Get The App

એક્ઝિટ પોલ : પરિણામ અંગે આશ્ચર્ય જ આપતા રહ્યા છે

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
એક્ઝિટ પોલ : પરિણામ અંગે આશ્ચર્ય જ આપતા રહ્યા છે 1 - image

- રાજકીય કે સામાજિક ભય અથવા તો દબાણ કે સામુદાયિક જોડાણને પગલે લોકો સાચી વાત જણાવતા નથી અને તારણોમાં ફેરફાર આવી જાય છે

- કોઈપણ ચૂંટણી હોય તેનું અંતિમ તબક્કાનું મતદાન ન થઈ જાય ત્યાં સુધી તેના વિશે કોઈ પોલિંગ કરી શકાતું નથી. સાંજે પોલિંગ પૂરું થાય અને તેના દોઢ કલાક પછી એક્ઝિટ પોલ આવવાની શરૂઆત થઈ જાય છે. વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા આ એક્ઝિટ પોલના તારણો વિવિધ માધ્યમો થકી સામે આવે છે : ભારતમાં છેલ્લાં 40 વર્ષમાં 833 ચૂંટણી આધારિત સર્વે થયા છે. તેમાં 447 એક્ઝિટ પોલ જ્યારે 386 પ્રિ પોલ સર્વે થયા છે. આ કુલ સર્વેમાંથી ૭૫ ટકા સાચા પડયા છે : જર્મનીમાં એક્ઝિટ પોલ થાય છે પણ તેનું ખાસ ચલણ નથી. અહીંયા સાંજે છ વાગ્યે ચૂંટણી પૂરી થાય તેના ગણતરીના કલાકોમાં પરિણામ આવવાના શરૂ થઈ જાય છે તેથી એક્ઝિટ પોલ જેવું ખાસ વધતું જ નથી

આપણા દેશમાં દરેક ચૂંટણી બાદ એક્ઝિટ પોલ થતા હોય છે. આ રાજકીય પોલિંગને અંદાજે ત્રણ દાયકા જેટલો મોટો સમય થવા આવ્યો છે. 

દરેક ચૂંટણી પછી એક્ઝિટ પોલના પરિણામો આવતા હોય અને તેના કારણે મોટા રાજકીય વિવાદ થતા હોય છે. બીજી તરફ લોકોમાં પણ આ પોલના તારણો વિશે ગરમાગરમી ફેલાતી હોય છે અને જોરશોરથી ચર્ચા થતી હોય છે. એક્ઝિટ પોલની સૌથી મોટી બાબત એ છે કે, મોટાભાગે પરિણામો અંગે તેના તારણે આશ્ચર્ય આપતા રહ્યા છે. તાજેતરની જ વાત કરીએ તો બિહારમાં મંગળવારે બીજા તબક્કાનું મતદાન પૂરું થતાં જ તમામ મીડિયામાં એક્ઝિટ પોલ શરૂ થઈ ગયા હતા. તેમાં વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવતા સર્વેના આધારે કોની સરકાર બનશે, કોણ જીતશે, કોણ હારશે, કોને બહુમત મળશે કે નહીં, તેવી તમામ બાબતો રજૂ કરવામાં આવે છે. ૧૪ નવેમ્બરે ચૂંટણીનું જે પરિણામ આવશે તે આવશે પણ તે પહેલાં એક્ઝિટ પોલ દ્વારા લોકોમાં જાતભાતના સમીકરણો ચર્ચાવા લાગ્યા છે. ભારતમાં પણ એક્ઝિટ પોલના તારણોમાં મોટો તફાવત આવતો હોવાથી લોકો તેના આશ્ચર્યનો આનંદ વધારે લેતા હોય છે.

સામાન્ય રીતે એવું બનતું હોય છે કે, કોઈપણ રાજ્યની વિધાનસભા ચૂંટણી કે પછી લોકસભાની ચૂંટણી પછી તેના પરિણામો કેવા આવશે તેના વિશે એક અંદાજ રજૂ કરવામાં આવશે. વિવિધ એજન્સીઓ દ્વારા મતદાન દરમિયાન મતદાન માટે આવેલા લોકોની સાથે ચર્ચા કરીને એક સર્વે કરવામાં આવે છે. તેના દ્વારા તેમને ખ્યાલ આવે છે કે, લોકો શું વિચારી રહ્યા છે, લોકલાગણી કઈ તરફ છે, લોકો કઈ બાબતથી નારાજ છે, આ વખતે યુવાનો શું વિચારી રહ્યા છે કે, પછી નોકરિયાત વર્ગ કેવી રીતે મતદાન કરી રહ્યો છે. 

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અંતિમ તબક્કાના મતદાનના દિવસે સાંજે છ વાગ્યા બાદ ચૂંટણી પંચના આદેશ બાદ આ સર્વેના તારણો રજૂ કરવામાં આવે છે. તેને જ એક્ઝિટ પોલ કહેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા એક્ઝિટ પોલ માટેના ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. તેમાં સ્પષ્ટ જણાવાયું છે કે, કોઈપણ ચૂંટણી હોય તેનું અંતિમ તબક્કાનું મતદાન ન થઈ જાય ત્યાં સુધી તેના વિશે કોઈ પોલિંગ કરી શકાતું નથી. સાંજે પાંચ વાગ્યે પોલિંગ પૂરી થાય અને તેના દોઢ કલાક પછી સાડા છ વાગ્યાથી એક્ઝિટ પોલ આવવાની શરૂઆત થઈ જાય છે. 

વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા આ એક્ઝિટ પોલના તારણો વિવિધ માધ્યમો દ્વારા સામે આવે છે. 

ઘણા મીડિયા દ્વારા પોતાની રીતે પણ સર્વે કરીને એક્ઝિટ પોલ રજૂ કરવામાં આવે છે. મોટાભાગે લોકોના ખૂબ જ સામાન્ય અને ઔપચારિક જવાબોના આધારે તૈયાર થતા આ એક્ઝિટ પોલના તારણો વાસ્તવિક પરિણામોથી મોટાભાગે દૂર દૂર સુધી સેટ થતા હોતા નથી. તેમ છતાં ચૂંટણીના ઉન્માદમાં એક્ઝિટ પોલ થતા રહે છે.

જનપ્રતિનિધિત્વ કાયદો ૧૯૫૧ની કલમ ૧૨૬ એ પ્રમાણે મતદાન થતું હોય તે સમયે એવી કોઈપણ કામગીરી ન કરવી જોઈએ જેની અસર મતદારોના મન ઉપર થાય. તેમની માનસિકતાને અસર કરે, પ્રેરે કે ઉશ્કેરે તેવી કોઈ કામગીરી કરવા દેવામાં આવતી નથી. તેનાથી તેમના મતદાનની કામગીરીને અસર થાય છે. મતદાન પૂરું થયાના દોઢ કલાક સુધી એક્ઝિટ પોલનું પ્રસારણ કરી શકાતું નથી. તેથી જ નિયમ પ્રમાણે જે પણ ચૂંટણી હોય તેના અંતિમ તબક્કાનું મતદાન પૂરું થાય તેના દોઢ કલાક બાદ એક્ઝિટ પોલ રજૂ કરવામાં આવે છે. તેથી જ લગભગ છ-સાડા છ બાદ એક્ઝિટ પોલના તારણો આવવાના શરૂ થઈ જાય છે.

એક્ઝિટ પોલ કાયમ સાચા હોય છે તેવું નથી. એક્ઝિટ પોલમાં જે ધારણાઓ બાંધવામાં આવે છે તે ખોટી પણ સાબિત થાય તેમ છે. ભારતમાં એક્ઝિટ પોલનો ઈતિહાસ ખાસ સચોટ રહ્યો નથી. ઘણી વખત ચૂંટણીના વાસ્તવિક પરિણામો એક્ઝિટ પોલ કરતા તદ્દન વિપરિત આવતા હોય છે.

 ખાસ વાત એ છે કે, ચૂંટણી સમયે જેમ લોકોની મતદાનની માનસિકતા અંગે સર્વે કરાય છે અને અક્ઝિટ પોલ અપાય છે તેમ મતદાન પહેલાં પણ સર્વે થતા હોય છે. ચૂંટણીની જાહેરાત થાય તે સમયે ઘણી એજન્સીઓ દ્વારા લોકની સાથે ચર્ચા કરવામાં આવે છે અને તેમનું મન પારખવાનો પ્રયાસ થાય છે. તેને ઓપિનિયન પોલ્સ કહેવાય છે. તે ચૂંટણીની પહેલાં જ થતા હોય છે.

ઓપિનિયન પોલનો સીધો જ અર્થ છે કે, પ્રજા શું વિચારી રહી છે. લોકોના વિચારો, તેમની લાગણીઓ અને તેઓ આગળ મતદાનમાં શું કરી શકે છે તે જાણવા માટે વિવિધ પ્રકારના વૈજ્ઞાાનિક સંશોધનો કરવામાં આવે છે. ચૂંટણીના સર્વેમાં કાયમ રેન્ડમ સેમ્પલિંગનો ઉપયોગ કરવામાં આવે છે. 

દેશી વિવિધ મોટી એજન્સીઓ દ્વારા રેમ્ડમ સેમ્પલિંગ કરીને માહિતી ભેગી કરવામાં આવે છે. તેમાં દરેક બેઠકના સ્તરે, બૂથના સ્તરે અને મતદાતાઓના સ્તરે એમ ત્રણ લેયરમાં સેમ્પલિંગ થતું હોય છે. ધારો કે કોઈ બુથ સેમ્પલિંગ કરવું છે તો ત્યાં ૧૦૦૦ મતદારો હોય તેમાંથી ગમે તે ૧૦૦ મતદારોની સાથે ચર્ચા કરીને લોકોનો સામાન્ય મત જાણવામાં આવે છે. ત્યારબાદ ૨૦થી નાનો કોઈપણ આંકડો ધારીને મતદારયાદીમાં રહેલા તે નંબરના મતદાર સાથે ચૂંટણી મુદ્દે ચર્ચા કરવામાં આવે છે. આ રીતે તમામ સેમ્પલ સર્વે થાય છે. સામાન્ય રીતે ઓપિનિયન પોલ હોય છે તેના ત્રણ ભાગ હોય છે. તેમાં એક પ્રી પોલ હોય છે જે ચૂંટણી પહેલાં થાય છે. ત્યારબાદ ચૂંટણી પત્યા પછી તરત જ એક્ઝિટ પોલ થાય છે. ત્યારબાદ પરિણામ આવી ગયા પછી પોસ્ટ પોલ પણ કરવામાં આવતો હોય છે.

હકિકત એવી પણ છે કે, એક્ઝિટ પોલનો આધાર તેના ઉપર હોય છે કે, મતદાન કેન્દ્ર ઉપર મતદાન કરીને બહાર આવતા લોકો ખરેખર સાચો જવાબ આપશે કે નહીં. મોટાભાગે એવું થતું હોય છે કે, મતદારો વાત કરવા માગતા નથી.

 કેટલાક મતદારો ગોળગોળ વાતો કરે છે પણ નક્કર જવાબ આપતા નથી. કેટલાક લોકો સાવ ખોટા જ જવાબ આપતા હોય છે. કેટલાક લોકો ખચકાતા ખચકાતા જવાબ આપતા હોય છે. તેમાંથી કેટલાક તો પોતાના સમુદાય અને જૂથના આધારે પોતાનું મતદાન બદલી કાઢે છે અથવા તો મતદાન બાદ નિવેદનો તે પ્રમાણે આપતા હોય છે. 

મતદારો દબાણ, ભય, સામાજિક પરિસ્થિતિ વગેરેના કારણે મુક્તમને વાત કરતા નથી. આ સ્થિતિ હવે ધીમે ધીમે વધી રહી છે. તેના કારણે એક્ઝિટ પોલનું તારણ પણ ખોટકાઈ રહ્યું છે. 

ભારતમાં તો એક્ઝિટ પોલના ઘણા પરિણામો તદ્દન વિરુદ્ધ આવ્યા છે અને લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. એક અભ્યાસ અનુસાર ભારતમાં છેલ્લાં ૪૦ વર્ષમાં ૮૩૩ ચૂંટણી આધારિત સર્વે થયા છે. તેમાં ૪૪૭ એક્ઝિટ પોલ જ્યારે ૩૮૬ પ્રિ પોલ સર્વે થયા છે. 

આ કુલ સર્વેમાંથી ૭૫ ટકા સાચા પડયા છે. તેમાંથી પણ મોટાભાગના પરિણામ માત્ર પક્ષની જીતના કે હારના જ સાચા પડયા છે. પક્ષને મળનારી બેઠકો અંગે તો એક્ઝિટ પોલનું તારણ ખૂબ જ નબળું રહ્યું છે. જાણકારો માને છે કે, એક્ઝિટપોલનો ભારતમાં સફળતાનો દર ૮૪ ટકા છે જ્યારે પ્રિ પોલ સર્વેનો સફળતાનો દર ૭૧ ટકા છે. 

દુનિયાના ઘણા દેશોમાં એક્ઝિટ પોલ ઉપર જ પ્રતિબંધ મુકાયો છે 

દુનિયાના ઘણા દેશોમાં એક્ઝિટ પોલ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલો છે. ફ્રાન્સમાં જ એક્ઝિટ પોલ ઉપર પ્રતિબંધ છે. ફ્રાન્સમાં મતદાન ઘણા અઠવાડિયાઓ સુધી ચાલતું હોય છે તેથી જો એક્ઝિટ પોલ આવે તો તેનાથી મતદાનને અસર થાય તેમ છે. તેના કારણે એક્ઝિટ પોલ કરવા દેવાતા નથી. સમગ્ર મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ ફ્રાન્સનું મીડિયા અને એજન્સીઓ એસ્ટીમેટેડ વોટ શેર રજૂ કરતા હોય છે. તેવી જ રીતે ઈટાલીમાં પણ પ્રતિબંધ મુકાયેલો છે. ચૂંટણા પરિણામોને અસર કરવા અને જનમતને ખોટી દિશામાં લઈ જવાની આશંકાએ એક્ઝિટ પોલ ઉપર પ્રતિબંધ મુકાયેલો છે. મતદાન શરૂ થવાના પંદર દિવસથી માંડીને મતગણતરી થઈ જાય ત્યાં સુધી ચૂંટણીને લગતા કોઈપણ સર્વે થવા દેવાતા નથી. જર્મનીમાં એક્ઝિટ પોલ થાય છે પણ તેનું ખાસ ચલણ નથી. અહીંયા સાંજે છ વાગ્યે ચૂંટણી પૂરી થાય તેના ગણતરીના કલાકોમાં પરિણામ આવવાના શરૂ થઈ જાય છે તેથી એક્ઝિટ પોલ જેવું ખાસ વધતું જ નથી. કેનેડામાં પણ સામાન્ય રીતે એક્ઝિટ પોલ કરવા દેવામાં આવાત નથી અને કદાચ થતા જ નથી. અહીંયા પોસ્ટ દ્વારા મતદાન કરવાનું ચલણ વધારે છે. એક્ઝિટ પોલ માટે મતદાન કેન્દ્રો ઉપર જતા લોકોનો જ અભિપ્રાય લેવો પડે છે તેથી અહીંયા પણ એક્ઝિટ પોલ થતા નથી. બ્રિટનમાં પણ એક્ઝિટ પોલ જેવું કશું જ રહ્યું નથી.અહીંયા રાત્રે ૧૦ વાગ્યે મતદાન પૂરું થાય અને તરત જ મતગણતરી શરૂ થઈ જાય છે. તેથી મીડિયા એક્ઝિટ પોલના બદલે ઝડપથી પરિણામ બતાવવા ઉપર જ ફોકસ કરે છે. સિંગાપુરમાં પાલયામેન્ટ્રી ઈલેક્શન એક્ટ હેઠળ એક્ઝિટ પોલ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. ચૂંટણીની જાહેરાત થાય ત્યારથી ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી કોઈ સર્વે થતા નથી. તેવી જ રીતે સાઉથ આફ્રિકામાં પણ ચૂંટણી પ્રક્રિયા ચાલતી હોય તે દરમિયાન ચૂંટણીને લગતી કોઈ બાબત પ્રકાશિત કરી શકતી નથી. તેના ઉપર પ્રતિબંધ મુકાયેલો છે. આ સિવાય ચેક ગણરાજ્યમાં પણ મતદાન કેન્દ્રો ઉપર જવાની અને સર્વે કરવાની મનાઈ છે તેથી ત્યાં પણ એક્ઝિટ પોલ થતા નથી.