સાયબર ક્રિમીનલો હવે માલામાલ થશે : 11 ટ્રિલિયન ડોલરનો વ્યાપાર
- ડિજિટલ ફૂટપ્રિન્ટ એટલે વિશ્વના સાયબર ક્રિમીનલ માટે 'આ બેલ મુજે માર'
- વિશ્વની 75 ટકા કરતા વધારે વસતી હવે ઇન્ટરનેટનો ઉપયોગ કરતી થઇ ગઈ છે. ઇન્ટરનેટ અને મોબાઈલ થકી ઇન્ટરનેટની ડિજિટલ દુનિયા ફાયદા કરતા વધારે જોખમી બની રહી છે. ડિજિટલ ફૂટ પ્રિન્ટના આધારે સાયબર એટેક થકી ગુનેગારો વર્ષે અધધ 11.3 ટ્રિલિયન ડોલરનો ફટકો દુનિયાને મારવા સજ્જ થઇ ગયા છે.ભારત જેવા દેશમાં જ્યાં ઇન્ટરનેટનો મોબાઈલ થકી ઉપયોગ વધારે હોય, વિશ્વમાં સૌથી વધુ ડેટા આપણા દેશમાં થતો હોય ત્યારે આ જોખમ ચોક્કસ વધે છે! અત્યારે પણ સાયબર ક્રાઈમના ગ્લોબલ ઇન્ડેક્સમાં ભારત 10માં ક્રમે આવે છે. દરરોજ સાયબર ફ્રોડનો ભોગ બની ભારતીયો કરોડો ગુમાવી રહ્યા છે ત્યારે ડિજિટલની આ દુનિયામાં કેટલું વધારે જોખમ એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. સેવાની સરળતા ડિજિટલ થકી મળે એવી ઘેલછામાં પારદર્શિતા અને ગોપનીયતા અંગે પણ વ્યક્તિએ વિચારવાની જરૂર છે.
ડિજિટલ સેવાઓ જીવન સરળ અને ઝડપી બનાવે છે એ વાત સાચી પણ તેના કરતા વધારે એ જોખમ પણ લાવી શકે છે. સોસાયટીમાં ફ્લેટ કે મકાન બંધ કરી વેકેશનમાં ફરવા જઈએ ત્યારે જાણભેદુ રેકી કરી ઘરના તાળા તોડી ચોરી કરી જાય છે. ડિજિટલ ચોરીમાં તો સ્થળનું કોઈ બંધન જ નથી. ફ્રોડ કરનાર વ્યક્તિ માટે તો જેટલી ડિજિટલ ફૂટપ્રિન્ટ વધારે એટલી સરળતા! ઇન્ટરનેટ અને ઓનલાઈન માધ્યમથી સરળતા રહે છે એવી લાહ્યમાં દુનિયાભરના લોકો તેના જોખમો અંગે વિચાર કર્યા વગર જ આંધળુકિયા કરી કૂવામાં ઝંપલાવી રહ્યા છે.
ડિજિટલ કેટલું વ્યાપક છે તે સમજીએ. ફેસબુક ઉપર દૈનિક ૪.૫ અબજ પેજ વ્યૂઝ હોય છે. ફેસબુક ઉપર દૈનિક ૧૧ અબજ, યુટયુબ ઉપર ૫.૧ અબજ, ઈન્સટાગ્રામ ઉપર દૈનિક ૧ અબજ જેટલી વિઝીટ થાય છે! આ સિવાયની વેબસાઈટ અલગ. કોઇપણ વ્યક્તિ જયારે ઇન્ટરનેટ (મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટર થકી) કોઈ ડિજિટલ વેબસાઈટ, પેમેન્ટ એપ, બેન્કિંગ, ઓટીટી પ્લેટફોર્મ, ઈ-કોમર્સ કે પછી સ્ટોક માર્કેટ એપમાં સર્ચ કરે, કોઈ એક્શન (ખરીદી, ટ્રાન્સફર, વીડિયો કે ફિલ્મ જુએ કે માત્ર સર્ચ કરી માહિતી મેળવે) એટલે તરત જ તે ડેટા એકત્ર કરવામાં આવે છે. આ ડેટા એ વ્યક્તિની ડિજિટલ ફૂટપ્રિન્ટ બને છે. તેના ઉપર રિસર્ચ, ડેટા એનાલિસિસના આધારે તેને તે અંગે વધારેને વધારે નવી માહિતી પૂરી પાડવામાં આવે છે.
દરેક ડેટા ઉપરથી વ્યક્તિની ઓળખ, તેની પસંદ, નાપસંદ, તેની ખરીદી કરવાની પેટર્ન, તેની વ્યક્તિગત માહિતી - મોબાઈલ નંબર, એકાઉન્ટની વિગતો - પણ એકત્ર કરવામાં આવે છે. વ્યક્તિ કોઈ મોબાઈલ એપને જેટલી વિગત એકત્ર કરવાની પરવાનગી આપે એટલી એ વ્યક્તિની ડિજિટલ ફૂટપ્રિન્ટ વધારે જનરેટ થાય છે. જેટલી ફૂટપ્રિન્ટ વધારે એટલું સાયબર ફ્રોડનો ભોગ બનવા માટે વ્યક્તિ ઉપર જોખમ વધારે!
ડિજિટલ જોખમો મુખ્યત્વે ત્રણ પ્રકારના છે. એક વ્યક્તિની ઓળખ અને ગોપનીયતા સંબંધિત, બીજો તેની ઉપર સંભવિત સુરક્ષાના જોખમ અને ત્રીજું તેની શાખનું. વ્યક્તિની ઓળખ એટલે તેનું નામ, સરનામું, કુટુંબના સભ્યો, આધાર કાર્ડ કે ઇન્કમ ટેક્સ પાન કાર્ડ વગેરે. આવા કિસ્સામાં વ્યક્તિની ઓળખનો ઉપયોગ કરી ક્રિમીનલ તેના નામે ભળતા ખાતા ખોલાવી શકે, ટેક્સ ચોરી કરી શકે છે. એ વ્યક્તિ તમારા ઉપર નજર રાખી તમને માનસિક રીતે પરેશાન પણ કરી શકે છે. સુરક્ષાના જોખમમાં વ્યક્તિના ખાતામાંથી નાણા ટ્રાન્સફર થઇ જવા, તમારી ઇન્ફર્મેશન હેક કરી તમને બ્લેકમેઈલ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે ત્યારે શાખના કિસ્સામાં તમારી ઓળખ, તમારા ફોટોગ્રાફ્સ, તમારી વિગતો સાથે ચેડાં કરી તમને બદનામ કરવા માટે પણ બ્લેકમેઈલ કરવામાં આવે છે.
આ જોખમો સંબંધિત દરેક પ્રકારના ફ્રોડ દુનિયામાં અને ભારતમાં બની રહ્યા છે. ઓગસ્ટ ૨૦૨૪માં કોઈ વ્યક્તિને ભારતના ચીફ જસ્ટિસના નામે ફોન કરી રૂ.૫૦૦૦ની તાકીદે આર્થિક મદદની માંગ કરી રૂ.૧.૨ કરોડનો ફ્રોડ થયો હતો!. અમિતાભ બચ્ચનના અવાજમાં ડિજિટલ એરેસ્ટ જેવું કાઈ નથી એવી જાગૃતિ ફેલાવતા કોલરટયુનની પ્રજા પરેશાન હતી. દેશમાં ડિજિટલ એરેસ્ટના ફ્રોડના અનેક કિસ્સા બન્યા છે. મોટાભાગના કિસ્સામાં વ્યક્તિના ફોટાને ડિજિટલ એડિટ કરી તેને બદનામ કરવની ધમકી આપી, કે કોઈ વિદેશી પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે અને તેમાં દંડ ભરવાના નામે થાય છે. બેન્કિંગ ફ્રોડથી તો દુનિયા પરિચિત છે જ એટલે એમાં કોઈ વધારે છણાવટની જરૂર નથી. એવા કિસ્સા પણ બન્યા છે કે મજૂરના નામે ચાર પાંચ કંપનીઓ ખોલી, તેના પાન અને આધાર કાર્ડનો ઉપયોગ કરી કરોડો રૂપિયાની ટેક્સ ચોરી થઇ હોય!
કોરોના મહામારીમાં વિશ્વભરમાં લોકડાઉન અને જાહેર પરિવહન ઉપર પ્રતિબંધ બાદ ડિજિટલનો વ્યાપ વધ્યો અને તેની સાથે સાયબર એટેકનો પણ. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના અહેવાલ અનુસાર મહામારી પછી સાયબર એટેક બમણા થઇ ગયા છે. સાયબર એટેકના કારણે કેટલું નુકસાન થાય તેના ચોક્કસ અંદાજ નથી.
સાયબર સિક્યુરીટી વેન્ચર્સ નામની કંપનીના અંદાજ અનુસાર ૨૦૨૫માં દુનિયાને તેનાથી ૧૦.૫ ટ્રીલીયન ડોલર (વિશ્વમાં અત્યારે ત્રીજા ક્રમે આવતા જર્મનીના અર્થતંત્રનું કદ ૪.૭૫ ટ્રીલીયન ડોલર છે, એટલે કે તેનાથી બમણા કરતા વધારે) છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અનુસાર દૈનિક ૨૨૦૦ સાયબર એટેક થઇ રહ્યા છે. સાયબર એટેક માત્ર વ્યક્તિ ઉપર જ નહીં પણ અમેરિકાના વિદેશ મંત્રાલય ઉપર, એરપોર્ટ નેવિગેશન કે ઇન્ડોનેશિયાની સરકાર ઉપર પણ થયા છે! જો ટેકનોલોજીની દ્રષ્ટિએ વિશ્વના સૌથી સલામત ગણાતા દેશ અમેરિકાની સરકારના વિભાગ ઉપર હુમલો થઇ શકે તો ગુજરાતમાં કોઈ ખૂણે વસવાટ કરતા નાગરિક ઉપર તો ચોક્કસ થઇ શકે! આ સ્થિતિમાં ગભરાવા કરતા સાવચેત રહેવાની, જાગૃત થવાની જરૂર છે.
ભારતની ઇન્ડિયા પોસ્ટે તાજેતરમાં ડીજીપીન નામની સેવા શરુ કરી છે. નાગરિક પોતે, પોતાના ઘર કે ઓફીસના ડિજિટલ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર જનરેટ કરી શકે છે.
આ સવલતથી કોઈ વ્યક્તિને સરનામું પૂછવાની જરૂર પડે નહીં, શોધખોળ વગર સીધી જ ડિલીવરી થઇ શકે એવો ઉદ્દેશ છે. મહત્વની વાત છે કે બે દાયકા પહેલા કોઇપણ પ્રકારની ડિજિટલ કે મોબાઈલ સેવા ન હતી ત્યારે પણ પાર્સલ ઘર સુધી પહોચતુ, મુલાકાતી કે મહેમાન પણ આવી જતા તો આ નવી ડીજીપીન ઉભી કરી કેમ સાયબર એટેકને આમંત્રણ આપવું?
૨૦૧૭માં ટોમ હેન્કસ અને એમાં વોટસનની એક મુવી આવેલી 'ધ સર્કલ'. આ મુવીમાં મુખ્ય મુદ્દો દરેક વ્યક્તિ - મોબાઈલ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા થકી પોતાનું જીવન જાહેર કરી દે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. દરેક સ્થળે ગોઠવેલા કેમેરા, દરેક વ્યક્તિ જે સર્કલ સાથે જોડાય તે પોતાની રજેરજની હિલચાલ દુનિયામાં દરેકને શેર કરતો થઇ જાય છે. ફિલ્મમાં એક તબક્કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી પણ આ વ્યવસ્થાથી ઉભી કરવાની નેમ કંપનીના માલિક દર્શાવે છે! ડિજિટલ ફૂટપ્રિન્ટ આ બધું શક્ય બનાવી શકે છે પણ મૂળ મુદ્દો એટલો છે કે પારદર્શિતા કે ગોપનીયતા - સલામતી શેમાં વધારે.
વ્યક્તિએ પોતાની સલામતી પસંદ કરવી છે કે કોઈ ફ્રોડનો ભોગ બની પછીથી આંસુ સારવા છે!
સાયબર એટેકથી બચવા માટે દરેક એપમાં લોકેશન આપવું, દરેક એપમાં વધારેને વધારે વ્યક્તિગત માહિતી ઉમેરવી બંધ કરવી જોઈએ. દરેક વ્યક્તિએ એપ દ્વારા લેવામાં આવતી પરવાનગી અને તેને તમારા મોબાઈલ કે લેપટોપમાંથી ડેટા એકત્ર કરવાની છૂટ આપવી જોઈએ નહીં. જયારે દુનિયા ડિજિટલ ન હતી ત્યારે પણ વ્યક્તિ આરામથી શેરમાં ટ્રેડીંગ કે નાણાની ટ્રાન્સફર કરી શકતો, બજારમાં ખરીદી પણ કરી શકતો અને તેની આવક અને ઈચ્છા અનુસાર દરેક શોખ માણી શકતો ત્યારે આ ડિજિટલનો અમર્યાદિત ઉપયોગ કરી, દરેકને પોતાની વિગતો શેર કરી કેમ જીવન જીવવું? એટલું યાદ રાખવું જરૂરી છે કે સિક્યુરીટીના ફીચર્સ બને એ પહેલા તેને તોડવાના, હેક કરવાના દસ રસ્તા પણ બની જતા હોય છે.
સાયબર ક્રાઈમ જોખમ ઇન્ડેક્સમાં ભારત વિશ્વમાં 10મા ક્રમે
એપ્રિલ ૨૦૧૪માં યુનિવર્સિટી ઓફ ઓક્સ્ફરડે ૯૨ દેશોના નિષ્ણાતોએ ભેગા મળી, ત્રણ વર્ષ અભ્યાસ પછી વિશ્વમાં સાયબર ક્રાઈમ જોખમ ઉપર ઇન્ડેક્સ તૈયાર કર્યો છે. આ ઇન્ડેક્સનો આંક જેટલો વધારે એટલો દેશ કે દેશના નાગરીકો ઉપર સાયબર ફ્રોડ થવાનું જોખમ વધારે એમ સૂચવે છે. ટોચના દેશમાં રશિયા પ્રથમ ક્રમે છે આ પછી તેનું કટ્ટર દુશ્મન યુક્રેન આવે છે. પછીના ક્રમે ચીન, અમેરિકા, નાઈજીરિયાનો સમાવેશ થાય છે ભારત ૧૦માં ક્રમે આવે છે. એટલે ભારતીયો ઉપર જોખમ ઓછુ નથી.
અહીં યાદ રાખવું જોઈએ કે ભારતમાં ૧.૧૨ અબજ મોબાઈલ ધારકો છે. ૯૦ કરોડ ઇન્ટરનેટ યુઝર સાથે વિશ્વમાં બીજા ક્રમે છે.
દૈનિક ૩૨ જીબી ડેટા વપરાશ સાથે ભારતીયો દુનિયામાં પ્રથમ ક્રમે છે! આટલી જંગી માત્રામાં ડેટા વપરાશ સાથે ડેટા ફૂટપ્રિન્ટ પણ વધારે થવાની એટલે ભારતમાં સાયબર ક્રાઈમનું જોખમ પણ વધશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.
ડિજિટલ દુનિયા
વિગત |
અબજમાં સંખ્યા |
વિશ્વની વસતી |
૮.૨૧ |
મોબાઈલ ધારક |
૫.૮૧ |
ઇન્ટરનેટ યુઝર |
૫.૬૪ |
સોશિયલ મીડિયા યુઝર |
૫.૩૧ |