. સાઉથ કોરિયામાં પણ પ્રોસેસ્ડ ફૂડ ઉપર સખત નિયંત્રણો મુકવામાં આવ્યા છે જેના કારણે લાઈફસ્ટાઈલ ડિસિઝમાં મોટાપાયે ઘટાડો જોવા મળ્યો છે. ભારતે આ દેશો પાસેથી બોધપાઠ લઈને પોતાના કાર્યક્રમોને વધુને વધુ વૈજ્ઞાાનિક દ્રષ્ટિકોણવાળા અને આધુનિક બનાવવા જોઈએ. આમ જોવા જઈએ તો પોષણના અભાવની અસર માત્ર વ્યક્તિગત સ્તરે નહીં પણ વ્યાપક સ્તરે પડે છે. તેનાથી કાર્યક્ષમતા, શિક્ષણ, ઉત્પાદકતા વગેરે પ્રભાવિત થાય છે. નબળા અને કુપોષિત બાળકો સ્કુલમાં સારો દેખાવ કરી શકતા નથી. કુપોષિત યુવાનો સમાજમાં સક્રિય યોગદાન આપી શકતા નથી. તેના કારણે સરેરાશ દેશના વિકાસને જ મોટાપાયે નકારાત્મક અસર પડે છે.
ભારતમાં ખેતીને અને ખેતપેદાશોને નુકસાન થવાનું બીજું મોટું કારણ જંતુનાશકો અને રસાયણોનો અવિચારી ઉપયોગ પણ છે. તેના કારણે ખાદ્યાન્નમાં જંતુઓ તો મરી જ જાય છે પણ સાથે સાથે પોષણ પણ ઘટી જાય છે. ખેડૂતો દ્વારા ફળો, શાકભાજીઓમાં આડેધડ રીતે જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવી છે. તેના કારણે લાંબા સમયે લોકોને પોષણ મળવાના બદલે કેન્સર જેવી ગંભીર બિમારીઓ થતી હોવાના ચોંકાવનારા અહેવાલો આવ્યા છે. વૈજ્ઞાાનિક સંશોધનો જણાવે છે કે, જંતુનાશકો અને અન્ય રસાયણોનો અતિશય ઉપયોગ કર્યા બાદ તેના કેટલાક અંશ ફળો અને શાકભાજીમાં રહી જાય છે. આવા ફળો અને શાકભાજીના લાંબા સમય સુધી સેવન કરવાથી લોકોમાં વિવિધ બિમારીઓ વધે છે, મહિલાઓમાં હોર્મોનલ ચેન્જિસ થવા લાગે છે, કેન્સર, ફેફસા, લિવર વગેરેની સમસ્યાઓ પણ વધવા લાગે છે. ખેતીમાં ખેડૂતોને સ્વસ્થ, સ્વચ્છ વિકલ્પોની પૂરતી જાણકારની મળે તો આ સ્થિતિમાંથી બચી શકાય છે.
જૈવિક ખેતી અને ઓછા રસાયણોના ઉપયોગની ચર્ચા થાય છે પણ પાયાના સ્તર સુધી તેની માહિતી કે પદ્ધતિ પહોંચતા નથી અને તેથી કૃષિને ખાસ લાભ થતો નથી. ખેડૂતો પાયમાલ થતા જાય છે અને લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થતું જાય છે.
ખેતીને મજબુત કરવાથી, ખેડૂત સમૃદ્ધ અને દેશ સ્વસ્થ બનશે
દેશમાં છેલ્લાં એક દાયકાથી માત્ર વિકાસની વાતો થઈ રહી છે. આ વિકાસના નામે કોંક્રિટના જંગલો વિસ્તારવાનું કામ થઈ રહ્યું છે. ખેતરો, જંગલો કાપીને સાફ કરીને મોટા મોટા રસ્તા બનાવાઈ રહ્યા છે, એરપોર્ટ બનાવાઈ રહ્યા છે. આધુનિક યુગમાં રહેવા માટે આધુનિક સુવિધાઓ જોઈએ તે યોગ્ય છે પણ આધુનિકતાના નામે સંસ્કૃતિ અને ખેતીનો નાશ કરવો યોગ્ય નથી.
ભારતમાં લોકોને બે ટંક પૂરતું ભોજન મળતું નથી અને સરકાર હથિયારો ખરીદવામાંથી નવરી પડતી નથી. લોકની પાસે રહેવા માટે ઘર નથી, સારવાર માટે યોગ્ય સાધનો અને સંસાધનો નથી ત્યાં સરકારે પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધના ભયથી કરોડો રૂપિયાના હથિયારો ખરીદે છે. ભારત જેની સાથે સ્પર્ધામાં ઉતર્યો છે તે ચીન, અમેરિકા, જર્મની, જાપાન જેવા દેશોમાં ખેતીની અત્યાધુનિક પદ્ધતિ અપનાવાયેલી છે. ઈઝરાયેલ કે જેની પાસે જમીન નથી, ચોખ્ખું પાણી નથી છતાં ટેક્નોલોજીની મદદથી અદ્વિતિય ખેતી કરી રહ્યું છે. ચીનમાં ડ્રોન અને રોબોટ્સ દ્વારા ખેતરો ખેડવાથી માંડીને તેમાં બિયારણ નાખવા, ખાતર નાખવા અને તેનું ધ્યાન રાખવા જેવી તમામ કામગીરી કરવામાં આવે છે. તમામ મોટા દેશો દ્વારા પોતાની ખેતી અને ખેત ઉત્પાદનોને પ્રાધાન્ય આપીને વિકાસ કરવામાં આવી રહ્યો છે. લોકોને પૂરતું ભોજન મળે, પોષણયુક્ત ભોજન મળે અને સમાજના છેવાડાના લોકો સુધી આ ભોજન પહોંચે તે વ્યવસ્થા કરીને પછી દેશના વિકાસની વાતો કરવામાં આવી રહી છે. માત્ર પોસ્ટરોમાં, જાહેરાતોમાં કે પછી ભાષણોમાં વિકાસ થતો નથી. ગામડાનો અને ખેતીનો વિકાસ કર્યા વગર કોઈપણ દેશનો વિકાસ થતો નથી તે વાત ભારતે ભુલવી ન જોઈએ. ભારતનું અર્થતંત્ર જ ખેતી અને ખેતપેદાશો ઉપર વધારે નિર્ભર છે ત્યારે તો આ વાત ન જ ભુલવી જોઈએ. ભારતે જો મજબૂત, સક્ષમ અને સ્વસ્થ ભવિષ્ય ઈચ્છતું હોય તો ભોજનને માત્ર બજારની પ્રોડક્ટ નહીં પણ સાર્વજનિક અધિકાર જાહેર કરવો જોઈએ. દરેકને પોષણયુક્ત ભોજન મળે તેની વ્યવસ્થા અને તકેદારી રાખવી જોઈએ. તેના દ્વારા જ વાસ્તવિક વિકાસનો પાયો મજબૂત થશે અને દેશ આગળ વધશે.

