- સ્વપ્રશસ્તીના પોસ્ટરો અને સોશિયલ મીડિયામાં દુશ્મનો સામે ગર્જના કરતી ભાજપ સરકાર ચીન સામે ફરી કાગળનો વાઘ સાબિત થઈ
- એકબાજુ ચીન મિત્રતાના દાવા કરે છે અને બીજા બાજું પોતાની અવળચંડાઈ પણ ચાલુ રાખીને ભારતીય પ્રદેશો ઉપર કબજો જમાવે છે અને સરકાર ડિપ્લોમેટિક વિરોધથી વિશેષ કશું જ કરી શકતી નથી, ચીને એક જ વર્ષમાં ત્રણ નવા પ્રદેશો બનાવી કાઢયા: છેલ્લાં એક વર્ષથી વિકસાવવામાં આવી રહ્યો હતો અને કોઈને તે વાતની જાણ જ નહોતી. ભારતની આટલી નજીક આટલો મોટો જિલ્લો વિકસાવવામાં આવી રહ્યો હતો અને ભારતીય ગુપ્તચર સંસ્થાઓ કે અન્ય એજન્સીઓ પાસે તેની માહિતી જ નહોતી. આ જિલ્લાને પણ 26 માર્ચ 2026ના રોજ ચીને અધિકારિક મંજૂરી આપી દીધી અને ભારતીય એજન્સીઓને તો આ વાતની પંદર દિવસ પછી જાણ થઈ: આ જિલ્લો હકિકતે ૭૪ કિલોમીટર લાંબી એક પટ્ટી આકરમાં ફેલાયેલો છે. આ સાંકડો જિલ્લો તઝાકિસ્તાન અને પીઓકેને અલગ કરે છે. ચીને આતંકવાદ વિરોધી નીતિઓ અને સુરક્ષાના નામે આ જગ્યાને વિકસિત કરી દીધી. ચીને અને પાકિસ્તાન વચ્ચેના આર્થિક કોરિડોરનું આ પ્રવેશદ્વાર અથવા તો પ્રારંભિક કેન્દ્ર બિંદુ બની રહેશે
સમગ્ર વિશ્વ જ્યાં ઈરાન અને અમેરિકાના યુદ્ધ ઉપર નજર કેન્દ્રીય કરીને બેઠું છે, તેમના વચ્ચે સમાધાન થાય તેવી ઈચ્છા રાખી રહ્યું છે ત્યાં ચીને ભારત સાથે વધુ એક ગેમ કરી નાખી છે. ચીને પાકિસ્તાન દ્વારા પડાવી લેવામાં આવેલા કાશ્મીર એટલે કે પીઓકે પાસે એક નવો જ પ્રાંત વિકસાવી દીધો છે. તેણે પીઓકે અને અફઘાનિસ્તાનની સરહદે એક નવો પ્રાંત વિકસાવ્યો છે. તેણે પોતાના શિનજિંયાંગ પ્રાંતમાં સેનલિંગ નામની કાઉન્ટી વિકસાવી દીધી છે. કહેવાય છે કે, ઉઈઘુર મુસ્લિમોની ઘુણસણખોરી રોકવા અને બીજી તરફ વાખાન કોરિડોરની સુરક્ષા કરવા માટે તેણે આ પગલું ભર્યું છે. ચિંતાજનક બાબત એ છે કે, એશિયાના વિવિધ દેશોમાં ઘુસણખોરી કરતું ચીન હવે પીઓકે સુધી પહોંચી ગયું છે અને ભારત કોઈ નક્કર પગલાં લઈ રહ્યું નથી. ચીને મિત્રતાના નામે પીઠ પાછળ ઘા કરીને એક જ વર્ષમાં ભારતની આસપાસ ત્રણ જગ્યાએ નવી કાઉન્ટી વિકસાવી દીધી અને ભારત માત્ર ડિપ્લોમેટિક વિરોધ નોંધાવી શક્યું છે. કરોડો રૂપિયા ખર્ચીને સ્વપ્રશસ્તીના પોસ્ટરો અને સોશિયલ મીડિયામાં પાકિસ્તાન સામે ગર્જના કરતી સરકાર વાસ્તવિકતામાં ચીન સામે કાગળનો વાઘ સાબિત થઈ છે.
ઉલ્લેખનીય છે કે, ચીનનો દાવો છે કે તેણે પોતાના શિનજિંયાંગ પ્રાન્તમાં નવી કાઉન્ટી વિકસાવી છે. વાસ્તવિકતા એ છે કે, સેનલિંગ કાઉન્ટી જ્યાં વિકસાવાઈ છે તે પ્રદેશ પીઓકેમાં આવે છે તેવા અહેવાલો છે. આમ તો પટ્ટી તઝાકિસ્તાનને પીઓકેથી અલગ કરેછે અને ચીનની પોતાની સરહદમાં આવેલી છે. ચીનનો દાવો હતો કે, પૂર્વ તુકસ્તાન ઈસ્લામિક મુવમેન્ટ જેમ કે ઉઈઘર ઉગ્રવાદીઓ અફઘાનિસ્તાનના રસ્તે શિનજિયાંગમાં ઘુસણખોરી કરે છે અને સતત તેના પ્રયાસમાં રહ્યો છે. તેને કાબુ કરવા માટે આ જિલ્લો વિકસાવવામાં આવ્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે ચીન દ્વારા આ વિસ્તાર છેલ્લાં એક વર્ષથી વિકસાવવામાં આવી રહ્યો હતો અને કોઈને તે વાતની જાણ જ નહોતી. ભારતની આટલી નજીક આટલો મોટો જિલ્લો વિકસાવવામાં આવી રહ્યો હતો અને ભારતીય ગુપ્તચર સંસ્થાઓ કે અન્ય એજન્સીઓ પાસે તેની માહિતી જ નહોતી. જાણકારો માને છે કે, સરકારી એજન્સીઓ દ્વારા કાચું કપાયું છે અને હવે તેની કોઈ જવાબદારી લેવા પણ નક્કી થશે નહીં. બીજી વાત એવી છે કે, એક વર્ષથી બની રહેલા જિલ્લાને પણ ૨૬ માર્ચના રોજ ચીને અધિકારિક મંજૂરી આપી દીધી. બીજી તરફ ભારત અને ભારતીય એજન્સીઓને તો આ વાતની પંદર દિવસ પછી જાણ થઈ.
જાણકારોના મતે આ વિસ્તાર ચીનના જિયોપોલિટિક્સ માટે અત્યંત મહત્ત્વનો છે. ચીન છેલ્લાં કેટલાક સમયથી પોતાના સરહદી વિસ્તારોના વિકાસનું કામ કરી રહ્યું છે. તે સતત નવા જિલ્લાઓનું નિર્માણ કરી રહ્યું છે. તેણે વખાન કોરિડોર માટે આ વિસ્તારને ડેવલપ કરવામાં આવી રહ્યો છે. આ જિલ્લો હકીકતે ૭૪ કિલોમીટર લાંબી એક પટ્ટી આકરમાં ફેલાયેલો છે. આ સાંકડો જિલ્લો તઝાકિસ્તાન અને પીઓકેને અલગ કરે છે. ચીને આતંકવાદ વિરોધી નીતિઓ અને સુરક્ષાના નામે આ જગ્યાને વિકસિત કરી દીધી. જાણકારો માને છે, આ જિલ્લા દ્વારા તે હવે પીઓકેમાં અને અફઘાનિસ્તાનમાં પણ ઘુસણખોરી કરશે અને તેની મેલી મથરાવટી ઘુંટીને આ વિસ્તારોને નુકસાન પહોંચાડશે. તે ઉપરાંત પીઓકે થકી પાક. પ્રેરિત આતંકવાદને વધારે ઉત્તેજન આપીને આડકતરી રીતે ભારતને નુકસાન અને હેરાનગતી કરશે.
આ જિલ્લો કાશગર પ્રાંતના અધિકાર ક્ષેત્રમાં આવે છે. ચીનના જૂના સિલ્ક રોડ ઉપર આવેલું કાશગર એક ઐતિહાસિક શહેર છે. ચીનને દક્ષિણ અને મધ્ય એશિયા સાથે જોડાનારું આ એક રણનીતિક પ્રવેશદ્વાર બની રહેશે. ચીને અને પાકિસ્તાન વચ્ચેના આર્થિક કોરિડોરનું આ પ્રવેશદ્વાર અથવા તો પ્રારંભિક કેન્દ્ર બિંદુ બની રહેશે. બેલ્ટ એન્ડ રોડના પહેલા તબક્કા તરીકે આ જિલ્લાને ઓળખવામાં આવી રહ્યો છે. જાણકારોના મતે કારાકોરમ પર્વતીય વિસ્તારમાં પીઓકે અને અફઘાનિસ્તાનની નજીક આ જગ્યા જિયોપોલિટિક્સ માટે ખૂબ જ મહત્ત્વની છે. એક વર્ષથી ચીન તેના પર કામ કરતું હતું. ભારતની નબળી વિદેશનીતિ, નબળી કૂટનીતિ અને ચીનની ખંધી રાજનીતિનો આ વધુ એક પરચો છે.
મહત્ત્વની વાત એ છે કે, ભારત પાસે આકરી અને નક્કર વિદેશનીતિ નથી અને તેના કારણે ચીન વારંવાર ભારતને દબાવે છે. ગલવાન ઘાટીમાં જે ઘટના બની હતી ત્યારથી અત્યાર સુધીમાં ઘણી વખત ચીને આડોડાઈ કરી પણ ભારત તેને લાલ આંખ બતાવી શકે તેમ જ નથી. ચીને વારંવાર આવું કર્યું છે.
અનેક વખત અરુણાચલને પોતાનો ભાગ બનાવતો નકશો રજૂ કર્યો છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે અરુણાચલ પોતાનો હોવાના દાવા કર્યા છે. તેવી જ રીતે લદાખમાં આવેલા કેટલાક વિસ્તારોમાં ઘુસણખોરી કરી છે. ભારત કશું જ કરી શક્યું નથી.
બીજી વાત એ છે કે, ચીન આ પહેલી વખત નથી કર્યું. તે છેલ્લાં એક દાયકાથી સતત આવા કાંડ કરતો આવ્યું છે અને ભારત માત્ર વિરોધ કરવા સિવાય કશું જ કરી શક્યું નથી. ચીને છેલ્લાં ૯ વર્ષમાં ૮૯ ભારતીય જગ્યાઓના નામ બદલીને જાહેર કર્યા છે. ચીને ૨૦૧૭થી ભારતીય જગ્યાઓના નામ બદલવાની આડોડાઈ શરૂ કરી હતી.
તેણે તે વર્ષે ૬ જગ્યાઓને નવા નામ આપ્યા હતા. ત્યારબાદ ૨૦૨૧માં એક યાદી જાહેર કરી હતી જેમાં ૧૫ જગ્યાઓના નામ આપ્યા હતા. ત્યારબાદ ૨૦૨૩માં તેણે ૧૧ સ્થળોના નવા નામ જાહેર કર્યા હતા. ૨૦૨૪માં તેણે સીધા જ ૩૦ સ્થાનોને પોતાના ગણાવીને નવા નામ આપી દીધા હતા. ગત વર્ષે પણ તેણે ૨૭ જગ્યાઓને નવા નામ આપીને પોતાની ગણાવી હતી.
ભારતની 43 હજાર વર્ગ કિમી સહિત 7 દેશોની 41 લાખ વર્ગ કિ.મી જમીન ચીને પચાવી પાડી
ચીનની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો તે ૯૭.૦૬ લાખ વર્ગ કિ.મીમાં ફેલાયેલો દેશ છે. રશિયા અને કેનેડા બાદ વિસ્તારની દ્રષ્ટીએ તે ત્રીજો સૌથી મોટો દેશ છે. ચીનની ૨૨,૧૭૭ કિ.મી લાંબી સરહદ ૧૪ દેશો સાથે જોડાયેલી છે. તેમાંથી ૬ દેશો સાથે તેણે છેતરપિંડી કરીને તેમની જગ્યાઓ પચાવી પાડીને પોતાનામાં ભેળવી દીધી છે. ૧૯૪૯માં જ કોમ્યુનિસ્ટ પાર્ટીનું શાસન આવતાની સાથે જ ચીને તિબેટ, પૂર્વ તુર્કીસ્તાન અને મોંગોલિયાના કેટલાક ભાગ ઉપર કબજો જમાવી લીધો હતો. ત્યારબાદ ૧૯૯૭માં હોંગકોંગ અને ૧૯૯૯માં મકાઉ કબજે કરી લીધું હતું. તેણે જમીન જ નહીં સાઉથ ચાઈના સીમાં પણ ૩૫ લાખ ચો કિ.મી વિસ્તારને પોતાનો ગણાવ્યો છે. તેણે ત્યાં આર્ટિફિશિયલ આઈલેન્ડ પણ બનાવી દીધો છે. ચીને ભારત સહિત ૬ દેશોની કુલ ૪૧.૧૩ લાખ વર્ગ કિલોમીટર જમીન પચાવી પાડી છે. જે ચીનની કુલ જમીનનો ૪૩ ટકા જેટલો ભાગ થાય છે. ચીને તિબેટનો ૧૨.૨૮ લાખ વર્ગ કિ.મી વિસ્તાર પચાવી પાડયો છે. તેણે દક્ષિણ મોંગોલિયા અથવા તો ઈનર મોંગોલિયાનો ૧૧.૮૩ લાખ વર્ગ કિ.મી વિસ્તાર પોતાને હસ્ત કરી લીધો હતો. તેણે તાઈવવાનો પણ ૩૬,૧૯૭ વર્ગ કિમી વિસ્તાર પોતાના કબજા હેઠળ લઈ લીધો હતો. હોંગકોંગ ૧,૧૦૪ કિ.મી વિસ્તાર પચાવી પાડયો. તેવી જ રીતે મકાઉનો ૧૧૫ વર્ગ કિ.મી વિસ્તાર પચાવી પાડયો. ભારતનો સૌથી વધારે ૪૩ હજાર વર્ગ કિલોમીટર વિસ્તાર ચીને પચાવી પાડયો છે. આ ઉપરાંત પાકિસ્તાને પણ ચીનને પીઓકેનો ૬ હજાર વર્ગ કિ.મી વિસ્તાર ભેટ આપી દીધો હતો. આ સિવાય તે અરુણાચલના ૯૦ હજાર વર્ગ કિ.મી વિસ્તારને તથા લદ્દાખને ૩૮ હજાર વર્ગ કિ.મી વિસ્તારને પોતાનો ગણાવી રહ્યો છે. ગત વર્ષે તેણે લદાખના જ પચાવી પડેલા પ્રાન્તમાં હિયાન અને હેકાંગ નામના જિલ્લા બનાવ્યા હતા. આ વિસ્તાર અકસાઈ ચીનનાં આવે છે જે ભારતનો છે પણ ચીને પચાવી પાડયો છે. બીજી તરફ જોઈએ તો ખાસ વાત એ છે કે, ચીને પૂર્વ તુકસ્તાનનો ૧૬.૬૦ લાખ વર્ગ કિમી વિસ્તાર પચાવી પાડીને તેને શિનજિયાંગ પ્રાન્ત બનાવ્યો હતો. આ પ્રાન્તનો એક ખૂણો ભારત, પાકિસ્તાન, પીઓકે અને અફઘાનિસ્તાન સાથે જોડાય છે. તેમાં જ તેણે હવે નવો જિલ્લો બનાવી દીધો છે
ખુશામતખોરી કે દબાણ : સલમાન ખાનની ગલવાન ફિલ્મનું નામ પણ બદલી માતૃભૂમી કરવું પડયું
નવાઈની વાત એ છે કે, થોડા સમય પહેલાં સલમાન ખાન દ્વારા ગલવાન ઘાટીમાં બનેલા એક ઘટના ઉપર ફિલ્મ બનાવવામાં આવી હતી. આ ફિલ્મનું નામ ગલવાન રાખવામાં આવ્યું હતું. જ્યારે ફિલ્મના ટીઝર અને ટ્રેલર ફરતા થયા ત્યારે ચીને તેનો આકરો વિરોધ કર્યો હતો.
ચીનના વિરોધ સામે ભારતીય તંત્ર ડઘાઈ ગયું હતું અને ચીનને ખુશ રાખવા રાતોરાત ફિલ્મનું નામ બદલીને માતૃભૂમી કરી નાખ્યું. બીજી તરફ ફિલ્મમાં ચીનને લગતા જેટલા સંદર્ભ હતા તેને પણ દૂર કરાવી નાખ્યા. એટલું જ નહીં ચીનના ૪૦ ટકા જેટલા દ્રશ્યો ફરીથી શૂટ કરવામાં આવ્યા.
આશ્ચર્યની વાત એ છે કે, ચીનના દબાણમાં આવીને ૪૦ ટકા ફિલ્મ ફરીથી શૂટ કરવાનો વારો આવ્યો કારણ કે ભારત સરકાર મજબૂત સ્ટેન્ડ લઈ શકી જ નહીં અથવા તો લઈ શકતી જ નથી. ચીનની ખુશામત કરવામાં કે પછી તેનાથી ડરવામાંથી જ ભારતીય તંત્ર બહાર આવતું નથી અને ચીન ઈચ્છે તે રીતે ભારત સરકારને દબાવી શકે છે.


