Get The App

ભારતીયો વિદેશ પ્રવાસમાં 32 અબજ, સોનામાં 65 અબજ ડોલર ખર્ચે છ

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
ભારતીયો વિદેશ પ્રવાસમાં 32 અબજ, સોનામાં 65 અબજ ડોલર ખર્ચે છ 1 - image

- ગત વર્ષે ભારતીયો દ્વારા અંદાજે ૩.૧૭ કરોડ વિદેશ યાત્રા કરવામાં આવી અને અંદાજે ૮૦૦થી ૯૦૦ ટન સોનું ખરીદવામાં આવ્યું 

- ભારતમાં વિદેશ યાત્રાનો ક્રેઝ છેલ્લાં ત્રણ દાયકામાં સખત વધ્યો છે. ૧૯૯૧ની વાત કરીએ તો તે સમયે માત્ર ૧૯ લાખ લોકો વિદેશ પ્રવાસ કરતા હતા. ૨૦૨૪માં આ આંકડો ૩ કરોડ અને ૨૦૨૫માં ૩.૧૭ કરોડ પહોંચી ગયો છે. તેનો અર્થ એ થયો કે, છેલ્લાં ત્રણ દાયકામાં સરેરાશ ૮.૭ ટકાના દરે લોકોના વિદેશ પ્રવાસમાં વધારો થયો છે : મોટા શહેરોની સાથે સાથે નાના શહેરોમાંથી પણ વિદેશ જનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. એક અહેવાલ જણાવે છે કે, હાલમાં વિદેશ જનારા લોકોમાંથી ૨૫ ટકા લોકો ટીયર-૨ શહેરોમાંથી આવે છે. બીજી તરફ ૬૭ ટકા લોકો ટીયર-૩ શહેરોમાંથી આવે છે. મોટાભાગે ૨૫થી ૩૪ વર્ષની વચ્ચેના યુવાનો સૌથી વધારે વિદેશ જઈ રહ્યા છે. કુલ પ્રવાસીઓમાં તેમની ભાગીદારી અંદાજે ૨૮ ટકા જેટલી છે. બીજી તરફ ૩૫થી ૪૪ વર્ષ સુધીના લોકોની ભાગીદારી ૨૪.૫ ટકા જેટલી છે ઃ ભારતમાં  સોનાનું ખનન સાવ ઓછું થાય છે. ભારત પોતાનું ૪૦ ટકા સોનું સ્વિટ્ઝર્લેન્ડથી આયાત કરે છે. ત્યારબાદ ૧૬ ટકા યુએઈ, ૧૦ ટકા સાઉથ આફ્રિકા, ૮ ટકા પેરુ અને બાકીનું ૨૬ ટકા હોંગકોંગ અને અન્ય દેશો પાસેથી આયાત કરે છે. તેના કારણે અબજો ડોલરનું વિદેશી હુંડિયાણ દેશની બહાર જતું રહે છ

ભારતીયોના આગામી સમયમાં કરકસર કરીને જીવવાના અને ખાસ કરીને વિદેશ પ્રવાસ ઘટાડવા અથવા બંધ કરવા તથા સોનું નહીં ખરીદવાની સલાહ આપવામાં આવી હતી. કરૂણતા એ છે કે, સરકારી કાફલા અને કામગીરીઓ પાછળ કરોડોનું અવિચારી આંધણ કરતી સરકાર પ્રજાને પેટે પાટા બંધાવાનું કહે છે. બીજી તરફ વાસ્તવિકતા એવી પણ છે કે, ભારતીયો વિદેશ પ્રવાસ અને સોનું ખરીદવામાં અધધ ખર્ચો કરતા હોય છે. અહેવાલો જણાવે છે કે, ભારતીયો વિદેશ પ્રવાસ અને સોનું ખરીદવામાં જેટલી રકમ ખર્ચે છે તેટલામાં તો નાના આફ્રિકી દેશોની આખા વર્ષની જીડીપી સચવાઈ જાય છે.  ઉલ્લેખનીય છે કે, ભારતીયોમાં સોનું ખરીદવાનું વળગણ અથવા તો એમ કહીએ કે આદત સદીઓથી પણ ધીમે ધીમે વિદેશ પ્રવાસનું આકર્ષણ વધતું જાય છે. તેમાંય સોશિયલ મીડિયાના કારણે લોકોમાં, ખાસ કરીને યુવાનોમાં વિદેશ જવાનું આકર્ષણ અતિશય વધી ગયું છે. અહેવાલો જણાવે છે કે, ૨૦૨૫માં ભારતીય નાગરીકો દ્વારા અંદાજે ૩.૧૭ કરોડ વિદેશ યાત્રાઓ કરવામાં આવી હતી. તે તેની આગળના વર્ષ કરતા અંદાજે ૨૫ ટકા વધારે હતી. મહત્ત્વનું એ છે કે, આ વિદેશ યાત્રીની સીધી અસર દેશના અર્થતંત્ર ઉપર પણ પડતી જ હોય છે. તેમાંય જ્યારે ડોલરની સામે રૂપિયો સતત નબળો થઈ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં વિદેશી હુંડિયામણ બહાર જવું તે ભારતને દબાણમાં લાવી રહ્યું છે. હાલમાં જે વૈશ્વિક સ્થિતિ છે તેમાં ભારતના રૂપિયાને વધારે ગાબડું પડયું છે અને તેથી જ કદાચ સરકાર હવે નાગરીકોને સમજાવવા મથી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, જો ભારતીયોના વિદેશ પ્રવાસ ઉપર નજર કરીએ તો તેમણે ગત વર્ષે ૩.૧૭ કરોડ વિદેશ પ્રવાસ કર્યા હતા. આ વિદેશ પ્રવાસ પાછળ તેમણે અંદાજે ૩૨ અબજ ડોલર એટલે કે સરેરાશ ૩ લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો. જાણકારો માને છે કે, ભારતીયો દ્વારા ગત વર્ષે જેટલો વિદેશ પ્રવાસ પાછળ ખર્ચ કરવામાં આવ્યો તે કોઈ નાનકડી આફ્રિકી દેશની જીડીપી જેટલો થાય છે. ભારતમાં વિદેશ યાત્રાનો ક્રેઝ છેલ્લાં ત્રણ દાયકામાં સખત વધ્યો છે. ૧૯૯૧ની વાત કરીએ તો તે સમયે માત્ર ૧૯ લાખ લોકો વિદેશ પ્રવાસ કરતા હતા. ૨૦૨૪માં આ આંકડો ૩ કરોડ અને ૨૦૨૫માં ૩.૧૭ કરોડ પહોંચી ગયો છે. તેનો અર્થ એ થયો કે, છેલ્લાં ત્રણ દાયકામાં સરેરાશ ૮.૭ ટકાના દરે લોકોના વિદેશ પ્રવાસમાં વધારો થયો છે.

ભારતીયોના વિદેશ પ્રવાસ ઉપર કોરોના દરમિયાન બ્રેક લાગી હતી. ૧૯૯૧થી વિદેશ પ્રવાસમાં સતત વધારો થયો હતો પણ ૨૦૨૦નું વર્ષ એવું હતું જેમાં કોરોના મહામારીના પગલે વિદેશયાત્રાઓ શક્ય બનતી નહોતી. તેના કારણે તેમાં ૭૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, મહામારીની અસર માત્ર ૨૦૨૦ અને ૨૦૨૧માં જ જોવા મળી હતી. ૨૦૨૨માં તો લોકોએ અધધ વિદેશ યાત્રા કરી હતી. ૨૦૨૨માં ભારતીયોની વિદેશયાત્રામાં ૧૫૨ ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો હતો. ૨૦૨૩માં ભારતીયોએ ૨.૭૮ કરોડ વિદેશ પ્રવાસ કર્યા હતા. ત્યારબાદ તેમાં સતત વધારો જ થઈ રહ્યો છે. ૨૦૨૨ પછી ભારતીયોના વિદેશ પ્રવાસમાં સતત મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.

ખાસ વાત એવી છે કે, ભારતીયો જે વિદેશ પ્રવાસ કરે છે તો તેઓ એલઆરએસ સ્કીમ હેઠળ મોટી સંખ્યામાં વિદેશી ભંડોળ ખાલી કરે છે. તો અંદાજે ૨.૫ લાખ ડોલર એટલે કે ૨ કરોડ રૂપિયા વિદેશ મોકલી શકે છે. આ સ્કીમ હેઠળ કોઈપણ ભારતીય વિદેશ ફરવા, રોકાણ કરવા, ગિફ્ટ આપવા કે પછી સારવાર કરાવવા પાછળ કરી શકે છે. તેના માટે કોઈ સરકારી મંજૂરી લેવી પડતી નથી. મહત્ત્વનું એ છે કે, શરૂઆતમાં એલઆરએસ સ્કીમ હેઠળ જે રકમ વિદેશ જતી હતી તેમાં વિદેશ પ્રવાસનું યોગદાન માત્ર ૧.૫ ટકા હતું. ૨૦૧૨-૧૩ દરમિયાન તે માત્ર દોઢથી બે ટકા હતું. ત્યારબાદ તેમાં એકાએક ઉછાળો આવવા લાગ્યો. ૨૦૧૮-૧૯માં આ આંકડો સીધો જ ૩૫ ટકા પહોંચી ગયો. ત્યારબાદ ૨૦૨૪-૨૫માં એલઆરએસ હેઠળ વિદેશ જતી રકમનો આંકડો ૫૪ ટકા પહોંચી ગયો છે. તેના કારણે ભારતનું વિદેશી હુંડિયામણ મોટી પ્રમાણમાં બહાર જઈ રહ્યું છે.

જાણકારો માને છે કે, ભારતમાં વિદેશ પ્રવાસનું બજાર ધીમે ધીમે ખૂબ જ મોટું થઈ રહ્યું છે. આ બજાર આગામી છ-સાત વર્ષમાં અંદાજે ૫૬ અબજ ડોલર સુધી પહોંચી જાય તેમ લાગી રહ્યું છે. તેનો અર્થ એ થયો કે, ભારતીયો વિદેશ પ્રવાસ પાછળ અંદાજે ૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. તેમાં સરેરાશ ૧૧ ટકાના દરે વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આગામી વર્ષોમાં થનારી વિદેશ યાત્રાઓમાં પહેલી વખત વિદેશ પ્રવાસે જનારા લોકોની સંખ્યા વધારે હશે. બીજી તરફ એવું દેખાઈ રહ્યું છે કે, મોટા શહેરોની સાથે સાથે નાના શહેરોમાંથી પણ વિદેશ જનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. એક અહેવાલ જણાવે છે કે, હાલમાં વિદેશ જનારા લોકોમાંથી ૨૫ ટકા લોકો ટીયર-૨ શહેરોમાંથી આવે છે. બીજી તરફ ૬૭ ટકા લોકો ટીયર-૩ શહેરોમાંથી આવે છે. નાના શહેરોના લોકોની વિદેશ જવાની ફ્રિક્વન્સી વધી હોવાથી ઘણા દેશો દ્વારા ભારતના નાના શહેરો સાથે સીધી જ કનેક્ટિંગ ફ્લાઈટ આપવાની શરૂ કરી દેવાઈ છે.

ભારતના વિદેશ પ્રવાસીઓની વાત કરીએ તો મોટાભાગે ૨૫થી ૩૪ વર્ષની વચ્ચેના યુવાનો સૌથી વધારે વિદેશ જઈ રહ્યા છે. કુલ પ્રવાસીઓમાં તેમની ભાગીદારી અંદાજે ૨૮ ટકા જેટલી છે. બીજી તરફ ૩૫થી ૪૪ વર્ષ સુધીના લોકોની ભાગીદારી ૨૪.૫ ટકા જેટલી છે. જો જાતીગત રીતે જોઈએ તો વિદેશ જનારા પુરુષોની સંખ્યા ૬૫.૮ ટકા જેટલી જ્યારે મહિલાઓની સંખ્યા ૩૪.૧ ટકા જેટલી થાય છે. અહેવાલો જણાવે છે કે, ૪૨ ટકા ભારતીયો વેકેશન માણવા માટે વિદેશ જાય છે. બીજી તરફ ૩૪.૬ ટકા લોકો પોતાના પરિવારજનોને કે મિત્રોને મળવા માટે અને ૧૫ ટકા લોકો બિઝનેસ માટે વિદેશ જતા હોય છે. બાકીના લોકો અભ્યાસ, શિક્ષણ, ધર્મસ્થાનોની મુલાકાત અને અન્ય કારણે જતા હોય છે. એક સમય હતો જ્યારે લોકો અમેરિકા, સાઉદી, થાઈલેન્ડ જતા હતા. ત્યારબાદ તેમાં સિંગાપુર, યુકે, કતાર, દુબઈ, કેનેડા, કુવૈત અને ઓમાન જેવા દેશોનો ઉમેરો થયો હતો. તાજેતરમાં વિયેતનામ, બાલી, કમ્બોડિયા, ફિલિપાઈન્સ અને યૂરોપના બજેટ ફ્રેન્ડલી દેશો ઉપર પસંદગી ઉતારવામાં આવે છે.  એક અહેવાલ જણાવે છે કે, ગત વર્ષે ભારતીયોએ વિદેશ પ્રવાસ પાછળ ૨.૫૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. તેની સામે વિદેશીઓ ભારત આવ્યા તેનાથી ૨.૩૦ લાખ કરોડ રૂપિયાની આવક થઈ. આમ જોઈએ તો ભારતનું બાકીનું વિદેશી હુંડિયામણ દેશની બહાર જ જતું રહ્યું છે. જાણકારો માને છે કે, ભારતીયો જો વિદેશમાં જ જવાના બદલે ભારતમાં ફરવાને પ્રાધાન્ય આપે તો અહીંયા ટુરિઝમ બિઝનેસ વધુ વિકસી અને વિસ્તરી શકે છે. ભારતીયો જો ભારતમાં જ પ્રવાસ કરે તો અહીંયા અર્થતંત્ર મજબૂત થશે.

 ભારતીય પર્યટન ઉદ્યોગ દ્વારા જીડીપીમાં હાલમાં ૨૦ લાખ કરોડનું યોગદાન આપવામાં આવે છે. તેનાથી ૪.૩ કરોડ લોકોને રોજગાર મળે છે. જો ભારતીયો વિદેશના બદલે ડોમેસ્ટિક પ્રવાસ વધારે તો ૨૦૩૪ સુધીમાં ૬.૫ કરોડ લોકોને રોજગાર મળી શકે તેમ છે. બીજી તરફ કરોડો રૂપિયા ભારતીય અર્થતંત્રમાં જ ઠલવાશે.

ભારતમાં રોજ અંદાજે 2500 કરોડ રૂપિયાના સોનાનું ખરીદ-વેચાણ થાય છે 

ભારતીયોના સોના પ્રત્યેના પ્રેમની વાત કરીએ તો તેમાં પણ વ્યાપક રોકાણ અને ખર્ચ થાય છે. ભારતમાં લગ્નો, તહેવાર, ખુશીનો પ્રસંગો હોય ત્યારે સોનું ખરીદવામાં આવે છે. ભારતમાં મોટાભાગના સોનાની આયાત થાય છે તેથી અર્થવ્યવસ્થા ઉપર તેનું દબાણ વધારે આવે છે. 

નબળા રૂપિયાના કારણે દર વર્ષે ભારતીય વિદેશી મુદ્રાભંડાર ઉપર તેનું દબાણ વધતું જાય છે. ભારતમાં દર વર્ષે અંદાજે ૮૦૦થી ૯૦૦ ટન સોનાની ખરીદી થાય છે. તેની સામે અહીંયા સોનાનું ખનન સાવ ઓછું થાય છે. ભારત પોતાનું ૪૦ ટકા સોનું સ્વિટ્ઝર્લેન્ડથી આયાત કરે છે. ત્યારબાદ ૧૬ ટકા યુએઈ, ૧૦ ટકા સાઉથ આફ્રિકા, ૮ ટકા પેરુ અને બાકીનું ૨૬ ટકા હોંગકોંગ અને અન્ય દેશો પાસેથી આયાત કરે છે. 

ભારતમાં રોજિંદા ધોરણે અંદાજે ૨૫૦૦ કરોડ રૂપિયાના સોનાનું ખરીદ-વેચાણ થાય છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક અહેવાલ પ્રમાણે ૨૦૨૪માં ભારતમાં ૭૨૪ ટન સોનું આવ્યું હતું. તેમાંથી ૫૬૩ ટન જ્વેલરી તરીકે વેચાયું જ્યારે બાકીનું સોનાના બિસ્કિટ અને સિક્કા સ્વરૂપે વેચાયું. જાણકારોના મતે ભારતમાં સરેરાશ ૧ કરોડ જેટલા લગ્નો દર વર્ષે થાય છે. તેમાં લગ્નોના ખર્ચના અંદાજે ૩૦ ટકા ખર્ચ સોના પાછળ કરવામાં આવે છે. તે ઉપરાંત રોકાણ અને દિવાળી જેવા તહેવારમાં સોનું ખરીદવું શુભ મનાય છે તેથી તેની માગ સતત વધારે જ હોય છે. 

ભારતે ગત વર્ષે અંદાજે ૭૦ અબજ ડોલરના સોનાની આયાત કરી હતી. તેની પહેલાના વર્ષે ૫૩.૫ અબજ ડોલરનું સોનું મગાવ્યું હતું. જાણકારોના મતે જો ભારતીયો સોના અને વિદેશ પ્રવાસ પાછળ ખર્ચો કરવાનંમ ઘટાડો તો અંદાજે એકાદ વર્ષમાં ભારતના ૮૦થી ૯૦ અબજ ડોલર વિદેશ હુંડિયામણના બચી જાય તેમ છે.