- ગ્લોબલ વોર્મિંગને પગલે આ વખતે શિયાળો ખાસ અનુભવાયો જ નહીં અને ઉનાળો પહેલેથી જ આકરો શરૂ થયો છે, આગામી સમય વધારે કપરો રહેવાની ભીતી
આ વખતે નવેમ્બર 2025થી કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું નથી. તેના કારણે ઠંડક લાંબો સમય ટકી નહીં અને ગરમી શરૂ થતાં જ આકરી થવા લાગી. આ વખતે માર્ચ મહિનાથી અહીંયા સાવ ગરમ અને શુષ્ક હવા ચાલી રહી છે. આ હવા રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા અને અન્ય કેટલાક ભાગમાં ગરમીમાં સતત વધારો કરી રહી છે : ગુજરાતના વલ્લભવિદ્યાનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર, સુરત અને મહારાષ્ટ્રના અકોલામાં તાપમાન 41.2 ડિગ્રી નોંધાયું હતું. બીજી તરફ મહારાષ્ટ્રના નંદુરબારમાં દેશનું સૌથી વધારે તાપમાન 42.4 ડિગ્રી નોંધાયું હતું. આ તમામ વિસ્તારોમાં માર્ચથી મે મહિના સુધી લોકોને સિવિયર હિટવેવની ચેતવણી આપવામાં આવી છે : જાણકારોના મતે માર્ચથી મે સુધીમાં પશ્ચિમી રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, દક્ષિણ અને પૂર્વ મહારાષ્ટ્ર, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારો, ઓડિશા, છત્તીસગઢ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુના કેટલાક ભાગમાં આ વખતે વ્યાપક ગરમી પડશે
ભારતમાં આ વખતે ઉનાળાની શરૂઆત જ ખૂબ જ આકરી થઈ છે. હજી તો માર્ચના દસ-બાર દિવસ ગયા છે ત્યાં ગરમી ૪૦ ડિગ્રીને પાર થવા લાગી છે. દેશના ઉત્તર-પશ્ચિમના રાજ્યોના શહેરોના સરેરાશ તાપમાનમાં એકાએક ૧૦ થી ૧૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તાજેતરની જ વાત કરીએ તો મુંબઈ, દિલ્હીમાં પારો ૪૦ ડિગ્રીને પાર જઈ આવ્યો. બીજી તરફ ગુજરાતના પણ અનેક શહેરોમાં સરેરાશ તાપમાન ૩૯-૪૦ ડિગ્રીની આસપાસ રહે છે. રાજસ્થાનમાં તો અત્યારથી ૪૦ ડિગ્રીનો અનુભવ થઈ રહ્યો છે. આ સિવાય ગોવા, મધ્યપ્રદેશમાં પણ ભયાનક ગરમી પડી રહી છે. ગત અઠવાડિયે દિલ્હીમાં રાતનું તાપમાન ૩૬ ડિગ્રી હતું જે છેલ્લાં ૫૦ વર્ષનું સૌથી વધારે તાપમાન નોંધાયું હતું. આ તાપમાન વધવા પાછળ ઘણા કારણો છે છતાં જાણકારો સૌથી મોટું કારણ તો ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જને જ ગણાવે છે.
જાણકારોના મતે છેલ્લાં કેટલાક વર્ષોમાં પૃથ્વી ઉપર પ્રદુષણનું પ્રમાણ અસહ્ય, અકલ્પનિય રીતે વધ્યું છે. તેના કારણે ગ્લોબલ વોર્મિંગની સ્થિત સર્જાઈ છે. દુનિયાભરના દેશોમાં ક્લાઈમેટ ચેન્જ જોવા મળી રહ્યા છે. અનેક દેશોના ઋતુચક્રોમાં વ્યાપક ફરેફાર આવી રહ્યો છે. આ વખતે ઘણા દેશોમાં શિયાળો જામ્યો જ નથી. જોઈએ તે પ્રમાણે બરફ પડયો જ નથી. બીજી તરફ અમેરિકા અને રશિયા જેવા દેશોમાં શિયાળો જતા જતા કેર વર્તાવી ગયો હતો. અનેક વિસ્તારોમાં દસથી પંદર ફૂટ બરફની ચાદર છવાઈ જાય તેવા ભીષણ સ્નોસ્ટોર્મ પણ આવ્યા હતા. પોલરવોર્ટેક્સની સ્થિતિ પણ વકરી હતી. મૂળ મુદ્દે માનવ સર્જિત પ્રદુષણને કારણે કુદરત પોતાનું ચક્ર ગુમાવી રહી છે. તેની કામગીરી ખોરવાઈ રહી છે. તેથી જ ઋતુઓ લંબાતી કે ટુંકાતી જાય છે. ઘણી વખત મિક્ષ ઋતુઓનો પણ અનુભવ થઈ રહ્યો છે. હાલમાં માર્ચ મહિનામાં જ ભારતમાં આગઝરતી ગરમી પડવા લાગી તે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની જ અસર ગણી શકાય તેમ છે.
દેશના તાપમાનની વાત કરીએ તો માર્ચના પહેલા જ અઠવાડિયામાં દિલ્હીનું તાપમાન ૩૫ ડિગ્રીને પાર થઈ ગયું છે. તેવી જ રીતે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ કેટલાક શહેરોમાં તાપમાન ૩૫ ડિગ્રી ઉપર જ ચાલી રહ્યું છે. કેટલાક દિવસોમાં તો ૩૯ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. બીજી તરફ રાજસ્થાનમાં બાડમેરમાં પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો હતો. આ સિવાય જયપુર, જોધપુરમાં પણ ૩૮-૩૯ ડિગ્રી જેટલી ગરમી નોંધાઈ રહી છે. મધ્ય પ્રદેશના રતલામમાં ૩૯ ડિગ્રી જ્યારે ભોપાલમાં ૩૭ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. ગત અઠવાડિયે અમદાવાદ, રાજકોટ, ડિસા, કંડલા અને ભાવનગરમાં પાસે ૪૦ ડિગ્રીને પાર જઈ આવ્યો. કચ્છના કંડલા અને તેની આસપાસના વિસ્તારોમાં તો ૪૧ ડિગ્રીને પાર ગરમી પહોંચી ગઈ હતી. મહારાષ્ટ્રના જલગાંવમાં ૪૦ ડિગ્રી, મુંબઈમાં ૩૬ ડિગ્રી જ્યારે પુણેમાં ૩૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
જાણકારોના મતે આ વખતે માર્ચ મહિનાથી જ ગરમી વધી જવાના હાલમાં તો મુખ્ય ત્રણ કારણો જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં તો હાલમાં કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ નથી. ભારતના પશ્ચિમ વિસ્તારમાં ભૂમધ્ય સાગર ઉપર ચક્રવાતી પવનો હવામાં ભેજ લઈને ગલ્ફ દેશો ઉપર થઈને કાળા સમુદ્ર, કેસ્પિયન સમુદ્રના રસ્તે ભારત સુધી આવે છે. તેને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું નથી. હાલમાં ઈરાન ઉપર એક એક્ટિવ છે જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સુધી પહોંચે તેમ લાગે છે. ભારત સુધી તો પહોંચી શકે તેમ નથી.
સામાન્ય રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નવેમ્બર મહિનાથી સર્જાવાની શરૂઆત થતી હોય છે. ખાસ કરીને જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીમાં આવા ડિસ્ટર્બન્સ વધારે જોવા મળે છે. તેની સામે આ વખતે ફેબ્રુઆરીમાં ગરમી હતી અને તેણે છેલ્લાં ૧૨૫ વર્ષનો રેકોર્ડ તોડયો હતો. આ વખતે શિયાળાનો ખાસ અનુભવ જ થયો નથી. પશ્ચિમી હવા જ્યારે વહેતી વહેતી ભારત સુધી આવે છે ત્યારે હિમાલય સાથે ટકરાય છે. તેના કારણે ઉત્તર ભારતમાં વરસાદ અને બરફવર્ષા થાય છે. તેના પગલે મેદાની વિસ્તારોમાં પણ તાપમાન ઘટે છે અને ઠંકડ વધે છે. આ વખતે નવેમ્બર ૨૦૨૫થી કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું નથી. તેના કારણે ઠંડક લાંબો સમય ટકી નહીં અને ગરમી શરૂ થતાં જ આકરી થવા લાગી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ભારતના પશ્ચિમી કાંઠાઓ ઉપર પડતી હોય છે. ત્યાં થોડી ભેજવાળી હવા આવતી હોય છે. આ વખતે માર્ચ મહિનાથી અહીંયા સાવ ગરમ અને શુષ્ક હવા ચાલી રહી છે. આ હવા રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા અને અન્ય કેટલાક ભાગમાં ગરમીમાં સતત વધારો કરી રહી છે. વાતાવરણ શુષ્ક છે. હવામાં ભેજનું પ્રમાણ જ નહીવત્ છે. તેના કારણે વાદળા આવવાની કે વરસાદ પડવાની કોઈ શક્યતા જ જણાતી નથી. આકાશ ચોખ્ખું હોવાના કારણે સૂર્યનો સીધો પ્રકાશ અને ગરમી આ વિસ્તારોમાં આવી રહ્યા છે જે તાપમાનમાં વ્યાપક વધારો કરી રહ્યો છે. આ સિવાય ત્રીજી બાબત એવી છે કે, ગુજરાત અને રાજસ્થાનના પશ્ચિમી ભાગો અને ગુજરાતના કાંઠા વિસ્તારોમાં એન્ટી સાઈક્લોન સિસ્ટમ એક્ટિવ થયેલી છે. ચક્રવાત અને વાવાઝોડા માટે જે સિસ્ટમ એક્ટિવ થાય તેનાથી તદ્દન વિપરિત સ્થિતિ સર્જાઈ છે. તેના કારણે વાદળ કે વરસાદ આવતા નથી. એન્ટિસાઈક્લોન સિસ્ટમ એક્ટિવ થવાના કારણે વાતાવરણ શુષ્ક થઈ જાય છે. પવનની ઝડપ ઘટી જાય છે અથવા તો સાવ નહીવત થઈ જાય છે અને ગરમીમાં સતત વધારો થાય છે.
ચિંતાજનક બાબત એ છે કે, હજી તો માર્ચ અડધો થયો છે ત્યાં જ હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરીમાં તો ગરમી વધી જ હતી પણ માર્ચમાં જે રીતે ગરમી વધી છે જે જોતા આગામી દિવસો વધારે કપરાં આવે તેમ જણાઈ રહ્યું છે. ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રીને પાર જવાની શક્યતાઓ જોવાઈ રહી છે. દિવસ અને રાતના સરેરાશ તાપમાનમાં પણ ૬ થી ૭ ડિગ્રીનો તફાવત આવવાની ચેતવણી આપવામાં આવી છે. જો તેવું થશે તો ભયંકર હિટવેવની સ્થિતિ સર્જાશે. આ સિવાય કર્ણાટક અને કેરળમાં પણ હિટવેવની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. ચિંતાજનક બાબત એ છે કે, બુધવાર અને ગુરુવારે ગુજરાતના વલ્લભવિદ્યાનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર, સુરત અને મહારાષ્ટ્રના અકોલામાં તાપમાન ૪૧.૨ ડિગ્રી નોંધાયું હતું. બીજી તરફ મહારાષ્ટ્રના નંદુરબારમાં દેશનું સૌથી વધારે તાપમાન ૪૨.૪ ડિગ્રી નોંધાયું હતું. આ તમામ વિસ્તારોમાં માર્ચથી મે મહિના સુધી લોકોને સિવિયર હિટવેવની ચેતવણી આપવામાં આવી છે.
બીજી તરફ ગરમીના કારણે પંજાબ, હરિયાણામાં ઘઉંના પાકને પણ નુકસાન જવાની અને અસર થવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે. જાણકારોના મતે જો અત્યારથી આવી ગરમી પડશે અને આગામી બે મહિના પણ ભયાનક શુષ્ક અને ગરમ રહેશે તો ઘઉંનો દાણો નાનો, વજનમાં હળવો અને પોલો થતો જશે. ઘઉંના ઉત્પાદન ઉપર તેની વ્યાપક અસર જોવા મળશે. ઓક્ટોબર-નવેમ્બરમાં થયેલી વાવણીના ઘઉં ઉપર તેની અસર થશે પણ ઓછી થશે. જેમણે ડિસેમ્બર અને જાન્યુઆરીના પહેલા અઠવાડિયે વાવણી કરી છે તેમના ઘઉંના પાકને મોટાપાયે અસર થવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે. મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં લગભગ ઘઉં વાઢવાની શરૂઆત થઈ ગઈ છે. તેથી અહીંયા પાકની લણણી થઈ જશે ત્યાં વાંધો આવે તેમ નથી. જ્યાં ઘઉં મોડા ઉગે છે તે રાજ્યોને મુશ્કેલી પડે તેવું દેખાઈ રહ્યું છે.
આ વર્ષે હિટવેવનું પ્રમાણ લંબાશે અને અલ નિનો પણ વ્યાપક અસર કરશે
હવામાન ખાતાએ ચેતવણી આપી છે કે, ભારતમાં ૨૦૨૬માં ઉનાળો આકરો રહેવાનો છે. મોટાભાગના વિસ્તારોમાં મહત્ત્મ તાપમાન મહત્ત્મ રીતે વધવાનું છે. આ દરમિયાન હિટવેવનું પ્રમાણ પણ વધારે રહેશે. જાણકારોના મતે માર્ચના મધ્ય ભાગથી મે મહિનાના અંત સુધી હિટવેવની અસર જેવા મળશે.
આ વખતે હિટવેવ ધરાવતા દિવસોની સંખ્યા પણ વધારે હશે અને સ્થિતિ પણ આકરી હશે. પશ્ચિમી ભારતમાં આવેલા ઘણા રાજ્યોમાં તો રાતના સમયે પણ તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે જોવા મળશે. જાણકારોના મતે પશ્ચિમી રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, દક્ષિણ અને પૂર્વ મહારાષ્ટ્ર, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારો, ઓડિશા, છત્તીસગઢ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુના કેટલાક ભાગમાં આ વખતે વ્યાપક ગરમી પડશે. આ સ્થળોએ હિટવેવ પણ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આ વખતે ગરમી વધારે રહેશે તેથી લૂ લાગવાની ઘટનાઓમાં પણ વ્યાપક વધારો જોવા મળશે. લોકોને સાવચેત રહેવાની અને પ્રાથમિક સારવાર હાથવગા રાખવાની ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે.
બીજી ચિંતાજનક બાબત એ છે કે, માર્ચથી મે મહિના સુધી ગરમી રહ્યા બાદ પણ શાંતિ નહીં મળે.
આ વખતે જૂન મહિનો પણ ગરમર રહેવાની શકયતાઓ છે. જૂન મહિનામાં અલ નીનોની સ્થિતિ સર્જાય તેવું લાગી રહ્યું છે. મે મહિનાના અંતથી જુલાઈ સુધી આ સ્થિતિ સર્જાશે તેવી શક્યતાઓ છે. તેના કારણે વરસાદ ઓછો પડશે અને ગરમી તથા બફારામાં વધારો થશે. આ સ્થિતિ ભારતમાં ચોમાસાને પણ વ્યાપક અસર કરશે તેવી ચેતવણી આપવામાં આવી છે.


