FOLLOW US

'બ્રહ્માસ્ત્ર'ની સફળતાથી બોલીવુડને સંજિવની મળી

Updated: Sep 13th, 2022


- 'બ્રહ્માસ્ત્ર'ની સફળતા માટે એકદમ નવી સ્ટોરી અને હોલીવુડની કક્ષાનું આલાગ્રાન્ડ પ્રોડક્શન જવાબદાર

- 'બ્રહ્માસ્ત્ર'ની સફળતાના કારણે એક વાત ફરી સાબિત થઈ છે કે, યંગ જનરેશનને ગમે એવું અને તેને આંજી નાંખો એવું કશુંક કરો તો એ સફળ થાય જ છે. સાઉથની 'બાહુબલિ', 'કેજીએફ' કે 'આરઆરઆર' જેવી ફિલ્મોને ગજબનાક સફળતા મળી તેનું કારણ આ બે ફેક્ટર હતાં. અયાને 460 કરોડ રૂપિયા ખર્ચીને ટેકનોલોજીનો જબરદસ્ત ઉપયોગ કરીને બનાવેલી 'બ્રહ્માસ્ત્ર'માં પણ આ બંને ફેક્ટર છે. 

લાંબા સમયથી સતત પછડાટ ખાઈ રહેલા બોલીવુડને જબરદસ્ત સુપર હીટ ફિલ્મની જરૂર હતી. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર તથા અયાન મુખરજી નિર્દેશિત 'બ્રહ્માસ્ત્ર, પાર્ટ વનઃશિવા'ના રૂપમાં બોલીવુડને આ બ્લોકબસ્ટર મૂવી મળી ગઈ હોય એવું લાગે છે. શુક્રવારે રીલીઝ થયેલી 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મના હિન્દી વર્ઝને જ  પહેલા ત્રણ દિવસમાં જ ૧૧૦ કરોડ રૂપિયા કરતાં વધારે વકરો કર્યો છે અને વર્લ્ડ વાઈડ ૨૪૦ કરોડ રૂપિયા કરતાં વધારેનું કલેક્શન કરીને છાકો પાડી દીધો છે. 

'બ્રહ્માસ્ત્ર'ની રીલીઝને હજુ ત્રણ જ દિવસ થયા છે ને કોઈ મોટો તહેવાર કે રજાઓ નથી આવી. માત્ર રૂટિન વીક-એન્ડ આવ્યા છે ને તેમાં જ 'બ્રહ્માસ્ત્ર' છવાઈ ગઈ છે. હોલીવુડની સુપર હીટ એવેન્જર સીરિઝની ફિલ્મોની ભારતીય આવૃત્તિ ગણાવાઈ રહેલી 'બ્રહ્માસ્ત્ર'એ પહેલો ઘા રાણાનો કરીને પહેલા જ દિવસે હિન્દી વર્ઝને ૩૭.૫૦ કરોડ રૂપિયા અને  વર્લ્ડવાઈડ ૭૫ કરોડનો વકરો કરીને છાકો પાડી દીધેલો. બીજા દિવસે હિન્દી વર્ઝને ૩૮.૫ કરોડ અને વર્લ્ડવાઈડ ૮૫ કરોડની કમાણી કરેલી. રવિવારે હિન્દી વર્ઝને બીજા ૩૫ કરોડ ને વર્લ્ડવાઈડ ૮૦ કરોડની કમાણી કરીને  લગભગ ૨૪૦ કરોડ રૂપિયાની કમાણી કરી નાંખી છે. 

'બ્રહ્માસ્ત્ર' રીલીઝ થઈ એ પહેલાં જ ૧ લાખ ટિકિટો ભારતમાં બુક થઈ ગયેલી. એ વખતે એવી વાતો વહેતી કરાયેલી કે, કરણ જોહર આણિ મંડળીએ પોતાની મૂવીની હવા જમાવવા માટે રૂપિયા ખર્ચીને પોતે જ ટિકિટો બુક  કરાવવાનું નાટક કર્યું છે. પહેલા દિવસની કમાણી ૭૫ કરોડ રૂપિયા થઈ ત્યારે પણ એવી વાતો સોશિયલ મીડિયા પર વહેતી કરાયેલી કે, ફિલ્મને હીટ કરાવવા પહેલાંથી ખર્ચેલાં નાણાંનો પ્રભાવ છે પણ બીજા દિવસથી ખબર પડી જશે.

આ વાતો ખોટી પડી છે ને 'બ્રહ્માસ્ત્ર' ત્રણ દિવસ પછી પણ અડીખમ છે. એક વાર 'બ્રહ્માસ્ત્ર' જોનારા તેને વખાણી રહ્યા છે તેના કારણે તેની માઉથ પબ્લિસિટી જોરદાર થઈ રહી છે તેથી જે રીતે ફિલ્મ ઉપડી છે એ જોતાં આ ફિલ્મ ૫૦૦ કરોડના આંકને પાર કરશે એવો અંદાજ મૂકાઈ રહ્યો છે. 

'બ્રહ્માસ્ત્ર'ની સફળતા માટે એકદમ નવી સ્ટોરી અને હોલીવુડની કક્ષાનું આલાગ્રાન્ડ પ્રોડક્શન જવાબદાર છે. બોલીલુડની ફિલ્મોમાં હોય છે એવું ટીપીકલ કશું 'બ્રહ્માસ્ત્ર'માં નથી. તેના બદલે દિલ ખુશ થઈ જાય એવા સીન ને કલ્પના ના કર્યા હોય એવા ટ્વિસ્ટ્સની જબરદસ્ત જમાવટ છે. ઈન્ડિયન માયથોલોજી એટલે કે ભારતીય પૌરાણિક કથાઓ સાથેનું તેનું કનેક્શન પણ ક્લિક થયું છે. આ પહેલો પાર્ટ છે તેથી સસ્પેન્સ પણ ક્રિયેટ કરાયું છે. આ બધાં કારણે ફિલ્મ લગભગ ત્રણ કલાકની હોવા છતાં ચાલી છે. 

'બ્રહ્માસ્ત્ર'ની સફળતાના કારણે ડચકાં ખાતા બોલીવુડને ઓક્સિજન મળી ગયો છે અને ફિલ્મ સર્જકોના જીવમાં જીવ આવ્યો છે એમ કહીએ તો ચાલે. કોરોનાના કારણે આખું વર્ષ થીયેટર બંધ રહ્યાં પછી ગયા વર્ષની શરૂઆતમાં થીયેટર ખૂલ્યાં ત્યારે દર્શકો ઉમટી પડશે એવી આશા હતી પણ એ આશા નહોતી ફળી. ૨૦૨૧માં ઘણી બિગ બજેટ ફિલ્મો રીલીઝ થયેલી પણ મોટા ભાગની હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધબોનારાયણ થઈ ગયેલી. 

આખા વર્ષમાં રોહિત શેટ્ટીની સૂર્યવંશી એક માત્ર એવી મૂવી હતી કે જેણે ૨૦૦ કરોડથી વધારેનો ધંધો કર્યો હોય. સૂર્યવંશીએ ૨૯૩ કરોડનો બિઝનેસ કરેલો જ્યારે ૧૯૮૩ના વર્લ્ડકપ વિજય પર આધારિત ૮૩ ફિલ્મે ૧૯૩ કરોડનો ધંધો કરેલો. આ બે ફિલ્મો સિવાય બીજી કોઈ ફિલ્મ ૧૦૦ કરોડના આંકને પાર પણ નહોતી કરી શકી. સલમાન ખાનની અંતિમ અને રાધે, અક્ષય કુમારની બેલ બોટમ, સૈફ અલી ખાનની બંટી ઓર બબલી ટુ જેવી ફિલ્મો તો ભારતમાં પચાસ કરોડના આંકડાને પણ પાર કરી શકી નહોતી. ૨૦૨૧માં થીયેટર ખુલ્લાં રાખવામાં બહુ નિયંત્રણો હતાં તેથી આ હાલત થઈ હશે એમ માનીને સૌએ મન મનાવેલું પણ ૨૦૨૨માં થીયેટર સંપૂર્ણ ખૂલી ગયાં પછી પણ આ જ હાલત રહી હતી. ૨૦૨૨ના પહેલા આઠ મહિનામાં કાશ્મીર ફાઈલ્સ, ભૂલ ભૂલૈયા ટુ અને ગંગુબાઈ કાઠિયાવાડી એ ગણીને ત્રણ મૂવી એવી આવી કે જેમણે સારો વકરો કર્યો ને સુપર હીટ ગણી શકાય. બાકી બીજી ફિલ્મોમાં તો ગાંઠનું ગોપીચંદન કરવું પડે એવી હાલત થઈ ગયેલી.

અમિતાભ બચ્ચનથી માંડીને અજય દેવગન ને આમિર ખાન સુધીના બધા કહેવાતા સુપરસ્ટાર્સની ફિલ્મો ધૂળચાટતી થઈ ગયેલી.  રીલીઝ પહેલાં જેનાં બહુ વખાણ થતા હતાં એવી લાલસિંહ ચઢ્ઢા ને લાઈગર જેવી ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ધબોનારાયણ થઈ ગઈ તેના કારણે બોલીવુડ પતી જશે કે શું એવા સવાલ થવા માંડેલા. હિન્દી ફિલ્મો પિટાતી હતી ત્યારે સાઉથની ફિલ્મો પાંચસો-સાતસો ને હજાર-બારસો કરોડ બોક્સ ઓફિસ પર ઉસેટતી હતી તેથી બોલીવુડ માટે તો ઘા પર મીઠું ભભરાવવા જેવો ઘાટ હતો. આ બધાં કારણે બોલીવુડની પ્રતિષ્ઠા દાવ પર હતી. 'બ્રહ્માસ્ત્ર'ની સફળતાના કારણે એ પ્રતિષ્ઠા બચી ગઈ છે. 

'બ્રહ્માસ્ત્ર'ની સફળતાના કારણે એક વાત ફરી સાબિત થઈ છે કે, યંગ જનરેશનને ગમે એવું અને તેને આંજી નાંખો એવું કશુંક કરો તો એ સફળ થાય જ છે. સાઉથની 'બાહુબલિ' કે 'કેજીએફ' કે 'આરઆરઆર' જેવી ફિલ્મોને ગજબનાક સફળતા મળી તેનું કારણ આ બે ફેક્ટર હતાં. અયાન મુખરજીએ ૪૬૦ કરોડ રૂપિયા ખર્ચીને ટેકનોલોજીનો જબરદસ્ત ઉપયોગ કરીને બનાવેલી 'બ્રહ્માસ્ત્ર'માં પણ આ બંને ફેક્ટર છે.  'બ્રહ્માસ્ત્ર'ની સફળતાએ બોલીવુડને સફળતાની એક ફોર્મ્યુલા આપી છે કે, સતત નવું કરતા રહો. બોલીવુડ આ ફોર્મ્યુલા અપનાવશે તો પછડાશે નહીં. 

રણબીરના બિફ પ્રેમને કારણે બહિષ્કારનું એલાન થયેલું 

'બ્રહ્માસ્ત્ર'ની સફળતા એટલા માટે પણ મહત્વની છે કે, રણબીર-આલિયાની આ ફિલ્મના બહિષ્કારનું પણ એલાન થયેલું. રણબીરનો હિંદુ વિરોધી ગણાવીને તેની ફિલ્મ નહીં જોવા અને ટિકિટના પૈસાથી ગરીબોને ભોજન કરાવવાની અપીલ કરતી ટ્વિટ્સનો મારો ચાલ્યો હતો. બલ્કે અત્યારે પણ સોશિયલ મીડિયા પર બોયકોટબ્રહ્માસ્ત્ર હેશ ટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. રણબીરની ફિલ્મ બકવાસ છે એવા દાવા કરીને ફિલ્મ જોવા નહીં જવા હિંદુઓને અપીલ કરાઈ રહી છે. 

૨૦૧૧માં રણબીર કપૂરની ઈમ્તિયાઝ અલી નિર્દેશિત 'રોકસ્ટાર' મૂવી આવેલી, એ વખતે રણબીર પ્રમોશન માટે ગયેલો ત્યારે તેને કઈ નોન-વેજ ડિશ સૌથી વધારે પસંદ છે એવો સવાલ પૂછાયો હતો. એ વખતે રણબીરે જવાબ આપેલો કે, આઈ લવ બિફ. 

આ જૂની વાતને યાદ કરીને રણબીરની 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મના બહિષ્કારનું એલાન કરાયેલું. ગૌમાંસ ખાનારાની ફિલ્મ જોવા હિંદુઓએ જવું જ ન જોઈએ એવું કહેવાયેલું પણ ફિલ્મોના ચાહકોએ આ એલાનને ધ્યાનમાં લીધા વિના થીયેટરમાં જઈને જોવાનું પસંદ કર્યું છે. 

વિવેચકોના મતે, ફિલ્મો માટે એક સારો સંકેત છે. 'લાલસિંહ ચઢ્ઢા' અને 'રક્ષાબંધન' જેવી બિગ બજેટ ફિલ્મો બોયકોટના એલાનને કારણે નહોતી ચાલી એવા દાવા થઈ રહ્યા છે. 'બ્રહ્માસ્ત્ર'ની સફળતાએ આ દાવાને ખોટો સાબિત કર્યો છે. ફિલ્મ સારી હોય તો લોકો થીયેટરમા જોવા આવે જ છે એ સાબિત કર્યું છે. 

'બ્રહ્માસ્ત્ર'ની આખી ટીમ પરિવારવાદની પેદાશ

બોલીવુડમાં વંશવાદની બોલબાલા છે ને તેમના કારણે બોલીવુડ ખતમ થઈ જશે એવી ટીકાઓ થાય છે ત્યારે રસપ્રદ વાત એ છે કે, 'બ્રહ્માસ્ત્ર'ની સફળતાનો યશ જેને અપાય છે એ ટીમ એવા લોકોની બનેલી છે કે જેમના પરિવારો વરસોથી બોલીવુડમાં જામેલા છે. 

'બ્રહ્માસ્ત્ર'ની મુખ્ય જોડી રણબીર-આલિયાની તો ત્રણ-ચાર પેઢી બોલીવુડમાં છે. પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર, રીશી કપૂર પછી ચોથી પેઢીના નબિરા રણબીરની પત્ની આલિયાના દાદા નાનાભાઈ ભટ્ટ પણ ફિલ્મ સર્જક હતા. આલિયાના પિતા મહેશ ભટ્ટ તો સફળતમ નિર્દેશકોમાં એક છે જ્યારે માતા સોની રાઝદાન પણ અભિનેત્રી હતાં. 

'બ્રહ્માસ્ત્ર'ના નિર્માતા કરણ જોહરને બોલીવુડમાં પરિવારવાદનો પુરસ્કર્તા માનવામાં આવે છે. કરણ જોહર સ્ટાર્સનાં સંતાનોને પ્રમોટ કરે છે જ્યારે નવી ટેલેન્ટને હડધૂત કરે છે એવા આક્ષેપો થાય છે. 'બ્રહ્માસ્ત્ર'ના નિર્દેશક અયાન મુખરજીનો પરિવાર તો ભારતમાં ફિલ્મ સર્જનમાં પ્રણેતા છે. અયાનના દાદા શશધર મુખરજી ૧૯૩૦ના દાયકાથી ફિલ્મો બનાવતા જ્યારે તેના પિતા દેબ મુખરજી હિન્દી અને બંગાળી ફિલ્મોના હીરો હતા. કાજોલ, રાની મુખરજી વગેરે અભિનેત્રીઓ આ મુખરજી પરિવારમાંથી જ આવે છે.

Gujarat
English
Magazines