Get The App

ભારત-પાક. વચ્ચેની તંગદિલી કે ઘર્ષણ, સૌથી મોટો લાભ ત્રણ મહાસત્તાઓને જ

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
ભારત-પાક. વચ્ચેની તંગદિલી કે ઘર્ષણ, સૌથી મોટો લાભ ત્રણ મહાસત્તાઓને જ 1 - image


- ત્રાસવાદ ખતમ થાય કે નહીં, ફરી હુમલા અટકે કે નહીં અત્યારે  યુદ્ધ વિરામથી દુનિયાને રાહત

- ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ માટે અમેરિકા મધ્યસ્થીનો દાવો કરી રહ્યું છે. ભારત ઇનકાર કરે છે. યુદ્ધ વિરામ કેટલો સમય ટકશે એ સો મણનો સવાલ છે. જોકે, ગ્લોબલ જીયોપોલિટીકલ સ્થિતિમાં આ ઘર્ષણ મહાસત્તાઓ માટે એક પ્રોક્સી યુદ્ધ જ છે. એક, યુદ્ધ થાય તો શસ્ત્ર વેચનારા દેશોને જ સૌથી મોટો ફાયદો છે. શાંતિના સમયમાં આર્થિક સંબંધો અને મૂડીરોકાણનો નફો રળવાનો છે. હાલના તબક્કે, યુદ્ધવિરામ અમેરિકા માટે જીત છે કારણ કે ઉપખંડમાં ચીનની વધી રહેલી શક્તિ ઉપર રાજદ્વારી રીતે અંકુશ લાવવામાં સફળતા મળી છે.

પહલગામ ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સ્થિત ત્રાસવાદી માળખા ઉપર ભારતે સર્જીકલ સ્ટ્રાઈક કરી ઓપરેશન સિંદુર શરૂ કરેલું.  ત્રણ ચાર દિવસના સામસામાં હુમલા બાદ શનિવારે અચનાક જ બન્ને દેશએ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. અમારી મધ્યસ્થીથી પછી બન્ને દેશ શાંતિ માટે તૈયાર થયા હોવાનો અમેરિકાનો દાવો છે. બીજી તરફ, ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે સીધી વાતચીતથી હાલ પુરતું યુદ્ધ ટળ્યું છે એમ કહી શકાય. કારણ કે, જાહેરાત પછીના માત્ર બે કલાકમાં કચ્છથી કાશ્મીર સુધી પાકિસ્તાને ફરી ડ્રોન હુમલા કર્યા હતા,

હાલ ભારત મજબૂત સ્થિતિમાં છે. પહલગામ હુમલા પછી સિંધુ નદી જળ કરારમાં પકિસ્તાનને પાણી બંધ કરવું, પાડોશી દેશ સાથે કોઈ વ્યાપાર નહીં જેવા પગલાંમાં કોઈ બાંધછોડ નથી કરવામાં આવી. બીજું, ત્રાસવાદનું માળખું જડમૂળથી નાબૂદ થયું કે નહીં, પાકિસ્તાન ભવિષ્યમાં પોતાના પ્રોક્સી વોર સ્વરૂપે ભારત ઉપર ત્રાસવાદી હુમલા કરાવશે કે નહીં તેની કોઈ ગેરેન્ટી નથી પણ ભારતે પાકિસ્તાનની સેના, ખાસ કરીને એરફોર્સને જંગી નુકસાન પહોચાડયું છે. એટલું જ નહીં ત્રાસવાદીઓ, ત્રાસવાદી છાવણીઓ પણ નષ્ટ કર્યા છે.

આ શસ્ત્ર વિરામ બદલાઈ રહેલા જીયોપોલિટીક્સ અને આર્થિક સમીકરણોના આધારે મૂલવવો જોઈએ. આ ઘટના માત્ર ભારત કે પાકિસ્તાન પૂરતી સીમિત છે એવું માની લેવાની જરૂર નથી. અમેરિકા ભારતને મદદ કરી રહ્યું છે અને ચીન પાકિસ્તાનના પડખે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ એક કાંકરે અનેક પક્ષી મારી ભારતના જોરે ચીન ઉપર અંકુશ લાવવા મથી રહ્યા છે. અત્યારસુધી, વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ - ઘર્ષણ માટેના પ્રયાસોમાં ટ્રમ્પને આંશિક સફળતા મળી છે પણ એમના પ્રયત્ન ચાલુ છે. ટ્રમ્પની  મધ્યસ્થી રશિયા - યુક્રેન વચ્ચે હજી સુધી સફળ થઇ નથી, ઇઝરાયેલ - હમાસ વચ્ચે આંશિક સફળતા મળ્યા પછી ફરી યુદ્ધ શરૂ થઇ ગયું છે. પરંતુ, વિશ્વને બે પરમાણુ હથિયાર ધરાવતા દેશો વચ્ચે પૂર્ણ યુદ્ધ, હાલ પુરતું તો  નહીં થાય એની રાહત ચોક્કસ થઇ છે. આ ઉપરાંત, પાકિસ્તાનને લશ્કરી દ્રષ્ટિએ છેલ્લા દાયકામાં સૌથી વધુ મદદ કરનાર મહાસત્તા ચીન પણ આ યુદ્ધમાં જોડાય નહીં તેની સફળતાનો શ્રેય પણ ટ્રમ્પને આપવો પડે.

જોકે, આ લડાઈ દુનિયા ઉપર રાજદ્વારી અને રાજકીય વર્ચસ્વ જમાવવા માટે છે. નેવુંના દાયકામાં (જયારે સોવિયેત યુનિયનનું વિભાજન થયું, અખાતમાં અમેરિકાએ યુદ્ધ કર્યા અને અન્ય દેશો નબળા હતા) ત્યારે અમેરિકા એકહથ્થુ રાજ કરી રહ્યું હતું. પણ, હવે ચીન શક્તિશાળી બની રહ્યું છે. રશિયા પણ બેઠું થઇ રહ્યું છે અને બન્ને અમેરિકાને પડકારી રહ્યા છે. આ સ્થિતિમાં ત્રણેય મહાસત્તા દુનિયાના જગત જમાદાર તરીકે સ્થાન પામવા મથી રહી છે.

અમેરિકા તેના ડોલરના પ્રભુત્વના આધારે લશ્કરી, રાજકીય, રાજદ્વારી અને ટેકનોલોજીથી વિશ્વની જમાદારી કરી રહ્યું છે. આ પ્રભુત્વ સામે ચીન સૌથી મોટો પડકાર છે. ચીન વિશ્વમાં બીજા ક્રમે આવતુ અર્થતંત્ર છે. અર્થતંત્રની દ્રષ્ટીએ ચીન વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ પણ છે. અમેરિકા પોતે ચીન પાસેથી પોતની જરૂરિયાતના ૧૭-૧૮ ટકા ચીજો આયાત કરે છે. એટલું જ નહીં, છેલ્લા ત્રણ દાયકામાં અબજો ડોલરના રોકાણ - રિસર્ચ પછી ચીને લશ્કરી દ્રષ્ટિએ પણ અમેરિકા સામે પડકાર ફેંક્યો છે. ચીન એશિયામાં અને આફ્રિકામાં પોતાનો પગદંડો -ક્યાંક મૂડીરોકાણ કરી અને ક્યાંક શસ્ત્રો વેચી - આ સ્થિતિમાં ટ્રમ્પ ચીન સામે આર્થિક મોરચે યુદ્ધે ચડયા છે. ટ્રમ્પ માને છે કે અમેરિકાના સહારે વૈશ્વિક ફલક પર પહોંચેલું ચીન આજે સદ્ધર થયું છે અને મેરી બિલ્લી મુઝસે મ્યાઉં કરી અમેરિકાને જ પડકારી રહ્યું છે.

સોવિયેત યુનિયનના સામ્યવાદી દોર અને વિભાજન પછી રશિયા મહાસત્તા ચોક્કસ છે પણ આર્થિક અને ટેકનોલોજીની દ્રષ્ટિએ ચીન, અમેરિકા કરતા થોડું પાછળ છે. છતાં, રાષ્ટ્રપતિ પુતિનના લોખંડી શાસનમાં તે અમેરિકા અને યુરોપ સામે પડયું છે. વિશ્વના દરેક દેશની ચેતવણી અવગણી રશિયાએ યુક્રેન ઉપર ફેબુ્રઆરી ૨૦૨૨માં ચડાઇ કરી યુદ્ધ શરૂ કર્યું છે. અમેરિકા અને યુરોપે યુક્રેનને અઢળક નાણા અને સૌથી આધુનિક શસ્ત્ર આપ્યા છે. આ યુદ્ધના કારણે રશિયાને પશ્ચિમી દેશોએ નાત બહાર કરેલું છે પણ ચીન રશિયાના પડખે અડીખમ ઉભું છે. કારણ કે ચીન અને રશિયા બંને માટે અમેરિકા જ મોટો પડકાર છે.

રશિયા અને ચીન વચ્ચે યુક્રેન સાથેના ત્રણ વર્ષના યુદ્ધમાં સહકાર વધી ગયો છે. લશ્કરી, સામાજિક અને રશિયા માટે સૌથી મહત્વનો આર્થિક ટેકો પણ ચીન આપી રહ્યું છે. રશિયા ઇન્ટરનેશનલ પેમેન્ટ કરવા સક્ષમ નથી પણ ચીન રુબલ સામે પોતાનું ચલણ યુઆન આપે છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે છે અને રશિયાને મદદ કરે છે. એવી પણ ચર્ચા છે કે બન્ને દેશ વચ્ચે તાજેતરમાં ગુપ્ત સમજૂતી થઇ છે. આ નવા કરાર અનુસાર વિશ્વનો કોઇપણ દેશ ચીન કે રશિયા ઉપર હુમલો કરે તો એકબીજા સાથે મળી તે લડાઈમાં દુશ્મનનો સામનો કરશે.

અમેરિકા, ચીન અને રશિયા આ ત્રણ મહાસત્તા દુનિયાની ભૂગોળ, રાજકીય શક્તિ અને સ્થિતિ નક્કી કરવા માટે લડી રહ્યા છે. બાકીના દેશો સાથીદાર, મિત્ર તરીકે ઓળખાય છે પણ હકીકતે પ્યાદાં છે.  ચીનને નાથવા માટે ભારત અમેરિકા માટે એક મુખ્ય ભાગીદાર બની શકે. એટલે અમેરિકા ઈચ્છે છે ભારત રશિયાની દોસ્તી (લશ્કરી સમાન, ક્રૂડ ઓઈલ અને અન્ય ટેકનોલોજીની ખરીદી) છોડી અમેરિકાને સ્વીકારે. 'ભારત અમેરિકા પાસેથી વધારે શસ્ત્રો ખરીદે,' એવું ટ્રમ્પ વહીવટીતંત્રે જાહેરમાં નિવેદન આપેલું છે. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વોશિંગ્ટન યાત્રા દરમિયાન પ્રાથમિક રીતે વધારે ક્રૂડ, લશ્કરી સમાન ખરીદવા માટે સમજૂતી થઇ છે.

બીજું, વિશ્વમાં બે દેશોના સશ ઘર્ષણ અને યુદ્ધનો સૌથી મોટો ફાયદો લેવા માટે આ ત્રણ મહાસત્તા સતત પ્રવૃત્ત છે. વિશ્વમાં ૨.૪ ટ્રીલીયન ડોલર જેટલો ખર્ચ લશ્કરી સરંજામ ઉપર થાય છે. શસ્ત્રની નિકાસમાં વિશ્વના ટોચના પાંચ દેશોમાં અમેરિકા, ફ્રાંસ, રશિયા, ચીન અને જર્મનીનો સમાવેશ થાય છે. અમેરિકાનો હિસ્સો ૪૨ ટકા છે, રશિયા પાસે ૧૧ ટકા અને ચીન પાસે આ હિસ્સો ૬ ટકાનો છે. દુનિયામાં કોઇપણ દેશ લડે એમાં લશ્કરી સરંજામ પાછળનો ખર્ચનો આ મહાસત્તાની બેંકમાં જ જમા થવાનો છે. રશિયા ભારત માટે સૌથી મોટો લશ્કરી સાધન આપતો દેશ છે જયારે પાકિસ્તાન માટે અમેરિકા હતું અને હવે ચીન છે. એક અંદાજ અનુસાર છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાનની કુલ લશ્કરી ખરીદીમાં ચીને ૮૦ ટકા સમાન વેચ્યો છે.

ભારત અને પાકિસ્તાનના યુદ્ધની સ્થિતિ રશિયા - યુક્રેનની ત્રણ વર્ષથી ચાલતી લડાઈ સાથે સરખાવી શકાય. યુક્રેનને અમેરિકા અને યુરોપે લગભગ ૨૦૦ અબજ ડોલરના શસ્ત્રો, નાણા સહાય આપ્યા છે. રશિયા આર્થિક રીતે સદ્ધર છે પણ પેમેન્ટ સિસ્ટમમાંથી હકાલપટ્ટી પછી ચીનની મદદ વગર દુનિયા સાથે વ્યાપાર કરી શકતું નથી. આ ત્રણ વર્ષના યુદ્ધમાં બંને દેશોએ એકબીજાના વિમાન, લશ્કરી થાણા અને શહેરો ઉપર હુમલા કર્યા છે. હજારો નાગરિક અને સૈનિકો માર્ર્યા ગયા છે પણ યુદ્ધ અટક્યું નથી. આવી જ સ્થિતિ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવ છે. યુદ્ધ લાંબુ ચાલે તો આર્થિક રીતે નાદાર પાકિસ્તાન માટે નુકસાનકારક છે પણ ચીનની મદદથી એ ભારત સામે ઝીંક ઝીલવા તત્પર છે જયારે ભારત પ્રમાણમાં મોટી અને સદ્ધર અર્થવ્યવસ્થા હોવા છતાં નુકસાન વેઠી ટકી રહે એવી શક્યતા છે. આ બંને સ્થિતિમાં મિસાઈલ, દારૂગોળો, રડાર, ડ્રોન, યુદ્ધ જહાજ વેચનાર દેશોને જ ફાયદો થવાનો હતો. એટલે હાલના તબક્કે યુદ્ધવિરામ ભારત અને પાકિસ્તાન બન્નેના હિતમાં છે. સૌથી મહત્વનું છે, અમેરિકાએ એક કાંકરે બે તીર માર્ર્યા છે. એક, લાંબા યુદ્ધની સ્થિતિમાં ચીનના ઉપખંડમાં વધતા પ્રભુત્વને અટકાવ્યું છે. બીજી તરફ, ભારત સાથેની ભવિષ્યની દોસ્તી (એટલે કે અબજો ડોલરના વ્યાપાર, મૂડીરોકાણ અને જરૂર પડે ચીન સામેની ઢાલ)ને ધ્યાનમાં રાખી પોતાના સંબંધો મજબૂત થાય એવો માર્ગ મોકળો કર્યો છે.

આ ચાર દિવસના ઘર્ષણમાં ભારતના પક્ષે નુકસાન થયું એના કરતા પાકિસ્તાનના ત્રાસવાદી માળખામાં ભારતે ગાબડું પાડયું છે. રાજકીય રીતે પાકિસ્તાન અસ્થિર દેશ છે. નેતાઓ કરતા સેના, ત્રાસવાદી સંગઠનો અને ગુપ્તચર સંસ્થાઓનો પ્રભાવ સરકારી વહીવટ ઉપર અને પ્રજાના માનસ પર વધારે છે. ભારતે ઓપરેશન સિંદુરમાં પાઠ ભણાવ્યો છે પણ દરેક વખતે હારેલું પાકિસ્તાન સખણું રહે એવા કોઈ પુરાવા ભૂતકાળમાં નથી. કાશ્મીરના આલાપ સાથે ભારતની સામે પ્રત્યક્ષ અને પરોક્ષ બન્ને રીતે પલટવાર કરશે એમાં કોઈ શંકા નથી.

'ચીનને નાથવા અમેરિકા ભારતને સાથ'

ચીનના વૈશ્વિક અર્થતંત્ર અને રાજદ્વારી રીતે વધી રહેલા પ્રભાવ સામે ટ્રમ્પ મેદાનમાં પડયા છે. એક તરફ, ટેરિફ વોર ચાલી રહ્યું છે અને બીજી તરફ, ચીનના મિત્રો કે ચીનની સામે ટકી શકે એવા દેશ સાથે સંબંધો મજબૂત કરવામાં આવી રહ્યા છે. અમેરિકાએ અફઘાનિસ્તાન છોડયું એની સાથે પાકિસ્તાનનો સાથ પણ છોડી દીધો. ચીને તક ઝડપી ઇસલાબાદ સાથે સંબંધો કેળવ્યા. ચીનને બલુચિસ્તાનના જંગી મિનરલ રિઝર્વમાં રસ છે. બીજી તરફ, ચીનના પ્રભાવ સામે વધારે સશક્ત અને સ્થિર એવા ભારત ઉપર અમેરિકા મોહી પડયું  છે. ભારતને ટેકનોલોજી, મૂડીરોકાણ, ક્રૂડ ઓઈલ, શસ્ત્રો સહિત દરેક મોરચે મદદ કરવા અમેરિકા તૈયાર છે. આ મદદનો ઉદ્દેશ ચીન સામે ભારત ઢાલ બની ઉભું રહે એવો અમેરિકાનો ઉદ્દેશ છે. જોકે, ચીન સામે બાથ ભીડવા ભારતને પણ આ મદદની જરૂર છે એ વાત પણ એટલી જ સત્ય છે.

Tags :