- અમેરિકાથી માંડીને સિંગાપુર સુધી ભારતીયોને જાકારો આપવાની ઘટનાઓ, નોકરીમાંથી કાઢી મુકવાની કે તેમની સાથે હિંસાની ઘટનાઓ બની રહી છે
- છેલ્લાં છ મહિનાની જ વાત કરીએ તો કેનેડા, અમેરિકા, સિંગાપુર, બ્રિટન, યુરોપ, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા, કેનેડા, યુગાન્ડા જેવા દેશોમાં ભારતીયો વિરુદ્ધ રેસીઝમની ઘટનાઓ સખત વધી છે. ભારતીયોને ઓનલાઈન માધ્યમો થકી ટાર્ગેટ બનાવવામાં આવે છે. આ ઉપરાંત તેમને રસ્તા ઉપર આવતા-જતા ગાળો ભાંડવામાં આવે છે, તેમના સ્ટોર, તેમના વ્યવસાયોની બહાર સૂત્રોચ્ચાર કરાય છે, તેમને સ્વદેશ પાછા જતા રહેવાની ધમકીઓ અપાય છે : ભારતની સરકાર વિદેશોના ફુલગુલાબી ચિત્રોના પોસ્ટરો બતાવે છે. ભારતીય પ્રજાને રોજગારી માટે, રોજિંદી વસ્તુઓ માટે, પેટ્રોલ અને ડીઝલ માટે રઝળાવીને સાહેબ વિમાનમાં બેસીને વિદેશ પ્રવાસ કરે છે. પોતે વિવિધ દેશોના વડાઓ સાથે મુલાકાતો કરે છે, સુંદર તસવીરો ખેંચાવે છે, ભેટ-સોગાદો આપે છે અને મેળવે છે. ત્યાં ભારતીયોની સ્થિતિમાં સુધારો કરવામાં સરકારની વિદેશનીતિ સાવ નિષ્ફળ ગઈ છે : બ્રિટનમાં ભારતીય ડોક્ટરો, એન્જિનિયરો અને અન્ય પ્રોફેશનલ્સ દ્વારા નોકરીઓ ચોરી લેવાયાના આરોપો મુકાય છે. તેમનું અપમાન કરવામાં આવે છે.
વિશ્વભરમાં અત્યારે ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ભારતીય પ્રવાસીઓની સાથે હિંસા અને જાતીવાદ કે નસ્લવાદના ઘટનાઓમાં મોટાપાયે વધારો થયો છે. વિદેશોમાં એન્ટી ઈમિગ્રેશન લાગણીઓ વધી રહી છે અને ત્યાંના સ્થાનિકો દ્વારા ભારતીયો સામે રંગભેદ અને નસ્લવાદનો ઉપયોગ કરીને તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. હાલમાં અમેરિકાથી માંડીને ગ્લોબલ બિઝનેસના હબ ગણાતા સિંગાપુર સુધી ભારતીયોને હાંકી કાઢવાની જાણે કે ઝુંબેશ ચાલી છે. ભારતીયોને નોકરીમાંથી કાઢી મુકવા, તેમની ઉપર હુમલા કરીને તેમને ઈજા પહોંચાડવી, ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવું, ભારતીયો પાછા જાઓ..ના સૂત્રોચ્ચાર કરવા જેવી વિવિધ ઘટનાઓ દુનિયાભરમાં આકાર લઈ રહી છે.
છેલ્લાં છ મહિનાની જ વાત કરીએ તો કેનેડા, અમેરિકા, સિંગાપુર, બ્રિટન, યુરોપ, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા, કેનેડા, યુગાન્ડા જેવા દેશોમાં ભારતીયો વિરુદ્ધ રેસીઝમની ઘટનાઓ સખત વધી છે. ભારતીયોને ઓનલાઈન માધ્યમો થકી ટાર્ગેટ બનાવવામાં આવે છે. આ ઉપરાંત તેમને રસ્તા ઉપર આવતા-જતા ગાળો ભાંડવામાં આવે છે, તેમના સ્ટોર, તેમના વ્યવસાયોની બહાર સૂત્રોચ્ચાર કરાય છે, તેમને સ્વદેશ પાછા જતા રહેવાની ધમકીઓ અપાય છે, ભારતના તહેવારો અને સંસ્કૃતિની ફેક મિમ્સ દ્વારા મજાક ઉડાવવામાં આવે છે. આ બધી જ ઘટનાઓ વચ્ચે ભારતની સરકાર વિદેશોના ફુલગુલાબી ચિત્રોના પોસ્ટરો બતાવે છે. ભારતીય પ્રજાને રોજગારી માટે, રોજિંદી વસ્તુઓ માટે, પેટ્રોલ અને ડીઝલ માટે રઝળાવીને સાહેબ વિમાનમાં બેસીને વિદેશ પ્રવાસ કરે છે. ભારતીયોને ક્યાંય જવાની ના પાડે છે. પોતે વિવિધ દેશોના વડાઓ સાથે મુલાકાતો કરે છે, સુંદર તસવીરો ખેંચાવે છે, સન્માન મેળવે છે, ભેટ-સોગાદો આપે છે અને મેળવે છે. ત્યાં ભારતીયોની સ્થિતિમાં સુધારો કરવામાં સરકારની વિદેશનીતિ સાવ નિષ્ફળ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં છ મહિનામાં જ ભારતીયો વિરુદ્ધ ઘણા દેશોમાં રેલીઓ કાઢવામાં આવી, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, તેમની સાથે હિંસા કરવામાં આવી કે તેમના વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી. કેનેડાની જ વાત કરીએ તો ત્યાં ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારોનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો.
વાત એવી છે કે, કેનેડામાં હાલમાં નોકરીઓની અછત છે અને બીજી તરફ રહેણાક મકાનોની પણ સખત અછત છે. તેના કારણે સ્થાનિક કટ્ટરપંથીઓ અને જમણેરીઓ દ્વારા તેના માટે ભારતીયોને ટાર્ગેટ કરાઈ રહ્યા છે અને તેમને કારણભૂત ગણવામાં આવી રહ્યા છે. તે પગલે બ્રામ્પ્ટન, ટોરોન્ટો અને અન્ય કેટલાક શહેરોમાં સોશિયલ મીડિયામાં ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીયો જ્યાં એકઠા થતા હોય તેવી જગ્યાઓના વીડિયો મોર્ફ કરીને તેમને ગાળો ભાંડવામાં આવી હતી. તેમને આક્રમણખોર તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. સ્થાનિક સ્ટોર્સ અને મોલ્સની બહાર ભારતીય કર્મચારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
તેવી જ રીતે અમેરિકાના ટેક્સાસ અને અન્ય રાજ્યોમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભારતીયોને ટાર્ગેટ કરાઈ રહ્યા છે. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પહેલા દિવસથી ભારતીયોને ટાર્ગેટ કરાઈ રહ્યા છે. ટેક્સાસમાં ભારતીયોની સંખ્યા વધારે છે. તેઓ ત્યાં એક સમૃદ્ધ જીવન જીવી રહ્યા છે. તેના પગલે સ્થાનિક કાઉન્સિલમાં જ ભારતીય વિરોધી ટિપ્પણીઓ થઈ રહી છે. ભારતીયોએ ટેક્સાસનું કલ્ચર ખરાબ કરી નાખ્યાના દાવા થયા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ ભારતના તહેવારો અને સંસ્કૃતિની મજાક ઉડાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, યુકે અને આયર્ર્લેન્ડમાં પણ ભારતીયો સહિત સાઉથ એશિયાના લોકો સામે આક્રોશ છે. બ્રિટનમાં ભારતીય ડોક્ટરો, એન્જિનિયરો અને અન્ય પ્રોફેશનલ્સ દ્વારા નોકરીઓ ચોરી લેવાયાના આરોપો મુકાય છે. તેમનું અપમાન કરવામાં આવે છે. આયર્લેન્ડમાં તો ભારતીય વિદ્યાર્થીની સાથે યુનિવર્સિટીઓમાં રેસિઝમના અનેક કિસ્સા બની રહ્યા છે. તેમના વિશે વંશીય ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.
બીજી તરફ ચિંતાજનક બાબત એવી છે કે, ઓસ્ટ્રેલિયાના મોટા શહેરોમાં પણ ભારતીય વિરોધી રેલીઓ કાઢવામાં આવી રહી છે. અહીંયા મોટા શહેરોમાં વધતી જતી મોંઘવારી અને નોકરીના જોખમો વચ્ચે ભારતીય વિરોધી વલણ વધારે વકરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના બદલાતા સોશિયો-ઈકોનોમિક કલ્ચર માટે ભારતીયોને જવાબદાર ગણીને તેમને અપશબ્દો કહવામાં આવી રહ્યા છે. તેમના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પણ ઝેર ઓકવામાં આવી રહ્યું છે. તાજેતરની જ વાત કરીએ તો સિંગાપુરમાં ભારતીયોને ટાર્ગેટ કરવાનો મુદ્દો ઉછળ્યો હતો. સિંગાપૂર જેને વર્લ્ડ બિઝનેસ અને ઈકોનોમીનું હબ ગણવામાં આવે છે તે પોતાના મલ્ટિકલ્ચરલ સિટીઝ માટે જાણીતું છે. અહીંયા છેલ્લા દોઢ મહિનાથી ભારતીયો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ઝેર ઓકવામાં આવી રહ્યું છે. તેમાં એવી પોસ્ટ વાઈરલ કરવામાં આવી છે કે, ભારતીયો હવે સિંગાપુર ઉપર કબજો જમાવી રહ્યા છે. સ્થાનિક લોકોને નોકરીઓ મળતી નથી અને ભારતીયો આ નોકરીઓ પચાવી પાડે છે.
આ ઉપરાંત જો યુરોપની વાત કરીએ તો અહીંયા ઈટાલી, જર્મની અને આયર્લેન્ડ ખાતે રેસિઝમની ઘટનાઓ જોવા મળી હતી. યુરોપીયન યુનિયનની યુનિવર્સિટીઓમાં ભારતીયો વિરુદ્ધ નકારાત્મક વાતાવરણ ઊભું કરાઈ રહ્યું છે. થોડા સમય પહેલાંની વાત કરીએ તો ઈટલીમાં ભારતીય શ્રમિકોની માગ વધારે છે. તેમાંય પંજાબના શ્રમિકો ઈટાલીના કૃષિ સેક્ટર માટે ખૂબ જ મહત્ત્વના માનવ સંસાધન ગણાય છે. છેલ્લાં કેટલાક સમયથી આ મૂળ પંજાબી અને ભારતીયોનો ગુનાખોરી સાથે જોડીને તેમની સાથે વંશિય ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે જર્મનીમાં પણ આઈટી સેક્ટરમાં ભારતીય પ્રોફેશનલ્સને કેટલાક સમયથી રેસિઝમનો ભોગ બનવું પડી રહ્યું છે.
સોશિયલ મીડિયામાં પણ ભારતીયો વિરુદ્ધ ડેમોગ્રાફિક શિફ્ટના નામે કેમ્પેન ચલાવાઈ રહ્યું છે. આયર્લેન્ડમાં અને બ્રિટનમાં કેટલાક સ્થળે ઈમિગ્રેેશન મુદ્દે હિંસક વિરોધ પ્રદર્શન થયા છે. અહીંયા ભારતીયોને ઘુસણખોરો અને દેશના સંશાધનો ઉપર બોજ કહેવામાં આવી રહ્યા છે. તેમના ઉપર હિંસક હુમલા પણ કરાઈ રહ્યા છે. તેના પગલે ભારતીયોમાં ભય ફેલાયો છે.
આફ્રિકાના દેશોમાં પણ આવી જ સ્થિતિ છે. આફ્રિકામાં તો ભારતીયો વિરુદ્ધ થતો ભેદભાવ અને વંશિય ટિપ્પણીઓ વર્ષો જૂના છે. છેલ્લાં કેટલાક સમયથી સાઉથ આફ્રિકામાં સ્થાનિક સ્તરે બેરોજગારી, ગરીબી, મોંઘવારી વગેરે વધ્યા છે. તેની સામે સમૃદ્ધ ભારતીય વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અહીંયા ઝેનોફોબિયા સતત વધી રહ્યો છે. ઓનલાઈન માધ્યમો દ્વારા ભારતીયોને અપમાનિત કરવા ઉપરાંત તેમની દુકાનો, સ્ટોર અને વ્યવસાયના કેન્દ્રોને પણ નિશાન બનાવીને હિંસા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કેન્યા અને યુગાન્ડામાં પણ મોંઘવારી, ફુગાવો વધ્યા છે. ત્યાં સ્થાનિક ચલણનું વ્યાપક અવમૂલ્યન થયું છે. તેના પગલે રાજકીય રીતે ભારતીયોને ટાર્ગેટ કરાઈ રહ્યા છે. સ્થાનિક નેતાઓ દ્વારા ભારતીયો કમાણી કરીને સ્વદેશ મોકલાવીને કેન્યા અને યુગાન્ડાને નબળા પાડી રહ્યા હોવાના નિવેદનો કરાતા સ્થિતિ વણસી છે.
આ સિવાય જો વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાની જેમ તેના પાડોશી દેશ ન્યૂઝીલેન્ડમાં પણ આવી જ સ્થિતિ છે. અહીંયા વર્ક વીઝા અને સ્ટુડન્ટ વીઝા તથા ઈમિગ્રેશનના નિયમો વધુ આકરા બનાવવાની વાત થઈ રહી છે. ઘણા સમયથી સોશિયલ મીડિયામાં તેના વિશે ઝુંબેશ પણ ચલાવાઈ રહી છે. છેલ્લાં છ મહિનામાં જ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ જેવા મોટા શહેરોમાં ભારતીય કેબ ડ્રાઈવર્સ, સ્ટુડન્ટ્સ, બિઝનેસ મેન, સ્ટોર માલિકો અને અન્ય વ્યાવસાયિકો વિશે સોશિયલ મીડિયામાં ઝેર ઓકવામાં આવી રહ્યું છે. તેના ઘર અને ઓફિસોની બહાર સૂત્રોચ્ચાર કરાયા છે અને ભારતીયોને ત્યાંથી કાઢવાની વાતો કરવામાં આવી રહી છે.
વિદેશ નીતિના બદલાતા પ્રવાહોમાં ભારતની વૈશ્વિક છબી નબળી પડી રહી છે
વિદેશોમાં ભારતીયો વિરુદ્ધ વધી રહેલી કટ્ટરતા અને નફરત પાછળ માત્ર જે-તે દેશોની આંતરિક પરિસ્થિતિઓ જ નહીં, પરંતુ ભારતની વૈશ્વિક છબી અને વિદેશ નીતિના બદલાતા પ્રવાહો પણ એક મહત્વપૂર્ણ પાસું છે. જાણકારોના મતે આ વધતી નફરત અને તેના સંદર્ભમાં ભારતની વિદેશ નીતિની કેટલીક મર્યાદાઓ પણ કારણભૂત છે.
જાણકારોના મતે ભારત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં લાખો વિદ્યાર્થીઓ અને આઈટી (IT) પ્રોફેશનલ્સને વિદેશ (ખાસ કરીને કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકે) મોકલવાની નીતિને પ્રોત્સાહન આપ્યું. પરંતુ ભારતની વિદેશ નીતિ અને ત્યાંની એમ્બેસીઓ તે દેશોમાં ઉભા થઈ રહેલા આવાસ અને આર્થિક સંકટનું અગાઉથી આકલન કરવામાં નિષ્ફળ રહી.
પરિણામે, જ્યારે તે દેશોમાં મોંઘવારી વધી, ત્યારે સ્થાનિક લોકોનો ગુસ્સો અચાનક ભારતીય પ્રવાસીઓ તરફ વળી ગયો. બીજી તરફ એવું પણ દેખાય છે કે, ભારતની વિદેશ નીતિ સાવ નબળી છે. વિદેશોમાં ભારતીયોને રંજાડવામાં આવે ત્યારે દૂતાવાસો અને વિદેશ મંત્રાલય ખૂબ જ નરમાશથી વર્તન કરે છે અને ભારતીયો માટે મજબૂત સ્ટેન્ડ લેતું નથી. તેના કારણે આ સ્થિતિ વણસી છે. ભારતના આંતરિક રાજકારણનો પ્રભાવ પણ વિદેશ ઉપર પડયો છે.
ભારતમાં હાલમાં જે માહોલ છે તેના કારણે ઘણા દેશોમાં ભારતીયો વિરુદ્ધ પણ હેટરેટ ઊભી થઈ ગઈ છે.
કેટલાક જમણેરી વિચાર ધારવતા નેતાઓ દ્વારા ભારતીયોને ખોટા ચીતરવામાં આવે છે. આ સિવાય જે-તે દેશોમાં કોરોના મહામારી પછી ઘણી બધી સ્થિતિ બદલાઈ ગઈ છે. જે-તે દેશોમાં આર્થિક અસુરક્ષા વધવા લાગી અને સમૃદ્ધ ભારતીયો વિરુદ્ધ ઝેર ઓકાવા લાગ્યું. આ સિવાય ડેમોગ્રાફિક શિફ્ટ પણ મોટું કારણ બની શકે તેમ છે.
ભારતીયોની વસતી વિદેશોમાં સ્થિતિ અત્યાર સુધી સારી પણ હવે તે બદલાઈ છે. ભારતીયોના મનમાં કાલ્પનિક ભય ઊભો કરવમાં આવી રહ્યો છે. આવા ઘણા કારણોથી ભારત અને ભારતીયોની વિદેશમાં છબી ખરડાઈ રહી છે અને વિદેશ મંત્રાલય વાહવાહીના પોસ્ટરો બતાવીને સબસલામતના દાવા કરી રહ્યું છે.


