ઓઝોન પોલ્યુશન : દેશમાં ફેલાઈ રહી છે નવી ક્લાઈમેટ ક્રાઈસિસ

નાઈટ્રોજન ઓક્સાઈડ અને કાર્બનડાયોક્સાઈડ સાથે સૂર્યનો અસહ્ય તાપ ભળીને લોકોના શ્વાસ રૂંધી રહ્યો છે
- ૨૦૨૦માં આવેલા આંકડામાં મિડલ ઈસ્ટ અને સાઉથ એશિયાના દેશો તથા ઈસ્ટ એશિયામાં સાઉથ કોરિયામાં સૌથી વધારે ઓઝોન પોલ્યુશન હતું. તે ઉપરાંત ૨૦૨૧માં દુનિયાના ૭૯ ટકા દેશોમાં ઓઝોન પ્રદૂષણનું પ્રમાણે વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણીના સ્તરે પહોંચી ગયું હતું : આ પ્રદુષિત ગેસ જ્યારે શરીરમાં પ્રવેશે છે ત્યારે શ્વાસનળીમાં બળતરા થવી, ખાંસી થવી, શ્વાસ ચડવો, શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ થવા લાગે છે. જાણકારોના મતે મોટા શહેરોમાં આ સમસ્યા વધી રહી છે : જાણકારોના મતે ઓઝોન પ્રદૂષણને કારણે વિશ્વમાં ૪.૮૯ લાખ લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત વૃદ્ધો અને નવજાત બાળકોના સ્વાસ્થ્યને ગંભીર અસર થઈ રહી છે. તેઓ જણાવે છે કે, જે દેશમાં વૃદ્ધો અને બાળકોની સંખ્યા વધારે છે તે દેશ માટે આ પ્રદૂષણ વધારે જોખમી બની શકે
દિવાળી નજીક આવતા જ અને શિયાળાની શરૂઆતના પડઘમ સાથે જ સમગ્ર દેશમાં પ્રદૂષણની સમસ્યા વકરવા લાગે છે. આમ તો દેશના મોટાભાગના રાજ્યોમાં ઓછા વત્તા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાયેલું જ છે પણ શિયાળામાં તે વધારે અનુભવાય છે. તેમાંય જે લોકો દિલ્હી, એનસીઆરમાં રહે છે તેમના માટે તો આ પ્રદૂષણ નેક્સ્ટ લેવલની સમસ્યા છે. લોકો ઘણા વખતથી આ પ્રદૂષણ ભોગવી રહ્યા છે અને કદાચ આગામી સમયમાં પણ ભોગવવું પડશે. આ પ્રદૂષણ સાથે સંકળાયેલી નવી સમસ્યાઓ જન્મ લીધો છે. જાણકારી એવી છે કે, દેશના ઘણા શહેરોમાં ઓઝોન પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના એક અહેવાલ અંગે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે પણ ચિંતા વ્યક્ત કરી છે કે આ સમસ્યા વકરી રહી છે. જાણકારોના મતે આ સમસ્યાથી માત્ર માણસો અને પ્રાણીઓ જ નહીં પણ તેનાથી વૃક્ષો અને ખેતીને પણ મોટું નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. ઓઝોનનું સ્તર વધારતા આ ઝેરી ગેસ માત્ર શહેરોને જ નુકસાન કરશે તેવું નથી. આ ગેસ લાંબા અંતર સુધી ફેલાય છે તેથી તે ગમે ત્યાં પહોંચી શકે છે. તેનાથી ગ્રામ્ય વિસ્તારોને પણ નુકસાન થવાની શક્યતાઓને નકારી શકાય નહીં.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અહેવાલ પ્રમાણે દિલ્હી-એનસીઆર અને મુંબઈ જેવા મોટા શહેરમાં ગ્રાઉન્ડ લેવલ ઓઝનનું સ્તર અને પ્રદૂષણ ભયાનક સ્તરે વધી રહ્યું છે. એનજીટી દ્વારા આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એનજીટીએ સરકાર અને અન્ય એજન્સીઓને આ મુદ્દે ઝડપથી કામગીરી કરવાની અને યોગ્ય પગલા લેવાની જાણ કરી છે. સીપીસીબીના અહેવાલમાં જણાવાયું છે કે, દિલ્હી-એનસીઆરના ૫૭માંથી ૨૫ સ્ટેશનો ઉપર જ્યારે મુંબઈના ૪૫માંથી ૨૨ સ્ટેશનો ઉપર આઠ કલાકની સમય મર્યાદામાંથી મોટાભાગના સમયે ઓઝોન પ્રદૂષણ જોવા મળ્યું હતું. વાહનો, વીજળીઘરો, ઓદ્યોગિક એકમોથી નીકળતા ધુમાડા, નાઈટ્રોજન ઓક્સાઈડ, વીઓસી અને કાર્બન મોનોક્સાઈડના કારણે સૂર્યના પ્રકાશમાં રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે અને તેના પગલે ઓઝોનનું સ્તર વધી રહ્યું છે. આ ગેસ શ્વાસની સમસ્યા, ખાસ કરીને અસ્થમા અને દમના દર્દીઓને મુશ્કેલી વધારે છે, ખેતીને ખૂબ જ નુકસાન પહોંચાડે છે.
સીએસઈ એટલે કે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાર્યનમેન્ટના એક અભ્યાસ ઉપરથી આ અહેવાલ તૈયાર કરાયો હતો. અહેવાલમાં જણાવાયું છે કે, ગ્રાઉન્ડ લેવલ ઓઝોનમાં ભયાનક સ્તરે વધારો થયો છે. આ ઓઝોન ગેસ શ્વાસ સંબંધિત સમસયાઓ અને પર્યાવરણની હાનિ સાથે પણ જોડાયેલું છે. તેના કારણે વ્યાપક નુકસાન થાય તેમ છે. જાણકારોએ ચેતવણી આપી છે કે, ગરમી અને સૂર્ય પ્રકાશ ઓઝોનના નિર્માણને ઝડપી બનાવે છે. હાલમાં જોવા જઈએ તો મોટા શહેરોના કેટલાક વિસ્તારો તેના હોટસ્પોટ બની ગયા છે. એનજીટીએ આ મુદ્દે પર્યાવરણ મંત્રાલય અને સીપીસીબીને ગંભીરતા દાખવવા અને તાકીદે પગલા લેવા પણ ટકોર કરી છે. તેના માટે એક વિશેષ સમિતીની રચના કરવાનો પણ પ્રસ્તાવ મુક્યો છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, પર્યાવરણ, વન અને જળવાયુ મંત્રાલય તથા સીબીસીબીએ ઓઝોન તથા તેના કારકોને નિયંત્રિત કરવા માટે ચોક્કસ ઉપાય કરવા પડશે. તે સિવાય આ કારણો અને કારકોનો અભ્યાસ કરીને તેને ડામવાના ઉપાયો પણ શોધવાની તાકીદ કરાઈ છે.
જાણકારોના મતે દર વર્ષે થતું વાયુ પ્રદૂષણ અને હવે વકરી રહેલું ઓઝોન પ્રદૂષણ ખૂબ જ જુદા છે. સામાન્ય વાયુ પ્રદૂષણમાં મુખ્યત્વે વાતાવરણમાં પાર્ટિક્યુલેટ મેટર ૨.૫ માઈંક્રોનથી નાના હોય તેને ગણીએ છીએ. જેને આપણે પીએમ ૨.૩ કહીએ છીએ તે દેશમાં દરેક જગ્યાએ વત્તા ઓછા પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત નાઈટ્રોજન ઓક્સાઈડ, કાર્બનડાયોક્સાઈડ જેવા ગેસનું સ્તર પણ સામાન્ય કરતા ભયજનક સ્તરે વધારે હોય છે અને તેને વાયુ પ્રદૂષણ કહેવાય છે. બીજી તરફ ઓઝોન પ્રદૂષણ એક એવું પ્રદૂષણ છે જે સીધી રીતે હવામાં ઉત્સર્જિત થતું નથી કે, સર્જાતું નથી. વાયુમંડળમાં સૂર્યની જે આકરી ગરમી પ્રવેશ કરે છે તે ગરમીની વાતાવરણમાં રહેલા નાઈટ્રોજન ઓક્સાઈડ અને હાઈડ્રોકાર્બન સાથે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તેના પગલે જે ગેસ બને છે તેને ઓઝોન ગેસ કહેવામાં આવે છે.
ઓઝોન પોલ્યુશન એક જીવલેણ ઓક્સિડેન્ટ છે જે રાસાયણિક રીતે જોઈએ તો લોખંડને કાટ લાગવામાં તેની ભૂમિકા હોય છે. આ પ્રદુષિત ગેસ જ્યારે શરીરમાં પ્રવેશે છે ત્યારે શ્વાસનળીમાં બળતરા થવી, ખાંસી થવી, શ્વાસ ચડવો, શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ થવા લાગે છે. જાણકારોના મતે મોટા શહેરોમાં આ સમસ્યા વધી રહી છે. તેનું કારણ એવું છે કે, અહીંયા નાઈટ્રોજન ઓક્સાઈડ અને હાઈડ્રોકાર્બનનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને શહેરોમાં ગરમીનું પ્રમાણ પણ વધારે હોય છે તેના પગલે ઓઝોન ગેસ ઝડપથી બનવા લાગે છે. તેનો સીધો અર્થ છે કે, ઓઝોન ગેસ બનતો રોકવા માટે તેના માટે કારક એવા બંને ગેસનું ઉત્સર્જન ઘટાડવું પડશે. પેટ્રોલ હોય કે ડીઝલ વાહનો, પાવર પ્લાન્ટ ઈન્ડસ્ટ્રી વગેરે આ ગેસને વધારવાના મુખ્ય પરિબળો છે. આ જગ્યાઓએથી પ્રદૂષણ ઓછું થશે તો ઓઝોન ગેસ આપોઆપ ઘટવા લાગશે.
જાણકારોના જણાવ્યા પ્રમાણે ઓઝન ગેસનું પ્રમાણ વધવાથી શ્વાસ લેવામાં તકલીફ થવાની મુખ્ય સમસ્યા વકરે છે. તેનું વધતું પ્રમાણ ફેફસાંને નબળા પાડી દે છે. બીજી તરફ વ્યક્તિની ઈમ્યુનિટીને ઓછી કરી નાખે છે. તેમાં પણ પીએમ ૨.૫નું વધતું પ્રમાણ સ્વાસ્થ્ય ઉપર અન્ય ગંભીર અસર કરે છે. આવી પરિસ્થિતિમાં જે લોકોની ઈમ્યુનિટી કુદરતી રીતે જ ઓછી છે અથવા તો તેઓ નબળા છે તેમના ઉપર દુષ્પ્રભાવ વધારે પડે છે. તે ઉપરાંત આવા પ્રદૂષણમાં રહેનારા લોકોની ઈમ્યુનિટી કુદરતી રીતે જ ઘટતી જાય છે અને તેઓ વારંવાર બેક્ટેરિયા અને વાઈરસજન્ય બિમારીઓનો ભોગ બનતા રહે છે. આ રીતે તમામ પ્રકારના પ્રદુષકોની સ્વાસ્થ્ય ઉપર ગંભીર અને ભયાનક અસર થાય છે. આ તો માત્ર માણસોની જ વાત કરી. આ પ્રદૂષણનું વધતું સ્તર જીવજંતુઓ અને પશુ-પક્ષીઓના સ્વાસ્થ્યને પણ આટલી જ ગંભીર અસર પહોંચાડે છે. તે ઉપરાંત વનસ્પતીઓ અને ખેતીને પણ આ પ્રદૂષણની ભયાનક અસર થાય છે. તેનાથી ઉપજ ઓછી થવા લાગે છે. એકંદરે જોવા જઈએ તો કુદરતનું સમગ્ર ચક્ર વેરવિખેર થવા લાગે છે. ઓઝોન પ્રદૂષણનું વધતું સ્તર દેશ માટે ચિંતાજનક બાબત છે.
મહત્ત્વની વાત એ છે કે, આ સમસ્ય માત્ર ભારતમાં જ વકરી રહી છે તેવું નથી. દુનિયાના મોટાભાગના દેશો જ્યાં પ્રદૂષણ વધારે છે તેવા તમામ દેશોમાં ઓઝોન પ્રદૂષણ પણ વધી રહ્યું છે. બીજી બાબત એ છે કે, જે દેશોએ પીએમ ૨.૫ ઉપર કાબુ મેળવી લીધો છે અથવા તો તેને કાબુમાં રાખી રહ્યા છે તે દેશોમાં પણ ઓઝોન પ્રદૂષણની સમસ્યા તો છે. ઓઝોન પ્રદૂષણ ઘટાડવા માટે એક એવા એક્શન પ્લાનની જરૂર છે જે ઘણા બધા મુદ્દે અને ઘણા બધા તબક્કે એક સાથે કામ કરે અને પ્રદૂષણના બાકીના કારકો ઉપર મજબુતીથી કાબુ લાવે. દરેક દેશે સખત પોલ્યુશન લિમિટ નક્કી કરવી પડશે અને તેનો કડકાઈથી અમલ કરાવવો પડશે તો જ સ્થિતિ કાબુમાં આવે તેમ છે. ભારતે પણ હવે સ્ટેજ સેવ વિશે વિચાર કરવો પડે તેમ છે. તેના દ્વારા એનઓએક્સને કાબુ કરી શકાય તેમ છે. ઈલેક્ટ્રિક વાહનોનો વધુમાં વધુ ઉપયોગ થાય તેના માટે પ્રોત્સાહન આપવું પડશે. તે ઉપરાંત એ માપદંડો પણ કડક કરવા પડશે જેના દ્વારા પાવર પ્લાન્ટ્સ થકી નાઈટ્રોજન ઓક્સાઈડનું ઉત્સર્જન ઓછું થાય. હાઈડ્રોકાર્બનના સ્ત્રોત પર પણ કાબુ લગાવવાની જરૂર છે. તે સિવાય સોલ્વંટનો ઉપયોગ પણ ઓછો થાય તેનું ધ્યાન રાખવું પડશે. તે ઉપરાંત પેટ્રોલપંપોમાંથી ઈવોપરેટિવ એમિશન પણ ઓછું થાય તે સુનિશ્ચિત કરવું પડશે. આપણા દેશમાં હાલમાં માત્ર પીએમ ૧૦ ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે પણ હકિકતે પ્રદૂષણ ફેલાવતા તમામ કારકોને કાબુ કરવા માટે એક સંયુક્ત માપદંડ નક્કી કરવો પડશે અને સંયુક્ત પ્લાન બનાવવો પડશે તો જ એકંદરે સફળતા મળી શકે તેમ છે.
ઓઝોન પ્રદૂષણના કારણે વિશ્વમાં ૪.૮૯ લાખનાં મોત થયા છે
ઓઝોન પ્રદૂષણ પણ બાકીના પ્રદૂષણની જેમ વ્યાપક રીતે વકરી રહ્યું છે. તેના કારણે લોકોના સ્વાસ્થ્યમાં મોટો ફેરફાર આવી રહ્યો છે. જાણકારોના મતે ઓઝોન પ્રદૂષણને કારણે વિશ્વમાં ૪.૮૯ લાખ લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત વૃદ્ધો અને નવજાત બાળકોના સ્વાસ્થ્યને ગંભીર અસર થઈ રહી છે. તેઓ જણાવે છે કે, જે દેશમાં વૃદ્ધો અને બાળકોની સંખ્યા વધારે છે તે દેશ માટે આ પ્રદૂષણ વધારે જોખમી બની શકે તેમ છે. બીજી ગંભીર બાબત એ પણ છે કે, ઓઝોન પ્રદૂષણ ક્લાઈમેટ ચેન્જ સાથે પણ સંકળાયેલું છે. હવા જેટલી પાતળ અને ગરમ હશે તેટલું જ ઓઝોન પ્રદૂષણ વધારે ઝડપથી વકરશે. સાદી ભાષામાં વાત કરીએ તો શહેરી વિસ્તારોમાં વધી રહેલી ગરમી અને વકરી રહેલું પ્રદૂષણ ઓઝોન પ્રદૂષણને ઉત્તજન આપી રહ્યું છે અને તેના કારણે એર ક્વોલિટી ખૂબ જ ખરાબ થઈ રહી છે. ઓઝોન પણ ગ્રીનહાઉસ ગેસ જ ગણાય છે અને તેના કારણે તાપમાનમાં પણ વધારે થાય છે. તેથી આ પ્રદૂષણ પણ વૈશ્વિક સ્તરે વધારે નુકસાનકારક છે. અભ્યાસમાં બહાર આવ્યું છે કે, હાલમાં વૈશ્વિક સ્તરે જમીન ઉપર ઓઝોનનું પ્રમાણ ૩૦ ટકાએ પહોંચ્યું છે જે ગત સદી કરતા ૭૦ ટકા વધારે છે. ઓઝોનને વધારકા કારકોનું સૌથી વધારે ઉત્સર્જન અને પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થઈ રહેલા વધારાના કારણે ઓઝોન પણ વકરી રહ્યો છે. ઓઝોન પ્રદૂષણના નવા આંકડા હજી આવ્યા નથી પણ ૨૦૨૦માં આવેલા આંકડામાં મિડલ ઈસ્ટ અને સાઉથ એશિયાના દેશો તથા ઈસ્ટ એશિયામાં સાઉથ કોરિયામાં સૌથી વધારે ઓઝોન પોલ્યુશન હતું. તે ઉપરાંત ૨૦૨૧માં દુનિયાના ૭૯ ટકા દેશોમાં ઓઝોન પ્રદૂષણનું પ્રમાણે વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણીના સ્તરે પહોંચી ગયું હતું. હાલમાં સાઉથ એશિયા, ઈસ્ટ એશિયા તથા વેસ્ટ અને સાઉથ આફ્રિકામાં આ પ્રદૂષણ સૌથી વધારે વકરી રહ્યું છે અને ભારત જેવા દેશ માટે સૌથી મોટો ખતરો બની શકે છે.