કોરોના કાળમાં પણ પાકિસ્તાનની નાપાક હરકતો અટકતી નથી
- સેનાપ્રમુખ જનરલ નરવણેએ સંઘર્ષવિરામ અને આતંકવાદીઓની ઘૂષણખોરીના મામલે પાકિસ્તાનને ચેતવણી આપી
- સંઘર્ષવિરામ અને સરહદે થતી આતંકવાદીઓની ઘૂષણખોરી સામે ભારતે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે જેના પરિણામે કાશ્મીરમાં આ વર્ષે જ અત્યાર સુધીમાં સવાસો કરતા વધારે આતંકવાદીઓનો સફાયો બોલાવવામાં આવ્યો છે
આખી દુનિયા કોરોનાની મહામારી સામે લડી રહી છે ત્યારે પાકિસ્તાન પોતાના આતંકવાદી એજન્ડાને પાર પાડવામાં લાગ્યું છે. છેલ્લા થોડા મહિનાથી કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે જે ચિંતાજનક છે. છેલ્લા બે દિવસમાં સુરક્ષા દળોએ કાશ્મીરમાં પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી ભારે માત્રામાં હથિયારો અને દારુગોળો પણ જપ્ત થયો છે. બીજી બાજુ પાકિસ્તાન સરહદે સતત સંઘર્ષવિરામનો ભંગ કરીને ફાયરિંગ કરી રહ્યું છે. સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણેએ જ્મ્મુ-પઠાણકોટ રિજનના સરહદી વિસ્તારોની મુલાકાત લઇને સેનાની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
આર્મી ચીફ જનરલ નરવણેએ કહ્યું છે કે પાકિસ્તાન તરફથી થઇ રહેલા સીઝફાયરના ઉલ્લંઘન અને આતંકવાદીઓની ઘૂષણખોરીને લઇને ઝીરો ટોલરન્સની નીતિ જારી છે અને સેના અને તમામ એજન્સીઓ એ વિરુદ્ધ સાથે મળીને કામ કરી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં સવાસો કરતા વધારે આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ મહિને જ અત્યાર સુધીમાં ૧૧ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરમાં ૧૨૫ જેટલા આતંકવાદીઓનો ખાત્મો બાલાવવાના અભિયાન આદર્યું છે.
આ વર્ષના માર્ચ મહિનામાં આતંકવાદવિરોધી અભિયાનમાં થોડી કમી જરૂર આવી હતી પરંતુ એપ્રિલમાં સુરક્ષા દળોએ ૨૯ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો જ્યારે મે મહિનામાં ૧૫ આતંકવાદીઓને ઠાર માર્યા. જૂન મહિનામાં પણ સુરક્ષા દળોએ ઝપાટો બોલાવતા ૩૮ જેટલા આતંકવાદીઓનો સફાયો કર્યો હતો.
અગાઉ ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ હતાં કે આતંકવાદી સંગઠનો હિઝબુલ મુઝાહિદ્દીન અને લશ્કર-એ-તોઇબાના ૩૦૦ જેટલા આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ અને પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પાસે ૧૬ લૉન્ચપેડ સક્રિય કર્યા છે.
એમાંના કેટલાક નૌશેરા અને ચમ્બની દુર્ગમ પહાડી વિસ્તારોમાં છે. આતંકવાદીઓ આ વિસ્તારમાં થઇને કાશ્મીરના ગુલમર્ગમાં આસાનીથી પ્રવેશી શકે છે. નિયંત્રણ રેખા પર સંઘર્ષ અને અથડામણની સ્થિતિમાં સૈનિકોને મૃતદેહોને અત્યંત સાવધાનીપૂર્વક હેન્ડલ કરવાની તાકીદ કરવામાં આવી છે કારણ કે તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત હોઇ શકે છે.
છેલ્લા ચાર મહિનામાં પાકિસ્તાની સેના સરહદ પર અનેક વખત યુદ્ધવિરામનો ભંગ કરીને ફાયરિંગ કરી ચૂકી છે. પાકિસ્તાનના અમાનવીય કૃત્યનો એ વાતે પરિચય મળે છે કે ભારત કોરોનાગ્રસ્ત દેશોમાં દવાઓ મોકલી રહ્યું છે ત્યારે પાકિસ્તાન આતંકવાદને સપ્લાય કરવામાં રોકાયેલું છે. કદાચ પાકિસ્તાન એવા ભ્રમમાં લાગે છે કે ભારત કોરોના સામે લડાઇ લડવામાં વ્યસ્ત છે અને પોતાની સરહદોની સુરક્ષા કરવાના મામલે બેધ્યાન હશે. પરંતુ એ પાકિસ્તાનનો ભ્રમ છે અને ભારતીય સેના સંપૂર્ણ ચોકસાઇ સાથે સરહદોની સુરક્ષામાં તૈનાત છે.
ઘૂસણખોરી અને અથડામણની વધી રહેલી ઘટનાઓને જોતાં પાકિસ્તાનની અકળામણ અને ભારત પ્રત્યેની નફરતનો ખ્યાલ આવે છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ દૂર કર્યા બાદ કાગારોળ મચાવી રહેલા પાકિસ્તાને ભારે કાગારોળ મચાવી પરંતુ ચોમેરથી નિષ્ફળતા સાંપડયા બાદ તે ભારતમાં આતંકવાદી હુમલાઓ કરાવવાના કાવતરા કરી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાને કાશ્મીર મુદ્દે પોતાની તમામ તાકાત લગાવી દેવાના દાવા કર્યા હતાં અને અણુયુદ્ધ સુદ્ધાંની ધમકી પણ આપી હતી.
જોકે લશ્કરી તાકાતમાં ભારત સામે જરાય ટકી શકે એમ ન હોવાના કારણે પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવવાના કારસા રચી રહ્યું છે. થોડા સમય અગાઉ પણ ઇન્પુટ્સ હતાં કે ચારે તરફથી નિરાશા સાંપડયા બાદ પાકિસ્તાન સરહદપારથી આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવામાં લાગી ગયું છે. આતંકવાદી સંગઠનો કાશ્મીરના લોકોને બંદી બનાવીને તેમને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોરજબરજસ્તી સામેલ કરવા માટે અને સેના અંગે જાણકારી આપવા માટે દબાણ કરી રહ્યાં છે. આતંકવાદી સંગઠનો કાશ્મીરના યુવાનોને ભરતી કરવા માટે પ્રયાસો કરી રહ્યાં છે એવામાં સેના અને સુરક્ષા દળો માટે પહેલા કરતા પણ કઠિન સમય આવ્યો છે.
ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેત ૩૭૦ દૂર કર્યા બાદ એવી અપેક્ષા હતી કે કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ નબળી પડશે. કાશ્મીરમાં વ્યાપક સ્તરે સેના અને સુરક્ષા દળોની તૈનાતી વધારવામાં આવી છે જેના કારણે આતંકવાદીઓને પોતાના મનસૂબાઓને અઁજામ આપવામાં મુશ્કેલી પડી રહી છે. જોકે જ્યારથી સરકારે કાશ્મીરમાં પ્રતિબંધોમાં છૂટછાટ આપવાની શરૂ કરી ત્યારથી આતંકવાદીઓએ ફરી પાછું માથું ઉચક્યું છે. કાશ્મીરમાં મોટી સમસ્યા એ છે કે આતંકવાદી સંગઠનોએ અનેક ગામડાઓમાં પોતાના મૂળ જમાવી લીધાં છે.
કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થવા લાગે કે આતંકવાદી હુમલા દ્વારા સ્થાનિક લોકોને ખાસ સંદેશ આપવાના પ્રયાસ થાય છે. સ્પષ્ટ છે કે આતંકવાદીઓ કાશ્મીરમાં અશાંતિ અને અરાજકતાનો માહોલ કાયમ બનાવી રાખવા માંગે છે કે જેથી કરીને લોકોમાં ભ્રમ બનેલો રહે. આ માટે સરહદપારના આતંકવાદી સંગઠનો તરફથી મદદ મળતી રહે છે. પાકિસ્તાનસ્થિત આતંકવાદી ઠેકાણાઓ દ્વારા આતંકવાદી ગતિવિધિઓનું સંચાલન થતું રહે છે.
પાકિસ્તાનને તેની જમીન પરથી કામ કરતા આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની વારંવારની માંગ છતાં કોઇ નક્કર પગલાં લેવાતા નથી. ખરેખર તો આતંકવાદીઓ ઇચ્છતા જ નથી કે કાશ્મીરના લોકો સમાજની મુખ્ય વિચારધારામાં સામેલ થાય. કાશ્મીરના યુવાનોને ભટકાવીને આતંકવાદના માર્ગે ધકેલી દેવા એ જ તેમનો એજેન્ડા છે.
આતંકવાદીઓ ગ્રામજનોને ડરાવી ધમકાવીને માહિતી કઢાવે છે અને સેના પર હુમલા કરે છે. છેલ્લા થોડા સમયથી કાશ્મીરમાં જે આતંકવાદી હુમલા થયા છે એ મોટે ભાગે ગ્રામ્ય વિસ્તારો અને જંગલોમાંથી જ પાર પાડવામાં આવ્યાં છે.
કાશ્મીરની ભૌગોલિક રચના પણ જટિલ છે. હકીકતમાં સેના અને સુરક્ષા દળોના સર્ચ ઓપરેશનથી આતંકવાદી સંગઠનો પરેશાન છે. અને એટલા માટે હતાશાના માર્યા તેઓ સુરક્ષા દળો પર હુમલા કરી રહ્યાં છે. જાણકારોના મતે ઉનાળો આવતા સરહદ પરનો બરફ પીગળ્યા બાદ આતંકવાદીઓ મોકાનો ફાયદો ઉઠાવીને ભારતમાં ઘૂસણખોરી કરવા મથી રહ્યાં છે.
પાકિસ્તાની સેના અને આઇએસઆઇની છત્રછાયા હેઠળ પાકિસ્તાનમાં અનેક આતંકવાદી કેમ્પો ચાલી રહ્યાં છે. ભારતને નબળું પાડવા માટે પાકિસ્તાની સેના આતંકવાદીઓને ચાર હાથે મદદ કરે છે. આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવા માટે કાયમ પ્રયાસો કર્યા કરે છે.
દગાબાજી માટે જાણીતી પાકિસ્તાની સેના સરહદ પર છાશવારે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ભારતના જાબાંઝ જવાનોના જીવ લે છે. ટેરરિસ્તાનની ઉપમા મેળવી ચૂકેલું પાકિસ્તાન એવી તમામ નાપાક હરકતો કરે છે જે ભારતને નુકસાન પહોંચાડે.
જોકે છેલ્લા થોડા સમયથી સુરક્ષા દળોની ચોકસાઇ અને ગુપ્તચર તંત્રની સચોટ બાતમીઓના આધારે કાશ્મીરમાં આતંકવાદી સંગઠનો વિરુદ્ધ જે અભિયાનો ચલાવવામાં આવ્યાં છે એમાં આતંકવાદના ખાત્માની દિશામાં ભારે સફળતા મળી છે. થોડા દિવસો પહેલા એક કારમાં મોટી માત્રામાં વિસ્ફોટકો હાથ લાગ્યાં હતાં જેના દ્વારા પુલવામા જેવા કોઇ મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવાનું કાવતરું થઇ રહ્યું હતું.
હકીકતમાં બુરહાન વાની બાદ કોઇ પણ આતંકવાદી આકા કાશ્મીરમાં પોતાના મૂળિયા જમાવી શક્યો નથી એ સુરક્ષા દળોની મોટી સફળતા ગણાય. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થયા બાદ લાંબા સમય સુધી કર્ફ્યૂ લાગવાના કારણે પણ આતંકવાદી સંગઠનોને મળતું સ્થાનિક લોકોનું સમર્થન ઓછું થવા લાગ્યું અને સરહદપારથી મળતી મદદ ઉપર પણ લગામ લાગી ગઇ.
છેલ્લા થોડા સમયથી કાશ્મીરના યુવાનોના હાથમાં બંદૂક પકડાવવાના આતંકવાદીઓના પ્રયાસો પણ ઠંડા પડવા લાગ્યાં છે. છેલ્લા થોડા સમયથી આતંકવાદીઓ સાથેની સુરક્ષા દળોની અથડામણોમાં કાશ્મીરના સ્થાનિક લોકો પથ્થરમારો કરીને આતંકવાદીઓનું સમર્થન નથી કરી શકતાં.
તેમને ખ્યાલ આવવા લાગ્યો છે કે આતંકવાદીઓનો સાથ આપવાથી તેમનું ભલું થવાનું નથી. એ ઉપરાંત આતંકવાદીઓએ પોલીસ અને સુરક્ષા દળોમાં ભરતી થવા માંગતા સ્થાનિક યુવાનોને ભયભીત કરીને રોકવાના જે પ્રયાસો કર્યાં એનાથી પણ લોકોના મનમાં આતંકવાદીઓ પ્રત્યે નફરત પેદા થઇ છે.
એ પણ સ્વીકારવું રહ્યું કે તમામ ચોકસાઇ અને આકરા પગલાં બાદ પણ આતંકવાદીઓનો સંપૂર્ણ સફાયો થઇ શક્યો નથી. જોકે અથડામણોમાં સતત આતંકવાદીઓના માર્યા જવાના કારણે અને તેમના ઠેકાણા નષ્ટ થવાના કારણે તેમની તાકાત ઘટી રહી છે એ નિશ્ચિત છે.